સરદારે કહ્યુંઃ ‘મને હવાઈ જહાજ આપો, મારે કાશ્મીર જવું છે’

સરદાર જયંતી (31 ઓક્ટોબર)

- દેવેન્દ્ર પટેલ Wednesday 21st October 2026 06:53 EDT
 
 

ભારત કોઈ જમાનામાં ‘મહાભારત’ હતું. ક્રમશ: તે ખંડિત થતું ગયું છે અને જે ભાગો છૂટા પડયા છે તે ભારતના દુશ્મન નંબર વન થઈને બેઠા છે

•

આઝાદી વખતે સરદાર સાહેબે આપેલી સલાહ ગાંધીજી અને પંડિત જવાહરલાલ નહેરુએ સ્વીકારી નહોતી. સરદાર સાહેબ બધા જ હિન્દુઓ ભારતમાં રહે અને બધા જ મુસલમાનો પાકિસ્તાનમાં રહે તો બેઉ કોમ શાંતિથી રહી શકશે તેવો મત ધરાવતા હતા. એવી જ રીતે પાકિસ્તાનમાંથી હિજરત કરીને આવનાર તમામ નિરાશ્રિતોને કાશ્મીરમાં જ રાખવામાં આવે તેવો પણ તેમનો અભિપ્રાય હતો. નહેરુ ‘હિન્દી-ચીની ભાઈ ભાઈ’નાં સૂત્રો પોકારતા હતા ત્યારે સરદાર સાહેબે ચીન પર જરાયે વિશ્વાસ ન રાખવા સલાહ આપી હતી.
કમનસીબે નહેરુએ સરદાર સાહેબની તમામ સલાહોની અવગણના કરી હતી જેનું ફળ ભારત આજે પણ ભોગવે છે.
આઝાદી વખતે કાશ્મીરનો પ્રશ્ન અત્યંત જટિલ હતો. જવાહરલાલ નહેરુ કાશ્મીરી પંડિત હતા, તેથી કાશ્મીરનો પોર્ટફોલિયો તેમની પાસે જ રાખવા માંગતા હતા. ભારતના ભાગલા થયા એટલે પાકિસ્તાની લશ્કર કાશ્મીર કબજે કરવા ઘૂસી ગયું ત્યારે જવાહરલાલ નહેરુ કોઈ પણ જાતની સૈનિક કાર્યવાહી કરવા માગતા નહોતા. હકીકત એ હતી કે જવાહરલાલ નહેરુની કેટલીયે પેઢીઓએ પહેલાંથી જ કાશ્મીર છોડી દીધું હતું, પરંતુ સ્વયંને કાશ્મીરી માનતા નહેરુ કાશ્મીર અને શેખ અબ્દુલ્લા સાથે ભાવનાત્મક સંબંધો રાખતા હતા. આમ તો 27 સપ્ટેમ્બર, 1947ના રોજ નહેરુએ જ સરદારને જણાવ્યું હતું કે, પંજાબના ઉત્તર-પશ્ચિમી સીમા પ્રાંતના મુસલમાનો કાશ્મીરમાં ઘુસણખોરી કરવાની તૈયારીમાં છે. તેથી કાશ્મીર ભારતમાં જલદી ભળી જાય તે જરૂરી છે.
એ દરમિયાન પાકિસ્તાની સેનાના નેતૃત્વમાં કેટલાક કબીલાઈઓ કાશ્મીરનો કબજો લેવા ઘૂસી ગયા. દરમિયાન પાકિસ્તાની સૈન્યે કાશ્મીરના કેટલાક ભાગ પર કબજો કરી લીધો હતો. વળી તેઓ આગળ વધી રહ્યા હતા એ વખતે આખા કાશ્મીરને પાકિસ્તાન પાસે જતું બચાવવા લશ્કરી કાર્યવાહી કરવી કે નહીં તે અંગે દિલ્હી મંત્રીમંડળ અવઢવમાં હતું. ખુદ જવાહરલાલ નહેરુ અને ભારતીય લશ્કરના વડા પણ શ્રીનગરમાં લશ્કર મોકલવાની વિરુદ્ધ હતા.
‘હવે શું કરવું?’ તેની ચર્ચા કરવા લોર્ડ માઉન્ટ બેટનની અધ્યક્ષતામાં બેઠક મળી. તેમાં જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, રક્ષામંત્રી સરદાર બલદેવસિંહ, જનરલ બુકર, કમાન્ડર-ઈન-ચીફ જનરલ રસેસ, આર્મી કમાન્ડર હાજર હતા. જનરલ બુકરે કહ્યું કે, ‘આપણી પાસે સંસાધનો ઓછાં છે’.
લોર્ડ માઉન્ટ બેટન પણ યુદ્ધ માટે તૈયાર નહોતા. જવાહરલાલ નહેરુએ પણ લડાઈથી પરિણામ આવશે કે કેમ તેવી શંકા વ્યક્ત ફક્ત કરી. સરદાર સાહેબ બધાને શાંતિથી સાંભળી રહ્યા હતા. તેઓ એક શબ્દ પણ બોલ્યા નહીં. થોડીક ક્ષણો બાદ તેઓ ખુરશીમાં થોડાક સ્વસ્થ થયા. ચહેરા પર કઠોર ભાવ લાવ્યા. તેમણે બેઠકને સંબોધતાં કહ્યું. ‘મિ. જનરલ, કોઈ પણ કિંમત પર કાશ્મીરની રક્ષા થવી જોઈએ. આગળ જે થવાનું હોય તે થાય. સંસાધનો છે કે નહીં, એ હવે તમારે જોવાનું છે. સરકાર તમને તમામ મદદ કરશે. કાશ્મીરની સુરક્ષા થવી જ જોઈએ. કેવી રીતે કરવી તે તમે નક્કી કરો.’
બીજી જ મિનિટે લશ્કરના જનરલના ચહેરા પર ઉત્તેજનાના ભાવ દેખાયા. એમના ચહેરા પર આશાનાં કિરણો પ્રગટયાં, પરંતુ કોઈનાયે જવાબની પ્રતીક્ષા કર્યા વગર સરદાર ઊભા થયા અને એટલું જ બોલ્યા, ‘હવાઈ જહાજથી સામાન પહોંચાડવાની તૈયારી સવાર સુધીમાં થઈ જશે.’
બીજા શબ્દોમાં કોઈની સાથે ચર્ચા કર્યા વગર કાશ્મીરમાં ઘૂસેલાઓ સામે યુદ્ધનો આ નિર્ણય હતો. ઈચ્છાશક્તિ અને વિષમ પરિસ્થિતિમાં ત્વરિત નિર્ણય લેવાની તેમની આ ઊંડી તાકાત હતી.
આશ્ચર્યની વાત એ હતી કે, એ દિવસોમાં ભારતનું લશ્કર એટલું શક્તિશાળી નહોતું. એ વખતે હૈદરાબાદના નિઝામ પણ પાકિસ્તાન સાથે ભળી જવા માંગતા હતા. એટલે વિમાનથી લશ્કર હૈદરાબાદ પણ મોકલવાનું હતું અને કાશ્મીર પણ. ઘણાંએ એક સાથે બે મોરચા ખોલવા ના પાડી, પરંતુ સરદાર સાહેબ માન્યા નહીં. હૈદરાબાદને તો સરકારે ઊંઘમાં જ ઝડપી લીધું, જેને પાકિસ્તાનના કટ્ટરપંથીઓ આજે પણ પાકિસ્તાનમાં ભેળવવાના ખ્વાબ જૂએ છે.
ભારતીય લશ્કરની પહેલી ટુકડી વિમાન દ્વારા કાશ્મીર મોકલવામાં આવી. એના બીજા જ દિવસે સરદાર સાહેબે ભારતીય વાયુસેનાનું એક વિમાન પોતાના માટે નિયંત્રણમાં રાખવા સૂચના આપી. તેઓ ખુદ તેમનાં પુત્રી કુ. મણિબહેન ઉચ્ચ અધિકારીઓ સાથે યુદ્ધભૂમિ પર જવા માંગતા હતા. જેથી તેઓ કાશ્મીરની પરિસ્થિતિ પર સીધી દોરવણી આપી શકે. કેટલાકે તેમને યુદ્ધગ્રસ્ત કાશ્મીરમાં ના જવા સલાહ આપી. કોઈએ કહ્યું કે, લશ્કરના વડા તેમને ત્યાં જવા પરવાનગી નહીં આપે. ત્યારે સરદાર સાહેબે કહ્યુંઃ ‘કમાન્ડર-ઇન-ચીફની ચિંતા ના કરો. મને એક જહાજ આપો. મારે કાશ્મીર જવું જ છે.’
અંગ્રેજ અધિકારી જનરલ બુકર તો સરદારની હિંમત પર આફરીન થઈ ગયા. સરદાર સાહેબ તેમનું ધાર્યું કરીને જ રહ્યા. તા. 27 ઓક્ટોબર, 1947ના રોજ ભારતીય લશ્કર સરદાર સાહેબની સૂચનાથી કાશ્મીર પહોંચ્યું. યુદ્ધ થયું. બાકીનું કાશ્મીર બચાવી લેવાયું, પરંતુ ત્યાં સુધીમાં તો પાકિસ્તાને મુઝફરાબાદ કબજે કરી લીધું હતું. જે આજે પણ પાકિસ્તાન હસ્તક છે અને ત્યાં જ ભારતને તબાહ કરવાની ત્રાસવાદી શિબિરો ચાલે છે. સરદાર સાહેબે ત્વરિત નિર્ણય લીધો ના હોત તો અડધું કાશ્મીર અને શ્રીનગર પણ પાકિસ્તાન લઈ જાત. આ અગાઉની પણ એક ઘટના નોંધપાત્ર છે. ભાગલા વખતે હૈદરાબાદના નિઝામ પણ પાકિસ્તાન સાથે હૈદરાબાદને ભેળવી દેવા માગતા હતા પરંતુ સરદાર સાહેબે લીધેલા લશ્કરી પગલાંના કારણે હૈદરાબાદ બચી ગયું. વાત કાંઈક આમ હતી.
આઝાદી પહેલાં (1) નારાયણ રાવ (2) જગદીશ અને (3) ગડપ્પા નામના ત્રણ યુવાનોએ નિઝામના અત્યાચારોથી ત્રાસી નિઝામ પર હુમલો કરવાની યોજના બનાવી હતી. વાત એમ હતી કે એક અત્યાચારી સંગઠન પર નિઝામ પ્રતિબંધ મૂકવા તૈયાર નહોતા તેથી આ ત્રણેય યુવાનોએ રાજ્યની બહાર શોલાપુર પાસે બોમ્બ વિસ્ફોટ કરવા નિર્ણય કર્યો. મહિનાઓ સુધી તેમણે બોમ્બ બનાવવાની અને ફોડવાની તાલીમ લીધી. નિઝામ ઉસ્માન અલીખાનનો એક અતૂટ નિયમ હતો કે, રોજ સવારે તેઓ પોતાની માતાની કબર પાસે જતા. નિઝામની ગાડી જે સડક પરથી પસાર થવાની હોય તેની પર અડધો કલાક પહેલાં વાહન વ્યવહાર બંધ કરી દેવાતો. રસ્તામાં ત્રણ વળાંકો હતા. જયાં જનતા નિઝામને જોવા ઊભી રહેતી. આ ત્રણેય યુવાનોએ આ વળાંકો પોતાની યોજના પાર પાડવા નક્કી કર્યા. કાર્યક્રમ એવો હતો કે, પહેલાં વળાંકે નારાયણ રાવે ઊભા રહેવું. બીજા વળાંક પર ગડપ્પા અને ત્રીજા વળાંક પર જગદીશે ઊભા રહેવું. પ્રત્યેકના એક હાથમાં બોમ્બ હોય અને બીજા હાથમાં ઝેરની શીશી. જો બોમ્બથી નિઝામ માર્યા જાય તો બોમ્બ ફેંકનારે ઝેર પીને પોતાની જીવન લીલા સમાપ્ત કરી દેવી. પહેલાં વળાંકે નિઝામ બચી જાય તો બીજા વળાંકે બોમ્બ ફેંકવો અને બીજા વળાંકે નિશાન ચૂકી જવાય તો ત્રીજા વળાંકે બોમ્બ ફેંકવો.
નિર્ધારિત સમયે નિઝામની ગાડી આવી પહોંચી. નારાયણ રાવે પહેલાં વળાંક પરથી બોમ્બ ફેંક્યો. ક્ષણનો વિલંબ થતાં બોમ્બ ગાડીની પાછળ ડિક્કી પર પડયો. ગાડીનો પાછલો ભાગ ઊડી ગયો પણ નિઝામ બચી ગયા. નિઝામે ગાડી આગળ લઈ જવાના બદલે પાછી લેવરાવી. તેમને લાગ્યું કે આજે દાળમાં કાંઈક કાળું છે. બીજી તરફ નારાયણ રાવે વિચાર કર્યો કે નિઝામ બચી ગયો છે તો મારે મરવાની શું જરૂર છે? નારાયણ રાવને પકડી લેવાયો.
એ વખતે હૈદરાબાદ રાજ્યમાં ફાંસીની સજા કોઈનેય કરવામાં આવતી નહોતી. નારાયણ રાવને સખ્ત આજીવન કેદની સજા ફરમાવી તેને જેલમાં મોકલી દેવાયો. એ પછી આઝાદ ભારતનાં હૈદરાબાદ રાજ્યનું ભારતમાં વિલીનીકરણ થતાં નિઝામનું રાજ મટી ગયું. હૈદરાબાદનું વિલીનીકરણ થતાં જ સરદાર સાહેબે પહેલો હુકમ નારાયણ રાવને મુક્ત કરવાનો કર્યો અને તેને દિલ્હી મળવા બોલાવ્યો. સરદાર સાહેબે તેને પૂછ્યું: તેં જીવનમાં આટલું મોટું જોખમ શા માટે ઉઠાવ્યું ? નારાયણ રાવે કહ્યુંઃ ‘મારા એકના જવાથી બીજા હજારોના જીવન બચતા હોય તો એ જોખમ લેવામાં વાંધો શું?’ સરદાર સાહેબે પીઠ થાબડતાં કહ્યુંઃ ‘શાબાશ ! જા, હૈદરાબાદને આઝાદ કરવા તે જોખમ ખેડયું તે બદલ અમે તને આઝાદ કરીએ છીએ.’
ભારતના ભાગલા વખતે ડિફેન્સ કમિટી હૈદરાબાદના નિઝામ સામે પગલાં લેવામાં ઢીલ કરતી હતી. નહેરુ અવઢવમાં હતા. સરદાર કંટાળી ગયા હતા અને કાંઈ જ બોલ્યા વિના ગુપચુપ પોતાના કાગળિયાં લઈ રૂમ છોડી ગયા. વી.પી.મેનન પણ પાછળ પાછળ ચાલ્યા ગયા. સરદાર સાહેબના આ વર્તનથી ડિફેન્સ કમિટી ચોંકી ઊઠી. તે પછી સચેત બની સરદારને જે કરવું તે કરવા છૂટ આપી. એ પછી સરદારે લશ્કરી પગલાં લીધાં અને નિઝામને ઝુકાવી દીધો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter