ઇકિગાઈઃ તનદુરસ્ત અને મનદુરસ્ત જીવનનું રહસ્ય

પુસ્તક-પરબ

Tuesday 27th October 2020 07:38 EDT
 
 

કોરોના મહામારીએ લોકોને તનદુરસ્તી અને મનદુરસ્તી વિશે એક નવી સમજણ અંગે જાગૃત કર્યાં છે. આવા સમયે મનમાં એવો પ્રશ્ન થાય કે સદીઓ પહેલાંના ભારતીય ઋષિમુનિઓ ૧૦૦ વર્ષ ઉપરાંતનું લાંબુ, સુખી અને સ્વસ્થ જીવન જીવતા હતા, પણ શું આજે એ શક્ય છે? હા. એ આજે પણ શક્ય છે! જાપાનમાં એક ટાપુ છે, ઓકિનાવા. આજે પણ અહીં ૧૦૦ વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓ આનંદમાં જીવી રહી છે! શું છે એ લોકોના લાંબા, સુખી અને સ્વસ્થ જીવનનું રહસ્ય? એ જાદુઈ રહસ્ય છે - ઈકિગાઈ.
ઈકિગાઈના વિચારો આજે વિશ્વભરમાં ઝડપભેર તરીકે ફેલાઈ રહ્યા છે. ભારતીય સંસ્કૃતિનો ‘નિરામય દીર્ઘાયુ’નો ખોવાઈ ગયેલો વિચાર – આપણને જાપાનીઝ ઈકિગાઈ સ્વરૂપે હવે પાછો મળ્યો છે. જીવનની આગવી સમજણ માટેનો આ વિચાર આજે સર્વાધિક લોકપ્રિય અને પ્રાસંગિક બન્યો છે ત્યારે તેના વિશેનું ગુજરાતી ભાષાનું પહેલું પુસ્તક ‘ઇકિગાઈ’ આર. આર. શેઠ એન્ડ કંપની દ્વારા પ્રકાશિત થયું છે.
ગુજરાતી ભાષાનાં વાચકોને ઉપયોગી અને વિચારપ્રેરક વાંચન મળી રહે તેમજ નવી પેઢી પોતાના વિચારોનું અને જીવનનું યોગ્ય ઘડતર કરી શકે એ હેતુથી આ પુસ્તકનું પ્રકાશન કરાયું છે.
સમર્થ સર્જક અને પત્રકાર રાજ ગોસ્વામીની કલમે લખાયેલા આ પુસ્તકમાં જાપાનીઝ વિચાર વિશે મૌલિક રજૂઆત છે. ભારતીય સંસ્કૃતિ - દૃષ્ટિકોણને કેન્દ્રમાં રાખીને લખાયેલા આ પુસ્તકમાં લાંબા, સુખી અને સાર્થક જીવનનું રહસ્ય સમાયું છે. પરંતુ ઈકિગાઈ એટલે શું? જાપાનીઝ શબ્દ ‘ઈકી’ એટલે જીવન અને ‘ગાઈ’ એટલે ઉદ્દેશ્ય. આ બંને શબ્દો ભેગા કરો એટલે બને ‘ઈકિગાઈ.’
ઈકિગાઈને ત્રણ રીતે સમજી શકાય. એક તો જીવનનો હેતુ, બીજું, સવારે જાગવાનો ઉદ્દેશ્ય અને ત્રીજું, વ્યસ્ત રહેવાનું સુખ. વાચક મિત્રો, આપ સહુને શાયર નિદા ફઝલીનો શેર યાદ હશેઃ કભી કિસી કો મુક્કમલ જહાં નહીં મિલતા, કહીં જમીં તો કહીં આસમાં નહીં મિલતા. કોઈને જમીન મળે તો કોઈને આકાશ મળે. જીવનમાં દરેકને દરેક વસ્તુ ન મળે, પરંતુ જે કોઈ વસ્તુ મળી હોય, તેમાં જ સુખ શોધવું, તે ઈકિગાઈ.
જીવનમાં ઈકિગાઈને અપનાવવા માટે કોઈ રોકેટ સાયન્સ ભણવાની જરૂર નથી. ખુદની ખૂબીઓ અને ત્રુટિઓને ઓળખવી, સ્વીકારવી, જાત સાથે, બીજા લોકો સાથે અને પ્રકૃતિ સાથે લગાવ પેદા કરવો તેમજ નાની-મોટી બાબતોમાંથી સુખ શોધવા જેવા સાધારણ પ્રયાસો તમને તંદુરસ્ત તથા સુખી જીવન આપશે. તમારા દરેક દિવસની શરૂઆત આ રીતે થાય, તે જ તમારી ઈકિગાઈ!
(પૃષ્ઠઃ ૧૬૦ • પ્રકાશકઃ આર. આર. શેઠ એન્ડ કંપની પ્રા. લિ. - અમદાવાદ • www.rrsheth.com)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter