સૃષ્ટિના સર્જનહારોની અનોખી અને અજાણી કથાઓ નવી નજરે

Tuesday 20th October 2020 16:10 EDT
 
 

ભારતીય સંસ્કૃતિમાં ઇશ્વરનું ત્રિ-વિધ રૂપ છેઃ બ્રહ્મા, વિષ્ણુ અને શિવ. આ ત્રિદેવની જુદી જુદી પ્રકૃતિ હોવા છતાં આપણને એ વૈશ્વિક ઐક્યનું મહત્વ સમજાવે છે.
સૃષ્ટિના આ સર્જનહારોનું સત અને મહાત્મ્ય ભક્તો માટે અનોખું રહ્યું છે. એમનાં નામે મંદિરો ઊભાં થાય, પ્રાર્થના - ભજનો ગવાય અને લોકોમાં તેમની શ્રદ્વાનો મહિમા પણ ગવાય. તો સામે પક્ષે રાક્ષસો અને અસુરો પણ અમર થઇ જવાની પોતાની અનંતકાળની ઇચ્છા પૂરી કરવા માટે આ ત્રિદેવ સામે જાતજાતની કેવી કેવી યુક્તિ અજમાવે છે? અને છતાં પણ દરેક વખતે એ લોકો ત્રિદેવ સામે નિષ્ફળ જ કેમ જાય છે? બ્રહ્માજીને પાંચ મસ્તક શા માટે હતાં તેનું રહસ્ય તમે જાણો છો? શિવજીના મસ્તક પર ચંદ્ર છે એનું કારણ શું? શું ભગવાન પણ અંચઇ કરી શકે? પાર્વતીજીએ ક્યા સંજોગોમાં પ્રચંડ યોદ્વાનું રૂપ ધારણ કરેલું?
‘માનવતાની મશાલ’ પુસ્તકમાં એવી તો કેટલીય પુરાતન કથાઓ છે, જે સૃષ્ટિના સર્જનહારોને ઝળહળતો વિજય અપાવે છે. અને સરવાળે માનવતાને જીવતી રાખવાનું કારણ બને છે. લાખો ગુજરાતીઓનાં પ્રિય લેખિકા સુધા મૂર્તિએ અહીં પોતાનાં વિઝન અને એન્ગલથી એ અજાણી અને અનોખી કથાઓને એકસ્ટ્રા-ઓર્ડિનરી બનાવીને નવેસરથી રજૂ કરી છે. વિશાળ વાચક વર્ગ ધરાવતા માત્ર અંગ્રેજી ભાષામાં જ નહીં, ભારતની અન્ય ભાષામાં જ બહોળો વાચકવર્ગ ધરાવતા સૂધા મૂર્તિની કસાયેલી કલમે લખાયેલા આ પુસ્તકની રસાળ અને ભાવસભર ગુજરાતીમાં રજૂઆત કરી છે તેમના જેવા જ ગુજરાતના જાણીતા લેખિકા વર્ષા પાઠકે.
ભારતીય પુરાણકથાઓ પરનું સુધા મૂર્તિનું આ બીજું પુસ્તક છે. તેઓ કહે છે એમ તેમણે તેમના પ્રિય વાચકો અને ભાવિ પેઢી માટે આ પુસ્તક લખ્યું છે.
સૃષ્ટિના સર્જનહારોના વિજયની આ કથાઓ દ્વારા જીવનને તમે પણ નવી દૃષ્ટિથી જોઇને અનેક પ્રશ્નોનો ઉકેલ સરળતાથી મેળવી શકશો..
(પૃષ્ઠઃ ૧૫૨ • પ્રકાશકઃ આર. આર. શેઠ એન્ડ કંપની પ્રા.લિ. - અમદાવાદ • www.rrsheth.com)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter