પુષ્ટિમાર્ગની ત્રણ આધારશિલાઃ જ્ઞાન, કર્મ અને ભક્તિ

શ્રીનાથધામ પાટોત્સવ મહોત્સવ

સી.બી. પટેલ Wednesday 04th September 2019 02:58 EDT
 
 

પ્રિય વાચકમિત્રો

વિશ્વમાં તમામ પાસાઓને નિહાળીએ તો ગ્રેટ બ્રિટન ‘મહાન’ રાષ્ટ્ર છે. આજે વિશ્વમાં વસવાટ કરવાનું સ્વીકાર્ય બની રહે તેવા જૂજ દેશોમાં તેનું પણ સ્થાન છે. આટલા વર્ષો દરમિયાન બ્રિટને તમામ પ્રકારની નાગરિકતાઓ, આસ્થાઓ, ત્વચાનો વર્ણ અને પરંપરાઓ સાથેના લોકોને આવકાર્યાં છે. તે પોતાના નાગરિકોને એકસમાન સેવા પૂરી પાડે છે. કાયદો કે વ્યવસ્થાની વાત હોય, શિક્ષણની વાત હોય કે આરોગ્યની વાત હોય બ્રિટન પાસે તમામ પશ્ચાદભૂના પાત્રતા ધરાવતાં લોકો પોતાની સર્વોચ્ચ મહત્ત્વાકાંક્ષાઓ પરિપૂર્ણ કરી શકે તેવી અનોખી સેવાઓ ખુલ્લી છે. આ દેશમાં ૨૦૦થી વધુ હિન્દુ મંદિર પણ છે.

નૈઋત્ય લંડનની મધ્યે આવેલી શ્રીનાથ નેશનલ હવેલી વૈષ્ણવ પરંપરાનું મંદિર છે. યુકેના અન્ય નગરો અને શહેરોમાં પણ તેની સમૂહસભાઓ હોવાં ઉપરાંત, યુએસ, ઓસ્ટ્રેલિયા અને કેન્યામાં સહેતુક નિર્મિત અને પરંપરાગત હવેલીઓ છે. લેસ્ટરમાં આવેલી હવેલી ઘણી સક્રિય છે અને ઘણા સમયથી તેની સક્રિયતા અનુભવાય છે. લેસ્ટરની વ્રજધામ હવેલીનું વડું કાર્યાલય ભારતમાં ગુજરાતના અમદાવાદ શહેરની ભક્તિધામ હવેલીમાં આવ્યું છે. આ હવેલીના પાટોત્સવ મહોત્સવનું ભવ્ય ઉદ્ઘાટન ૩૦ ઓગસ્ટે કરાયું છે અને એક સપ્તાહ સુધી તેની ઉજવણીઓ ચાલવાની છે.

ઉદ્ઘાટન સમારંભને જેજે શ્રીના હુલામણા લોકપ્રિય નામે પણ ઓળખાતા વૈષ્ણવાચાર્ય શ્રી દ્વારકેશલાલજીની ઉપસ્થિતિના આશીર્વાદ સાંપડ્યા હતા. મિશનના મુખિયાજીની સાથે તેમના પુરોગામી અને પિતા તેમનો તેમનો દિવ્ય પરિવાર પણ ઉપસ્થિત હતો. હવેલીના ટ્રસ્ટીઓમાં સુભાષભાઈ લાખાણી, જગદીશભાઈ પટેલ, મીનાબહેન પોપટ, દલપતભાઈ કોટેચા અને પ્રમોદભાઈ ઠક્કરની ઉપસ્થિતિ નોંધપાત્ર હતી. 2a Rosslyn Crescent, Harrow, HA1 2SU સ્થિત નેશનલ હવેલી અને કોમ્યુનિટી સેન્ટરનો ફોન નંબર 020 8861 1207 છે અને વધુ માહિતી મેળવવા માટે તેઓને [email protected] પર ઈમેઈલ પણ કરી શકાય છે.

હવેલીના પાટોત્સવ મહોત્સવના ઉદ્ઘાટનના પવિત્ર પ્રસંગે અનોખા પ્રકારનું કહી શકાય તેવા સોવિનિયરને પ્રસિદ્ધ કરાયું હતું, જેમાં સંસ્થાના સંપ્રદાય સંબંધિત સંપૂર્ણ માહિતી અપાઈ છે. સોવિનિયરમાં પુષ્ટિમાર્ગના લક્ષણો અને ઈતિહાસ, પુષ્ટિમાર્ગની ફીલસુફીઓ- તત્વજ્ઞાન સિદ્ધાંતોનો પરિચય, ભગવાન શ્રી કૃષ્ણના દિવ્ય સ્વરુપ- શ્રીનાથજી, યમુનાજી અને પુષ્ટિમાર્ગના વિવિધ ઉત્સવો વિશે જણાવાયું છે. આ ઉપરાંત, આબાલવૃદ્ધ અને પુષ્ટિ સંપ્રદાયમાં રસ ધરાવતા તમામ લોકોને મદદરુપ નીવડી શકે તેવી વિશિષ્ટ પ્રશ્તોત્તરીનો પણ સમાવેશ તેમાં કરાયો છે.

વહાલા વાચકો, હું માનું છું કે તમને જાણીને આશ્ચર્ય થશે કે જ્ઞાનમાર્ગ, કર્મમાર્ગ અને ભક્તિમાર્ગ આ પુષ્ટિમાર્ગની ત્રણ આધારશિલા છે. આ ત્રણેય પાસાને સોવિનિયરમાં સુંદર રીતે અભિવ્યક્ત કરવામાં આવ્યા છે. નિખાલસતાથી કહીએ તો આ વિશેષ આવૃત્તિ સંપૂર્ણપણે કદરદાની અને પ્રશંસાને પાત્ર છે.

યુકેમાં તેમજ વિદેશોમાં ઉછરેલા અને શિક્ષિત યુવા વર્ગની બહુમતી સાથે સેંકડો લોકો ઉદ્ઘાટન સમારોહમાં ઉમટી પડ્યાં હતાં. આ સમારંભમાં જેજે શ્રીએ અતિ પ્રેરક પ્રવચન કર્યું હતું. તેઓએ સંપ્રદાયના ઉપદેશને સંક્ષિપ્તમાં વર્ણવ્યો હતો. તેઓશ્રીએ પ્રવચનમાં જણાવ્યું હતું કે તેઓ સોવિનિયરના વિષયો અને વિઝ્યુઅલ્સ સહિત તેના પ્રિન્ટિંગથી પ્રભાવિત, પ્રસન્ન છે. તેઓએ હૃદયપૂર્વક સોવેનિયર બોર્ડની કદર કરી હતી.

આ સમારંભમાં મને પણ સંબોધનની તક મળી હતી. મારા વક્તવ્યમાં સંપ્રદાયની ઐતિહાસિક પશ્ચાદભૂ વર્ણવી હતી. પુષ્ટિમાર્ગીય સંપ્રદાયનો આરંભ મોગલકાળ દરમિયાન ૧૬મી સદીની મધ્યે થયો હતો. અકબર બાદશાહની પત્નીઓમાં રાજપૂત રાજકુમારીઓ પણ હતી, જેઓને ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવાની છૂટ મળેલી હતી. બાદશાહે મહેલોમાં હિન્દુ મંદિરોની સ્થાપના કરી હતી જ્યાં નિયમિતપણે પૂજા અને આરતી કરાતાં હતાં. ઐતિહાસિક નોંધો જોઈએ તો અકબર પોતે પણ સંપૂર્ણ ઉત્સાહ સાથે તેમાં ભાગ લેતા હતા. તેમની એક બેગમ ચાંદ બીબી મુસ્લિમ હતી પરંતુ, વૈષ્ણવ પુષ્ટિમાર્ગની ચુસ્ત ભક્ત હતી અને તેમણે ઘણી સ્તુતિઓ અને ભજનોની રચના કરી હતી, જે આજે પણ લોકપ્રિય છે.

જાણીતા પાકિસ્તાની-કેનેડિયન પત્રકાર તારેક ફતેહના ટોરન્ટો સનમાં પ્રસિદ્ધ તાજેતરના લેખનો ઉલ્લેખ પણ મેં કર્યો. તેમણે ભારત દ્વારા આર્ટિકલ ૩૭૦ નાબૂદ કરાયાની તરફેણમાં લખ્યું હતું. ભક્તિમાર્ગની વિશેષતા એ છે કે ભારતમાં ૮૦ ટકા હિન્દુઓ વસે છે. હિંદુત્વ વડ જેવો વિશાળ ધર્મ છે જે વ્યાપકપણે સંવાદિતાને ઉત્તેજન આપે છે. તે તદ્દન અહિંસક છે. ધર્મના વિવિધ સંપ્રદાયો હોવાં છતાં ઈશ્વર તો એક જ છે અને અલગ અલગ નામે તેની પૂજા કરાય છે.

મારા સંબોધનમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બહેરિન અને દુબઈ સાથે બે દિવસની ખાડી દેશોની મુલાકાતનો પણ ઉલ્લેખ કર્યો હતો. દુબઈના શેખ મોહમ્મદ બિન રશીદ અલ મક્તુમે તેમને દુબઈના મિત્ર ગણાવી પ્રતિષ્ઠિત ‘ઓર્ડર ઝાયેદ’ની નવાજેશ કરી હતી. શેખ મોહમ્મદે તો એટલે સુધી કહ્યું કે, ‘મારા ભાઈ મોદી આવ્યા છે.’ આ મુલાકાત થકી મોદીએ વિશ્વને એ દર્શાવ્યું કે ગલ્ફમાં ઈસ્લામ મનાય છે તેવો કટ્ટર નથી. બહેરિનમાં વૈષ્ણવ મંદિરમાં મોદીને આવકારવા યોજાએલા આવા જ કાર્યક્રમનો પણ મેં ઉલ્લેખ કર્યો હતો. તેમણે લગભગ ૧૯૦ વર્ષ જૂના મંદિરના ૪.૨ મિલિયન ડોલરના પુનર્વિકાસ પ્રોજેક્ટનું લોન્ચિંગ કર્યું હતું.

આપણે એ યાદ રાખવું ઘટે કે વિશ્વના અન્ય સ્થળોએ પણ સદીઓ જૂના મંદિરો છે. હેરોમાં ધામ નજીક એક વિશાળ મસ્જિદ છે. અન્ય દેશોમાં આ કદાચ વિલક્ષણ ગણાય પરંતુ, ભારતમાં આ તદ્દન સામાન્ય બાબત છે. તમામ ધર્મો સુમેળ- સંવાદિતા સાથે રહે છે અને ખામીપૂર્ણ સમાજ માટે સંપૂર્ણ સંતુલનનો માર્ગ ચીંધે છે.

(એશિયન વોઈસમાં પ્રકાશિત As I see Itકોલમનો ભાવાનુવાદ)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter