ફેફ્સાંના કેન્સરનાં લક્ષણોની અવગણના ન કરવા હેલ્થ કેર પ્રોફેશનલ્સનો અનુરોધ

Tuesday 02nd March 2021 14:41 EST
 

ત્રણ અઠવાડિયા કે તેના કરતા વધુ સમયથી કફ કે ઉધરસ હોય અને કોવિડ-૧૯ ન હોય તો GP પ્રેક્ટિસનો સંપર્ક કરવા લોકોને અનુરોધ કરતા NHS અને પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડના અભિયાનને સાઉથ એશિયન હેલ્થ કેર પ્રોફેશનલ્સ સમર્થન આપી રહ્યા છે. ત્રણ અઠવાડિયા કે તેના કરતાં વધુ સમયથી ઉધરસ આવતી હોય તો તે ફેફ્સાંના કેન્સર (લંગ કેન્સર)ની નિશાની હોઈ શકે છે. અન્ય કેન્સરની માફક ફેફસાના કેન્સરનું વહેલી તકે નિદાન થાય તો તેની યોગ્ય સારવાર થઈ શકે છે.

લગભગ બે તૃતીઆંશ અથવા તો ૬૧ ટકા લોકો જેમને ત્રણ અઠવાડિયા કે તેના કરતાં વધુ સમય સુધી ઉધરસ ચાલી હશે અને તેમનો કોરોના વાઈરસનો ટેસ્ટ નેગેટિવ આવ્યો હોય તો પણ તેઓ GP ની અપોઈન્ટમેન્ટ લેતા નથી. સર્વેમાં જણાયું હતું કે GPની અપોઈન્ટમેન્ટ નહિ લેવા પાછળના મુખ્ય કારણોમાં ૨૫ ટકા લોકો એ જોવા માગતા હોય છે કે લક્ષણો તેની જાતે મટી જાય અને ૩૧ ટકા લોકોને NHSને બોજારૂપ બનાશે તેવી ચિંતા હોય છે.

ફેફ્સાંના કેન્સરના અન્ય લક્ષણોમાં ગળફામાં લોહી પડવું, શ્વાસ લેવામાં સતત તકલીફ, છાતીમાં ઈન્ફેક્શન અથવા એકદમ વજન ઉતરી જવાનો સમાવેશ થાય છે.

નોર્થ લંડનના GP ડો. સય્યદા માવજીએ જણાવ્યું હતું કે,‘ હું જાણું છું કે ઘણા પેશન્ટ્સ કોરોના મહામારી શરૂ થઈ ત્યારથી કોવિડ – ૧૯નું સંક્રમણ થવાની અથવા હેલ્થ સર્વિસ પર બોજારૂપ બનવાની ચિંતાને કારણે GP પાસે જતાં ગભરાય છે. જો આપને અથવા આપના પ્રિયજનને ત્રણ અઠવાડિયા કે તેથી વધુ સમયથી ઉધરસ આવતી હોય અને તે કોવિડ – ૧૯ ન હોય તો મહેરબાની કરીને આપના GP પ્રેક્ટિસનો સંપર્ક કરશો.’

ઈંગ્લેન્ડમાં દર વર્ષે લગભગ ૩૯,૩૦૦ લોકોને ફેફ્સાના કેન્સરનું નિદાન થાય છે. કેન્સરના સ્ટેજ ૧ના દર્દીની પાંચ વર્ષ જીવવાની ૫૭ ટકાની શક્યતાની સરખામણીએ આખરી સ્ટેજ (સ્ટેજ ૪)ના દર્દીની જીવવાની શક્યતા માત્ર ૩ ટકાની હોય છે.

NHS Long Term Planનો હેતુ કેન્સરના સ્ટેજ ૧ અથવા ૨ના તબક્કાના પેશન્ટ્સનું નિદાન ૫૦ ટકાથી વધારી ૭૫ ટકા દર્દીઓનું નિદાન થઈ જાય તેવી સંખ્યા વધારવાનો છે. મહામારીના પહેલા પીકથી કેન્સરના ચેક અપ માટે આવતા લોકોની સંખ્યા વધી છે. પરંતુ, ફેફ્સાના કેન્સરના ચેકઅપ માટે રીફર કરાતા લોકોની ટકાવારી ગયા વર્ષની સરખામણીએ ૭૩ ટકા છે.

સ્વીન્ડનસ્થિત મેકમિલન GP ડો. કરન સાંધુએ જણાવ્યું હતું કે,‘ સાઉથ એશિયન કોમ્યુનિટીમાં અમે લોકો ઘણીવાર કેન્સર જીવલેણ બીમારી હોવાનું માની લઈએ છીએ પંરતુ, સંશોધને દર્શાવ્યું છે કે વહેલા નિદાન થાય તો કેન્સરની સારવારની શક્યતા વધુ રહે છે. આપના સ્વાસ્થ્યથી વધુ મહત્ત્વનું કશું નથી.’

મહામારી શરૂ થઈ ત્યારથી ગયા ડિસેમ્બર સુધીમાં ૨૨૮,૦૦૦ લોકોએ કેન્સર માટે NHS સારવાર શરુ કરી જેમાંથી ૯૫ ટકાએ તો એક મહિનાની અંદર જ ટ્રીટમેન્ટ શરુ કરી હતી. ઈંગ્લેન્ડની હોસ્પિટલોએ ૨૦૨૦માં એક કોરોના વાઈરસના દર્દીની સારવાર સામે બેથી વધુ કેન્સર પ્રોસીજર કરી હતી. આમ છતાં તાજેતરના આંકડા દર્શાવે છે કે ફેફ્સાંના કેન્સર માટે GPના રેફરલ્સની સંખ્યા ગયા વર્ષ કરતાં ઓછી છે.

NHS ઈંગ્લેન્ડે મહામારી દરમિયાન કેન્સર કેરમાં શ્રેણીબદ્ધ ઈનોવેશન્સ અમલી બનાવ્યા છે. તેમાં દેશભરમાં કોવિડ – ૧૯ સીક્યોર સર્જરી હબ્સ અને દર્દીની રોગપ્રતિકારક શક્તિને વધુ અસર ન થાય અથવા હોસ્પિટલની ઓછી વિઝિટ લેવી પડે તેવા લાભ સાથે ટ્રીટમેન્ટ કરતી કોવિડ ફ્રેન્ડલી કેન્સર ડ્રગ્સમાં ૧૬૦ મિલિયન પાઉન્ડના રોકાણનો સમાવેશ થાય છે.

વિડિઓ લિંક: https://bit.ly/38cDePr 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter