ઇંગ્લેન્ડમાં તા. 5 મે, 1972ના ઐતિહાસિક દિવસે ‘ગુજરાત સમાચાર’ના પ્રથમ અંકનું ભારત સરકારના મુત્સદ્દી રાજપુરુષ માનનીય અપ્પાસાહેબ પંતના વરદ હસ્તે વિમોચન કરાયું. મને એ સમય બરાબર યાદ છે. 2021નું વર્ષ મારા માટે અમેરિકામાં મારા આગમનની સુવર્ણજયંતીનું વર્ષ હતું. વિદ્યાર્થી તરીકે બેન્કની લોન લઈને ઉચ્ચ અભ્યાસ માટે હું અમેરિકા આવ્યો હતો. બિલકુલ નવો અને અલગ જ દેશ. જીવનપદ્ધતિ, વાતાવરણ અને હવામાન, સંસ્કૃતિ, અલગ પ્રકારની અંગ્રેજી ભાષા, બહુ ઓછા મિત્રો, શાકાહાર બનાવવા માટે ખૂબ મર્યાદિત સીધું-સામાન-કરિયાણું, વતનમાં વાત કરવા માટે ટેલિફોનની સગવડનો અભાવ વગેરે વગેરે અનેક મુસીબતો હતી. એ જ રીતે 'ગુજરાત સમાચાર'ને રણ એવાં જ સંકટો વેઠવાનાં આવ્યાં હશે. આજની જેમ એ દિવસોમાં સમાચારો મેળવવાની કે લેખન-સામગ્રી મેળવવાની કોઈ ટેકનોલોજી નહોતી. લવાજમ, જાહેરખબરો, બેન્કલોન, યોગ્ય સ્ટાફ વગેરેની તકલીફો હતી. પરંતુ એક પ્રતિબદ્ધ કર્મચારીગણના કારણે, તંત્રી-પ્રકાશકના પ્રોત્સાહનના પગલે એક પછી એક સંકટ દૂર થતું ગયું અને આજે પોતાની સુવર્ણ જયંતી ઊજવી રહ્યું છે. આ માટે માત્ર ABPL જૂથને જ નહીં, બલકે તેના દરેક વાચક-લેખક, જાહેરખબર આપનારા કન્ટ્રીબ્યુટર-બિઝનેસ કમ્યુનિટી, જન્મદિવસની શુભેચ્છા આપનારાઓ, શ્રદ્ધાંજલિ કે ધાર્મિક નોંધ મોકલનારા અને એવા સૌને આ પોતીકા અખબાર માટે ગૌરવની લાગણી થાય છે.
તા. 1 મે એ ભારતમાં ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યો છૂટા પડ્યાનો ઐતિહાસિક દિવસ છે અને કેનેડાની ધરતી ઉપર મારખમ, ઓન્ટારિયોના સનાતન મંદિર તથા સાંસ્કૃતિક કેન્દ્ર, મારખમ ખાતે લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના અનાવરણનો કાર્યક્રમ યોજાયો. તા. 2 મે ઈદ-ઉલ-ફિત્રનો દિવસ ઇસ્લામિક કેલેન્ડર મુજબ રમઝાનના પવિત્ર ઉપવાસના મહિનાનો અંતિમ દિવસ હોય છે, જે દિવસે મુસ્લિમ સમાજમાં ઈદ મનાવવામાં આવે છે. તો, તા. 3 મે અક્ષયતૃતીયાનો હિન્દુ પવિત્ર તહેવારનો દિવસ હતો, જે દિવસે ભગવાન વિષ્ણુ તથા મહાલક્ષ્મીની ખાસ પૂજા કરવામાં આવે છે. આ દિવસે જાણીતા યાત્રાધામ બદ્રીનારાયણ ધામનાં દ્વાર ખૂલી જાય છે. તેથી, મે મહિનાનું પ્રથમ સપ્તાહ ઘણા અર્થમાં પવિત્ર બની રહે છે અને એ જ મહિનાની તા. 5મીએ ‘ગુજરાત સમાચાર’ની સુવર્ણ જયંતીનો અનોખો અવસર. આ બધાંનો સુભગ સમન્વય થતાં ઉમંગ અને ઉત્સાહની સીમા રહેતી નથી.
આ પત્ર હું સનાતન મંદિરે મધર્સ ડે ઉપર ભજનમાંથી પરત ઘેર આવીને લખી રહ્યો છું. મધર્સ ડે નિમિત્તે ટોરોન્ટોના ગુંજન મ્યુઝિકલ ગ્રુપના કિરીટ મિસ્ત્રીએ સતત બે કલાક સુધી કર્ણપ્રિય ભજનોની રમઝટ બોલાવીને માતાને વંદન પાઠવ્યાં. કેનેડા, અમેરિકા, ભારત સહિત ઘણા દેશોમાં તા. 8 મેનો દિવસ મધર્સ ડે તરીકે ઉજવાય છે.
‘ગુજરાત સમાચાર’ તથા ‘એશિયન વોઇસ’ બંનેને અમે આ દિવસે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. આગામી વર્ષોમાં પણ તે આવી જ પ્રગતિ કરતાં રહે, એવી પ્રાર્થના.


