દિલ્હી યુનિવર્સિટીના સીમાચિહ્ન સ્થાપનાદિનની ઉજવણી નિમિત્તે હરદીપ સિંહ પૂરી દ્વારા સંપાદિત નવા પુસ્તક ‘Delhi University: Celebrating 100 Glorious Years’નું લોકાર્પણ પ્રતિષ્ઠિત હિન્દુ કોલેજ ઓફ દિલ્હી યુનિવર્સિટી ખાતે 27 સપ્ટેમ્બર 2022ના રોજ કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીએ 1 મે 2022ના દિવસે તેની 100મી વર્ષગાંઠ ઉજવી હતી.
હિન્દુ કોલેજના પૂર્વ વિદ્યાર્થી અને પુસ્તકના એડિટર હરદીપ સિંહ પૂરી હાઉસિંગ અને અર્બન એફેર્સ તથા પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલયના કેન્દ્રીય પ્રધાન છે જેઓ રાજનીતિ-ડિપ્લોમસીમાં ચાર દાયકા લાંબી કારકિર્દી ધરાવતા કેરિઅર ડિપ્લોમેટ છે. ત્રણ પુસ્તકોના લેખક પૂરીએ લોકાર્પણ વેળાએ કહ્યું હતું કે આ યુનિવર્સિટી દેશમાં સૌથી સફળ યુનિવર્સિટીઓમાં એક અને શ્રેષ્ઠતાનું અગ્રેસર કેન્દ્ર છે. બૂક લોન્ચિંગમાં પૂર્વ વાઈસ ચાન્સેલર દિનેશ સિંહ, યુનાઈટેડ નેશન્સમાં પૂર્વ આસિસ્ટન્ટ સેક્રેટરી-જનરલ અને UN WOMEN ના ડેપ્યુટી એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર લક્ષ્મી પૂરી, સહિત આ પુસ્તકમાં યોગદાન આપનારા મહાનુભાવોની ઉપસ્થિતિ તરી આવતી હતી. પ્રસિદ્ધ અભિનેતા અમિતાભ બચ્ચને આ પુસ્તકની પ્રસ્તાવના લખીછે.
DUના હુલામણા નામે ઓળખાતી દિલ્હી યુનિવર્સિટી અથવા યુનિવર્સિટી ઓફ દિલ્હી કોલેજિએટ સેન્ટ્રલ યુનિવર્સિટી છે જેની સ્થાપના એક્ટ ઓફ ધ સેન્ટ્રલ લેજિસ્લેટિવ એસેમ્બલી અંતર્ગત 1922માં થઈ હતી. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન દ્વારા ઈન્સ્ટિટ્યૂટ ઓફ એમિનન્સ તરીકે માન્યતા ધરાવતી DU ભારતમાં ઉચ્ચ શિક્ષણની સૌથી મોટી સંસ્થાઓમાં એક બનવા ઉપરાંત, વિશ્વની સૌથી મોટી યુનિવર્સિટીઓમાં સ્થાન ધરાવે છે. યુનિવર્સિટીના નોર્થ અને સાઉથ કેમ્પસીસમાં 16 ફેકલ્ટીઝ-વિદ્યાશાખા, 86 ડિપાર્ટમેન્ટ્સ, 77 અંગભૂત કોલેજીસ અને અન્ય પાંચ ઈન્સ્ટિટ્યૂટ્સ પથરાયેલાં છે. ભારતના ઉપરાષ્ટ્રપતિ યુનિવર્સિટીના ચાન્સેલર તરીકે સેવા આપે છે.
દિલ્હી યુનિવર્સિટીની શરૂઆતમાં માત્ર બે વિદ્યાશાખા (આર્ટ્સ અને સાયન્સ) હતી અને કુલ 750 વિદ્યાર્થી હતા. તે સમયે દિલ્હીમાં માત્ર ચાર કોલેજ- 1881માં સ્થાપિત સેન્ટ સ્ટીફન્સ કોલેજ, 1899માં સ્થાપિત હિન્દુ કોલેજ, 1792માં સ્થાપિત ઝાકિર હૂસૈન દિલ્હી કોલેજ (જે ધ દિલ્હી કોલેજ તરીકે ઓળખાતી હતી) અને 1917માં સ્થાપિત રામજાસ કોલેજ હતી. આ બધી કોલેજો સમયાંતરે યુનિવર્સિટી સાથે જોડાઈ ગઈ હતી.
યુનિવર્સિટીનું રજત જયંતી વર્ષ 1947માં ભારતના સ્વાતંત્ર્યની સાથે જ સંકળાયેલું છે. ભારતના તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ 1948માં યોજાએલા વિશેષ સમારંભમાં હાજરી આપી હતી કારણકે ભારતના વિભાજનના પરિણામે 1947માં કોઈ દીક્ષાંત સમારોહ યોજી શકાય તેમ ન હતો. આ વિશેષ સમારંભમાં લોર્ડ માઉન્ટબેટન, લેડી માઉન્ટબેટન, અબુલ કલામ આઝાદ, ઝાકિર હુસૈન અને શાંતિ સ્વરૂપ ભટનાગર પણ ઉપસ્થિત રહ્યા હતા. 1973માં યુનિવર્સિટીના સુવર્ણજયંતી વર્ષની ઉજવણીમાં ભારતના તત્કાલીન વડા પ્રધાન ઈન્દિરા ગાંધી, સત્યજિત રાય, અમૃતા પ્રીતમ, એમ.એસ. સુબ્બાલક્ષ્મી સહિત અન્ય સુવિખ્યાત મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
યુનિવર્સિટીની આવી રસપ્રદ યાત્રાએ આ પુસ્તકની પ્રેરણા આપી હતી. આ યુનિવર્સિટીની ભૂમિમાંથી ભારતના અનેક રાષ્ટ્રનિર્માતા-ઘડવૈયાઓ અને દષ્ટિ-નીતિનિર્ણાયકો બહાર આવ્યા હતા. તેના પૂર્વ વિદ્યાર્થીઓમાં રાજકીય નેતાઓ, ન્યાયવિદો, કળાકારો, રાજદ્વારીઓ, એન્ટ્રેપ્રીન્યોર્સ અને સાહિત્યકારોનો સમાવેશ થયો હતો. વર્ષ 1922માં તેની સ્થાપનાના સમયથી શૈક્ષણિક અને સંશોધનીય શ્રેષ્ઠતાની મજબૂત પ્રતિબદ્ધતાએ દિલ્હી યુનિવર્સિટીને આદર્શ અને નવો ચીલો ચાતરનાર તરીકે સ્થાપિત કરી હતી. તેની સમૃદ્ધ શૈક્ષણિક પરંપરાઓએ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને આકર્ષ્યા હતા જેમાંથી ઘણાએ સમાજને મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
આ પુસ્તકમાં જકડી રાખે તેવા 14 મનોહારી નિબંધનો સમાવેશ થાય છે જે યુનિવર્સિટીની અનોખી આકર્ષકતાને પ્રકાશિત કરે છે, તેના ભવ્ય ભૂતકાળને, પ્રેરણારુપ વર્તમાન અને ભવિષ્યની કલ્પનાશીલ દષ્ટિને પ્રતિબિંબિત કરે છે. ઉદારતાપૂર્વક લખાયેલી પ્રસ્તાવનામાં અમિતાભ બચ્ચને કિરોડીમલ કોલેજમાં પોતાના અભ્યાસકાળનું નમ્ર નિરુપણ કર્યું છે. સંસદસભ્ય શશી થરૂરે સેન્ટ સ્ટીફન્સ કોલેજમાં પોતાના અભ્યાસકાળ વિશે છટાદાર વર્ણન લખ્યું છે જ્યારે, સન્માનીય જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડે DUના શિક્ષણની ગુણવત્તા અને તેની બે કોલેજોએ તેમનામાં સ્થાપિત કરેલી વિદ્વત્તાપૂર્ણ પ્રકૃતિ વિશે લખ્યું છે. કેન્દ્રીય પ્રધાન કિરણ રિજૂજૂએ હંસરાજ કોલેજમાં તેમના અભ્યાસ વિશે વર્ણન કર્યું છે જ્યાં તેમણે તેમની ક્ષિતિજોને વિસ્તારવામાં મદદરૂપ DUના અનુભવોને આત્મસાત કર્યા હતા.
લેડી શ્રી રામ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ ડો. મિનાક્ષી ગોપીનાથે ભારતમાં હાયર સેકન્ડરી એજ્યુકેશનના કારણરૂપ તેમજ આ કાર્યમાં Duની અસામાન્ય ભૂમિકા વિશે વિદ્વત્તાપૂર્ણ લેખ લખ્યો છે. આ જ કોલેજના અગ્રણી વિદ્યાર્થિની અને પૂર્વ એમ્બેસેડર અને યુએન એક્ઝિક્યુટિવ લક્ષ્મી પૂરીએ લૈંગિક સશક્તિકરણ સંબંધિત તેમના કાર્યના ઘડતરમાં આ સંસ્થાએ જે વિકાસાત્મક ભૂમિકા ભજવી હતી તેના વિશે લખ્યું છે.
આ પ્રસંગે સંબોધન કરતા મિનિસ્ટર પૂરીએ જણાવ્યું હતું કે આ પ્રતિષ્ઠિત સંસ્થા માટે હજુ ભવ્ય આદરાંજલિઓ આવતી રહેશે. તેમણે આશા દર્શાવી હતી કે યુનિવર્સિટીના વિવિધ ક્ષેત્રોમાં તેમના કેટલાક પૂર્વ વિદ્યાર્થીઓના મંતવ્યો અને અભિપ્રાયોને એકસાથે લાવતી વીણેલી કૃતિઓનો સંગ્રહ- anthology યુનિવર્સિટીની ધરોહરની વધુ ગંભીર અને વિચારપૂર્ણ તપાસ તેમજ ભારતમાં ઉચ્ચ શિક્ષણ પર તેની નકારી ન શકાય તેવી અસરોનો આરંભ બની રહેશે. આ anthology અત્યાર સુધી યુનિવર્સિટીને દૂરથી જ નિહાળનારા સંભવિત વિદ્યાર્થીઓને દેશમાં સૌથી પ્રતિષ્ઠિત જાહેર યુનિવર્સિટીઓમાં એકનું આંતરિક દર્શન કરાવશે. જેઓ આ યુનિવર્સિટીથી ગાઢપણે પરિચિત છે તેઓ સંસ્થાના કેટલાક સૌથી પ્રસિદ્ધ પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા શાબ્દિક વર્ણનો થકી પોતાના સૌથી પ્રિય સંભારણાઓને વાગોળી શકશે.
(રુચિ ઘનશ્યામ ભારતના યુકેસ્થિત પૂર્વ હાઈ કમિશનર છે. ભારતીય વિદેશ સેવામાં ૩૮ કરતાં વધુ વર્ષની કારકિર્દી ધરાવવા સાથે તેમણે યુકેમાં આવતા પહેલા સાઉથ આફ્રિકા, ઘાના સહિત અનેક દેશોમાં કામગીરી બજાવી હતી. ભારતની આઝાદી પછી યુકેમાં હાઈ કમિશનરનું પોસ્ટિંગ મેળવનારાં તેઓ માત્ર બીજાં મહિલા હતાં. તેમનાં કાર્યકાળ દરમિયાન તેઓ યુકે-ભારતના સંબંધોમાં નોંધપાત્ર વિકાસ અને ઘટનાઓનાં સાક્ષી રહ્યાં છે.
Twitter: @RuchiGhanashyam)


