રોયલ હાઈનેસ પ્રિન્સ ઓફ વેલ્સ દ્વારા ૨૦૦૭માં સ્થાપિત ચેરિટેબલ ફાઉન્ડેશન બ્રિટિશ એશિયન ટ્રસ્ટ (BAT)ના આગામી અધ્યક્ષપદે નિયુક્ત થવું એ ખરેખર બહુમાન છે. ચેરિટી ક્ષેત્રમાં આ પ્રકારની અગ્રેસર સખાવતી સંસ્થાઓમાં વિકાસકીય પડકારોનો સામનો કરવા સોશિયલ ફાઈનાન્સ જેવાં પહેલરુપ અભિગમોનો ઉપયોગ કરનારી ચેરિટી સંસ્થા છે. વિદાયમાન અધ્યક્ષ શ્રી મનોજ બડાલેએ ગત ૧૪ વર્ષમાં અતુલનીય કામગીરી બજાવી છે. હું તેમની સેવા બદલ આભાર વ્યક્ત કરવા ઈચ્છું છું, તેમણે આ ચેરિટીના આરંભથી જ તેનું સુકાન સુપેરે સંભાળ્યું છે. મનોજના પેંગડામાં પગ નાખી શકાય નહિ પરંતુ, હું પડકારો ઝીલી લેવા આતુર છું.
BAT સાઉથ એશિયાના તમામ મુખ્ય દેશો-ભારત, પાકિસ્તાન, બાંગલાદેશ અને શ્રી લંકામાં ઓછાં નસીબવંતા લોકો પર શક્ય તેટલી વ્યાપક અસર સર્જવા કાર્યરત છે. આ પ્રદેશમાં લગભગ ૨ બિલિયન લોકો વસે છે જે વિશ્વની વસ્તીનો ચોથો ભાગ છે પરંતુ, વૈશ્વિક GDPના પાંચ ટકાથી પણ ઓછો હિસ્સો ધરાવે છે. આર્થિક દેખાવ અને જીવનની તક સુધારવામાં નોંધપાત્ર પ્રગતિ સધાઈ હોવાં છતાં, આપણે જાણીએ છીએ કે સંપત્તિ અને ગરીબીના અંતિમોનું પાસ-પાસ અસ્તિત્વ હોવા સાથે ગણનાપાત્ર અસમાનતાઓ પ્રવર્તી રહી છે.
અમે BAT ખાતે સાઉથ એશિયાને ગરીબીમાં મુક્ત કરવા, જ્યાં દરેક પોતાની સંપૂર્ણ ક્ષમતાઓને હાંસલ કરી શકે તેમ ઈચ્છીએ છીએ. અમારા કાર્યનો ઉદ્દેશ પોતાના વતનમાં ઈચ્છવાયોગ્ય કાર્યોને ટેકો આપવામાં હંમેશાં અભૂતપૂર્વ ઉદાર રહેલી યુકેસ્થિત ડાયસ્પોરા કોમ્યુનિટીઓના સપોર્ટ અને અસરને મહત્તમ બનાવવાનો છે. જોકે, જરુરિયાતોનું પ્રમાણ અને વહીવટલક્ષી ચિંતાઓના કારણે ઘણા દાતાઓ તેમના સખાવતી યોગદાન બાબતે ઘણા સાવચેત રહે છે. આથી અમે આ રીજિયનના સૌથી મોટા પડકારોમાં કેટલાક પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય પદ્ધતિઓને અપનાવી દાન કરાયેલા પ્રત્યેક પાઉન્ડ, રુપિયા અથવા ટાકાની અસરને મહત્તમ વધારવાના પહેલરુપ અભિગમોનો ઉપયોગ કરીશું.
BAT દ્વારા સમર્થિત કાર્યક્રમો-પ્રોગ્રામ્સ મુખ્યત્વે પાંચ પાયારુપ ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરે છે જેમાં, શિક્ષણ, જીવનનિર્વાહ, એન્ટિ-ટ્રાફિકિંગ, માનસિક આરોગ્ય અને પર્યાવરણીય જાળવણીનો સમાવેશ થાય છે.
શિક્ષણઃ અમે શાળાકીય શિક્ષણની ગુણવત્તાને રુપાંતરિત કરી, શીખવાના માપદંડો સુધારી અને નવાં ચાવીરુપ જીવન કૌશલ્યો રજૂ કરવા થકી ગરીબ બાળકોને સફળ અને ઉજ્જવળ ભવિષ્યની તક મળે તેની ચોકસાઈ રાખીશું,
જીવનનિર્વાહઃ અમે ચોકસાઈ રાખીશું કે ગરીબ, અસલામત જૂથોને આજીવિકાના સાધનો થકી આર્થિક સક્ષમતા મળે. લોકોની કુશળતાઓ વિકસાવી, બજારોને સુલભ બનાવી અને એન્ટ્રેપ્રીન્યોરશિપમાં રોકાણો કરીને અમે તેમના માટે નાણાકીય સેવા અને નોકરીઓ સુધીની પહોંચ વધારીશું.
એન્ટિ-ટ્રાફિકિંગઃ બાળકોને ગેરકાયદે હેરફેરથી બચાવવા તેમનું શોષણ ન થાય તે માટે અસલામતી ઘટાડવાની ચોકસાઈ રાખવામાં આવશે. સિવિક સપોર્ટ સિસ્ટમ્સને વધુ મજબૂત બનાવવા તેમજ બચાવી લેવાયેલા બાળકોને સારા પુનર્વસન અને કાળજીનું તંત્ર ગોઠવી આમ કરવામાં આવશે.
માનસિક આરોગ્ય અને ડિસેબિલિટીઃ માનસિક આરોગ્યની સમસ્યાઓ ધરાવતા લોકો ગૌરવપૂર્ણ જીવન જીવી શકે તે માટે તેમને યથાયોગ્ય સેવાઓની પહોંચ વધારવા અને કોમ્યુનિટીમાં તેમના પર લાગતા કલંકને ઘટાડવાની ચોકસલાઈ રાખીશું.
પર્યાવરણીય જાળવણીઃ માનવ અને વન્યજીવન વચ્ચે સંઘર્ષને ઘટાડી અને સહઅસ્તિત્વને આગળ વધારી જોખમમાં આવી ગયેલી પ્રજાતિઓ અને તેમના કુદરતી વાતાવરણના રક્ષણમાં મદદ કરીશું. અગ્રણી કન્ઝર્વેશન ચેરિટી ધ એલિફન્ટ ફેમિલી સાથે અમારા મર્જર થકી આ કાર્યને ઘણું વિસ્તૃત બનાવી દેવાયું છે.
BAT ખાતેની કામગીરી એવી મજબૂત માન્યતાથી દોરવાયેલી છે કે પરોપકાર અને વિકાસ પ્રત્યે માત્ર પરંપરાગત વલણો દ્વારા જ આ વિસ્તારના પડકાર-સમસ્યાનું નિરાકરણ આવી શકે તેમ નથી. અમે કાર્યક્રમો ઘડવા અને પરિપૂર્ણ ટેકનોલોજીનો સમન્વય કરતી પાર્ટનરશિપ્સને આવકારવા અન્યો સાથે ભાગીદારીમાં કામ કરીએ છીએ. વિશેષતઃ અમે પરિણામો આધારિત કાર્યક્રમો પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ જેથી, વાસ્તવિક પરિવર્તન લાવી શકાય. એક ઉદાહરણ લઈએ તો, BATદ્વારા ૨૦૧૮માં ભારત માટે ૧૧ મિલિયન ડોલરના ક્વોલિટી એજ્યુકેશન ડેવલપમેન્ટ ઈમ્પેક્ટ બોન્ડની રચના અને લોન્ચિંગમાં મદદ કરવામાં આવી હતી જેને ભારે સફળતા હાંસલ થઈ હતી. આ બોન્ડ પ્રાઈમરી શાળાઓમાં કચડાયેલા વર્ગના ૨૦૦,૦૦૦ બાળકોને અક્ષરજ્ઞાન અને આંકડાજ્ઞાનની પ્રાપ્તિમાં સુધારણાનો ઉદ્દેશ ધરાવે છે. બોન્ડનું માળખું એવી રીતે ઘડાયું છે કે તે પરફોર્મન્સ માટે ચૂકવણી કરે છે. પ્રારંભિક પરિણામો શરૂઆતથી જ વ્યાખ્યા કરાયેલા તેમજ સ્વતંત્રપણે માપતા અને મૂલ્યાંકન કરતા એજ્યુકેશનલ મેટ્રિક્સ પર પ્રભાવી દેખાવો પ્રદર્શિત કરે છે. અમે ૧૪.૪ મિલિયન ડોલરના સ્કિલ્સ ઈન્ડિયા બોન્ડ માટે નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના સહયોગમાં કામ કરી આ અભિગમને ખાસ કરીને છોકરીઓ અને યુવા લોકો માટે કૌશલ્યની જોગવાઈ માટે આગળ વધાર્યો છે.
આ લાંબા ગાળાના પ્રોગ્રામ્સ ઉપરાંત, સમગ્ર સાઉથ એશિયામાં પરિવારોને અસ્તિત્વ જાળવવા માટે તાકીદે આવશ્યક હોય તેવો ખોરાક, દવાઓ અને મહત્ત્વની ચીજવસ્તુઓ મળી રહે તે માટે અમે મહામારી દરમિયાન ઈમર્જન્સી અપીલ્સ પણ લોન્ચ કરી હતી. ઉદાહરણ લઈએ તો, BATની ઓક્સિજન અપીલને અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો હતો જેમાં ૩૦,૦૦૦થી વધુ સમર્થકો પાસેથી ૮ મિલિયન પાઉન્ડથી વધુ ભંડોળ એકત્ર થયું હતું. આ રકમને પાછળથી ઈન્ડિયા રિકવરી ફંડમાં રુપાંતરિત કરાઈ હતી. જેના મારફત, ઝડપી વેક્સિનેશન, આજીવિકાના સાધનોનું પુનઃનિર્માણ તેમજ ખાસ કરીને બાળકોના માનસિક આરોગ્યનું રક્ષણ પર ધ્યાન અપાયું હતું. અમારી ઈન-કન્ટ્રી ટીમ્સ, સ્થાનિક સલાહકારી કાઉન્સિલ્સ અને બોર્ડ ઓફ ટ્રસ્ટીઝના માર્ગદર્શન હેઠળ અમે ઓછામાં ઓછાં ખર્ચમાં વધુ અસર, જવાબદેહિતા અને અમારા પર વિશ્વાસ રાખીને અપાયેલા નાણાથી પ્રમાણમાં સૌથી વધુ શક્ય અસર ઉપજાવવા અમે બધું જ કરી છુટીશું.
જીવનની અનેક રચનાત્મક તકોમાંથી, ભલે તે શૈક્ષણિક અથવા વ્યાવસાયિક હોઈ શકે, લાભ પ્રાપ્ત કરવા સદનસીબ વ્યક્તિ તરીકે મને લાગે છે કે અન્યો માટે પણ તકના દ્વાર ખોલવાનું મહત્ત્વપૂર્ણ છે, ખાસ કરીને એ લોકો માટે જેઓ જરૂરિયાતમંદ છે. આથી જ, BAT સમગ્ર સાઉથ એશિયામાં વિકાસને ઉત્તેજન આપવા સૌથી રચનાત્મક માર્ગો અને ખાસ કરીને સોશિયલ ફાઈનાન્સના ઉપયોગ દ્વારા સકારાત્મક અસર પૂરી પાડવામાં હિંમતવાન અને મહત્ત્વાકાંક્ષી બનવાનું ચાલુ રાખે તેમ હું ઈચ્છીશ.
જો તમે બ્રિટિશ એશિયન ટ્રસ્ટ વિશે વધુ જાણવા ઈચ્છતા હો અથવા સપોર્ટ કરવા માગતા હો તો મહેરબાની કરી વેબસાઈટ www.britishasiantrust.orgની મુલાકાત લેશો.


