બહુમુખી પ્રતિભાઃ ડો. વિજય દવે

પ્રા. ચંદ્રકાન્ત પટેલ Sunday 26th March 2017 08:03 EDT
 
 

અમેરિકાના ઈન્ડિયાના રાજ્યના મનસ્ટરમાં ડો. વિજય દવે. બહુમુખી કૌશલ્ય અને શોખીન વ્યક્તિ. આધુનિકતાના જમાનામાં ડાબી આંખનો ડોક્ટર જમણી આંખની દવા ન કરે એવું એકાંગી વિદ્યાક્ષેત્ર આજે વિકસ્યું છે ત્યારે વિજયભાઈ ડોક્ટર તરીકે નિષ્ણાત છે જ. છેલ્લા ૩૯ વર્ષથી તે મેરીલવિલ અને હોબાર્ટ વિસ્તારમાં ડોક્ટર તરીકે જાણીતા છે. પાંચ - પાંચ હોસ્પિટલોમાં તેઓ સેવા આપે છે. બાવા બન્યા તો હિન્દી બોલવી પડે એવું એમના માટે નથી. હાલના જાણીતા અને નિપુણ ડોક્ટર છે. તે ઉપરાંત સંખ્યાબંધ દર્દીઓને મોતના મુખમાંથી પાછા લાવ્યા છે. વિના ઓળખાણે, પહેલી મુલાકાતે દર્દીની જરૂરિયાત જોઈને તેમણે પોતાની ફી જતી કરી છે. વધારામાં સેમ્પલની દવા આપે, ખૂટે તો પોતે દવા લાવી આપે. તેઓ દર્દીમાં દેવ નિહાળે છે. રંગ, કોમ, ધર્મ, જાતભાત જોતાં નથી. મેરીલવિલની હોસ્પિટલમાં જ્યાં કામ કરે છે ત્યાં કુલ ૩૦૪ ડોક્ટર છે, તેમાં ૩૫-૪૦ ઈન્ડિયન ડોક્ટર હશે. છતાં વર્ષોથી ડો. દવે બધા ડોક્ટરોનું મેનેજમેન્ટમાં પ્રતિનિધિત્વ કરે છે. સૌના એ વિશ્વાસુ છે.

ડોક્ટર દવેનો લગભગ ૪ દસકાથી ચાલતો સેવાયજ્ઞ અતૂટ રહ્યો છે. ૧૯૭૧માં ઈન્ડિયા કોમ્યુનિટી લીગ સ્થપાતાં એમાં જોડાયાં. શિકાગો વિસ્તારમાં આવેલા યુગાન્ડાના નિરાશ્રિતોને કાયદાકીય, આરોગ્ય વિષયક, ઈમિગ્રેશન, નોકરી વગેરેમાં મદદરૂપ થવાનો લીગનો હેતુ. ૧૯૭૫માં તેઓ તેના પ્રેસિડેન્ટ થયા. ઈન્ડિયાના લેક કાઉન્ટી મેડિકલ સોસાયટીમાં તેઓ ૧૯૯૪ અને ૧૯૯૫ એમ બે વર્ષ પ્રેસિડેન્ટ હતા. કોમ્યુનિટી લીગનું ‘ચિનગારી’ નામનું અંગ્રેજી માસિક શરૂ કરવા અને ચલાવવામાં એમનું મહત્ત્વનું પ્રદાન હતું.

સેન્ટમેરી હોસ્પિટલે ડો. દવેની જીવતેજીવ પ્રતિમા મૂકી છે અને ‘ડો. વિજય દવે મેડિકલ એજ્યુકેશન સેન્ટર’ સ્થાપ્યું છે. ઉપરાંત હોસ્પિટલમાંના એ વિભાગને ‘ડો. વિજય દવે કોર્નર’ એવી ઓળખ આપી છે. એમની પ્રતિમાનું ઉદઘાટન ત્યારે ઈન્ડિયાના સ્ટેટના ગવર્નરે કરીને તેમની સેવાઓને બિરદાવી અને રાજ્યનો સિવિલ ક્ષેત્રનો સર્વોચ્ચ એવોર્ડ સેગામોર ઓફ ધ વબાશ એમને આપ્યો હતો. ૨૦૦૬માં ગુજરાતના ગવર્નર નવલ કિશોર શર્માના હસ્તે તેમને ગુજરાત ગૌરવ એવોર્ડ અપાયો હતો. ૨૦૦૯માં અનુપમ મિશને તેમને શાલિન માનવરત્ન એવોર્ડથી બિરદાવ્યા હતા. ૨૦૧૫માં તેમને ઈન્ડિયા ટ્રિબ્યુન તરફથી લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી નવાજ્યા હતા. તેમની ઔદિચ્ય સહસ્ત્ર જ્ઞાતિ, ગેરીસિટી, ઈન્ડિયા કોમ્યુનિટી ઓર્ગેનાઈઝેશન-શિકાગોના મેયર, મેસોડોનિયાનું ઓહરિડ નગર... ભાતભાતના સ્થાનિકોએ તેમને સન્માનપત્રથી નવાજ્યા છે.

ડો. દવે પોસ્ટલ સ્ટેમ્પના મોટા સંગ્રાહક છે. તેમની પાસે સો કરતાં વધારે દેશોની છ લાખ પોસ્ટલ સ્ટેમ્પ છે. ચલણી નોટ અને સિક્કાના તેઓ મોટા સંગ્રાહક છે. ૫૦ કરતાં વધારે દેશોના દશ હજાર કરતાં વધારે સિક્કાથી તેમનો ખજાનો છલકાય છે. જેમાં રોમન સમ્રાટ કોન્સ્ટંટાઈનના ત્રણ જુદા જુદા સિક્કા છે. આમાંના દરેકની કિંમત હજારો ડોલર થાય. ૧૮૩૫નો બ્રિટિશ ઈસ્ટ ઈંડિયા કંપનીનો અને ૧૮૭૪નો યુએસએનો સિક્કો તેમના સંગ્રહને સમૃદ્ધ કરે છે. રાણી વિક્ટોરિયા, રાજવી એડવર્ડ અને જ્યોર્જ એ બધાના જુદા જુદા મૂલ્યના સંખ્યાબંધ સિક્કા છે. ભારતનાં અનેક રાજ્યોના સિક્કા, દેશી રાજ્યોની ટિકિટો વગેરે છે.

ડો. દવેએ કોલેજ અને પછી પણ નાટકોમાં ભાગ ભજવ્યો છે. ભાતભાતના એન્સાક્લોપીડિયાનો એમનો સંગ્રહ ગજબનો છે.

આ ડો. દવે ૧૯૪૪માં ઈડર તાલુકાના વસઈ ગામમાં જન્મ્યા. પિતા ભોગીલાલ મુંબઈમાં સ્થાયી થયેલા અને ડોક્ટર હતા. દાદા ગૌરીશંકર ૧૬ વર્ષની વયે સાહસ કરીને મુંબઈમાં આવીને સ્થાયી થયેલા.

ડો. દવે અઠવાડિયાના બધા દિવસ દર્દીઓની સેવા કરે છે. નાછૂટકે જ રજા ભોગવે. કમાય તે સરકારને ટેક્સ ભરે કે પછી દાન આપી દે. મેડિકલ સેન્ટરના ડિરેક્ટર તરીકે વર્ષે ૩૦ હજાર ડોલર જે મળે તે તેઓ લેતા નથી. ઠેર ઠેર તેમનાં દાનની સરવાણી વહે છે. વસઈ ગામ નજીક ડુંગરી પર આવેલાં કાળકા મંદિરે પહોંચવા એમણે ૨૮૦ પગથિયાંનો રસ્તો લાઈટ સાથે બનાવ્યો. મેરીલવિલ સનાતન મંદિર અને શિકાગોના હિંદુ મંદિરના એ મોટા દાતા છે. અમદાવાદમાંના રિમાન્ડ હોમમાં બાળકો માટે એક કરોડ રૂપિયા અને એક વાન આપ્યાં છે. દર્દીઓ પાસેથી લેવાના હજારો ડોલર જતાં કર્યાં છે. સતત સેવારત ડોક્ટર દવે જનસેવામાં જ પ્રભુસેવા માનીને જીવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter