બિનનિવાસી ભારતીયો માટે હવે OCI કાર્ડ ફરજિયાત

• CA રાજેશ એચ. ધ્રૂવ • CS રીમા કે. જોષી Wednesday 27th March 2019 06:35 EDT
 
 

વિદેશમાં વસતા દરેક ભારતીય વતનમાં જઈ હળવાશપૂર્ણ રજાઓ ગાળવાની મોજ માણવાનું સ્વપ્ન ધરાવતા હોય છે. દરિયાપાર વસ્યા પછી વતનમાં થોડાં સપ્તાહો વીતાવવા તે બધા માટે આનંદદાયક બની રહે છે કારણ કે તે પ્રવાસ પરિવારોને એકબીજા સાથે સાંકળવાની મહાન તક આપે છે. 

અત્યાર સુધી તો ભારતીય નાગરિક એવા નોન રેસિડેન્ટ ઈન્ડિયન્સ (NRI) તેમ જ વિદેશમાં વસતા ફોરેન સિટિઝન્સ ઓફ ઇંડિયન ઓરિજિન (FCIO)ને ભારતમાં પ્રોપર્ટીઝની ખરીદ કે વેચાણ અથવા બિઝનેસીસમાં રોકાણ કરવા માટે તેમના વિદેશમાં રહેઠાણના પુરાવા સિવાય વધારાના કોઈ દસ્તાવેજો રજૂ કરવાની જરૂર પડતી ન હતી. આવાં ભારતીય નાગરિકો તેમજ વિદેશમાં રહેતા ફોરેન સિટિઝન્સ ઓફ ઈન્ડિયન ઓરિજીનને તેમના પાસપોર્ટની નકલો, બિઝનેસ અથવા પરમેનન્ટ રેસિડેન્સી વિઝા, કોઈ યુટિલિટી બિલ, ડ્રાઈવિંગ લાયસન્સ વગેરે દ્વારા તેમના વિદેશના રહેઠાણનાં પુરાવા આપવાની જરૂર રહેતી હતી.
છેલ્લાં થોડાં વર્ષોથી ફોરેન એકાઉન્ટ ટેક્સ કોમ્પ્લાયન્સ એક્ટ (FATCA) અને કોમન રિપોર્ટિંગ સ્ટાન્ડર્ડ્સ (CRSs) દાખલ કરાવા સાથે ફોરેન ટેક્સ આઈડેન્ટિફિકેશન નંબર (FTIN) પણ વધારાની જરૂરિયાત બની ગઈ છે. જોકે, આ સિવાય ભારતીય નાગરિકો અને ફોરેન સિટિઝન્સ ઓફ ઇંડિયન ઓરિજિનને એકસમાન ગણવાનું ચાલુ રાખવામાં આવ્યું હતું.
પરંતુ, ૨૦૧૭ની સાતમી નવેમ્બરથી તેમાં ધરમૂળથી પરિવર્તન આવ્યું છે, જેનું કારણ ફોરેન એક્સેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) ૧૯૯૯ની બદલાયેલી જોગવાઈઓ છે. જે અનુસાર ફોરેન સિટિઝન્સ ઓફ ઇંડિયન ઓરિજિન (FCIO)એ પાર્ટનરશિપ ફર્મ, પ્રોપ્રાયટરશિપ ફર્મ અથવા લિમિટેડ લાયેબિલિટી પાર્ટનરશિપ (LLP) તરીકે બિઝનેસીસમાં સક્રિય ભૂમિકા ભજવવી હોય તેમજ નાણાં સ્વદેશ મોકલવા (repatriation)ના આધારે પોર્ટફોલિયો ઈન્વેસ્ટમેન્ટ સ્કીમ્સ (PIS)માં નિષ્ક્રિય રોકાણ કરવું હોય તો પણ તેમના માટે ઓવરસીઝ સિટિઝન ઓફ ઈન્ડિયા (OCI) કાર્ડ ધરાવવું ફરજિયાત બનાવાયું છે.
આના કારણે ભારતીય મૂળના વિદેશી નાગરિક માલિક તરીકે સક્રિયપણે બિઝનેસ ચલાવવા ઈચ્છે, અથવા ભારતીય ભાગીદારી પેઢી, પ્રોપ્રાયટરશિપ ફર્મ અથવા લિમિટેડ લાયેબિલિટી પાર્ટનરશિપ (LLP)માં ભાગીદાર બનવા માગતા હોય તો હવે તેમણે OCI કાર્ડધારક બનવું આવશ્યક છે.
માર્ચ ૨૦૧૮માં અન્ય મહત્ત્વનો ફેરફાર કરવામાં આવ્યો જ્યારે, OCI કાર્ડ માટેની આ જરૂરિયાતોને વિદેશમાં રહેતા ફોરેન સિટિઝન્સ ઓફ ઇંડિયન ઓરિજિન દ્વારા ભારતમાં સ્થાવર મિલકતની ખરીદ, વેચાણ અથવા ટ્રાન્સફર માટે પણ લાગુ કરવામાં આવી હતી. આ પ્રમાણે જો, ફોરેન સિટિઝન્સ ઓફ ઇંડિયન ઓરિજિન પ્રોપર્ટી ખરીદવા અથવા વેચવા અથવા બક્ષિસ તરીકે ટ્રાન્સફર કરવા ઈચ્છતા હોય અથવા તો અગાઉથી માલિકી હોય તેવી સ્થાવર પ્રોપર્ટીની અદલાબદલી કરવા ઈચ્છતા હોય તો પણ તેમણે OCI કાર્ડ ધરાવતા હોવું જોઈએ કે મેળવી લેવું જોઈએ અન્યથા તેઓ FEMA કાયદાની જોગવાઈઓનો ઉલ્લંઘન કરતા હોવાનું ગણાશે.
ભારતમાં ભાગીદારી પેઢી, પ્રોપ્રાયટરશિપ ફર્મ અથવા લિમિટેડ લાયેબિલિટી પાર્ટનરશિપ (LLP) વગેરે મારફત બિઝનેસ ચલાવવા ઈચ્છતા પર્સન ઓફ ઇંડિયન ઓરિજિન (PIO)ના વિદેશી નાગરિક માટે OCI કાર્ડ ધરાવવાની આ જરૂરિયાતો Notification No. FEMA 20(R)/ 017-RB November 07, 2017 દ્વારા જાહેર કરવામાં આવી હતી. જ્યારે, ભારતીય મૂળ (PIO)ના વિદેશી નાગરિક માટે સ્થાવર પ્રોપર્ટીની ટ્રાન્સફર અંગે OCI કાર્ડ ધરાવવાની આ જરૂરિયાતો Notification No. FEMA  21(R) / 2018-B of 26th March, 2018 દ્વારા જાહેર કરવામાં આવી હતી.
આ નિયમોના મહત્ત્વના લક્ષણોની અહીં ટુંકમાં ચર્ચા કરવામાં આવી છેઃ
(એ) સ્થાવર મિલકતો - સંપત્તિઃ
૧. પર્સન ઓફ ઇંડિયન ઓરિજિન (PIO) માટે સ્થાવર મિલકતોની ખરીદ, વેચાણ અથવા ટ્રાન્સફર કરવા ૨૬ માર્ચ ૨૦૧૮થી OCI કાર્ડ આવશ્યક બની ગયું છે.
આથી, દરેક પર્સન ઓફ ઇંડિયન ઓરિજિન (PIO) જેઓ ૨૬ માર્ચ ૨૦૧૮ પછી કોઈ પણ સ્થાવર મિલકતોની ખરીદ, વેચાણ અથવા ટ્રાન્સફર કરવા ઈચ્છતા હોય તો તેઓ OCI કાર્ડધારક હોવા જરૂરી છે.
(૨) પર્સન ઓફ ઇંડિયન ઓરિજિન (PIO) કે જેઓ ૨૬ માર્ચ ૨૦૧૮ પહેલા પ્રોપર્ટીની માલિકી ધરાવતા હોય તેમણે પણ ૨૬ માર્ચ ૨૦૧૮ના દિવસે અથવા તે પછી પ્રવર્તમાન સ્થાવર મિલકતોની વેચાણ, બક્ષિસ અથવા ટ્રાન્સફર કરવા માટે OCI કાર્ડ માટે અરજી કરવી જોઈએ અને તે મેળવી લેવું જોઈએ.
(૩) એ પણ સંભાવના છે કે આ સુધારાઓની જાણકારી ન હોય તેવા પ્રોપર્ટી રજિસ્ટ્રારની ઓફિસ અથવા બેન્કર્સ દ્વારા વેચાણનું મૂલ્ય NRO એકાઉન્ટમાં જમા કરાવી દેવાય અને તે પછી US$ 1 mn સ્કીમ અન્વયે રીપેટ્રીએશનની પરવાનગી પણ આપે, આ સંબંધે NRIની જવાબદારીમાં વધારો થાય છે કે નવી પ્રોપર્ટી ખરીદતા અથવા વેચાણ સમયે અને અસ્તિત્વ ધરાવતી પ્રોપર્ટીના ટ્રાન્સફર દરમિયાન તેમણે પર્સન ઓફ ઇંડિયન ઓરિજિન (PIO) તરીકે તેમની પાસે OCI કાર્ડ હોવાં વિશે ખાતરી કરી લેવી જોઈએ.
(બી) સક્રિય બિઝનેસીસ અને PIS   
(૧) આ પ્રમાણે ફોરેન સિટિઝન્સ ઓફ ઇંડિયન ઓરિજિન (FCIO)એ ભાગીદારી પેઢી અથવા મર્યાદિત જવાબદારી સાથેની ભાગીદારી પેઢી અથવા માલિકી પેઢીના બિઝનેસીસમાં સક્રિય ભૂમિકા ભજવવા માટે પણ OCI કાર્ડ હોલ્ડર બનવું જરૂરી છે.  
(૨) નાણાં સ્વદેશ નહિ મોકલવાના (non repatriation) ધોરણે ભારતીય કંપનીઓની લિસ્ટેડ સિક્યોરિટીઝમાં પોર્ટફોલિયો ઈન્વેસ્ટમેન્ટ્સ માટે પણ OCI કાર્ડ આવશ્યક બને છે.
(૩) અહીં એ નોંધવાપાત્ર છે કે આના માટે પણ OCI કાર્ડ જરૂરી નથીઃ
- ભારતીય પ્રાઈવેટ લિમિટેડ કંપનીઓની સિક્યોરિટીઝમાં સીધા રોકાણો કરવા.
- નોન-લિસ્ટેડ પબ્લિક લિમિટેડ કંપનીના શેર અને ડિબેન્ચર્સમાં સીધાં રોકાણો કરવા માટે.
- સ્વદેશ નાણા મોકલવાના ધોરણે લિસ્ટેડ ભારતીય સ્ટોક્સમાં PIS.
(૪) આના માટે પણ OCI કાર્ડની જરૂર પડશે નહિઃ
- નોન રેસિડેન્ટ એક્સ્ટર્નલ (NRE), નોન રેસિડેન્ટ ઓર્ડિનરી (NRO) રુપી બેન્ક ખાતાં ખોલવા અને ચલાવવા 
- US$, GBP, EURO, CAD, AUD અને JYEN ફોરેન કરન્સી નોન રેસિડેન્ટ (FCNR) ડિપોઝિટ્સ ખોલવા અને ચલાવવા માટે.
- ભારતીય સરકારી જામીનગીરીઓમાં રોકાણો.
- ઈન્ડિયન મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં રોકાણો.
(૫) આની નોંધ લેવી આવશ્યક છે કે નવેમ્બર ૨૦૧૭માં આ નિયમો લાગુ કરાયા તે અગાઉ જો ફોરેન સિટિઝન્સ ઓફ ઇંડિયન ઓરિજિન (FCIO)ની માલિકીની પેઢી, ભાગીદારી પેઢી, LLPમાં બિઝનેસ ચલાવતા હોય અથવા નાણા સ્વદેશ નહિ મોકલવાના (non repatriation) ધોરણે પોર્ટફોલિયો ઈન્વેસ્ટમેન્ટ સ્કીમ્સ (PIS) ધરાવતા હોય તો, આવા PIOએ બિઝનેસના માલિક, ભાગીદારી પેઢી અથવા LLPમાં ભાગીદાર અથવા નાણા સ્વદેશ નહિ મોકલવાના (non repatriation) ધોરણે PIS ચાલુ રાખવા હોય તો તેમણે OCI કાર્ડ માટે અરજી કરીને OCI કાર્ડ મેળવવાનું રહેશે. OCI કાર્ડ વિના આ પ્રકારના રોકાણો ચાલુ રાખવા તે FEMAજોગવાઈઓનું ઉલ્લંઘન કર્યા સમાન ગણાશે અને કેટલાકને દંડ-સજા થઈ શકે છે. આથી વહેલી તકે OCI કાર્ડ માટે અરજી કરીને OCI કાર્ડ મેળવવાનું યોગ્ય અને ડહાપણભર્યું ગણાશે.
(સી) OCI કાર્ડનાં મહત્ત્વના લક્ષણો
(૧) યોગ્યતા - પાત્રતાઃ
વિદેશી નાગરિક OCI કાર્ડ માટે લાયક ગણાશે, જો તે...
- ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના દિવસે અથવા તે પછીના કોઈ પણ સમયે ભારતનો નાગરિક હોય.
- ભારતમાં ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ પછી અને ૧ જુલાઈ ૧૯૮૭ પહેલા જન્મ થયો હોય.
- ભારતમાં ૧ જુલાઈ ૧૯૮૭ પછી પરંતુ ૩ ડિસેમ્બર ૨૦૦૪ પહેલા જન્મ થયો હોય, જેની શરત એ છે કે તેના માતાપિતામાંથી કોઈ એક તેના જન્મ સમયે ભારતના નાગરિક હોય.
- ભારતમાં ૩ ડિસેમ્બર ૨૦૦૪ પછી જન્મ થયો હોય અને તેના માતાપિતા ભારતના નાગરિક હોય અથવા માતાપિતામાંથી કોઈ એક કાનૂન થકી ભારતીય નાગરિક હોય અને બીજા કાનૂની માઈગ્રન્ટ હોય.
- તેના માતાપિતામાંથી કોઈ એક, ગ્રાન્ડ પેરન્ટ્સ અથવા ગ્રેટ-ગ્રાન્ડ પેરન્ટ્સ ભારતના નાગરિક રહી ચૂક્યા હોય અને
- તે ભારતીય નાગરિક અથવા OCI કાર્ડ હોલ્ડરના જીવનસાથી હોય.
(૨) એપ્લિકેશન - અરજીઃ
સહાયકારી તમામ દસ્તાવેજો સાથે ttps://ociservices.gov.in ને અરજી કરવાની રહે છે.
સહાયકારી દસ્તાવેજોઃ
- નાગરિકતાનો પુરાવો
- પાસપોર્ટની નકલ, સિટિઝનશિપ સર્ટિફિકેટ, જન્મ પ્રમાણપત્રની નકલ, તાજેતરના યુટિલિટી બિલ સાથે સરનામાનો પુરાવો અને
- માતાપિતા, ગ્રાન્ડ પેરન્ટ્સ અથવા ગ્રેટ-ગ્રાન્ડ પેરન્ટ્સ ભારતના નાગરિક અથવા OCI કાર્ડ હોલ્ડર હોવાના પુરાવા અને જીવનસાથીના કિસ્સામાં શક્ય હોય તો મેરેજ સર્ટિફિકેટના પુરાવા
- વસવાટના દેશમાં ઈન્ડિયન એમ્બેસી અથવા રીજિયોનલ પાસપોર્ટ ઓફિસ અથવા ભારતમાં ફોરેનર્સ રીજિયોનલ રજિસ્ટ્રેશન ઓફિસર (FRRO) સમક્ષ બેન્કર્સ ચેક થકી રૂપિયા ૧૫,૦૦૦ની ફીની ચુકવણી સાથે મૂળ પ્રમાણપત્રો રજૂ કરવાના રહેશે.
(૩) ફાયદાઓ
- મલ્ટિપલ એન્ટ્રીઝની સુવિધા સાથે આજીવન વિઝા.
- FRRO અથવા પોલીસ સત્તાવાળાઓ સાથે રજિસ્ટ્રેશન કરાવવાની જરૂરિયાત નહિ.
- કોઈ બિઝનેસ અથવા વ્યવસાય ચલાવવા અથવા નોકરી-રોજગાર મેળવવા અથવા પરવાનગી હોય તેવાં રોકાણો કરવા માટે કોઈ મંજૂરીઓની જરૂર રહેતી નથી.
૨૦ વર્ષથી ઓછી વયના અને ૫૦ વર્ષથી વધુ વયના OCI કાર્ડધારક જ્યારે પણ તેમના પાસપોર્ટ્સ ફરીથી ઈસ્યુ કરાવવા માગતા હોય ત્યારે તેમની પાસે તાજા અથવા નવા OCI કાર્ડ હોય તે જરૂરી છે. ૨૦થી ૫૦ વર્ષની વય વચ્ચેના બિનનિવાસી ભારતીયો જો તેમના પાસપોર્ટ રીન્યુ કરાવવા માગતા હોય તો તેમને નવા કે તાજા OCI કાર્ડની જરૂર રહેતી નથી.
જોકે, આ બધુ કાંઈ મોટી ચિંતાનો વિષય નથી, પરંતુ કાયદાનું પાલન કરનારા પર્સન ઓફ ઇંડિયન ઓરિજિન (PIO) માટે વહેલી તકે OCI કાર્ડ મેળવી લેવું તે વર્તમાન સમયની તાતી જરૂરિયાત છે.

www.femaonline.com
ફોનઃ 0091-281-245 3367 (four lines) / 245 9613
ઇમેઇલઃ [email protected] / [email protected]


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter