પાક-પ્રેમમાં પસ્તાયેલા જૂનાગઢના ગૌપ્રેમી નવાબ

Wednesday 01st February 2017 11:45 EST
 
 

બ્રિટિશ ઇંડિયાના સૌરાષ્ટ્રનાં ૨૨૨ દેશી રજવાડાંમાં સૌથી વિશાળ એવું જૂનાગઢ રાજ્ય એની ૮૦ ટકા કરતાં વધુ હિંદુ વસ્તી જ નહીં, પણ હિંદુ આસ્થાસ્થળ સોમનાથને કારણે પણ ભારત સાથે ભળવું સ્વાભાવિક હતું. પાકિસ્તાનથી સેંકડો માઈલ દૂર આવેલા જૂનાગઢમાં વિભાજન અને આઝાદીના એ દિવસોમાં નવાબ મહાબત ખાનજી ત્રીજાનું રાજ હતું. સ્વાભાવિક હતું કે પાકિસ્તાન મેળવવામાં અંગ્રેજ શાસકો સાથે કુટિલ રાજરમતો રમતા રહેલા મૂળ સૌરાષ્ટ્રના જ મોટી પાનેલીના લુહાણા ઠક્કર પરિવારમાંથી ઇસ્લાઈલી ખોજા તરીકે મુસ્લિમ ધર્મ અંગીકાર કરનાર પરિવારના મોહમ્મદ અલી ઝીણાને પણ મુસ્લિમ શાસક મહાબત ખાનને પાકિસ્તાનમાં ભળવા મનાવવા હતા. ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી માટે માત્ર એ સૌરાષ્ટ્રના હતા એટલે જ નહીં, પણ એમના પૂર્વજોનું વતન કુતિયાણા જૂનાગઢ રાજ્યમાં આવતું હતું એટલે ગાંધીજીએ સમગ્ર સૌરાષ્ટ્રને ભારત સાથે જોડવાની સરદાર પટેલને ભલામણ કરી હતી.

સરદારને ત્યાં નવાનગરના જામ સાહેબ દિગ્વિજયસિંહ અને મહારાણી ગુલાબ કુંવરબાને ભોજન પર તેડાવવામાં આવ્યાં નહીં, ત્યાં લગી જામ સાહેબ પણ ઝીણાની ગળચટી વાતોમાં, વાડી બંદરના વિકાસના ગાજરની આડશે, કરાંચી (એ વેળા નવરચિત પાકિસ્તાનનું પાટનગર) સાથે કાઠિયાવાડનાં રજવાડાનું જોડાણ કરવાની વેતરણમાં હતા. ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહે એમની યોજનામાં ફાચર મારી અને સરદાર પટેલ તથા એમના રિયાસતી ખાતાના સચિવ એટલે કે દેશી રાજ્યોના એકીકરણમાં ‘હનુમાન’ વી. પી. મેનને જામને પોતાના કરી લીધા. એ પછી તો જામ સાહેબ દેશભરનાં દેશી રજવાડાંને ભારત સાથે જોડવાના સરદારના મિશનના અદના સૈનિક બની ગયા.

જોકે મૂળ સિંધ પ્રાંતના જ પણ જૂનાગઢના દીવાન રહેલા અબ્દુલ કાદરની તબિયત આવા કટોકટીના ગાળામાં જ લથડી. એ જૂનાગઢને ભારત સાથે જોડવાના પક્ષધર હતા. એ અમેરિકા તબીબી સારવાર લેવા માટે ગયા અને નવાબના દીવાનના અખત્યારમાં આવેલા સિંધના મુસ્લિમ લીગી સર શાહનવાઝ ભુટ્ટોએ રાજકાજને બદલે કૂતરાં પાળવામાં અને ગાયો તેમજ કેસર કેરીની નવી નવી જાતો વિકસાવવામાં રમમાણ રહેતા નવાબને પટાવી લીધાં.

જૂનાગઢના નવાબના દીવાનો અને દરબારમાં નાગરોનું ચલણ રહ્યા છતાં આઝાદીના દિવસોમાં ઝીણાવાદીઓએ કબજો મેળવ્યો. સર ભુટ્ટોએ નવાબને પાકિસ્તાન સાથે જોડાણ કરવા માટે પટાવી લીધા, પણ ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ લગી એ વાતનો અણસાર દિલ્હીને કે પોતાની પ્રજાને આવે નહીં એ રીતે નાટકીય ખેલ ચલાવતા રહ્યા. સરદાર પટેલે નવાબને મળવા માટે વી. પી. મેનનને પાઠવ્યા, પણ એમની મુલાકાત થવા દીધી નહીં અને આઝાદીના દિવસે જૂનાગઢ પાકિસ્તાન સાથે જોડાઈ ગયાનું જાહેર થયું ત્યારે પ્રજાજનોએ પણ આંચકો અનુભવીને હિંદુ પ્રજાએ હિજરત આદરી.

સરદાર પટેલ કાંઈ ગાંજ્યા જાય એવા તો હતા નહીં. પાકિસ્તાન સાથે જોડાયેલા જૂનાગઢની ફરતે લશ્કરી કુમકને પાઠવીને ગોઠવી દીધી. મુંબઈના માધવબાગમાં જૂનાગઢનાં પ્રજાજનોની બેઠક યોજાવીને ગાંધીજીના ભત્રીજા અને પત્રકાર એવા સામળદાસ ગાંધીના વડપણ હેઠળ આરઝી હકૂમતની રચના કરાવાઈ. જૂનાગઢ સાથે જોડવામાં આવેલાં બાંટવા, માણાવદર જેવા રાજ્યોને સર ભુટ્ટોએ દબાણ કરીને પાકિસ્તાન સાથે જોડવાના વ્યૂહ ઘડ્યાં, પણ સરદાર-મેનનના વ્યૂહે એ નિષ્ફળ બનાવ્યા.

જૂનાગઢના નવાબે પાકિસ્તાનના ગવર્નર-જનરલ ઝીણાએ મંજૂરીનો શેરો માર્યો એટલે ૧૩ સપ્ટેમ્બર ૧૯૪૭ના રોજ જૂનાગઢમાં એના પાકિસ્તાન સાથેના જોડાણનું સત્તાવાર જાહેરનામું પણ બહાર પડ્યું. જે નવાબ ગૌમાતાનાં દર્શન કરીને જ રોજ દરબારમાં જતા હોય, ગૌવંશ હત્યા પર પ્રતિબંધ ફરમાવતો હોય, કોમી એખલાસમાં માનતો હોય એનું પાક સાથેનું ના-પાક જોડાણ ગળે ઉતરતું નહોતું.

જોકે આરઝી હકૂમતના રાજકોટ ખાતેના મુખ્યાલય અને સરદારના પરોક્ષ માર્ગદર્શનના પ્રતાપે જૂનાગઢના નવાબ ભીંસમાં આવ્યા. ૧૭ ઓક્ટોબર ૧૯૪૭ના રોજ એકાદ બેગમ અને શાહજાદાને પડતો મૂકીને વિમાનમાં પોતાનાં કૂતરાં, ઝવેરાત અને બેગમો તેમજ શાહજાદા અને શાહજાદીઓ સાથે કરાંચી ભાગી છૂટ્યા. પાકિસ્તાન તરફથી લશ્કરી કૂમક મદદે આવી નહીં અને આરઝી હકૂમતવાળા જૂનાગઢને કબજે કરવા આગળ વધી રહ્યા હતા એટલે ૭ નવેમ્બર ૧૯૪૭ના દિવસે સર ભુટ્ટોએ નાછૂટકે આરઝી હકૂમત સાથે મંત્રણા આદરવી પડી અને ભારત સરકારને જૂનાગઢનો કબજો સંભાળી લેવાનું પત્ર લખીને સર ભુટ્ટો પણ કરાંચી ભેગા થઈ ગયા. ૯ નવેમ્બર ૧૯૪૭ના રોજ ભારત સરકાર વતી સૌરાષ્ટ્રના રિજિયોનલ કમિશનર બુચે જૂનાગઢનો કબજો સંભાળી લીધો એટલે ખરા અર્થમાં જૂનાગઢ ૯ નવેમ્બરે આઝાદ થયું. ફેબ્રુઆરી ૧૯૪૮માં જૂનાગઢ અને તેની સાથે જોડાયેલાં દેશી રજવાડાંમાં જનમત લેવાયો અને એ તટસ્થ જનમતમાં માત્ર ૯૧ સિવાય બાકીના બે લાખ કરતાં વધુ પ્રજાજનોએ ભારત સાથે જોડાણ કરવાની તરફેણ કરી હતી.

૧૩ નવેમ્બર ૧૯૪૭ના રોજ ‘આઝાદ’ જૂનાગઢની મુલાકાતે નાયબ વડા પ્રધાન સરદાર પટેલ આવ્યા ત્યારે એનું ભવ્ય સ્વાગત કરાયું. એ પછી એમણે સોમનાથના શિવમંદિરના ભગ્ન અવશેષોના દર્શન કરીને વ્યથા અનુભવતાં શ્રી સોમનાથ મંદિરના જિર્ણોદ્ધારની ઘોષણા કરી ત્યારે જામ સાહેબે ૧ લાખ રૂપિયા અને આરઝી હકૂમત વતી સામળદાસ ગાંધીએ ૫૧ હજાર રૂપિયાનું દાન જાહેર કર્યું હતું. સોમનાથને રાષ્ટ્રીય અસ્મિતાના પ્રતીક તરીકે સરદાર પટેલે તેમના પ્રધાનસાથી અને ગુજરાતી સાહિત્યના શિરમોર નવલકથાકાર ક. મા. મુનશીના આગ્રહથી જિર્ણોદ્ધારનો સંકલ્પ કર્યો હતો. આજનું સોમનાથનું ભવ્ય મંદિર એ સરદાર અને ક. મા. મુનશીના એ યોગદાનની સાક્ષી પૂરે છે.

પાકિસ્તાન ગયા પછી જૂનાગઢના નવાબ ખૂબ પસ્તાયા. એમણે કરાંચી ખાતે ભારતીય રાજદૂત શ્રીપ્રકાશને પણ એ પાછા આવવા ઇચ્છુક હોવાની અને જૂનાગઢને ભારત સાથે જોડવા તૈયાર હોવાની આજીજી કરી જોઈ, પણ કોઈએ એમને ગંભીરતાથી લીધાં નહીં. ૭ નવેમ્બર ૧૯૫૯ના રોજ હડકવાના રોગથી જ મહાબત ખાનજી ત્રીજાનું પાકિસ્તાનમાં નિધન થયું. એમના ઇન્તકાલ પછી એમના શાહજાદા અને પૌત્રે જૂનાગઢને પાકિસ્તાનનું ગણાવવાનું ચાલુ રાખ્યું, પણ એ અવાસ્તવિક વાત નિરર્થક બની ગઈ છે.

વધુ વિગતો માટે વાંચો Asian Voice અંક ૫ નવેમ્બર ૨૦૧૬ અથવા ક્લિક કરો વેબલિંકઃ http://www.asian-voice.com/Community/Somnath,-the-Nawab-and-Accession-of-Junagadh-State

(લેખક સામાજિક-રાજકીય ઇતિહાસકાર છે. સંપર્કઃ [email protected])


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter