બીબીસી માથા પરનો આ ભાર વેંઢારવાનું છોડી દે

BBC ની વર્તમાન શ્રેણી ‘ધ મોદી ક્વેશ્ચન’ પણ ‘વ્હાઈટ મીડિયા‘ઝ બર્ડન’નું યથાર્થ ઉદાહરણ છેઃ BBCએ 20 વર્ષના પૂર્વગ્રહિત રિપોર્ટિંગનું એકત્રીકરણ કર્યું છે, તેના પર જૂના થઈ ગયેલા મરીમસાલા છાંટ્યા છે અને ખોટી રંજાડનો શિકાર બન્યાની કાગારોળથી તેની સજાવટ કરી છે.

તારિક મનસૂર Friday 27th January 2023 08:02 EST
 
 

‘વ્હાઈટ મેન્સ બર્ડન’ શબ્દગુચ્છ ઘણો જાણીતો છે. તે વિશ્વને બહેતર બનાવવા ગોરા ભદ્ર-કુલીન પુરુષોએ જાતે વહોરી લીધેલી જવાબદારીને સૂચવે છે. જોકે, વર્તમાનમાં તો ‘વ્હાઈટ મીડિયા‘ઝ બર્ડન’ શબ્દગુચ્છ ભારે ખતરનાક બની રહ્યો છે. વેસ્ટર્ન મીડિયાએ જે લોકો તેમના વિશ્વથી તદ્દન અળગા કે દૂર છે અથવા જેમની સામે તેઓ ભારે પૂર્વગ્રહ ધરાવે છે તેમના વિશે ખોટાં અને અતાર્કિક વિવરણો સર્જવાની જવાબદારી પોતાના માથે લઈ લીધી છે. BBC ની વર્તમાન શ્રેણી ‘ધ મોદી ક્વેશ્ચન’ પણ ‘વ્હાઈટ મીડિયા‘ઝ બર્ડન’નું યથાર્થ ઉદાહરણ છે - જેમની સામે આગોતરા પૂર્વગ્રહ ધરાવે છે તેવા વિષય પરની અનિચ્છનીય અને તથ્યવિહીન કોમેન્ટરી કે ટીપ્પણ છે.
વિશ્વની સૌથી મોટી લોકશાહીના વડા પ્રધાનને બુદ્ધિહીનતા સાથે લક્ષ્ય બનાવવાની આ વૃત્તિ કે પ્રવૃત્તિ અનેક કસોટીની એરણો પર નિષ્ફળ નીવડે છે.
સૌ પ્રથમ તો આ સીરિઝ ભારતીય ન્યાયતંત્ર વિરુદ્ધ તદ્દન અવહેલના દર્શાવે છે. 2002ના રમખાણોના કેસીસ ભારતીય ન્યાયતંત્રના દેખીતી રીતે તમામ સ્તર પર અને વિવિધ રાજ્યોમાં પણ સુનાવણી કરાયેલા છે. દેશની સર્વોચ્ચ અદાલત, સુપ્રીમ કોર્ટ દ્વારા આ કેસની તપાસ કરવા સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરાઈ હતી. આના પરિણામો બધાની નજર સમક્ષ છે. ઉચ્ચ વ્યાવસાયિક પ્રતિષ્ઠા ધરાવતા પુરુષો અને સ્ત્રીઓ દ્વારા સંપૂર્ણપણે અપાયેલા ન્યાયિક અને વહીવટી તારણો પછી નરેન્દ્ર મોદીને ક્લિન ચિટ આપવામાં આવી હતી. અલગ અલગ રિવ્યૂ પિટિશન્સ પણ ટકવાને પાત્ર નહિ હોવાનું જણાયું હતું.
આથી, અહીં પ્રશ્ન એ ઉભો થાય છે કે શું બીબીસી પોતાને ભારતીય ન્યાયતંત્રથી પણ સર્વોપરી હોવાનું માને છે?
બીજો મુદ્દો એ છે કે બીબીસીના એજન્ડાને લોકોની કોર્ટે જરા પણ પસંદ કર્યો નથી. વર્ષ 2014 અને 2019 (અને તે પહેલા ગુજરાતમાં 2002, 2007 અને 2012)માં નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમાં નક્કર-પ્રચંડ જનાદેશો પ્રાપ્ત કર્યા છે. વિવિધ સામાજિક સમૂહોના લોકો કોઈ નેતા કે પાર્ટી માટે મત આપે તે સિવાય આ શક્ય ન બને. તેમની સંખ્યામાં થોડોઘણો ફેરફાર હોઈ શકે પરંતુ, તેના વહેણ કે ઝોકને અવગણી શકવાનું મુશ્કેલ જ ગણાય.
મુસ્લિમો અને વિશેષતઃ સ્ત્રીઓ સાથે મારી વાતચીતોમાં, મને ટ્રિપલ તલાકની આદિમકાલીન રીતરસમ નાબૂદ કરવા બદલ વડા પ્રધાન મોદી પ્રત્યે વિશેષ અહોભાવ જોવા મળ્યો. ધૂમાડારહિત રસોઈઘર અથવા સરકારી હાઊસિંગ યોજનાઓમાં મહિલાઓના નામે કરોડો ઘરના રજિસ્ટ્રેશન સહિતની અન્ય પહેલોને પણ તમામ ધાર્મિક ફલકમાં વ્યાપક સમર્થન સાંપડ્યું છે. આમાં, મુસ્લિમ મહિલાઓ અપવાદમાં નથી.
ત્રીજી બાબત એ છે કે મુસ્લિમોમાં રંજાડ-અત્યાચારનો શિકાર બન્યાની લાગણી સર્જવાની પોતાની માનસિકતાને નિયંત્રણમાં રાખી હોત તો બીબીસીએ ભારે ડહાપણનું કામ કર્યું હોવાનું ગણાત. અમારી કોમ્યુનિટીમાં ‘ખોટાં ધર્મ માતાપિતા- ગોડ પેરન્ટ્સ’ની સંખ્યા ઘણી છે જેમણે મુસ્લિમોના મુદ્દા-સમસ્યાઓનો ઉપયોગ માત્ર પોતાની બ્રાન્ડ ઉભી કરવા પૂરતો જ કર્યો છે. અપરિપક્વ એજન્ડાઓથી અમારી કોમ્યુનિટી સમક્ષના પડકારોનું નિવારણ થવાનું નથી. માત્ર રચનાત્મક ઈન્ટર-ફેઈથ સંવાદ કે વાટાઘાટો થકી જ તેનું નિવારણ થઈ શકે છે. વડા પ્રધાન મોદીએ મુસ્લિમ યુવાઓ વિશે પોતાની કલ્પનાદૃષ્ટિની વાત કરી ત્યારે તેમણે ઘણા મુસ્લિમ યુવાઓના દિલ જીતી લીધા હતા. તેમણે કહ્યું હતું કે,‘ મુસ્લિમ યુવાવર્ગ તેમના એક હાથમાં કુરાન અને બીજા હાથમાં કોમ્પ્યુટર ધારણ કરશે ત્યારે જ વિકાસ શક્ય બનશે.’ ભૂતકાળમાં, નેતાઓ ઉપલકિયાવાદ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરતા હતા અથવા અમારા આધ્યાત્મિક મૂળિયાં પરત્વે તેઓ ઘણી ઉપેક્ષાવૃત્તિ ધરાવતા હતા. આજે, સંખ્યાબંધ મુસ્લિમ યુવાઓ સ્ટાર્ટ અપ્સ અને અન્ય નવા સાહસોમાં સંકળાયેલા છે. આ વહેણ-પ્રવાહ ભારે પ્રોત્સાહક છે.
બીબીસીનું એજન્ડા આધારિત જર્નાલિઝમ વધુ એક પરીક્ષા- મુસ્લિમ વિશ્વ ભારત સાથે કેવા સંબંધ ધરાવે છે-માં પણ પાસ થતું નથી. હું વિશ્વાસ સાથે કહી શકું છું કે ઈસ્લામિક વિશ્વ સાથે ભારતના સંબંધો અગાઉની સરખામણીએ ઘણા બહેતર છે. ભારતના સંબંધો સાઉદી અરેબિયા, યુએઈ, ઈરાન, પેલેસ્ટાઈન, ઓમાન, કતાર અને ઈસ્લામિક વિશ્વના અન્ય ઘણા દેશો સાથે છે. કેટલા ઈસ્લામિક દેશોએ વડા પ્રધાન મોદીને તેમના સર્વોચ્ચ સન્માનથી નવાજ્યા છે તેની ચોકસાઈ બીબીસીએ કરી લેવાની જરૂર છે. એક સમય એવો હતો કે OIC ભારતીય મુસ્લિમ નેતાને રાહ જોવડાવતું હતું. મોદી સરકારના મહિલા ફોરેન મિનિસ્ટરને પ્રભાવી સંમેલનને સંબોધિત કરવાં આમંત્રિત કરાયાં હતાં. જો મુસ્લિમ વિશ્વને ભારતીય મુસ્લિમોની હાલત દયનીય હોવાનું લાગતું હોત તો આ લાભકારી પરિણામો શક્ય બન્યા જ ન હોત.
હું બીબીસીને તેનો ‘વ્હાઈટ મીડિયા‘ઝ બર્ડન’નો અંચળો ઉતારી દેવાનો અનુરોધ કરવા માગું છું. સામ્રાજ્યવાદની ભયાનકતા સહુ કોઈએ જોઈ છે. યુરોપના નાનકડા ટાપુરાષ્ટ્રની ભૌતિક લાલચ-લાલસાને સંતોષવા આપણી લગભગ અડધી દુનિયા ગરીબ અને સ્રોતવિહીન બની ગઈ હતી. ભારતમાં કોમવાદી હિંસાની ઘટનાઓ પણ જોવાઈ છે પરંતુ, શું બ્રિટન નાગરિક અશાંતિ-અરાજકતાઓથી મુક્ત રહી શક્યું છે? ભારતીય અર્થવ્યવસ્થાએ વિશ્વના પાંચમાં ક્રમના સૌથી મોટા અર્થતંત્ર બનવામાં બ્રિટિશ અર્થતંત્રને પાછળ પાડી દીધું છે. બ્રેક્ઝિટ પછીની સામાજિક ખાઈની અસરો કાયમી નિશાન છોડી રહી છે. આપણે ઈચ્છીએ કે બીબીસી બહારના દેશોના લોકોને ઉપદેશો આપવાના બદલે બ્રિટનની અંદર જ નજર રાખતું રહે તે વધુ યોગ્ય છે.
BBCએ 20 વર્ષના પૂર્વગ્રહિત રિપોર્ટિંગનું એકત્રીકરણ કર્યું છે, તેના પર જૂના થઈ ગયેલા મરીમસાલા છાંટ્યા છે અને ખોટી રંજાડનો શિકાર બન્યાની કાગારોળથી તેની સજાવટ કરી છે. આ વાનગી બનાવવાની પદ્ધતિ તદ્દન અરુચિકર હોનારત સમાન બની ગઈ છે.
ભારતના મુસ્લિમોને બંધારણ, કારોબારી, ધારાગૃહો અને અદાલતોમાં સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ છે કે તેમની સમસ્યાઓનું નિરાકરણ આવશે. અમે ભૂતકાળમાંથી બહાર આવી આગળ વધવા માગીએ છીએ- હવે અમે ત્યાં રહેવા ઈચ્છતા જ નથી. અમારી નજર ભવિષ્ય તરફ છે અને આશા અને અપેક્ષાઓ સાથે તેમ કરી રહ્યા છીએ. ભારતીય મુસ્લિમો માટે મોદી એક પ્રશ્નનથી પરંતુ, મોદી એક ઉત્તર છે જે અમારી વિરુદ્ધના ઘણા અન્યાયો દૂર કરી રહેલ છે. બીબીસી પાસે તો બહેતરની અપેક્ષા હતી-અથવા કદાચ હતી જ નહિ.
(લેખક અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter