હમ હોંગે કામયાબઃ જીવન વિકાસલક્ષી અને પ્રેરણાદાયી લેખોનો સંગ્રહ

પુસ્તક પરિચય

- પ્રફુલ્લ કાનાબાર Wednesday 13th March 2024 06:06 EDT
 
 

દેશવિદેશમાં બહોળો વાચક વર્ગ ધરાવતા જાણીતા લેખક શ્રી પ્રફુલ્લ કાનાબારનું તાજેતરમાં રિલીઝ થયેલું નવું પુસ્તક એટલે ‘હમ હોંગે કામયાબ’. પ્રસ્તુત પુસ્તકમાં જીવન વિકાસલક્ષી અને મોટીવેશનલ 32 લેખોનો સંગ્રહ છે. યુવાનો માટે લાઈફચેન્જર સાબિત થાય તેવા આ વિવિધ લેખમાં જીવન કેવી રીતે જીવવું જોઈએ એનો સ્પષ્ટ સંદેશ છે.
આજે ડિજિટલ યુગમાં યુવાનો કોઈ પણ કાર્ય કઈ રીતે કરવું તે કોમ્પ્યુટરમાં ગૂગલમાં સર્ચ કરીને જોઈ શકે છે પણ આ કાર્ય હું શા માટે કરવા માંગુ છું? એ સવાલ ભાગ્યે જ કોઈ યુવાનના મનમાં થતો હોય છે. દરેક પાસે આંતરિક શક્તિઓ, સૂઝસમજ હોય છે. બસ, જરૂર હોય છે એને બહાર લાવવાની, નિખારવાની. આ પુસ્તક વ્યક્તિની આંતરિક શક્તિઓને બહાર લાવવામાં, તેને નિખારવામાં લાવવામાં ઉપયોગી થાય તેવું છે.
પુસ્તકમાં સમાવાયેલા અમુક લેખના શીર્ષક જ ઘણું બધું કહી જાય છે. જેમ કે, ‘જગત ચહેરો નહીં કાર્યોને યાદ રાખે છે’, ‘કોઈ નિષ્ફળતા અંતિમ હોતી નથી’, ‘આપણે જ આપણા જીવનના શિલ્પકાર’, ‘સુખ લેવામાં... સાર્થકતા આપવામાં’, ‘નિષ્ફળતા સફળતા તરફનું પ્રથમ પગથિયું છે’ તથા ‘આત્મસન્માન’નો સમાવેશ થાય છે. અમદાવાદ સ્થિત જાણીતા ગૂર્જર સાહિત્ય પ્રકાશન દ્વારા પ્રકાશિત થયેલ ‘હમ હોંગે કામયાબ’ પુસ્તક માત્ર યુવાનો માટે જ નહીં બલ્કે કોઈ પણ ઉમરની વ્યક્તિ માટે પથદર્શક બની રહે તેવું છે.
ગૂર્જર સાહિત્ય પ્રકાશનના સહયોગથી આ પુસ્તક સ્કૂલ તથા કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ભેટમાં આપવાનો એક સેવાકીય પ્રોજેક્ટ પણ હાથ ધરાયો છે. યુવાનોને ઉત્તમ જીવન જીવવા માટેની પ્રેરણા મળે એ તો આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ છે જ, પણ સોનામાં સુગંધ ભળે તેવી વાત એ છે કે લેખક આ પુસ્તકના વેચાણ થકી મળનારી રોયલ્ટની તમામ આવકનો ઉપયોગ સમાજના જરૂરિયાતમંદ વ્યક્તિઓના ઉત્કર્ષ માટે ઉપયોગ કરે છે. પુસ્તકની કિંમત રૂ. 140 છે જે ડિસ્કાઉન્ટ સાથે માત્ર રૂ. 110માં ઉપલબ્ધ છે. આ ઉપરાંત પુસ્તકની 50 નકલ ખરીદનારને અથવા વિદ્યાર્થીઓને ડોનેટ કરવા ઇચ્છતી વ્યક્તિને આ પુસ્તક પચાસ ટકા ડિસ્કાઉન્ટ એટલે કે માત્ર 70 રૂપિયામાં અપાય છે. આમ વ્યક્તિ પોતે ઈચ્છે તે સ્કૂલ કે કોલેજ કે સંસ્થાને એકદમ નજીવી રકમમાં પચાસ પુસ્તકો ડોનેટ કરી શકે છે.
(પૃષ્ઠઃ 100 • પ્રકાશકઃ ગુર્જર સાહિત્ય પ્રકાશન - અમદાવાદ • ઇમેઇલઃ [email protected])


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter