પ્રેરણા અને ગુજરાતી શોભાઃ ભાવના પરમાર

દેશવિદેશે ગુજરાત

પ્રા. ચંદ્રકાન્ત પટેલ Saturday 19th October 2019 05:03 EDT
 
 

ગુજરાતી મહિલાઓ પિયર અને શ્વસુર ગૃહ બંનેને સાચવીને બંનેનો સરખો સ્નેહ પામવા સદ્ભાહગી બની તેવી જૂજ હોય છે. આમાં જન્મભૂમિ અને કર્મભૂમિ બંનેમાં સૌને ગમે અને સ્નેહ સંપાદન કરી શકે એવી જૂજ મહિલાઓમાં ભાવના પરમાર છે. ભાવના હજી હમણાં ચાલીસીમાં પ્રવેશેલી યુવતી છે. ભારતમાં જન્મ્યા પછી પિતા સાથે ઝાંબિયા, નૈરોબી અને છેલ્લે અમેરિકામાં વસવાનું થયું. આથી ગુજરાતી સમજી અને બોલી શકે. હિંદીનું પણ એવું જ. અંગ્રેજીમાં એ ગ્રેજ્યુએટ થઈ અને માબાપે પરણાવી કલ્પેશ પરમાર સાથે. કલ્પેશ ત્યારે તાઈવાન વસે. માર્ચમાં લગ્ન થયું અને મે ૨૦૦૦માં પતિએ ધંધાર્થે સાહસ કરીને શાંઘાઈમાં વસવાનું કરતાં ત્યાં વસી. ત્યારે શાંઘાઈમાં કોઈ ગુજરાતી પરિવાર નહીં. ઓળખીતા નહીં. ઘરકામમાં મદદ માટે ચીની મહિલા મળે પણ એવી સ્ત્રીઓને ચીની ભાષા જ આવડે. અંગ્રેજી જાણનાર ઓછી મળે અને વધુ પગાર માંગે.

ભાવનાએ માત્ર ચીની ભાષા જાણનારને રાખી. શરૂમાં ઈશારાની ભાષાએ કામ લેવાનું. શું કહો અને શું સમજે? ગોટાળા થાય. હાસ્યાસ્પદ સ્થિતિ સર્જાય. જોકે, ભાવના ચબરાક યુવતી. એને ચીની ભાષા ફાવી ગઈ છે.
ચીનમાં ભારતની જેમ બજારમાં ભાવતાલ થાય. ભાવના ચીની ભાષા ચીનાઓની જેમ સતત બોલે અને ધાર્યા ભાવે ચીજવસ્તુ મેળવે. ભાવના ચીની ભાષા બોલે પણ હૃદયથી ગરવી ગુજરાતણ રહી છે. સાસુ-સસરા શાંઘાઈથી આવે તો એમની દીકરી બનીને રહે. જતાં આવતાં ચરણસ્પર્શ કરે. પ્રેમપૂર્વક એમને ભાવતી રસોઈ કરાવે. સગવડો આપે. કહો કે સવાઈ દીકરી બનીને રહી. સાસુ વનિતાબહેન અને સસરા ઉમેશભાઈને વહાલી વહાલી લાગે. સગાં-સંબંધીઓને પણ સાચવે.
ભાવનામાં શિક્ષકના ગુણ છે. ચીની કામવાળીને એણે ભારતીય રસોઈ બનાવતાં શીખવી દીધી છે. ખમણ, ઢોકળાં, દાળ-ભાત, કઢી, ઢોંસા, શીરો, પૂરણપોળી, ગોટા, બટાટાવડાં એ ચીની બાઈ એવા બનાવે કે ખાનારા આંગળા ચાટે! ભાવનાએ એના બંને દીકરાઓને ભારતીય સંસ્કાર આપ્યા છે. ચીનમાં જન્મેલા પુત્રો ગુજરાતી સમજે અને થોડું બોલે છે. મહેમાન આવે તો નમસ્કાર કરે. એમની સાથે પ્રેમથી વાતો કરે. શાળાએ જતાં જેશ્રીકૃષ્ણ કહે. આવીને પણ એવું જ અભિવાદન કરે. વડીલોને માન આપે.
શાંઘાઈમાં અંદાજે ત્રણેક હજાર ભારતીય પરિવાર વસે છે. તેમનું ઈન્ડિયા એસોસિએશન છે. ભાવના એ ઈન્ડિયા એસોસિએશનના મંત્રી તરીકે બે વર્ષ સેવા આપી હતી.
ભાવનામાં સેવાભાવ વણાઈ ગયો છે. સદા હસતી, પ્રેમાળ યુવતી કોઈને ય મદદ થાય તો કરવા એ તત્પર રહે છે. શાંઘાઈમાં અમેરિકન સ્કૂલ છે. તેમાં જુદા જુદા દેશોના શાંઘાઈમાં વસતાં લોકોનાં બાળકો ભણે છે. ચીનાઓ ય ભણે છે. એનું શિક્ષણ ઉત્તમ મનાય છે. દર વર્ષે અહીં ઈન્ટરનેશનલ ડે ઊજવાય. તેમાં જુદા જુદા દેશોમાંના લોકો મુલાકાતે આવે. વાલીઓ આવે. ભાવનાએ અહીં ભારતીય મહિલાઓનું જૂથ બનાવ્યું છે.
શાળામાં ઈન્ટરનેશનલ ફેર યોજાય તેમાં આ ઈન્ડિયા જૂથ બુથ રાખે છે. આ બુથ પર ઈન્ડિયન વાનગીઓ મળે છે. ખમણ, ઢોકળાં, સમોસા, પૂરી, ઢોંસા વગેરે આગંતુકો ખરીદે ને ખાય. એક જ દિવસમાં બે - અઢી હજાર અમેરિકન ડોલરની રકમની આવક થાય. આ રકમ શાળાના જરૂરતમંદ વિદ્યાર્થીઓને મદદ માટે વપરાય. છેલ્લા ચૌદેક વર્ષથી ભાવના આમાં સક્રિય છે.
પ્રેમાળ અને ભાવથી ભરેલી આ યુવતી વિદેશવાસી ગુજરાતી મહિલાઓ માટે પ્રેરણાનાં પિયૂષ શી છે!


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter