પ્રગતિ પંથે પ્રયાણનું સાતત્યઃ ડો. મનોજ સોની

દેશવિદેશે ગુજરાત

પ્રા. ચંદ્રકાન્ત પટેલ Saturday 04th January 2020 08:36 EST
 
 

સ્વામિનારાયણ સંપ્રદાયમાં અતૂટ શ્રદ્ધાભરી વિધવા માતાનો એ પુત્ર. ભણવામાં અને ભક્તિમાં મોખરે. એમ.એસ. યુનિવર્સિટીમાં બી.એ. અને એમ.એ. ડિસ્ટીંક્શન સાથે પ્રથમ વર્ગમાં પ્રથમ આવીને પોલિટિકલ સાયન્સમાં યુનિવર્સિટીમાં રીડર અને પછી પ્રોફેસર. નોકરીની સાથે જ ૧૯૯૬માં ૩૧ વર્ષની વયે ‘ઠંડા યુદ્ધ’ પછીના સમયમાં આંતરરાષ્ટ્રીય સત્તા પરિવર્તન વિશે પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત થઈ.

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન દર વર્ષે પીએચ.ડી. થનારની થિસિસનો પરિચય પ્રગટ કરે તેમાંથી સમગ્ર વિશ્વનાં દશ મોટાં પ્રકાશન ગૃહમાં સ્થાન ધરાવનાર લંડનના એશગેઈટ પ્રકાશન ગૃહે એ થિસિસ પુસ્તકરૂપે પ્રગટ કરી. કારણ? ૧૯૯૧માં રશિયાના વિઘટન પછીનાં તરતનાં વર્ષોમાં યુરોપમાં થયેલા સત્તાપરિવર્તનનો અભ્યાસ એ થિસિસમાં હતો.
૨૦૧૫માં આ ભાઈ એટલે કે મનોજ સોની જે એમ.એસ. યુનિવર્સિટીમાં પંદર વર્ષ પહેલાં વિદ્યાર્થી હતા તેમાં તે વાઈસ ચાન્સેલર બન્યા. આઝાદી પછી ભારતની કોઈ પણ યુનિવર્સિટીમાં માત્ર ૩૯ વર્ષની વયે વાઈસ ચાન્સેલર બનવાની આ ઘટના સૌપ્રથમ હતી. જે પ્રોફેસરો પાસે એ ભણ્યા હતા તેમાંના કેટલાક હજી એ યુનિવર્સિટીમાં ચાલુ હતા!
માત્ર ૩૯ વર્ષની વયે ડો. મનોજ સોનીએ અહીં નિર્ભય બનીને ક્રાંતિકારી પગલાં લઈને યુનિવર્સિટીના કેમ્પસને કહેવાતા વિદ્યાર્થી નેતાઓ અને તેમને હાથો બનાવીને રાજકારણના આટાપાટા ખેલતા રાજકીય નેતાઓની પકડમાંથી મુક્ત કરી. આ માટે વિદ્યાર્થીઓ શાંતિથી ભણે અને તોફાનો ના થાય તે માટે વિદ્યાર્થી યુનિયનની ચૂંટણીમાં સુધારા કર્યાં કે જેમાં નાપાસ વિદ્યાર્થીઓ કે ૩૦ વર્ષથી ઉપરની ઉંમરના વિદ્યાર્થી ચૂંટણી જ ના લડી શકે. યુનિયનની ચૂંટણીમાં દરેક પેનલમાં જનરલ સેક્રેટરી અથવા વાઈસ પ્રેસિડેન્ટ બેમાંથી એક ઉમેદવાર છોકરી હોવી જ જોઈએ. આમ થતાં ચૂંટણી પ્રચારમાં અસભ્ય ભાષા ઘટી અને ભૂતિયા વિદ્યાર્થી નેતા બંધ થયાં.
યુનિવર્સિટીમાં વર્ષોથી પ્રમોશન અટક્યાં હતાં. ખાલી જગ્યા ભરતાં એક જૂથ નારાજ થાય. માટે નિર્ણય લેવાયા ન હતા. ડો. સોનીએ નીડરતાથી આ નિર્ણય લીધો. આ નિર્ણયોથી શિક્ષણમાંના અવરોધ દૂર થયા.
એમ.એસ. યુનિવર્સિટીમાં વાઈસ ચાન્સેલરની મુદ્દત પૂરી થતાં ૨૦૦૯માં એમની આંબેડકર ઓપન યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર તરીકે નિમણૂક થઈ. યુનિવર્સિટી ૧૯૯૪થી કાગળ પર હતી, પણ એની પાસે પોતાનું મકાન ન હતું. શિક્ષકો કે બીજા કાયમી કર્મચારી ન હતા. મનોજભાઈએ સરકાર પાસેથી ૨૦ એકર જમીન મેળવી. ૪૫ કરોડ રૂપિયાના ખર્ચે નવું કેમ્પસ સર્જ્યું. કાયમી શૈક્ષણિક અને કાયમી કર્મચારીઓ નીમ્યા. આંબેડકર યુનિવર્સિટીએ યુનિવર્સિટીના ટીવી અને રેડિયો મારફતે વિદ્યાર્થી સાંભળીને ભણી શકે અને પરીક્ષા આપી શકે તેવી જોગવાઈ કરી. ભારતમાં આવું કરનાર તે પ્રથમ યુનિવર્સિટી બની. આધુનિક ઉપકરણો આઈપેડ, મોબાઈલ કે લેપટોપ મારફતે સંપૂર્ણ અભ્યાસક્રમ વિના શિક્ષકે થાય તેવું ભારતમાં પ્રથમવાર થયું. અગાઉ કરતાં વિદ્યાર્થીઓની સંખ્યા બમણી થઈ!
મનોજભાઈ આંબેડકર યુનિવર્સિટીમાં એમની મુદ્દત પૂરી થઈ તે સરદાર પટેલ યુનિવર્સિટીની પોતાની અગાઉના પ્રોફેસર તરીકેના પોતાના સ્થાને પાછા ગયા.
મનોજભાઈ અનુપમ મિશનના પૂ. જશભાઈ સાહેબને ગુરુ માનીને સમર્પિત હતા તેથી હવે ૫૦ વર્ષની વય થતાં કાયદા મુજબ પેન્શન વગેરેના લાભ મળે તેમ હતું. તન-મન તંદુરસ્ત હતાં. વિચાર્યું કે હવેનાં દશ વર્ષ મિશનની સેવા કરું. આ માટે સાહેબને મળીને વિનંતી કરતાં પૂ. સાહેબ સંમત થયા અને યુનિવર્સિટીમાંથી રાજીનામું આપ્યું. સાહેબે તેમને અનુપમ મિશનની યોગી વિદ્યાપીઠના ઉપકુલપતિ તરીકે જવાબદારી સોંપી. મિશનની પ્રવૃત્તિઓમાં તે ગળાડૂબ થયા.
૨૦૧૭માં ભારતના રાષ્ટ્રપતિએ તેમને પબ્લિક સર્વિસ કમિશનમાં સભ્ય બનાવવા વિચાર્યું. સાહેબને જાણ કરતાં, સાહેબે તેમને જવાબદારી સંભાળવા કહ્યું. ૧૯૨૬માં ભારતમાં પબ્લિક સર્વિસ કમિશન સ્થપાયું તેના ઈતિહાસમાં ૫૨ વર્ષની વયે સભ્ય બનનાર તેઓ એકમાત્ર વ્યક્તિ છે.
પબ્લિક સર્વિસ કમિશનમાં કુલ ૧૦ સભ્ય હોય છે. આના સભ્ય ભારતીય ચૂંટણી કમિશનર અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની સમકક્ષ ગણાય છે. બીજી રીતે કહીએ તો રાજ્યના ગવર્નરની જેમ આ સ્થાન પણ બંધારણીય છે. પબ્લિક સર્વિસ કમિશનના સભ્યને પ્રોટોકોલ ઓફિસર હોય છે. પ્રવાસ વખતે તેમનું ગૌરવ સચવાય તેમ વિમાનીમથકે કે અન્યત્ર સવલતોનું અને ગૌરવનું ધ્યાન રાખે છે. વધારામાં તેમને છ જેટલા મદદનીશ, વાહન અને સંપૂર્ણ સજ્જ નિવાસસ્થાન મળે છે. સભ્યપદની છ વર્ષની મુદ્દતમાં વધારો ના થઈ શકે કે આવા સભ્ય નિવૃત્તિ પછી નોકરી પણ ન કરી શકે. માત્ર ૫૨ વર્ષની નાની વયે તેમને મળેલી આ નિમણૂક પણ અત્યાર સુધીમાં અભૂતપૂર્વ છે.
ડો. મનોજ સોનીએ શિક્ષણ અને નાની વયે એમણે જે તે ક્ષેત્રે મેળવેલી સિદ્ધિઓએ વયની રીતે વિક્રમ નોંધાવ્યો છે. ફિલોસોફર કીંગની સોક્રેટિસની કલ્પના એ ધર્મ અને નીતિમય જીવન જીવતા, નિષ્ઠા અને નિપુણતાનો સમન્વય ધરાવતાં ડો. સોનીએ સાર્થક કરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter