બ્રિટિશ ભારતીય મતની ક્યારેય અવગણના કરવી નહીં

લેબર પાર્ટીને સમર્પિત હજારો બ્રિટિશ ભારતીય મતદારો પોતે લેબરથી વિમુખ થઈ ગયા હોય તેવી લાગણી અનુભવી રહ્યા છે

- લોર્ડ ડોલર પોપટ Wednesday 04th December 2019 02:31 EST
 
 

મેં મારું વયસ્ક તરીકેનું સમગ્ર જીવન બ્રિટિશ ભારતીય કોમ્યુનિટી અને કન્ઝર્વેટિવ પાર્ટી વચ્ચે સેતુ બનવાના પ્રયાસમાં વીતાવ્યું છે. આ જીવનભરનું કાર્ય છે અને સામાન્ય ચૂંટણી જેમ નજીક આવતી જાય છે તેમ આ બન્ને વચ્ચેનું અંતર કદાચ ખાસ્સું ઘટી ગયું હશે. પરંતુ, હજુ અંતર તો છે. મારા માટે કન્ઝર્વેટિવને મત આપવાનું હંમેશા કુદરતી પસંદ જેવું રહ્યું છે. તત્કાલીન કન્ઝર્વેટિવ વડા પ્રધાન એડવર્ડ હિથ અને તેમની કન્ઝર્વેટિવ સરકાર દ્વારા જ્યારે હજારો અન્ય લોકો સાથે મારા પરિવારને પણ આવકાર અપાયો હતો ત્યારથી મારું જોડાણ શરુ થયું. તે સમયે ઈસ્ટ આફ્રિકન એશિયનોને સહાય કરવાની તેમની પ્રતિબદ્ધતાને અમે ક્યારેય ભૂલી શકીશું નહીં.

માર્ગારેટ થેચર મે ૧૯૭૯માં ચૂંટાયા તેના એક વર્ષ બાદ જાન્યુઆરી, ૧૯૮૦માં હું કન્ઝર્વેટિવ પાર્ટીમાં જોડાયો હતો. તેમણે મારો ઉત્સાહ વધાર્યો હતો. મારો મુખ્ય ઉદ્દેશ દેશ અને તેના રાજકારણ સાથે વધુ ગાઢ માનવીય જોડાણ થાય તેવો હતો. તે પણ હું શેર કરું છું તે કઠોર પરિશ્રમ, શિક્ષણ, ઉદ્યમ, પરિવાર અને મહત્ત્વાકાંક્ષા જેના મૂલ્યો હોય એવી સંસ્થા દ્વારા. અને તેના માટે માત્ર કન્ઝર્વેટિવ્સ જ યોગ્ય હતા અને તેઓ હજુ પણ યોગ્ય છે.

ઉદ્યોગોની હડતાળો, વિન્ટર ૧૯૭૪નું ત્રણ દિવસનું સપ્તાહ, બ્રિટિશ એરવેઝ સહિત ભારે ખોટ કરતી રાષ્ટ્રીયકરણ થયેલી કંપનીઓ અને ૧૯૭૦ના દાયકાના મધ્યભાગમાં હેરોલ્ડ વિલ્સનની સમાજવાદી નીતિઓ જેવા અન્ય પરિબળોને લીધે હું કન્ઝર્વેટિવ્સમાં જોડાયો.

રાજકીય સક્રિયતાના મારા તમામ વર્ષોમાં મેં લેબર પાર્ટીથી અલગ રહીને કાર્ય કર્યું. અમે લેબર પાર્ટીથી જુદા અને તેના કરતાં સારા છીએ તે અમારે હંમેશા પૂરવાર કરવું પડતું હતું. જોકે, આ વખતની સામાન્ય ચૂંટણી અલગ જ છે. ૪૦ કરતાં વધુ વર્ષમાં પહેલી વખત એવું બન્યું છે કે અમે જે કાર્ય કરતા હતા તે લેબર પાર્ટી અમારા માટે કરી રહી છે. કારણ કે લાંબા સમયથી લેબર પાર્ટીને સમર્પિત રહેલા હજારો બ્રિટિશ ભારતીય મતદારો પોતે લેબરથી વિમુખ થઈ ગયા હોય તેવી લાગણી અનુભવી રહ્યા છે અને પહેલી વખત તેઓ કન્ઝર્વેટિવ પાર્ટી તરફ આવી રહ્યા છે.

લેબર પાર્ટીના ભારત વિરોધી વલણથી અને ખાસ કરીને આ વર્ષે લેબર પાર્ટીની કોન્ફરન્સમાં પસાર કરાયેલા કાશ્મીર ઠરાવથી મને ખૂબ આઘાત લાગ્યો છે. આ ઠરાવને લીધે માત્ર અહીંની બ્રિટિશ ઈન્ડિયન કોમ્યુનિટીમાં જ નહીં પરંતુ, સમગ્ર ભારતમાં પણ હોબાળો મચી ગયો હતો.

ઈન્ડિયા ઈન્કોર્પોરેશન અને વોશિંગ્ટન ડીસીની ડેટા એનાલિટિક્સ કંપની ઓપ્ટિમસ દ્વારા બ્રિટિશ ભારતીય મતદારોના હાથ ધરાયેલા આ પ્રકારના પ્રથમ YouGov ઓપિનિયન પોલમાં જણાયું હતું કે લેબર પાર્ટીને સમર્થન આપતા બ્રિટિશ ભારતીયોમાં ૨૦૧૭ની સામાન્ય ચૂંટણી બાદ અત્યાર સુધીમાં ૧૨ પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો. લેબર પાર્ટી માટે બ્રિટિશ ભારતીય મતોનો આ સૌથી મોટો ઘટાડો છે.

મારી સૌથી મોટી મહત્ત્વાકાંક્ષા હંમેશા બ્રિટિશ ભારતીયોના મત કન્ઝર્વેટિવ પાર્ટીને મળતા રહે તેવી છે. ૨૦૧૨માં મેં મારા સારા મિત્ર ડેવિડ કેમરન સાથે મળીને કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્ઝ ઓફ ઈન્ડિયાની સ્થાપના અને શરૂઆત કરી. ડેવિડને બ્રિટિશ ભારતીય મતમાં સામર્થ્ય જણાયું. ચૂંટણીલક્ષી નહીં પરંતુ, આપણે ગ્રેટ બ્રિટન માટે આદર્શ કોમ્યુનિટી છીએ એ હકીકતે. આ દેશને જે આદર્શોની આશા છે તેને આપણાં મૂલ્યો અને સફળતાએ રજૂ કર્યા છે.

ચૂંટણીની દ્રષ્ટિએ પણ અમે પરિણામો જોવાનું શરૂ કર્યું. સેંકડો સક્રિય કાર્યકરો અને અગ્રણીઓની મદદથી કન્ઝર્વેટિવને ૨૦૦૫માં જે માત્ર ૧૧ ટકા બ્રિટિશ ભારતીય મત મળ્યા હતા તે ૨૦૧૫માં વધીને ૪૯ ટકાએ પહોંચ્યા હતા.

કન્ઝર્વેટિવ પાર્ટીના મતદારોને અપીલનું અમારું કેમ્પેઈન ક્યારેય તિરસ્કારભર્યું કે વિભાજન કરાવે તેવું રહ્યું નથી. અમારું કેમ્પેઈન આપણા પરિવારો અને દેશ માટે હકીકતે જે શ્રેષ્ઠ છે તે કન્ઝર્વેટિવ પાર્ટી અને તેના મૂલ્યો છે તેવી વાસ્તવિક માન્યતા પર આધારિત હોય છે. તેના લીધે જ મને આશા છે કે આગામી સપ્તાહે યોજાનારી સામાન્ય ચૂંટણીમાં આ અંતર હજુ ઘટી જશે. જોકે, મને બ્રિટિશ ભારતીય કોમ્યુનિટીની તાકાત અને ગતિશીલતા માટે ગૌરવ છે અને તેનાથી જ મને ખૂબ આનંદ છે. આ પેઢીમાં પ્રથમ વખત બ્રિટિશ ભારતીય કોમ્યુનિટીએ રાજકીય પક્ષોને અદ્ધરતાલ-બાનમાં રાખ્યા છે જે, પરિસ્થિતિ અગાઉ વિપરીત હતી.

દરેક ચૂંટણી વખતે ‘કન્ઝર્વેટિવ પાર્ટી માટે મતદાન કરવું ક્યારેય વધુ મહત્ત્વનું નથી’ તેવું હું કહેતો હોઉં તેવી તમે અપેક્ષા રાખશો. જોકે, આ વખતે અગાઉ મેં ક્યારેય જોયું નથી તેવા કોઈ નિર્ણાયક મોડ પર આપણે હોઈએ તેવું મને લાગે છે. હું મારા મનથી માનું છું કે આગામી દસ દિવસના ગાળામાં આપણે જે પસંદગીનો સામનો કરવાનો છે તે આ દેશનું ભવિષ્ય કાયમ માટે બદલી નાંખશે. દિવસ અને રાત જેવી બે વિરોધી વિચારસરણી ધરાવતા બે ઉમેદવારો એકસાથે ચૂંટણી મેદાનમાં હોય ત્યારે બધું દાવ પર લાગ્યું હોય તેવું અગાઉ કદી બન્યું નથી.

બ્રિટિશ ભારતીય કોમ્યુનિટી સાથે સંકળાયેલા રહેવા માટે હું કન્ઝર્વેટિવના સાથીઓ સાથે કામ કરવાનું ચાલુ રાખીશ. પરંતુ, આ ચૂંટણીમાંથી એક પાઠ શીખવાનો હોય તો તે એ છે કે બ્રિટિશ ભારતીય મતની ફરી ક્યારેય અવગણના કરવી નહીં. આપણે ઔદ્યોગિક અને સાંસ્કૃતિક ઈતિહાસમાં જે રીતે આપણી ભૂમિકા ભજવી છે તેવી રીતે આપણે ઈંગ્લિશ ચૂંટણીના ઈતિહાસમાં પણ ભૂમિકા ભજવવી જ પડશે. યુકેને તેના સંપૂર્ણ અને સફળ સામર્થ્ય સુધી પહોંચાડવામાં મદદરૂપ થવા માટે આપણે આપણી ભૂમિકા ભજવવાનું ચાલુ જ રાખવું પડશે અને આપણી કોમ્યુનિટીના અભિયાન અને દ્રઢ સંકલ્પ સાથે અનુરૂપ થાય તેવી એક જ પાર્ટી છે અને તે છે કન્ઝર્વેટિવ પાર્ટી.

મને આશા છે કે ૧૨મી ડિસેમ્બરે આપ મારી સાથે જોડાશો અને આવનારી તમામ બ્રિટિશ ભારતીય પેઢીઓનું સફળ ભવિષ્ય સુનિશ્ચિત કરવા માટે કન્ઝર્વેટિવ પાર્ટીને મત આપશો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter