બા અને દાદા સાથે ઈટાલીના પ્રવાસનું સ્મરણભાથું

માનસી શાહ Tuesday 10th September 2019 12:29 EDT
 
 

વડીલો સહિત સહુ વાચકમિત્રો, દરેક સમાજમાં આજકાલ જનરેશન ગેપ (પેઢી - દર પેઢી વચ્ચેનું અંતર) મોટી સમસ્યા ગણવામાં આવે છે. આજના આધુનિક યુગમાં નવાસવા પરણેલા પતિ-પત્ની પ્રાથમિક તબક્કે કારકિર્દીની યથાયોગ્ય ગોઠવણીમાં ખૂબ પરોવાયેલા હોય છે. ત્યારબાદ સંતાનોના આગમન સમયે કાર્યપ્રવૃત્તિમાં વધુ મગ્ન રહેવા મજબૂર બને છે. તે વેળાએ ભાવિ સંતાનોના સંસ્કાર-સિંચન માટે સાચે જ અવકાશ જોવામાં આવે છે. ભારત અને પૂર્વ આફ્રિકામાં દાદા-દાદી કે નાના-નાનીની હૂંફ એ અન્ય રીતે પણ ખૂબ ઉપયોગી બનતી હતી. આ પ્રશ્ન માત્ર ભારતીય સમુદાયને જ સતાવતો નથી. ગોરા અને અન્ય સમાજમાં પણ આવું જ દૃશ્યમાન થાય છે. થોડાક સમય પહેલાં મેં જાણ્યું કે ‘ગુજરાત સમાચાર’ના વર્ષોજૂના સાથી અને ફુલટાઇમની રીતે નિવૃત્ત થયાં હોવાં છતાં કન્સલ્ટીંગ એડિટર તરીકે તમામ પ્રવૃત્તિના સાથીદાર અ.સૌ. જ્યોત્સનાબહેન અને તેમના પતિ શ્રી ડી.આર. શાહને પૌત્રી માનસી અને પૌત્ર ધ્યાન એક સપ્તાહ માટે ઇટાલીના પ્રવાસે લઇ જાય છે. માનસી, નાનો ભાઇ ધ્યાન, જ્યોત્સનાબહેન અને દીનેશભાઇ (ડી.આર.) - બસ એ ચાર જ જણ. આ પ્રવાસ દરમિયાન ચારેયને એકમેકના અંતરંગ જીવનમાં ડોકિયું કરવાનો અવસર મળે છે. આ પ્રવાસ દાદા-દાદી અને ગ્રાન્ડચિલ્ડ્રનને એકબીજાનો દૃષ્ટિકોણ સમજવાનો સોનેરી અવસર પૂરો પાડે છે. આ અભિનવ પ્રવાસ કેવી રીતે યોજાયો, તેમાં શું શું બન્યું? તેની આછેરી તવારિખ લખી મોકલવા મેં ચિ. માનસીને ભારપૂર્વક જણાવ્યું હતું. તેની ફળશ્રુતિ સ્વરૂપ આ પ્રવાસ યાત્રાનો અહેવાલ અહીં રજૂ કર્યો છે. આશા છે કે બે પેઢીઓ વચ્ચે સંબંધોનો સેતુ મજબૂત કરતા આ પ્રવાસ વિશે આપને પણ વાંચવાનું ગમશે. - સી.બી. પટેલ

• • •

આ જુલાઈમાં વેટિકન સિટીની મુલાકાતમાં દિવસ ગાળ્યાં પછી રોમ શહેરની મધ્યે અમે આઈસ્ક્રીમ વેચતી નાનકડી દુકાન (ગેલેટેરીઆ)માં બેઠાં હતાં. મારી જિંદગીમાં આઈસ્ક્રીમનો આવો શ્રેષ્ઠ સ્વાદ મેં માણ્યો ન હતો. મારી સામે મારાં દાદા- દાદી અને મારો નાનો ભાઈ ધ્યાન બેઠાં હતાં. મને ત્યારે જ લાગ્યું કે અમે હોલી સીની મુલાકાત લીધી અને ગેલેટેરીઆ ડેલ ટીટ્રો ખાતે આ જે (લેવેન્ડર અને વ્હાઈટ પીચ, રોઝમેરી-હની અને લેમન તેમજ ગાર્ડન સેજ અને રાસ્પબેરી) દિવ્ય સ્વાદની મઝા માણી તે ક્ષણોનું સ્મરણ જીવનભરનું બની રહેશે.
મારાંમાં નાનપણથી જ પ્રવાસનો કીડો સળવળતો હતો. વિશ્વના દરેક દેશની મુલાકાત લેવાની મારી યોજના હું વડીલોને સંભળાવતી ત્યારે તેઓ આંખો ફાડીને સાંભળતા અને હસવા લાગતા. હું માત્ર છ વર્ષની હતી ત્યારે મારો પરિવાર લંડનથી ૬,૦૦૦ માઈલના અંતરે આવેલા હોંગ કોંગમાં સ્થળાંતર કરી ગયો ત્યારથી મને આ શોખ લાગ્યો હતો. હું ૨૦ વર્ષની થઈ ત્યાં સુધીમાં તો મેં ત્રણ દેશોમાં વસવાટ કર્યો હતો અને અને ૩૦ દેશનો પ્રવાસ ખેડ્યો હતો અને મને ત્યાંથી અટકી જવાની જરા પણ ઈચ્છા ન હતી. મારાં પેરન્ટ્સથી માંડી મારાં દાદા-દાદી અને નાના-નાની સહિત દરેક વડીલોએ આ વિશ્વ મારું છીપલું હોવાની માન્યતા દૃઢ કરતો ઉછેર કર્યો છે. હવે હું ઘરથી દૂર રહી એડિનબરાની યુનિવર્સિટીમાં છું અને વિશ્વમાં મારું સ્થાન બનાવવાની કોશિશ કરું છું ત્યારે મારાં ગ્રાન્ડપેરન્ટ્સ આશીર્વાદરુપ હોવાનું મૂલ્ય મને સમજાય છે. અમે વિદેશમાં વસતાં હોવાં છતાં, હું મારાં બા અને દાદાની ઘણી નિકટ છું. મારાં પિતાના તેમના પિતા સાથે ગાઢ નાતા વિશે વિચારું છું ત્યારે મને આ તદ્દન સ્વાભાવિક જણાય છે. દર વર્ષે ઉનાળામાં શાળાનું વેકેશન પડતાં જ અમે પહેલી ફ્લાઈટ પકડી લંડન આવી જઈએ છીએ અને છ સપ્તાહની રજાઓ તેમની સાથે માણીએ છીએ.
આ વર્ષના આરંભે મેં ઉનાળામાં ઈટાલી જવાની ઈચ્છા મારાં માતાપિતા સમક્ષ વ્યક્તિ કરી ત્યારે તેમણે કહ્યું કે,‘ તારે એકલાં જ જવું પડશે તારાં કે મારા મિત્રોની રજાઓનો મેળ પડે તેમ નથી.’ હું નિરાશ હતી ત્યારે જ માતાએ સૂચન કર્યું કે,‘ માન, બા અને દાદાને તારી સાથે આવવા કેમ કહેતી નથી? તેઓ કદી ઈટાલી ગયાં નથી અને આ ખાસ પ્રવાસ બની જશે.’ મને વિચાર ગમી ગયો. પૌત્ર-પૌત્રી સાથે વેકેશન વીતાવવા સાથે વિશેષ સ્મરણોનો ખજાનો હાથ કરવાના ખ્યાલથી બા અને દાદા પણ ઉત્સાહિત થઈ ગયાં. થોડાં જ મહિનાઓમાં મેં બધી તૈયારી કરી તેમજ બા, દાદા, ધ્યાન અને મારાં માટે ઈટાલીમાં એક સપ્તાહ ગાળવાનું બુકિંગ કરી લીધુ. તેમને આરામ રહે તે માટે લિફ્ટ સાથે Airbnb શોધવા (રોમમાં આ કાર્ય સહેલું ન હતું) ખાસ પ્રયાસ કર્યા, અમારાં બધાંની સંપૂર્ણ શાકાહારી રુચિને માફક આવે તેવા રેસ્ટોરાંની શોધ ચલાવી આગોતરું બુકિંગ કરાવ્યું, લાંબી કતારને ટાળવા જોવાંના સ્થળોનું વેળાસર બુકિંગ કરાવ્યું અને રોમમાં ચાલવાનું વધારે હોવાથી પ્રવાસમાર્ગ એવી રીતે બનાવ્યો કે આરામ અને શારીરિક આરોગ્ય માટે પૂરતો સમય મળી રહે.
આમ જોઈએ તો, સવારે અમારી ફ્લાઈટ આવી પહોંચ્યાની સેકંડોની અંદર ઓરેલિયન વોલ્સમાં પ્રવેશ કર્યો ત્યારથી જ લાગ્યું હતું કે આ પ્રવાસ જાદુઈ બની રહેશે. અમારી પ્રથમ સાંજે પોન્ટ સાન્ટ એન્જેલોને વટાવી ટાઈબર નદીના પ્રવાહની સાથે કાસ્ટેલ સાન્ટ એન્જેલોથી ચાલતાં આગળ વધતાં અમે દૂર પ્રકાશિત સેન્ટ પીટર્સ બેસિલિકાને નિહાળતાં રાત્રિભોજન માટે ટ્રાસ્ટેવેર પહોંચ્યાં હતાં. આ પ્રાચીન નગરના સૌંદર્ય અને તેની આસપાસ છવાયેલા રહસ્યથી અમે અભિભૂત બની રહ્યાં હતાં. આગામી થોડાં દિવસોમાં અમે સેન્ટ્રો સ્ટોરિકોમાં નાના પથ્થરોથી જડાયેલી શેરીઓની ભૂલભૂલામણીમાં ફર્યાં. અમે બેરોક પીઆઝામાં પહોંચ્યાં ત્યારે અમારી રાહ જોઈ રહેલા દૃશ્યો સતત મોહિત કરતાં રહ્યાં. અમે બપોર પહેલા એક સમયના ભવ્ય સામૂહિક દેવમંદિર (પેન્થીઓન)ની મુલાકાત લીધી અને આંખમાંથી સૂર્ય પ્રવાહિત થતો હોય તેવું અનુપમ દૃશ્ય નિહાળતાં સ્તબ્ધ બની ગયાં હતાં. અમે ત્યાંથી આગળ વધી શાનદાર અને ભવ્યતાપૂર્ણ પ્રતિષ્ઠિત ટ્રેવી ફાઉન્ટેનની પણ મુલાકાત લીધી. એક સાંજે બા અને દાદા પ્રભાવશાળી સ્પેનિશ સ્ટેપ્સની તળેટીએ અમારી રાહ જોતાં બેસી રહ્યાં ત્યારે મેં અને ધ્યાને ફોન્ટાના ડેલા બારકાશીઆમાંથી અમારી પાણીની બોટલ્સ ભરી લીધી હતી. આ બધું સ્વપ્નવત લાગતું હતું.
કોલોઝિયમ વિશે તો બધાંએ ઘણું સાંભળ્યું છે અને વાસ્તવમાં તેને જોઈ અમે જરા પણ નિરાશ ન થયાં. રોમન ફોરમ અને પેલેટાઈન હિલ પણ ચિત્તાકર્ષક હતા અને નિશ્ચિતપણે અમારાં પ્રવાસમાં પણ હાઈલાઈટ સમાન હતા. બા અને દાદાએ આ વિસ્તારોની મુલાકાતમાં ભારે ગરમી પણ સહન કરી અને ઐતિહાસિક ખજાના વિશે આનંદ અને ઉત્સાહથી અમે વાત કરતાં તે ધીરજથી સાંભળતાં પણ હતાં. બા અમને રાત્રે સુવડાવતી વેળાએ જે વાર્તાઓ કહેતાં તે સાંભળીને મોટાં થયાં છીએ પણ હવે ભૂમિકા બદલાઈ હતી. ક્લાસિક્સનો વિદ્યાર્થી ધ્યાન પ્રાચીન રોમની વાર્તાઓ કહી બા અને દાદાને અચંબિત કરતો હતો. અમારી યાત્રા અડધે પહોંચી હતી ત્યારે અમે એક દિવસ ફ્લોરેન્સ માટે ફાળવ્યો અને ત્યાં અમે માઈકલેન્જેલોના ડેવિડના ભવ્ય પૂતળા ઉપરાંત કેથેડ્રલ ઓફ સાન્ટા મારીઆ ડેલ ફિઓરે તેમજ પિઝા ડેલા સિનોરિયામાં દિલધડક ‘રેપ ઓફ ધ સાબિન વિમેન’ શિલ્પ પણ નિહાળ્યું.
મનોહારી પોન્ટે વેછીઓ નજીકની કોફી શોપમાં અમારા દિવસનો અંત આવ્યો હતો.
સમગ્ર સપ્તાહમાં અમે ચારે જણે અદ્ભૂત સમય સાથે ગાળ્યો હતો. અમે એકબીજા વિશે એટલી વાતો જાણતાં થયાં કે જેની અગાઉ જાણ જ ન હતી. બા અને દાદાએ તેમની યુવાની અને અમારાં પિતાના બાળપણ વિશે વાતો કહીને મનોરંજન આપ્યું, જેનાથી અમને તેઓનો જિંદગી તરફનો ઊંડો અભિગમ સમજવાની તક સાંપડી. આ પ્રવાસ યુવાન થતાં તરુણો તરીકે પરિવારના અન્ય સભ્યોની ગેરહાજરીમાં વિના બા અને દાદા સાથે સૌથી લાંબા સહવાસનો બની રહ્યો હતો. તેમના માટે પણ વયસ્ક થઈ રહેલાં બાળકોને નિહાળવાની તક હતી. આ લાડકી છોકરી આવી સક્ષમ અને વ્યવસ્થિત યુવતી લાગે છે તેવી દાદાની ટીપ્પણી સાંભળીને મારાંમાં ગૌરવનો ઉભરો આવ્યો. તેમના પાંચ ગ્રાન્ડચિલ્ડ્રનમાંથી ત્રણ તો આઠ વર્ષથી નીચેનાં છે. હું અને ધ્યાન ફરીથી તેમના અવિભાજિત સ્નેહનું કેન્દ્ર બની રહ્યાં તે અમે માણતાં રહ્યાં. અમે હૃદયમાં વિપૂલ પ્રમાણમાં રમૂજો, જીવનભરનાં આનંદપૂર્ણ સંસ્મરણો અને ફરીથી ચારેય જણા સાથે સાથે પ્રવાસ ગાળીએ તેની યોજનાઓ સાથે લંડન પરત ફર્યાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter