સૃષ્ટિના સર્જક અને સંહારક શિવજી

Thursday 24th July 2025 09:43 EDT
 
 

શિવજી આશુતોષ છે કેમ કે તેઓ તરત પ્રસન્ન થઈ જાય છે. શિવજી નીલકંઠ છે કેમ કે સમુદ્રમંથન વખતે જ્યારે હળાહર ઝેર નીકળ્યું તો એમણે તેને પણ પોતાના કંઠમાં ધારણ કરી સમસ્ત સૃષ્ટિનું રક્ષણ કર્યું હતું.

હિન્દુ ધર્મગ્રંથો-પુરાણોમાં શ્રાવણ મહિના (આ વર્ષે 25 જુલાઇથી 23 ઓગસ્ટ)નો આગવો મહિમા ગવાયો છે, એટલે જ પુણ્ય કમાવાનો અને દાન કરવાનો ઉત્તમ માસ શ્રાવણ છે. શંકર ભગવાન જલદીથી પોતાના ભક્તો પર રીઝી જાય છે. સૃષ્ટિના સર્જક-પાલક અને સંહારક દેવાધિદેવ મહાદેવ ત્રિલોકના નાથ એવા શિવજી દયા અને કરુણાના સાગર અઘોર દાની છે. પોતાના ભક્તો ઉપર શીઘ્ર પ્રસન્ન થઈ કૃતાર્થતાથી બધાં જ દુઃખ દૂર કરનાર છે. શિવ એ આપણને પરમ શિવતત્ત્વ સુધી પણ લઈ જાય છે.

શિવ એ આત્મા છે, પાર્વતી મતિ (બુદ્ધિ) છે, પ્રાણ એ મિત્ર, શરીર એ ઘર, ભોગ એ પૂજન, નિદ્રા, સમાધી અને હરવું ફરવું તે પ્રદક્ષિણા, બોલવું તે સ્તુતિ અને જે જે કાર્ય કરીએ તે સર્વ શિવ આરાધના. આ શિવજીની માનસ પૂજાનું રહસ્ય છે.
શિવના નામ અપાર છે. શિવ, હર, મૃડ, રુદ્ર, પુષ્કર, પુષ્પલોચન, અર્થિગમ્પ, સદાચાર, શર્વ, શંભુ, મહેશ્વર, ચંદ્રાપીડ, ચંદ્રમૌલિ, વિશ્વ, વિશ્વંભર, વિશ્વંભરેશ્વર, વેદાન્તસાર સંદોહ, કપાલી, નીલ, લોહિત, ધ્યાનાધાર, અપરિચ્છેદ્ય, ગૌરીભર્તા, ગણેશ્વર, અષ્ટમૂર્તિ, વિશ્વમૂર્તિ, ત્રિવર્ગસ્વર્ગ સાધન, જ્ઞાનગમ્ય, દૃઢપ્રજ્ઞ, દેવ, દેવત્રિલોચન, વામદેવ, મહાદેવ, પટુ, પરિદૃઢ, દૃઢ વિશ્વરૂપ, વિરુપાક્ષ, વાગીશ, સુરસત્તમ્, સર્વ પ્રમાણ, સંવાદી વગેરે વગેરે. નામ ગૌણ છે, મહિમા મોટો છે. મહાદેવ સ્વયં પણ પોતાના ઇષ્ટ પ્રભુ રામના નામનું સદા સ્મરણ કરતા રહે છે.

મહાદેવ સતત જપત એક રામ નામ...
કાશી મરત મુક્તિ કરત કહત રામ નામ

શંકર ભગવાનને જેટલો રુદ્રી પાઠ પ્રિય છે તેટલો જ શિવમહિમ્ન સ્તોત્ર પાઠ પ્રિય છે. શિવમહિમ્ન સ્તોત્રના 121 પાઠ કરવાથી લઘુરુદ્રનું ફળ મળે છે. શિવજીનાં 108 નામ બોલતાં બોલતાં તલ અને બીલીપત્ર ચઢાવવાથી અનેક પાપોમાંથી મુક્તિ અપાવે છે એટલે જ તો શંકર ભગવાનને વરદાનના ભંડારી કહેવામાં આવે છે. મહાદેવજી બહુ જ જલદીથી પોતાના ભક્તો પર રીઝી જાય છે અને મોં માગ્યું વરદાન આપે છે. રાવણ અને હિરણ્યકશિપુ જેવા દાનવોને પણ ભોળાનાથે પ્રસન્ન થઈને વરદાન આપેલ છે.

મહાદેવ તારા મહિમા અપરંપાર
ભવ્ય ભાલ પર ચંદ્ર જટા બીચ
બહે ગંગા કી ધારા...
ઓમ્ નમઃ શિવાય.
પ્રથમ પણ શિવ છે, અંતિમ પણ શિવ છે. શિવ સનાતન ધર્મના પરમ કારણ અને કાર્ય છે. શિવ થકી જ ધર્મ-અર્થ-કામ અને મોક્ષ છે. સમસ્ત જગત શિવના જ શરણમાં છે જે શિવના શરણાગત નથી તે પ્રાણી દુઃખના ગૂંચવાડામાં ફસાતો જાય છે તેવું પુરાણો કહે છે.
દેવાધિદેવ, કરુણાના સાગર, સૃષ્ટિના સર્જનહાર અને ત્રિલોકના નાથ એવા મહાદેવજી એક એવા દેવ છે કે તેમને કોઈ ભોગ ધરાવવામાં આવતો નથી. ફક્ત શુદ્ધ મનથી શુદ્ધ જળ ચઢાવો તો પણ મહાદેવજી પ્રસન્ન થાય છે. મહાદેવજીને બીલીપત્ર ઘણા ગમે છે, એમાંય જો ત્રણ પાનવાળા બીલીપત્રનો અભિષેક કરવામાં આવે તો મહાદેવજી અતિ પ્રસન્ન થાય છે. ઘણા લોકો શિવજી પર ધતૂરો અને કેવડો પણ ચઢાવે છે.

ત્રિદલં ત્રિગુણાકારં, ત્રિનેત્રં ચ ત્રિવાયુધમ્
ત્રિ જન્મ પાપ સંહારં એક બિલ્વં શિવાર્પણ

જીવ અને શિવનો મહિમા

પીઠી કામવર્ધક છે, ભસ્મ કાળસૂચક છે. જીવ પરણવા જાય ત્યારે શરીરે પીઠી ચોળીને જાય છે જ્યારે શિવ પરણવા જાય છે ત્યારે શરીરે ભસ્મ ચોળીને જાય છે ને જગતને કહે છે કે સંસારમાં પ્રવેશ તો કરો છો, પરંતુ આ શરીર કાયમ નથી રહેવાનું એકને એક દિવસ ભસ્મ થઈ જવાનું છે એટલું અવશ્ય યાદ રાખજો.
જીવ પરણવા જાય છે ત્યારે તલવાર સાથે રાખે છે ને શિવ પરણવા જાય છે ત્યારે ત્રિશૂલ સાથે રાખે છે ને કહે છે કે સંસાર માટે સત્ત્વ, રજસ અને તમસ ત્રણે ગુણ શૂળ જેવા છે એને કાબૂમાં રાખજો.
જીવ પરણવા જાય છે ત્યારે ઘોડા ઉપર બેસી જાય છે ને શિવ પરણવા જાય છે ત્યારે નંદી પર બેસીને જાય છે. ઘોડો કામનું પ્રતીક છે - નંદી ધર્મનું પ્રતીક છે.

જીવ પરણવા જાય છે ત્યારે કામવાસના ભણી દોરાય છે, શિવ પરણવા જાય છે ત્યારે ધર્મભાવના મુખ્ય હોય છે. એ પરણવા જતા જીવને કહે છે, હવે પછી જો કામવાસનાની પાછળ જ દોડીશ તો ગોથાં ખાઈશ અને ધર્મભાવનાને અનુસરીશ તો જીવનની સાર્થકતાને પામીશ.

શિવજી ભોળાનાથ છે. માનવો, દેવો, દાનવો, રાક્ષસો, દૈત્યો, અસુરો, પિશાચો વગેરે ભોળાનાથની કૃપા પ્રાપ્ત કરી શકે છે. શિવજી આશુતોષ છે કેમ કે તેઓ તરત પ્રસન્ન થઈ જાય છે. શિવજી નીલકંઠ છે કેમ કે સમુદ્રમંથન વખતે જ્યારે હળાહર ઝેર પણ નીકળ્યું ત્યારે તે પોતાના કંઠમાં ધારણ કરીને સમસ્ત સૃષ્ટિનું - એમણે રક્ષણ કર્યું હતું.
હે કરુણાના સાગર, હે ત્રિલોકના નાથ! આપ તો કૈલાસવાસી છો... તમારા કૈલાસધામની થોડી શીતળતા અને શાંતિની આશિષધારા... અમારા ઉપર પણ વરસાવજો એવી આ અવસરે પ્રાર્થના.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter