મારી આ કટારના વાચકો જાણે જ છે કે થોડાં વર્ષ અગાઉ મેં બીબીસીના વ્યવસ્થિત અને સંસ્થાગત બનાવટી ન્યૂઝ ઓપરેશનનો પર્દાફાર્શ કર્યો હતો. મેં જૂન 2014માં જ બીબીસી મોદીવિરોધી હોવાં વિશે લખ્યું હતું. મેં આ મુદ્દો ઉઠાવ્યો હતો કારણકે છેક 2014માં પણ મારા આગવા ઈન્વેસ્ટિગેશન્સમાં જણાયું હતું કે બીબીસી ઓછાંમાં ઓછું વર્ષ 2002થી ભારતવિરોધી અને મોદીવિરોધી હતું. આપણામાંથી ઘણાને 2014માં સ્પષ્ટ થઈ જ ગયું હતું કે તત્કાલીન મુખ્યપ્રધાન મોદીની અતિશય નકારાત્મક છબી ચીતરતું બીબીસી નેરેટિવ ભારતની ચૂંટણીઓનું અવમૂલ્યન કરવા માટે હતું અને મારા મતાનુસાર મુખ્યપ્રધાન મોદીને વડા પ્રધાન મોદી બનતા અટકાવવા માટે હતું. તેઓ નિષ્ફળ ગયા, પરંતુ તેનો અર્થ એવો નથી કે તેમની મુખ્યત્વે ભારતવિરોધી રહેવાની કેન્દ્રીય માનસિકતા અટકી ગઈ હતી. આ સંસ્થાને એન્ટિ-ઈન્ડિયા વાઈરસનો ચેપ લાગ્યો છે અને તે વધુ ખરાબ જ થતો રહેશે.
મેં ફેબ્રુઆરી 2020માં ફરી એક વખત બીબીસીની ભ્રષ્ટ રીતરસમોનો પર્દાફાશ કર્યો હતો. મેં જણાવ્યું હતું કે, ‘મારા મતે અને શરૂઆતથી જ મને સ્પષ્ટ કહેવા દો કે બીબીસીએ તેનો માર્ગ ખોઈ નાખ્યો છે, તે ભૂલું પડી ગયું છે, તે રાષ્ટ્રીય વિશેષાધિકારી બ્રોડકાસ્ટર હોવાની પોતાની સત્તાનો દુરુપયોગ કરી રહેલ છે. તેનું સંચાલન આગવા એજન્ડા ધરાવતા લોકો દ્વારા કરાઈ રહ્યું છે. તેમનો પોતાનો પૂર્વગ્રહિત એજન્ડા સામાન્ય અર્થ કરતાં પણ વધુ વોક (કહેવાતા જાગૃત) છે. મારા મતાનુસાર બીબીસી પોતાના જ ચાર્ટરની સંભાળ લેવાના પોતાના કર્તવ્યમાં નિષ્ફળ રહ્યું છે.’
મેં સપ્ટેમ્બર 2021માં ‘બીબીસી- આતંકવાદીઓનું વાજું? (બીબીસી–એ માઉથપીસ ફોર ધ ટેરરિસ્ટ્સ?)’ મથાળા સાથેનો લેખ લખ્યો હતો. બીબીસી પરનું રિપોર્ટિંગ એટલું કોમ્પ્રોમાઈઝ્ડ – સમાધાનકારી થઈ ગયું હતું કે કોઈને પણ એવી લાગણી થાય કે પાકિસ્તાને આચરેલા અત્યાચારોનો બચાવ કરવાનું જ તેનું કામ રહ્યું છે. મને એટલો રોષ ઉછળ્યો હતો કે, મેં લખી નાખ્યું કે,‘ હું બીબીસીના ચેરમેન રિચાર્ડ શાર્પ, બીબીસીના ડાયરેક્ટર જનરલ ટીમ ડેવી અને સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ડિજિટલ, કલ્ચર, મીડિયા એન્ડ સ્પોર્ટ્સ ઓલિવર ડાઉડેન CBE MP અને આપણા પ્રાઈમ મિનિસ્ટર બોરિસ જ્હોન્સન MPને પૂછવા માગું છું: બીબીસી નામની આ રાષ્ટ્રીય શરમ પર તમે કાબુ મેળવી શકો તે પહેલાં શું શું થશે?’
બીબીસીને વ્યવસ્થિત કરવા ટોરી સરકાર પાસે પૂરતો સમય અને તક હતાં. આના બદલે તેઓ ખૂણાઓને સાંધવાની કામગીરીમાં લાગી ગયા. સંસ્થામાં જે લૂણો લાગી ગયો હતો તે વધુ સડીને એવો રાક્ષસી સ્વરૂપનો થઈ ગયો કે કોઈ તેનો સામનો કરવાનું વિચારે જ નહિ. આભાર માનીએ પંડિત સતીશ શર્મા અને તેમની ટીમનો કે 2023માં તેમણે બીબીસીમાં સમાચાર અને ડોક્યુમેન્ટરી પ્રોગ્રામ્સમાં પ્રસરી ગયેલા ભ્રષ્ટાચાર સંબંધે સંશોધન કર્યું. તેમના પોતાના જોખમે અને હિસાબે તેમણે આંખો ઉઘાડનારી અને ધરતી કાંપી ઉઠે તેવી ડોક્યુમેન્ટરી બનાવી જેણે બીબીસીના હાર્દ અને તેના સંસ્થાગત બની ગયેલા પૂર્વગ્રહનો પર્દાફાશ કરી નાખ્યો.
આ ડોક્યુમેન્ટરીનું નામ ‘BBC on Trial’ છે અને તમે જાતે જ https://bbcontrial.com અને https://www.youtube.com/watch?v=8WeI06k6n20 પર જઈને તેના વિશે ચોકસાઈ કરી શકો છો. હું આપણા રાજકારણીઓ અને વ્યાપકપણે મીડિયાને ખુલ્લો પડકાર આપું છું કે આ ડોક્યુમેન્ટરી બધા માટે સુલભ બની રહે તેની ચોકસાઈ માટે હું તૈયાર છું, જેથી બીબીસી 1922માં તેની સ્થાપના કરાઈ ત્યારથી જ ભારત અને હિન્દુઓના વિરુદ્ધ જૂઠાણાંની સર્જક અને ઉદ્ઘોષક બની રહી હોવાનું તેઓ સમજી શકે. પ્રાઈમ મિનિસ્ટર સ્ટાર્મર, જો તમારામાં સત્યનો સામનો કરવાની જરા પણ હિંમત હોય તો હાઉસ ઓફ કોમન્સમાં આ ડોક્યુમેન્ટરીના સ્ક્રીનિંગનું આયોજન કરી બતાવો અને હું આ ડોક્યુમેન્ટરી મળી શકે તે માટે પંડિત સતીશ શર્માને જણાવીશ.
પંડિત સતીશ શર્માએ ટીપ્પણી કરી હતી કે, ‘બીબીસીએ મારી ચિંતાને ફગાવી દીધી હતી આથી, સંપૂર્ણ સંશોધિત ડોક્યુમેન્ટરી બનાવવા સિવાય કોઈ વિકલ્પ રહ્યો ન હતો. સમગ્ર ભારતમાં બહુભાષી રીલિઝ થાય તે અગાઉ પાર્લામેન્ટેરિઅન્સ સમક્ષ પ્રસ્તુત કરવામાં મને આનંદ થશે.’ તમારામાંથી કેટલાકને યાદ આવશે કે ગયા વર્ષે આપણે ‘આસેર્શન રિપોર્ટ’ પ્રકાશિત થયાનું જાણ્યું હતું, જેમાં બહાર આવ્યું હતું કે બીબીસી ઈઝરાયેલ અને જ્યુઈશ કોમ્યુનિટી સામે પૂર્વગ્રહ ધરાવતી હતી. આમાં કશું નવું ન હતું. આ તો આપણે બધા ચોક્કસ જાણીએ જ છીએ.
બીબીસીની અંદર ભ્રષ્ટ રીતરસમોની સૂચિને સત્તાસ્થાને બેઠેલાઓ દ્વારા જ છૂટછાટ અપાયેલી છે. હું સ્પષ્ટપણે જણાવીશ અને મારો આ તદ્દન સાચો મત છે કે આમાંથી મોટા ભાગની છૂટછાટ સાથેની ઘટનાઓ ઘણા વરિષ્ઠ એક્ઝિક્યુટિવ્ઝ અને બીબીસી બોર્ડના મંજૂરી આપતા ઈશારા સાથે જ બની છે. આથી, આ સપ્તાહે આપણને જાણવા મળ્યું કે બીબીસીએ ઓછામાં ઓછાં બે અલગ પ્રોગ્રામ્સમાં પ્રેસિડેન્ટ ટ્રમ્પના વીડિયોઝને ઈરાદાપૂર્વક એવી રીતે સમબદ્ધ જોડ્યાં કે જેનાથી તેઓ જે બોલી રહ્યા હતા તેનો અર્થ તદ્દન બદલાઈ જાય, આનાથી મને જરા પણ આશ્ચર્ય થયું નહિ. અને વિચારો, આ તડજોડ ફરી એક વખત મહત્ત્વની ચૂંટણીવેળાએ થઈ હતી. આ બહાર આવી શક્યું તેનું એકમાત્ર કારણ એ હતું કે આખરે બીબીસીમાંથી જ કોઈએ હિંમત દાખવી અને ગુપ્ત- કોન્ફિડેન્શિયલ આંતરિક રિપોર્ટ્સ લીક કરી દીધા. પ્રેસિડેન્ટ ટ્રમ્પ ચોક્કસપણે આવી મૂર્ખામી હળવાશથી લે તેવા નથી. હવે તેઓ બીબીસીને બરાબર ધોઈ નાખવાના યુદ્ધમાર્ગ પર છે. એક બાબત સ્પષ્ટ છે કે કેર સ્ટાર્મર અને નંબર 10 હસ્તક્ષેપ નહિ કરે તો પ્રેસિડેન્ટ ટ્રમ્પ 5 બિલિયન ડોલર જેટલી જંગી નુકસાની માગી શકે તે શક્ય છે.
બીબીસીમાં કેટલાક માંધાતાઓના મસ્તકો રોળાઈ ગયા છે, પરંતુ હજુ પણ ઘણા લોકો તેમના સ્થાને બેઠેલા છે જેમની હકાલપટ્ટી કરાવી જોઈએ. બીબીસી તેના વર્તમાન માળખામાં અસ્તિત્વ ધરાવવા માટે અયોગ્ય છે. બીબીસીના હજારો કર્મચારીઓએ પદ છોડી જવાની આવશ્યકતા છે કારણકે તેઓ દેશ માટે યોગ્ય હોય તેવા બીબીસી પ્રોગ્રામિંગ માટે ત્યાં બેઠા નથી. એમ જણાય છે કે તેઓ લોકસમૂહો માટે ભ્રષ્ટ વિચારધારા અને વિશ્વદર્શનને આગળ વધારવા માટે જ ત્યાં છે.
હું તમને બધાને યાદ કરાવવા માગું છું કે પ્રીતિ પટેલ MPએ 2014ની 19 મેએ બીબીસીના ડાયરેક્ટર જનરલ લોર્ડ ટોની હોલને પ્રાઈમ મિનિસ્ટર મોદીને નીચાજોણું કરાવવા અને નાશ કરવાની જાલસાજીથી જરા પણ ઓછું ન કહેવાય તેવા બીબીસીના ન્યૂઝનાઈટ પ્રોગ્રામ વિશે ફરિયાદ અને પડકાર આપતું લખાણ લખ્યું હતું. એક દાયકા પછી પણ બીબીસી ખાતે જરા પણ ફેરફાર થયો હોય તેમ જણાતું નથી. હું આખરી એકમાત્ર નિષ્કર્ષ પર આવી શકું છું કે બીબીસી ચોક્કસ રાષ્ટ્રો, ચોક્કસ લોકો અને ચોક્કસ ધર્મો કે આસ્થા વિરુદ્ધ સંસ્થાગત પૂર્વગ્રહો ધરાવે છે.
આ બોગસ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન ટર્મ મેં તૈયાર કરી છે અને હું તેને ચોક્કસપણે વળગી રહું છું.


