હનુમાનજીઃ શ્રી રામના અનન્ય ભક્ત - મહાન પરોપકારી અને સેવાનું મૂર્તમંત સ્વરૂપ

હનુમાન જયંતી (2 એપ્રિલ)

Wednesday 25th March 2026 08:57 EDT
 
 

હનુમાનજી સેવક પણ હતા ને રામદૂત પણ. નીતિજ્ઞ, વિદ્વાન, રક્ષક, વક્તા, ગાયક, બળવાન અને બુદ્ધિશાળી પણ હતા. તેમણે પોતાનું સમગ્ર જીવન ભગવાન શ્રી રામના ચરણોમાં અર્પણ કરી દીધું હતું. આજે પણ પૃથ્વી પર વિચરતા શ્રી હનુમાનજીનો જન્મ દિવસ એટલે કે હનુમાન જયંતી ચૈત્ર સુદ પૂનમ (આ વર્ષે 2 એપ્રિલ). આ દિવસે તેમને પ્રસન્ન કરીને આ પરમ રામભક્તના ભક્ત બનશો તો જીવન સફળ થઈ જશે.

શ્રી હનુમાનજીનું ચરિત્ર સંપૂર્ણ સ્વાર્થરહિત છે. શ્રી રામના અનન્ય ભક્ત, મહાન પરોપકારી અને સેવાના મૂર્તિમંત સ્વરૂપ છે. રામાયણમાં હનુમાનજીનું વ્યક્તિત્વ જોઈએ તો, હનુમાને સમુદ્રને ઓળંગી સીતાજીની શોધ કરી. લક્ષ્મણ માટે સંજીવની લાવવા અથાગ પ્રયત્ન કર્યા. સંજીવની લાવીને લક્ષ્મણની રક્ષા કરી. ભગવાન રામનું અયોધ્યા આગમન થશે તેવી જાણ ભરતને કરી તેમના પ્રાણની રક્ષા કરી. પાતાળમાં જઈને રાવણનો અંત કરી શ્રી રામ અને લક્ષ્મણને મુક્ત કરાવ્યા. લંકાયુદ્ધમાં શ્રી રામને વિજય અપાવવા સહાયક બન્યા.
હનુમાનજીનું ઉદાત્ત ચરિત્ર પરોપકારથી યુક્ત જોવા મળે. ભક્તિનું એક રૂપ સેવા - સેવક હોવાને નાતે તેઓ અનન્ય પરોપકારી બન્યા. જેમાં તેમણે પોતાનું સુખ-ચેન કદી જોયાં જ નહીં. સંકટની ઘડીમાં સુગ્રીવને સાથ આપ્યો, ભગવાન રામ સાથે મિત્રતા કરાવી તેમનું હિત સાધ્યું. હનુમાનજીએ સંપૂર્ણ જગત રામમય જોયું. ‘હું સેવક છું, અને સંપૂર્ણ ચર-અચર જગત રામનું સ્વરૂપ છે’ તેવો ભાવ તેમના ચરિત્રમાં વ્યક્ત થાય છે.
શ્રી રામે હનુમાનજીની કૃતજ્ઞતા વ્યક્ત કરતાં કહ્યું છે કે ‘હે કપિ! તમે જે ઉપકાર કર્યો છે તે એક-એક માટે હું પ્રાણ ન્યોછાવર કરવા પણ તૈયાર છું. તમારા શેષ ઉપકાર માટે હું આજીવન ઋણી રહીશ.’
 
ભગવાન શ્રી રામે આનો ઉત્તર આપતાં કહ્યું હતુંઃ ‘કપિશ્રેષ્ઠ! હું ઇચ્છું કે તમે કરેલા ઉપકાર ચૂકવવાનો મને અવસર જ ન મળે. હું નથી ઇચ્છતો કે તમે સંકટમાં પડો અને હું ઉપકારનો બદલો ચૂકવું.’

શ્રી રામના રાજ્યાભિષેક પછી અતિ કીમતી મણિઓની માળા શ્રી રામે સીતાજીને આપતાં કહ્યુંઃ ‘તમને જે વિશેષ પ્રિય લાગે અને જે મહાન રામભક્ત હોય તેમને આ માળા આપજો.’

દરબારમાં ભાઈઓ, ઋષિ-મહર્ષિઓ વિરાજમાન હતા. સીતાજીએ એક ક્ષણ વિચારીને એ માળા હનુમાનજીને આપી દીધી. હનુમાનજીએ મૂલ્યવાન મણિઓમાં કાંઈક શોધી જોયું અને પછી એ માળા તોડી નાંખી. તેમના આવા વ્યવહાર માટે તેમને પૂછયું તો હનુમાનજી કહ્યું: ‘આપ માળામાં રહેલા મણિઓનું મૂલ્ય જુઓ છો, હું તો તેના પર રામનામ શોધી રહ્યો છું’. આ મણિઓમાં રામનામ નથી તેથી મારે મન માળાનું કોઈ મૂલ્ય નથી. એવામાં સભામાંથી અવાજ આવ્યો તો શું તમારા શરીરમાં રામનામ અંકિત છે? ત્યારે હનુમાનજીએ નખથી વક્ષઃસ્થળ ચીરીને દર્શાવ્યું, તેમના શરીરમાં સર્વત્ર રામનામ અંકિત હતું. હનુમાનજીના હૃદયમાં શ્રી જનકનંદિની સહિત સિંહાસન પર મહારાજાધિરાજ શ્રી રામની ભુવનસુંદર મૂર્તિ વિરાજમાન હતી. ત્યાં ઉપસ્થિત લોકો તેમનો જયજયકાર કરવા લાગ્યા અને ભગવાન શ્રી રામે હનુમાનને હૃદયે લગાડયા.
હનુમાનજી ખૂબ જ તીક્ષ્ણ બુદ્ધિવાન, અતુલ પરાક્રમી, નિપુણ સંગીતજ્ઞ તથા ગાયક પણ છે. શાસ્ત્રીય સંગીતના ત્રણ આચાર્યોમાંથી એક હનુમાનજી છે. ‘સંગીત પારિજાત’ હનુમાનજીના સંગીત-સિદ્ધાંત પર આધારિત છે.
જ્યાં જ્યાં પૃથ્વી પર શ્રી રામ કથા થશે ત્યાં સુધી પૃથ્વી પર રહેવાનું વરદાન હનુમાનજીએ પ્રભુ પાસે માંગ્યું છે. રામકથા શ્રવણ, રામનામ કીર્તિના હનુમાનજી પ્રેમી છે. જ્યાં જ્યાં રામનામનાં કીર્તન - રામકથા થાય છે ત્યાં હનુમાનજી ગુપ્ત રીતે પહોંચી જાય છે. બંને હાથ જોડીને અંત સુધી ત્યાં રહે છે.

નામ મહિમા

• અંજની પુત્રઃ હનુમાનજીના પિતા પર્વતના રાજા કેસરી હતા તથા તેમની માતાનું નામ અંજની હતું. તેથી તેમને અંજની પુત્ર કહેવાય છે. તેમને ‘કેસરી નંદન’ પણ કહે છે.

• હનુમાનઃ ઈન્દ્રના વજ્રને કારણે હનુમાનજીની હનુ (હડપચી) તૂટી ગઈ હતી, તેને કારણે ત્યારથી તેમનું નામ હનુમાનજી પડી ગયું.

• મહાવીરઃ પ્રહારથી મૂર્છિત હનુમાનજીને જ્યારે જળનો છંટકાવ કરીને સચેત કરાયા ત્યારે દરેક દેવતાએ તેમને પોતપોતાનાં અસ્ત્ર-શસ્ત્ર આપ્યાં, માટે તેમનું નામ મહાવીર પડયું.

• બજરંગબલીઃ વજ્રને ધારણ કરનાર અને વજ્રસમાન મજબૂત અર્થાત્ બળવાન શરીર હોવાથી તેઓ વજ્રાંગબલી કહેવાયા. વજ્રને સમાન અંગવાળા બળશાળી. જોકે સમય જતાં વજ્રાંગબલી શબ્દ અપભ્રંશ થઈને બજરંગબલી થઈ ગયો. જોકે બજરંગબલી શબ્દ પણ ખૂબ જ સુંદર છે.

• પવન પુત્રઃ હનુમાનજીને વાયુદેવના પુત્ર પણ ગણાય છે, તેથી તેમનું નામ પવનપુત્ર પડયું. હનુમાનજીને મારુતિ પણ કહેવાતા. મારુત અર્થાત્ વાયુ. તેમનામાં પવનવેગે ઊડવાની શક્તિ હોવાથી આ નામ અપાયું છે.

સંકટ મોચક હનુમાનજીની પ્રસન્નતા કેવી રીતે પ્રાપ્ત કરશો?
બજરંગબલીએ શનિ મહારાજને કષ્ટોમાંથી મુક્ત કરાવ્યા હતા, તેમની રક્ષા કરવાને કારણે શનિ દેવે હનુમાનજીને વચન આપ્યું હતું કે હનુમાનજીની ઉપાસના કરનારને પોતે ક્યારેય કષ્ટ નહીં આપે, પરંતુ કષ્ટોને દૂર કરીને તેમનું રક્ષણ કરશે. શનિ દેવની સાડાસાતી કે ઢૈયાને કારણે ભોગવવાં પડતાં કષ્ટોના નિવારણ માટે હનુમાનજીની આરાધના અવશ્ય કરવી જોઈએ. બજરંગબલીની પૂજા કરવાથી શનિનો પ્રકોપ શાંત થાય છે. સાથે સૂર્ય તથા મંગળની સાથે શનિની શત્રુતા તથા યોગોને કારણે ઉત્પન્ન થતાં કષ્ટો પણ દૂર થાય છે. હનુમાનજીને પ્રસન્ન કરવા માટે પૂજન આ પ્રમાણે કરો...

• મંગળવારના દિવસે સૂર્યોદયના સમયે સ્નાનાદિ કરીને શ્રી હનુમંતે નમઃ મંત્રનો જપ કરો.
• મંગળવારે સવારે તાંબાના લોટામાં જળ તથા સિંદૂર લઈને હનુમાનજીને અર્પણ કરો.
• હનુમાન યંત્રને સિદ્ધ કરીને લાલ દોરામાં ધારણ કરો, દર મંગળવારે તેની વિધિવત્ પૂજા પણ કરો.
• સતત દસ મંગળવાર સુધી હનુમાનજીને ગોળનો ભોગ ધરાવો. સુદ પક્ષના પહેલા મંગળવારથી શરૂઆત કરો.
• ચમેલીના તેલમાં સિંદૂર મેળવીને હનુમાનજીને અર્પણ કરો. મંગળવારના દિવસે આ પ્રયોગ કરવાથી સફળતા મળે છે.
• દર મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ અચૂક કરો.
• ચિત્રા કે મૃગશિર્ષ નક્ષત્રમાં કોઈ પણ મંગળવારથી શરૂ કરીને સતત દસ મંગળવાર સુધી હનુમાનજીના મંદિરમાં જઈને કેળાંની પ્રસાદી ધરાવો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter