બ્રિટિશ યુનિવર્સિટીઓની પ્રતિષ્ઠા ઘટાડતી હિન્દુવિરોધી ઘૃણા

કપિલ દૂદકીઆ Wednesday 22nd September 2021 06:00 EDT
 
 

હજુ થોડાં જ સપ્તાહો અગાઉ મેં અમેરિકન યુનિવર્સિટીઓમાં હિન્દુવિરોધી ત્રાસવાદ- Anti-Hindu Terrorism વિશે લખ્યું હતું. હવે આમાંથી બાકાત રહી જવું ન હોય તેમ ઉચ્ચ શિક્ષણની શ્રેષ્ઠતાના ગઢસમાન કેમ્બ્રિજ યુનિવર્સિટી પણ હિન્દુવિરોધી, તિરસ્કારના વિચારોના હિમાયતીઓ માટે ઘર બની ગઈ હોય તેમ જણાય છે.

હું તમને ભારતમાં જન્મેલાં ‘એકેડેમિક- વિદ્વાન’ અને યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ ખાતે ઈંગ્લિશ ફેકલ્ટીમાં પોસ્ટકોલોનિયલ સ્ટડીઝના પ્રોફેસર પ્રયંવદા ગોપાલનો પરિચય કરાવું. આ સન્નારીએ કેટલીક આશ્ચર્યજનક ઘોષણાઓ કરી છે, તેમાંની કેટલીક ઓછામાં ઓછાં મને તો હિન્દુવિરોધી જણાઈ છે. વાસ્તવમાં મને તો એવું પણ લાગે છે કે કેમ આને હિન્દુઓ પ્રતિ તિરસ્કાર-ઘૃણાને ઉશ્કેરતી હેટ સ્પીચ ગણાવી શકાય કે કેમ?

ધ કેમ્બ્રિજ યુનિવર્સિટી હિન્દુ કલ્ચરલ સોસાયટીએ સ્વયં અભૂતપૂર્વ જાહેરાત કરી એક અવાજે આને હિન્દુવિરોધી વિવરણ કે વર્ણન હોવાનું જણાવી વખોડી કાઢી છે. ધ નેશનલ હિન્દુ સ્ટુડન્ટ્સ ફોરમ (યુકે) પણ તેના સંપૂર્ણ સમર્થનમાં બહાર આવ્યું છે અને કહ્યું છે કે આવી રીતે વ્યક્ત કરાયેલી કલ્પના કે મનોભાવ હિન્દુફોબિક (હિન્દુઓ પ્રતિ પૂર્વગ્રહ) સમાન જ છે.

તો આ બધું ખરેખર છે શું?

જો સાચું કહીએ તો પ્રોફેસર ગોપાલને હિન્દુઓના જીવન બાબતે ટીકા-ટીપ્પણીઓ કરવામાં વિશેષ રસ જણાય છે. મારા માનવા અનુસાર તેમના જે નિવેદનો છે તેનો થોડો રસાસ્વાદ આપું છું:

‘હું ખરેખર એવા પોઈન્ટ પર આવી પહોંચી છું જ્યાં હું પશ્ચિમી દેશોને હિન્દુઓના નેચરાલાઈઝેશનને અટકાવી દેવા અનુરોધ કરવા ઈચ્છીશ. તેમના બેહદ કિંમતી H-1Bs ખૂંચવી લો. માનસિક વિકૃતો- Sickos.’ એમ લાગે છે કે આ ‘એકેડેમિક- વિદ્વાન’ અમેરિકા હિન્દુવિરોધી નીતિ અપનાવે તેમ ઈચ્છે છે. આટલું જ નહિ, તેઓ હિન્દુઓને Sickos અર્થાત માનસિક રીતે બીમાર અથવા વિકૃત પણ કહે છે. જો મુસ્લિમો વિરુદ્ધ આ જ પ્રકારની અને તેમને ત્રાસવાદીઓ જણાવતી ટીપ્પણીઓ કરવામાં આવે અને તેમના ઈમિગ્રેશન પર પ્રતિબંધ મૂકવાની માગણી કરાય તો કેટલો હોબાળો મચી જાય તેની તમે કલ્પના પણ કરી શકો ખરાં?  તે વખતે શું કેમ્બ્રિજ યુનિવર્સિટી હાથમાં હાથ ભેરવીને બેસી રહેત? અથવા તેમના કર્મચારીની ઘોર ગેરવર્તણૂક સામે કાર્યવાહી કરી હોત? મને તો એમ જ લાગે છે કે કેમ્બ્રિજ યુનિવર્સિટીની બેદરકારી હિન્દુઓ અને તેમના માનવ અધિકારોને પ્રતિકૂળ અસર કરે છે. તેઓ મૌન ધારણ કરીને બેસી રહ્યા છે અને યુવાન કમજોર હિન્દુ વિદ્યાર્થીઓ સાથે યુનિવર્સિટીમાં અનુચિત વ્યવહાર- શોષણ થઈ રહ્યું છે. હિન્દુ વિદ્યાર્થીઓ અંધારા વાદળો હેઠળ પોતાની સલામતીના ભય સાથે જીવી રહ્યા છે. શું અન્ય કોઈ સંગઠન અથવા નેતાગીરી આ કઢંગા-વિકૃત વર્તન બદલ બચી શકે ખરાં?

આ મહિલાએ તો શીખોને પણ છોડ્યાં નથી અને સત્તાવાર જલિયાવાલાં બાગ મેમોરિયલ માટે ‘whale p**is’ હોવાં જેવો વિકૃત પ્રશ્ન પણ કર્યો છે. બ્રિટિશરોએ ૧૯૧૯ની ૧૩ એપ્રિલે જલિયાવાલાં બાગ ખાતે બૈશાખીના તહેવારની ઉજવણી કરવા એકત્ર થયેલા શાંતિપૂર્ણ નાગરિકો પર અંધાધૂંધ ગોળીબારો કરીને નરસંહાર આચર્યો હતો. આ નૃશંસ ઘટનામાં મૃતકોની અંદાજિત સંખ્યા ૩૯૧થી ૧૦૦૦થી વધુની કહેવાય છે અને ૧૨૦૦થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. શું તમે અથવા તો કોઈ પણ હોલોકાસ્ટ મેમોરિયલની મજાક ઉડાવી શકે તેવી કલ્પના પણ કરી શકો છો? ફરી એક વખત એમ લાગે છે કે જ્યારે હિન્દુઓની વાત આવે છે ત્યારે વિદ્વાનગણ એમ માને છે કે તેઓ કોઈ પ્રકારના આધાર વિના જ ઈચ્છા પડે તેમ કહી અને કરી શકે છે.

આપણે પાશ્ચાત્ય વિશ્વમાં ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં એકેડેમિક્સ દ્વારા ખુલ્લેઆમ એન્ટિ-હિન્દુ રેસિઝમની લાગણીઓ વ્યક્ત કરાવાના સાક્ષી બની રહ્યા છીએ. હેટ સ્પીટ, હેટ ટ્વીટ્સ, હેટ નેરેટિવ્ઝ- ઘૃણાસભર વિવરણો તેમજ હિન્દુઓ અને શીખો વિરુદ્ધ કરાતા અત્યાચારો વિશે રમૂજો કરાતી રહે છે. આવું કયા પ્લેનેટ પર કદી પણ સ્વીકૃત ગણી શકાય?

પોલીસ અને CPS હેટ ક્રાઈમ્સને ઓળખવા અને અલગ તારવવા નીચેની વ્યાખ્યાઓ પર સંમત થાય છેઃ

‘એવો કોઈ પણ ક્રિમિનલ અપરાધ જે કોઈ પણ પીડિત અથવા અન્ય વ્યક્તિ દ્વારા માનવામાં આવ્યો હોય,  દુશ્મનાવટ અથવા પૂર્વગ્રહથી પ્રેરિત હોય, વ્યક્તિની અક્ષમતા અથવા ધારી લીધેલી અક્ષમતા, રેસ-વંશીયતા અથવા ધારી લીધેલી વંશીયતા, ધર્મ અથવા ધારી લીધેલા ધર્મ પર આધારિત હોય; અથવા સેક્સ્યુઅલ અભિગમ અથવા માની લીધેલા સેક્સ્યુઅલ અભિગમ-વલણ, અથવા તો ટ્રાન્સજેન્ડર ઓળખ અથવા તો ધારી-માની લીધેલી ટ્રાન્સજેન્ડર ઓળખ પર આધારિત હોય.’

એક હિન્દુ  તરીકે મારી માન્યતા એવી છે કે આ દેશના વિદ્વાનો દ્વારા હેટ ક્રાઈમ્સ આચરવામાં આવે છે અને સંબંધિત યુનિવર્સિટીઓની બેદરકારી તેમાં સાથ-સહકાર આપી રહેલ છે. હું યથાયોગ્ય સત્તાવાળાઓને નિર્દોષ હિન્દુ વિદ્યાર્થીઓને પોતાના જીવનનો ત્યાગ કરવાની ફરજ પડે તે પહેલા કોઈ કાર્યવાહી કરવા અનુરોધ કરું છું. શું તમે બધા ઘોર નિદ્રામાંથી જાગો તે પહેલા હિન્દુ વિદ્યાર્થીએ મોત વહાલું કરવું પડશે?

(તમે મને Twitter: @kk_OEG પર ફોલો કરી શકો છો.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter