હિંડોળા ઉત્સવ હરિ સંગાથે લાડ કરવાનો અવસર

Wednesday 23rd July 2025 04:40 EDT
 
 

પવિત્ર અષાઢ-શ્રાવણ માસની આલબેલ પૃથ્વીવાસી પોકારે તે પહેલાં પ્રકૃતિ જાણે લીલીછમ વનરાઇ ઓઢીને પૂરબહાર ખીલી ઉઠે છે. ગગને મંડાયેલો મેઘ છડી પોકારતો હોય એમ શ્રાવણની પધરામણી ટાણે ગરજી ઊઠે છે. કોયલના ટહુકા તેમાં સાથ પુરાવે છે. દેવો પણ જાણે આ પધરામણી કચકડે કંડારી રહ્યા હોય તેવું વિરલ દૃશ્ય ખડું થાય છે ત્યારે ભક્તોએ હિંડોળાનો ઉત્સવ રચ્યો છે. ભક્તિની રીત જ એવી છે કે હરિ સંગાથે લાડ કરવા, એમને હૃદયના હિંડોળે ઝુલાવવા. ભક્ત સમજે છે કે હું હરિને ઝુલાવું છું, પરંતુ એની પાછળ રહેલો મર્મ કંઈક એવો છે કે તમે વિરાટનો હિંડોળો ફેરવો તેમાં હું સાથે છું, મને એનું ભાન થયું છે, એનો આનંદ હું લઉં છું અને ગમેતેટલા મહાન હોવા છતાં મારી ભક્તિના હિંડોળે ઝુલાવવાની ઇચ્છા કરું ત્યારે પ્રભુ તમે અવશ્ય પધારવાના જ છો. આમ ભક્તો જે હિંડોળો રચે છે તેમાં એમનું હૈયું ઠાલવે છે. એક વાર ઠાકોરજીને હિંડોળે પધરાવી - પૂજન કરી હાથમાં હિંડોળાની દોરી લઇને ઝુલાવવાનું શરૂ કરીએ ત્યારે બધા સંકલ્પ શમી જઇને મન - હૃદય પરમ તૃપ્તિ પામે છે.
વરસાદી મોસમમાં સંધ્યા સમય એટલે કે આરતીનો સમય થતાં વૈષ્ણવો મંદિરમાં જઇને રેશમની દોરી વડે હિંડોળામાં બિરાજેલા પ્રભુને હિંડોળવા અધીરા બની જાય છે, કારણ કે વરસાદી પવિત્ર વાતાવરણમાં હિંડોળાનો ભવ્ય ઉત્સવ ઊજવાય છે. અષાઢ વદ પ્રતિપદા કે બીજથી તે શ્રાવણ વદ બીજ (આ વર્ષે 27 જૂનથી 10 ઓગસ્ટ) સુધી વૈષ્ણવ મંદિરોમાં અને હવેલીઓમાં જાતજાતના અને ભાતભાતના હિંડોળા થાય છે. ભક્તો શણગારેલા હિંડોળામાં ઠાકોરજી પધરાવી સાયંકાળે આરતી બાદ હિંડોળાનાં પદો ભક્તિભાવપૂર્વક ઝીલે અને ઝિલાવે છે. દોરી પણ હીરની ને મણિમાળાની રખાય છે. એ ખેંચતાં સોનારૂપાના કસબથી ભરપૂર મોરલા ડોલી ઊઠે છે. સાધુવૃંદ મૃદંગ ને મંજીરા લઇ કીર્તન-ભક્તિથી વાતાવરણ દિવ્ય બનાવે છે. જાણે વિરાટ ડોલી રહ્યું હોય ને બ્રહ્માનંદ રેલાયો હોય તેવું વાતાવરણ જામી જાય છે. ભગવાન શ્રીકૃષ્ણએ ગોપીઓને વૃંદાવનની કુંજગલીમાં હિંડોળે હીંચકાવીને જે સુખ પ્રાપ્ત કર્યું હતું તેની ચિરકાલીન યાદ રાખવા વૃંદાવનનાં ઘણાં મંદિરોમાં આ હિંડોળા ઉત્સવ ‘ઝૂલા ઉત્સવ’ તરીકે પણ ઊજવાય છે. વૈષ્ણવ મંદિરોમાં પણ હિંડોળા ઉત્સવ ઊજવાય છે. વૈષ્ણવી પરંપરા મુજબ શ્રીકૃષ્ણે વૃંદાવનમાં ગોપીઓ અને રાધાજી સાથે રાસ રમીને લીલા કરી હતી તેની સ્મૃતિઓ તાજી કરવા હિંડોળામાં પ્રિયા-પ્રીતમને ઝુલાવવામાં આવે છે. હિંડોળા પરંપરાનો પ્રારંભ થયા બાદ વર્ષોના વહેવા સાથે તેમાં વિવિધતા અને પરિવર્તન આવ્યું. ઉત્તમ ઘાટના અને નવીન રચનાઓના હિંડોળામાં પ્રભુ શોભવા લાગ્યા.
॥ હિંડોળામાં વૈવિધ્ય ॥
ચાંદીના હિંડોળા, શાકના હિંડોળા, પાનના હિંડોળા, પવિત્રાંના હિંડોળા, ગુલાબના હિંડોળા, ફળના હિંડોળા, કાચના હિંડોળા, નાની ઘડૂલીઓના હિંડોળા, પનઘટ, પલના, શીતલ કુટીર, ફૂલબંગલા, ખસના બંગલા, મીનાકારીના બંગલા, ગિરિકંદરા વગેરેના હિંડોળા થાય છે. દિવસો થોડા અને રૂપ ઝાઝાં એટલે સંતો, હરિભક્તો અને રસિકજનો હિંડોળાના તાણાવાણામાં દિલ વણી લે છે. હિંડોળાની વિવિધ રચના કરવાનો ઉમંગ પૂર્ણ કરવા સંતો-ભક્તોને ઉજાગરા કરવા પડે, શ્રમ ઉઠાવવો પડે છે તે બધું જ ભગવાન હિંડોળે બિરાજતાં વિસરાઇ જાય થાય છે. હીરના, કઠોળના, રાખડીઓના અને લહેરિયાના હિંડોળા, શ્રાવણ-ભાદોના હિંડોળા, જરીના હિંડોળા, નીલીપીળી ઘટા, કસુંબલ ઘટા એમ અનેક જાતના આકર્ષક હિંડોળા પણ ભક્તો ભાવથી બનાવે છે અને ઠાકોરજીને હૈયાના હેતથી ઝુલાવે છે.
॥ હિંડોળાના બે મુખ્ય પ્રકાર ॥
અષાઢ વદ નોમથી શ્રાવણ વદ એકમ સુધી શ્રી ઠાકોરજી ગિરિરાજ ઉપર હિંડોળામાં ઝૂલે છે. શ્રાવણ સુદ એકમથી શ્રાવણ સુદ આઠમ સુધી ઠાકોરજી વિવિધ કુંજોમાં હિંડોળામાં ઝૂલે છે. વૃક્ષની ડાળીઓમાં પણ ઝૂલા બંધાય છે. હિંડોળા ઉત્સવના છેલ્લા આઠ દિવસ શ્રાવણ સુદ નોમથી શ્રાવણ વદ બીજ સુધી ઠાકોરજીને યમુનાકિનારે ઝુલાવવામાં આવે છે. વ્રજમાં શ્રી ગોવર્ધન, કરહલા, સંકેતવન, શ્રીવૃંદાવનધામ, બરસાના, શ્રીકુંડ, કામવન, મથુરા, ગોકુલ, રાંકોરા સ્થળોએ ઠાકોરજીએ અનેક લીલાઓ કરેલી હોવાથી તે સ્મૃતિની યાદમાં જુદા જુદા હિંડોળાઓની રચના કરીને ભક્તો પ્રભુને યાદ કરે છે.
હિંડોળાના બે મુખ્ય પ્રકાર છેઃ બે ખંભનો હિંડોળો અને ચાર ખંભનો હિંડોળો. સામાન્ય રીતે મંદિરોમાં બે ખંભના જ હિંડોળા વપરાય છે. ચાર ખંભના હિંડોળા ફળ, ફૂલ, ચોકલેટ, સૂકામેવા વગેરેથી ભરવામાં આવે ત્યારે તેની ભવ્યતા ખરેખર જોવા જેવી હોય છે.
॥ કળા-કૌશલ્યને ઉત્તેજન ॥
આપણે અષાઢ વદ બીજથી શ્રાવણ વદ બીજ સુધી ઠાકોરજીને હિંડોળે ઝુલાવી ઉત્સવ ઊજવીએ છીએ, પરંતુ ભગવાન પ્રગટ હોય ત્યારે ભક્તિનાં નીર તિથિની મર્યાદાને કેવી રીતે ગાંઠે? ભક્તો તો તિથિ નહીં, પણ આંગણે આવેલા અતિથિ-ભગવાનને જોઇને ઘેલા બની જાય છે ને ભાવ પ્રમાણે ભક્તિ અદા કરી લે છે. ભગવાન તે સ્વીકારી પણ લે છે. પરસ્પરની પ્રેમભક્તિની દોરીથી ઝૂલતા આવા હિંડોળાનાં સુખ શ્રીજી મહારાજે સુરત, અમદાવાદ, સારંગપુર, મછિયાવ, માનકૂવા, ગઢડા, વડતાલ વગેરે અનેક જગ્યાએ આપ્યાં છે. રંગોત્સવ, ફૂલદોલ, જન્માષ્ટમી જેવા અનેક ઉત્સવ પ્રસંગે આપ્યા છે. પૂર્ણ પુરુષોત્તઅ શ્રી સ્વામિનારાયણ ભગવાને હિંડોળામાં બેસીને જે દિવ્ય લીલાઓ કરી જે સુખ આપ્યાં છે તેની સૌને સ્મૃતિ થાય એટલા માટે આજે પણ હિંડોળા ઉત્સવ ઊજવાય છે.
રાધાવલ્લભ સંપ્રદાયમાં શ્રાવણ સુદ ત્રીજથી શ્રાવણ સુદ પૂનમ સુધી પ્રિયા પ્રીતમ (રાધાવલ્લભલાલ)નો ભવ્યાતિભવ્ય જુદા જુદા મનોરથો દ્વારા ઝુલનોત્સવ થાય છે. વૈષ્ણવોમાં એવી માન્યતા છે કે હિંડોળામાં હિંચકતા હરિને નીરખીએ તો ફરી જન્મ લેવો ન પડે તેમ હિંડોળે હીંચકતા શ્રીજી મહારાજની આ દિવ્ય લીલાની સ્મૃતિ પણ કલ્યાણકારી છે. એ સ્મૃતિ સાથે ‘હિંડોળાપર્વ’માં ઠાકોરજીને ઝુલાવતાં ઝુલાવતાં જન્મ-મરણના ઝૂલામાંથી મુક્ત થઇએ.
આમ, અષાઢી બીજથી શરૂ થતી હિંડોળા ઉત્સવની પરંપરા ભક્તિની વૃદ્ધિ કરનારી અને કળા- કૌશલ્યને ઉત્તેજન આપનારું વિરલ પર્વ છે. ચાલો, આપણે સૌ પણ આ પાવન પર્વે નંદલાલાને પારણે ઝુલાવીને અને પ્રિયા પ્રીતમને ઝૂલે ઝુલાવીને અહોભાગી બનીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter