પ્રમુખ સ્વામી મહારાજની સિદ્ધિઓની ઝલક - ૧૯૭૧થી ૧૯૮૫

- નીતિનભાઈ અને કમુબેન પલાણ Tuesday 14th September 2021 15:01 EDT
 
 

૨૩ જાન્યુઆરી, ૧૯૭૧ના રોજ યોગીજી મહારાજ અક્ષરધામમાં ગયા અને પ્રમુખ સ્વામી મહારાજ BAPS શ્રી સ્વામીનારાયણ સંસ્થાના આધ્યાત્મિક અને એડમિનિસ્ટ્રેટિવ હેડ બન્યા. તે સમય દરમિયાન તેમણે જરા પણ થાક્યા વિના તેમનું કાર્ય ચાલુ રાખ્યું અને સેંકડો ગામોની મુલાકાત લીધી તથા ૩૦૦થી વધુ નવા સાધુને દીક્ષા આપી હતી. કોસીન્દ્રા, સાંકરી અને કોલકાતામાં કેટલાંક નવા મંદિર સહિત ભારતમાં અન્ય ઘણાં મંદિર બંધાયા હતા. વિદેશમાં નવા મંદિરોની સંખ્યામાં વધારો થયો હતો. તેમાં ૧૯૭૪માં ન્યૂ યોર્ક જ્યારે ૧૯૭૭માં એશ્ટન, લેસ્ટર, વેલિંગબરો, દાર – એ – સલામ, મ્વાન્ઝામાં તથા ૧૯૮૨માં લંડન, તેમજ ૧૯૮૪માં પ્રેસ્ટન, શિકાગો અને લોસ એન્જલસના મંદિરો બન્યા હતા.

૧૯૮૫ સુધીમાં તેમણે નવ આંતરરાષ્ટ્રીય પ્રવાસ કર્યા જેમાં તેમણે આફ્રિકા, યુએઈ, યુકે, યુએસએ, કેનેડા, નેપાળ, યુરોપ, ફિજી, ઓસ્ટ્રેલિયા, જાપાન, હોંગ કોંગ, થાઈલેન્ડ, મલેશિયા અને સીંગાપુરની મુલાકાત લીધી હતી. દરેક સ્થળે તેમણે પ્રાર્થના કરી હતી અને દુનિયાભરમાં હિંદુ ધર્મની પ્રગતિ માટે પરિશ્રમ કર્યો હતો અને ભક્તોની કોમ્યુનિટીઝની સ્થાપના કરી હતી. તે પછીના વર્ષોમાં તેમના પ્રયાસોના ફળ મળવા લાગ્યા અને આજે સેંકડો મંદિરો અને હજારો ભક્તો છે.

૧૯૭૫માં ગોંડલમાં સુંદર યોગીજી મહારાજ સ્મૃતિ મંદિર ખૂલ્લું મૂકાયું હતું. ૧૯૮૧માં તેમના ગુરુ શાસ્ત્રીજી મહારાજની સ્મૃતિમાં સારંગપુરમાં યજ્ઞપુરુષ સ્મૃતિ મંદિરની સ્થાપના કરાઈ હતી.

ખૂબ પરિશ્રમને લીધે તેમની તબિયતને અસર પહોંચી હતી. ૧૫ વર્ષના સમયગાળામાં ફેબ્રુઆરી, ૧૯૭૮માં મુંબઈમાં તેમને પ્રથમ વખત ગંભીર બીમારી થઈ હતી. ૧૯૮૦માં તેમની બન્ને આંખોનું મોતિયાનું ઓપરેશન, ૧૯૮૧માં ગોલ બ્લેડરનું ઓપરેશન કરાયું હતું. ૧૯૮૩માં તેમને ૬૨ વર્ષની વયે હાર્ટ એટેક આવ્યો હતો.

અત્રે નીચેની ઘટનાઓનો ખાસ ઉલ્લેખ કરવા જેવો છે.

ત્રીજો (અને છેલ્લો) અખિલ ભારત ટ્રેન પ્રવાસ – ૨૫ નવેમ્બર ૧૯૭૨થી ૪ જાન્યુઆરી ૧૯૭૩

સ્વામીશ્રીએ ૮૦૦ ભક્તો અને સાધુઓ સાથે આ પ્રવાસ કર્યો હતો. આ પ્રવાસ દરમિયાન કોલકાતામાં મંદિરના ઉદઘાટન સહિત અનેક મહત્ત્વની ઘટનાઓ બની હતી. એક રીતે તો ટ્રેન મંદિર અને આશ્રમ બની ગઈ હતી. વોલન્ટિયરો ભક્તોની દરેક જરૂરિયાતનું ધ્યાન રાખતા હતા અને ટ્રેનની સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ દૈનિક આરતી અને સાધુઓ તથા સ્વામીશ્રીના પ્રવચનો માટે કરાતો હતો. આ પ્રવાસ મુંબઈમાં પૂર્ણ થયો. ત્યાં સ્વામીશ્રીને આવકારવા માટે મધરાતે હજારોની સંખ્યામાં લોકો દાદર સ્ટેશને પહોંચ્યા હતા.

અમદાવાદમાં ભગવાન સ્વામીનારાયણ દ્વિશતાબ્દિ ઉજવણી - ૧૯૮૧

BAPS શ્રી સ્વામીનારાયણ સંસ્થાએ ૧૯૮૧માં ભગવાન સ્વામીનારાયણની દ્વિશતાબ્દિ ઉજવણી નિમિત્તે પહેલી વખત આંતરરાષ્ટ્રીય સાંસ્કૃતિક મહોત્સવનું આયોજન કર્યું હતું. ગુજરાતના અમદાવાદમાં મહોત્સવનું સ્થળ ૨૦૦ એકરમાં પથરાયેલું હતું. ૩૭ દિવસના મહોત્સવમાં ભારતના કેટલાંક અગ્રણી પંડિતો અને ઉસ્તાદોના લોકસંગીત અને શાસ્ત્રીય સંગીત, નાટકો, ભારતભરના લોક નૃત્યો અને વિશ્વ શાંતિ તથા ભાઈચારાને સમર્પિત પ્રદર્શન સહિત વિવિધ પ્રકારના આધ્યાત્મિક, માનવતાવાદી અને સાંસ્કૃતિક કાર્યક્રમોનો સમાવેશ થતો હતો. આ મહોત્સવ સ્થળના પ્રવેશ દ્વાર અને મંદિરો પર નિષ્ણાત કારીગરોએ ભારતીય કલા અને સ્થાપત્યની ઝાંખી કરાવતી કોતરણી કંડારી હતી. આ મહોત્સવને ૮ મિલિયનથી વધુ લોકોએ માણ્યો હતો જ્યારે ૧૦,૦૦૦ વોલન્ટિયર્સે આ મહોત્સવને સફળ બનાવવા તેમનો સમય અને સેવા આપ્યા હતા. આ મહોત્સવથી હજારો લોકોને વ્યસનો અને ખરાબ ટેવો છોડી દેવાની પ્રેરણા મળી હતી.ધાર્મિક સંવાદિતા વિશે યોજાયેલી ત્રણ દિવસની ઈન્ટરફેથ કોન્ફરન્સમાં ૧,૫૦૦થી વધુ ધાર્મિક વડા હાજર રહ્યા હતા, જ્યારે ૨૦૭ શિક્ષિત યુવકોએ સાધુ તરીકે દીક્ષા લીધી હતી. ભારે તંગદિલી અને કોમી રમખાણો વચ્ચે આ મહોત્સવથી અમદાવાદમાં શાંતિનું વાતાવરણ ઉભું થયું હતું.

લંડનમાં કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (CFI), ૧૯૮૫

આ મહોત્સવનું આયોજન એલેક્ઝાન્ડ્રા પેલેસની પાસે એલેક્ઝાન્ડ્રા પાર્કના મેદાન પર થયું હતું. ભારતની અજાયબીઓને લંડનમાં લાવતો આ પ્રકારનો આ પ્રથમ મહોત્સવ હતો. ૩૩ દિવસના આ મહોત્સવમાં દુનિયાભરથી એક મિલિયન કરતાં વધુ મુલાકાતી આવ્યા હતા. CFIમાં કોતરણીવાળા ચાર મંદિરો, ૧૬ અદભૂત ડિસ્પ્લે, પાંચ આકર્ષક દરવાજા અને ૫,૦૦૦ વર્ષ જૂની ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતું ‘ક્રેડલ ઓફ સિવિલાઈઝેશન’ એક્ઝિબિશન હતું. .આ તમામ માળખા ભારતમાં કુશળતાપૂર્વક તૈયાર કરીને લંડન મોકલાયા હતા. તેને મહોત્સવના સ્થળે એસેમ્બલ કરાયા હતા. આ મહોત્સવમાં પંડિતો અને ઉસ્તાદો દ્વારા ૧૪ પ્રકારના પરંપરાગત ભારતીય લોક નૃત્યો અને મ્યુઝિકલ પર્ફોર્મન્સ રજૂ કરાયા હતા.

અમદાવાદમાં અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી દ્વિશતાબ્દિ ઉજવણી - ૧૯૮૫

ભગવાન સ્વામીનારાયણના પ્રથમ આધ્યાત્મિક અનુગામી અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની દ્વિશતાબ્દિ ઉજવણી નિમિત્તે ૬૦ દિવસનો આ મહોત્સવ યોજાયો હતો. તેમાં સંખ્યાબંધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને એક્ઝિબિશનનો સમાવેશ થતો હતો. તેમાં ઈન્ટરનેશનલ કન્વેન્શન ફોર બેટર લીવીંગ તથા ઈન્ટરફેથ હાર્મની કાર્યક્રમ યોજાયો હતો. તેમાં દલાઈ લામા અને ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલસિંઘ સહિત રાજકીય અને આધ્યાત્મિક વડા ઉપસ્થિત રહ્યા હતા. ૧૫,૦૦૦ વોલન્ટિયર્સ દ્વારા આયોજીત આ ઉજવણીને લગભગ ૮ મિલિયન મુલાકાતીઓએ માણી હતી. મંદિરોની સ્થાપના, મહોત્સવોના આયોજનો દ્વારા હજારો લોકોને જીવનનો નવો અર્થ મળ્યો અને ઉમદા તથા વ્યસન મુક્ત જીવનના ઉત્તમ માર્ગ માટે તેમને પ્રેરણા મળી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter