12 જાન્યુઆરી એટલે સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ. 1863ની બારમી જાન્યુઆરીએ કોલકાતામાં એમનો જન્મ થયો અને 4 જુલાઈ 1902ના રોજ એમનું નિધન થયું. હિંદુ ધર્મના સનાતન મૂલ્યોને વિશ્વભરમાં પ્રસરાવવામાં સ્વામી વિવેકાનંદનો સિંહફાળો છે એ તો સહુ કોઇ જાણે છે, પરંતુ બહુ ઓછા લોકો એ જાણતા હશે કે તેઓ બાળપણથી ખાવાના અને ખવડાવવાના પણ શોખીન હતા. આજે આપણે તેમના જીવનના આ પાસાંને જાણીએ...
સ્વામી વિવેકાનંદનું જીવન બદલી નાખવામાં રસગુલ્લાએ મોટી ભૂમિકા ભજવી હતી એવો વિચાર કોઈને આવી શકે? સ્વામી વિવેકાનંદને બાળપણથી જ ખાવાનો અને ખવડાવવાનો શોખ હતો.
સ્વામી વિવેકાનંદની એક જીવનકથાનું ટાઈટલ છે ‘સ્વામી વિવેકાનંદઃ ધ ફીસ્ટિંગ, ફાસ્ટિંગ મન્ક’ એટલે કે ભોજન અને ઉપવાસપ્રેમી સંત સ્વામી વિવેકાનંદ. આ ટાઇટલ અમસ્તું જ નહોતું રખાયું. સ્વામીજીને ભોજનમાં કેટલો રસ હતો તેનો અંદાજ એ વાત પરથી આવી શકે કે વેદ અને વેદાંત વિશેનું કોઈ પુસ્તક ખરીદતા પહેલાં તેમણે ફ્રેન્ચ કૂકિંગ એન્સાઇક્લોપીડિયા હપ્તેથી ખરીદ્યો હતો.
દુનિયાના તમામ ફળોમાં તેમને જામફળ સૌથી વધારે પસંદ હતું. એ સિવાય તેમને સાકર તથા બરફ ભેળવેલું મુલાયમ નાળિયેર ખાવાનો શોખ પણ હતો. ગાંધીજીની જેમ તેઓ પણ બકરીનું દૂધ પીતા હતા. આઈસક્રીમ સ્વામીજીની નબળાઈ હતો. તેઓ તેને કાયમ કુલ્ફી કહેતા હતા. અમેરિકાના શૂન્યથી નીચે ઉષ્ણતામાનમાં પણ સ્વામીજી ચૉકલેટ આઈસક્રીમ ખાવાની એકેય તક ચૂકતા ન હતા.
તેમના પિતરાઈ ભાઈ રામચંદ્ર દત્તાએ એક દિવસ તેમને કહ્યું હતું કે આપ મારી સાથે દક્ષિણેશ્વર મંદિર આવો. ત્યાંના સંત રામકૃષ્ણ પરમહંસ મંદિરે આવતી દરેક વ્યક્તિને રસગુલ્લા ખવડાવે છે. વિવેકાનંદે તેમના ભાઈને કહ્યું હતું કે ત્યાં રસગુલ્લા નહીં મળે તો હું રામકૃષ્ણનો કાન ખેંચીશ. સ્વામીજીએ ત્યાં નિરાશ થવું પડ્યું ન હતું એ જગજાહેર છે અને તેઓ રામકૃષ્ણ પરમહંસના શિષ્ય બની ગયા હતા.
ઉત્તમ વ્યક્તિત્વ
વિવેકાનંદનું કદ-કાઠી અને શરીર ભરાવદાર હતું. તેઓ બહુ તાર્કિક હતા અને દરેક મહેફિલમાં આકર્ષણનું કેન્દ્ર બનતા હતા. રોમા રોલાંએ તેમના વિખ્યાત પુસ્તક ‘લાઈફ ઓફ વિવેકાનંદ’માં લખ્યું છે, ‘સ્વામીજીનું શરીર એક પહેલવાનની માફક મજબૂત અને શક્તિશાળી હતું. તેમની ઊંચાઈ 5 ફૂટ 6 ઇંચ હતી. તેમના છાતી પહોળી હતી અને અવાજ ગજબનો હતો. તેમનું પહોળું મસ્તક અને મોટી-કાળી આંખો સૌના આકર્ષણનું કેન્દ્ર હતી. તેઓ અમેરિકા ગયા ત્યારે એક પત્રકારે ધાર્યું હતું કે તેમનું વજન 102 કિલો હશે. ક્યારેક તેઓ ખુદની મજાક કરતા હતા અને પોતાને જાડા સ્વામી કહેતા હતા.’
પૂરતી ઊંઘ લેવામાં અસમર્થતા તેમની સૌથી મોટી સમસ્યા હતા. તેઓ પથારીમાં સતત પડખું ફેરવતા રહેતા હતા, પરંતુ જરાય ઊંઘ આવતી ન હતી. બહુ પ્રયાસ કરે તો પણ 15 મિનિટથી વધારે એકધારું ઊંઘી શકતા ન હતા.
સ્વામીજીના જીવનની ઓછી જાણીતી વાતો...
• વેદ અને વેદાંતનું કોઈ પુસ્તક ખરીદતા પહેલાં તેમણે ફ્રેન્ચ કૂકિંગનો એન્સાઈક્લોપીડિયા હપ્તેથી ખરીદ્યો હતો.
• તેઓ બકરીનું દૂધ પીતા હતા. જામફળ તેમનું પ્રિય ફળ હતું અને આઈસક્રીમ તેમની નબળાઈ હતો.
• તેમણે મહાન ઉસ્તાદો પાસે સંગીતના પદ્ધતિસરની તાલીમ લીધી હતી અને અનેક વાદ્યો પણ વગાડી શકતા હતા.
• તેમણે થોડા દિવસો સુધી મેટ્રોપોલિટન ઇન્સ્ટિટ્યુશનમાં અધ્યાપન કાર્ય પણ કર્યું હતું.
• એક વખત તેઓ જે ટ્રેનમાં પ્રવાસ કરતા હતા તે ટ્રેન એક નાના સ્ટેશન પર રોકાઈ ન હતી ત્યારે લોકો રેલવે ટ્રેક પર સૂઈ ગયા હતા અને ટ્રેન રોકાવી હતી.
• તેમને પશુ પાળવાનો શોખ હતો. તેમના બાઘા નામના કૂતરાને મઠની અંદર, ગંગા નદીના કિનારે જ દફનાવવામાં આવ્યો હતો.
• એક વખત વૈદ્યરાજે તેમને પાણી પીવાની અને નમક ખાવાની મનાઈ ફરમાવી ત્યારે તેમણે 21 દિવસ સુધી પાણીનું એક ટીપું પીધું ન હતું.


