પૂર્વ આફ્રિકાથી બ્રિટનઃ ભારતીય ઇમિગ્રન્ટ્સના ઇતિહાસનું સ્થળાંતર

થેમ્સ-ગંગા સેતુબંધ

રોહિત વઢવાણા Tuesday 09th July 2019 05:06 EDT
 
 

લાખો ભારતીયો યુકેમાં આવીને વસ્યા, સ્થાયી થયા અને સમૃદ્ધ પણ થયા. મોટાભાગના લોકો અહીં પૂર્વ આફ્રિકાના દેશોમાંથી સ્થળાંતરિત થઈને પાંચેક દાયકા પહેલા આવેલા. આજે તો તેમની ત્રીજી પેઢી પણ જુવાનીએ પહોંચી છે. આજના ભારતીય-બ્રિટિશ યુવાનો અને તેમના દાદા-દાદી કે વૃદ્ધ માતા-પિતા (કે જેઓ ભારત સાથે જોડાયેલા હતા) તેમના ઇન્ડિયા પ્રત્યેના આઉટલુકમાં ઘણો તફાવત છે. જૂની પેઢી હજીયે પોતાને ભારત સાથે સારી રીતે સાંકળી શકે છે, પરંતુ બે જનરેશન બાદ વધારે બ્રિટિશ સોસાયટીના સંપર્કમાં રહેલી યુવા પેઢીને ભારતનું એક્સપોઝર બહુ ઓછું છે. તેઓએ વડીલો પાસેથી સાંભળેલું હોય કે ક્યારેક ક્યારેક લીધેલી પૂર્વજોના ગામની મુલાકાત દરમિયાન કંઈક ગ્રહણ કર્યું હોય તેના સિવાય વધારે તાદાત્મ્ય સાધી ન શકે તે સ્વાભાવિક છે. જોકે ઉત્તરોત્તર દરેક પેઢીમાં તેમનું ભારતીયપણું કોઈક રીતે તો જળવાઈ રહ્યું છે. તેના માટે અનેક સંસ્થાઓએ સક્રિય ભાગ ભજવ્યો છે. 

ચિંતાની વાત એ છે કે પાકેલી ઉંમરે પહોંચેલી એ પેઢી કે જેમણે ભારતથી પૂર્વ આફ્રિકા અને ત્યાંથી અહીં સફર ખેડેલી તેના અનુભવોને શિસ્તબદ્ધ રીતે નોંધવામાં આવ્યા નથી. તેમનો રેકોર્ડ રાખવામાં આવ્યો નથી. સ્થળાંતર એક સ્વયંભૂ અને અનિર્ધારીત પ્રક્રિયા હતી. તેઓ યુકે આવવા માટે આફ્રિકા ગયા નહોતા. તેમનો ઈરાદો તો આફ્રિકા જવાનો અને ત્યાં કામ-ધંધો કરવાનો હતો. પરંતુ તેમણે શા માટે યુકે તરફ પ્રયાણ કર્યું, તેમને શું સમસ્યાઓનો સામનો કરવો પડ્યો, તેમને શું સવલતો મળી અને આજે તેમના અભિપ્રાયમાં તેઓ પોતાના આ અનુભવ, સંઘર્ષ, સાહસ અને સ્થળાંતરને કેવી રીતે મૂલવે છે તે સમાજશાસ્ત્રની દૃષ્ટિએ ખુબ મહત્ત્વનો અભ્યાસ થઇ પડે તેમ છે.
ભારતના પશ્ચિમ કિનારેથી સઢ વાળા વહાણોમાં સફર શરૂ કરવાથી લઈને આજે પોતાની ત્રીજી - ચોથી પેઢીને યુકેમાં સેટલ થયેલી જોઈને ખુશીના આંસુઓના ધોધને પાંપણની પાળ પાછળ બાંધી રાખવા સુધીના તેમના અનુભવો આપણા થેમ્સ-ગંગા સેતુબંધને મજબૂત કરવા માટેનો અમૂલ્ય ખજાનો છે. આ ખજાનો સમયસર ગ્રંથસ્થ કરવામાં નહિ આવે તો સમયના રણમાં દટાઈ જશે અને આપણી પાસે તેના અંગે અટકળો કરવા સિવાય બીજું કઈ જ નહિ બચે.
આ દિશામાં થયેલા પ્રયત્નોને બિરદાવવા ઉપરાંત તેને વધારે અંગત દૃષ્ટિકોણ આપવાની દૃષ્ટિથી હું ઈચ્છું છું કે આપણે થોડી ધીરજથી અને સાતત્યથી આ બાબતને થોડી નજીકથી જોઈએ અને જાણીએ. એટલા માટે આવા ભારત - યુકેના સેતુબંધ કહી શકાય તેવા તમારા, પરિવારના કે મિત્રોના વર્તમાન કે ભૂતકાળના અનુભવ કે બોધપાઠ જણાવી શકો તો તેને બીજા લોકો સુધી કોઈને કોઈ રીતે પહોંચાડવાનો પ્રયત્ન કરી શકાય. તમારી પાસે એવી કોઈ વાત કે સૂચન હોય અને જણાવવા ઇચ્છતા હોય તો ઇમેઇલ કરો: [email protected]


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter