પવિત્ર ધર્મગ્રંથ ભગવદ્ ગીતા સાથે મારો પરિચય

સુભાષ વી. ઠકરાર B Com, FCA, FRSA Tuesday 04th May 2021 17:05 EDT
 
 

આ લેખમાં હું વાચકોને ભગવદ્ ગીતાના મારા પોતાના અનુભવમાં સહભાગી બનાવવાની છૂટ લઉં છું. આમાં મારો મુખ્ય હેતુ દરેક હિન્દુને પોતાના જીવનમાં ઓછામાં ઓછાં એક વખત ગીતાજીનું વાંચન કરવા તેમજ બિનહિન્દુને પણ તેને વાંચવા અને જીવનના અનેક પ્રશ્નોનો ઉત્તર મેળવવા પ્રોત્સાહિત કરવાનો છે.

મેં અત્યાર સુધી ગીતાજીની ૧૦૦૦થી વધુ પ્રત વહેંચી છે. પૂજ્ય સ્વામી શિવાનંદ દ્વારા અર્થઘટન કરાયેલી અને સ્વામી શિવાનંદ પ્રેસ, ડર્બન સાઉથ આફ્રિકા દ્વારા પ્રકાશિત ગીતાજી મારી મનપસંદ આવૃત્તિ છે. મેં ગીતાજીના અન્ય ૩-૪ વૃતાન્ત કે પાઠાંતર વાંચ્યા છે પરંતુ, અંગ્રેજી ભાષામાં આ વૃતાન્ત મને અને ખાસ કરીને ઈંગ્લિશના વાચક માટે સૌથી સારું લાગ્યું છે. ખૂબ અસરકારક જણાયાથી મારા ઘણા મિત્રો અને સગાંસંબંધીએ વધારાની પ્રતો પણ માગી છે.

‘ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ’ના તંત્રી અને પ્રકાશક સી.બી. પટેલ ગીતાજી પ્રત્યે મારા પરિચયમાં મદદગાર બન્યા હતા. તેમણે  દિવંગત શ્રી બાલમુકુંદભાઈ પરીખ, જેઓ પાછળથી સ્વામી ગીતાપ્રકાશાનંદ તરીકે જાણીતા થયા તેમની સાથે મારો પરિચય કરાવ્યો હતો.

પરીખસાહેબ કેન્યામાં શિક્ષક હતા. તેમને કોલોનિયલ સરકારે શિક્ષકની લાયકાત પ્રાપ્ત કરવા ઈંગ્લેન્ડ મોકલ્યા હતા. ઈંગ્લેન્ડથી પાછા ફર્યા પછી તેમને કેન્યામાં થીકાની પ્રસિદ્ધ સરકારી શાળામાં હેડ માસ્ટર નિયુક્ત કરાયા હતા. બ્રિસ્ટોલ યુનિવર્સિટીમાંથી ડિપ્લોમા મેળવી કેન્યા પાછા ફર્યા પછી તેમને ઈન્સ્પેક્ટર્સ ઓફ સ્કૂલ તરીકે નિયુક્તિ અપી હતી અને માત્ર છોકરાઓ માટેની થીકા હાઈ સ્કૂલને મિશ્ર સ્કૂલ, સવારની અને બોર્ડિંગ સ્કૂલમાં રુપાંતર કરવા તેમજ શિક્ષણમાં શ્રેષ્ઠતા અને સિદ્ધિઓ હાંસલ કરવાનો પ્રોજેક્ટ સુપરત કરાયો હતો. તેમણે યુકેમાં પરિવાર સાથે રહેવા વહેલી નિવૃત્તિ લીધી હતી. તેમણે સ્વીટ્ઝર્લેન્ડમાં ગુરુ ઓમકારાનંદજીની આજ્ઞાથી સંન્યાસ લઈ સ્વામી ગીતાપ્રકાશાનંદ નામ ધારણ કર્યું હતું.

મારી ઓફિસીસ લંડનની ઓક્સફર્ડ સ્ટ્રીટમાં હતી અને સીબીની ઓફિસ થોડા માઈલના અંતરે શોરડીચમાં હતી. સીબીએ મને કોલ કર્યો અને કહ્યું કે તેમણે બાલમુકુંદભાઈને તમને મળવા જણાવ્યું છે. મને તો એમ લાગ્યું હતું કે બાલમુકુંદભાઈને કોઈ પ્રોફેશનલ સલાહની જરુર હશે. તેઓ આવ્યા. જીવનના આઠમા દશકમાં અને સ્મિતમઢ્યા ચહેરા સાથેના માનવી. અમે બેઠા અને શિષ્ટાચારી વાતચીતો કરી અને હું તો કોઈ પ્રશ્ન પૂછાશે તેની રાહ જોતો રહ્યો. કોઈ પ્રશ્ન ન પૂછાયો પરંતુ, વાતચીત દરમિયાન મેં તેમની પશ્ચાદભૂ વિશે પૂછ્યું ત્યારે તેમણે મને જણાવ્યું કે તેઓ કેન્યામાં શિક્ષક હતા અને આશરે ૧૧ વર્ષ અગાઉ તેમણે દષ્ટિ ગુમાવી હતી જે થોડા સમય પછી પરત મેળવી હતી. મને ભારે આશ્ચર્ય થયું હતું. મેં તેમને પ્રશ્ન કર્યો કે તેઓ પોતાનો સમય કેવી રીતે વીતાવે છે અને તેમણે ઉત્તર વાળ્યો કે તેઓ માત્ર ભગવદ્ ગીતા વિશે જાગૃતિ કેળવવાનું કાર્ય કરે છે. મને કુતૂહલ થયું પરંતુ, મારી ૪૦ વર્ષની વયે મેં એ સ્વીકારવાની હિંમત કેળવી કે મેં એક વખત ગીતાજી વાંચવાનો પ્રયાસ કર્યો હતો અને મને તે સમજવાનું ઘણું મુશ્કેલ જણાયું હતું. તેમણે મને કહ્યું કે તેઓ મને વાંચી અને સમજી શકાય તેવી આવૃત્તિ આપશે. થોડા દિવસો પછી તેઓ ગણેશપૂજા નિમિત્તે મારા નિવાસે આવ્યા અને મને ગીતાજીની એક પ્રત આપી જે મેં હજુ સુધી સાચવી રાખી છે અને અત્યાર સુધી ૫૦થી ૬૦ વખત વાંચી પણ છે.

હું માનું છું કે તમે જેના વિશે પ્રામાણિકપણે ઈચ્છા રાખો છો તેના વિશે બ્રહ્માંડમાં સંદેશાઓ-વિચારો પ્રસરે છે અને તેના પર કાર્ય પણ થાય છે. મારી ઈચ્છા ગીતાજીને વાંચવા અને સમજવાની હતી. સંયોગાવશાત, મારી ૪૦મી વર્ષગાંઠે મને અક્ષરનિવાસી શ્રી પ્રમુખ સ્વામીનો આશીર્વચનો સાથે સુંદર હસ્તલિખિત પત્ર પણ પ્રાપ્ત થયો હતો. મેં ઈચ્છા વ્યક્ત કરી અને બ્રહ્માંડે મને આ બધું પહોંચાડ્યું. હું તમને સહુને ૫૦૦૦ વર્ષથી વધુ સમય અગાઉ લખાયેલા અને વર્તમાનકાળમાં પણ વ્યાપકપણે સુસંગત આ મહાન અને ભવ્ય ધર્મગ્રંથને વાંચવા અને સમજવાની ઈચ્છા રાખવા અનુરોધ કરું છું.

હું દરરોજ ગીતાજીનું વાંચન કરું છું અને દર વખતે મને તેમાંથી કશું નવું શીખવા મળે છે. મારું માનવું એમ છે કે આપણે વર્ષોની સાથે ઘડાઈએ છીએ તેમ ગીતાજીનો એ જ ઉપદેશ આપણને નીતનવી સમજણ આપે છે.

હું હંમેશાં ગીતાજીનો અભ્યાસી-વિદ્યાર્થી બની રહીશ અને તેમાં હું જેઓને ગીતાજીના વિદ્વાન ગણું છું તેવા પૂજ્ય ભૂપેન્દ્રભાઈ પંડ્યાના ઉપદેશોનો પણ લાભ મળતો રહેશે. તેઓશ્રી ઈંગ્લિશ, ગુજરાતી અને હિન્દીમાં ઉપદેશ આપવાની અનોખી ખાસિયત ધરાવે છે. આ ઉપરાંત, બ્રહ્માકુમારીઝના સિસ્ટર શિવાનીના પ્રવચનો પણ જ્ઞાનવર્ધક બની રહે છે. આ બધા દિવ્યાત્માઓએ કોઈ પણ વળતરની અપેક્ષા વિના જ મને આટલું બધું આપ્યું છે તે બદલ હું તેઓનો ઋણી બની રહીશ. આ કર્મિક, સાત્વિક પ્રવૃત્તિઓનો અનોખો યોગ છે.

ગીતાજીએ મારા જીવનમાં ક્રાંતિ આણી છે અને મારી આધ્યાત્મિક સમજણની સીમાઓને વિસ્તારી છે.

(લેખક ચેરિટી ક્લેરિટીના સ્થાપક ચેરમેન, લંડન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના વાઈસ પ્રેસિડેન્ટ અને પૂર્વ અધ્યક્ષ છે)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter