દેશના ક્રાંતિનાયક ભગતસિંહ થકી તો ફાંસીને માંચડે ચડવામાં કોઈ અવરોધ, આજીજી કે દયાઅરજી એ ક્રાંતિ સાથે દગાબાજી ગણાશે, એવું સ્પષ્ટ કરી દેવાયા છતાં પિતા કિસનસિંહે પુત્રને બચાવી લેવા વાઈસરોય અરવિનને અરજી કરી. કોંગ્રેસના સર્વોચ્ચ નેતા મહાત્મા ગાંધીએ અરવિન સાથેની મંત્રણાઓ દરમિયાન ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસીએ ચડતાં બચાવી લેવા પ્રયત્નો કર્યાનું સ્વયં નેતાજી સુભાષચંદ્ર બોઝે પણ નોંધ્યું. કેન્દ્રીય ધારાસભામાં ભગતસિંહ અને બીજા બેઉ સાથીઓએ અપનાવેલા હિંસક માર્ગ સાથે અસંમતિ દર્શાવ્યા છતાં કાયદેઆઝમ મહંમદ અલી ઝીણા અને પંડિત મદનમોહન માલવિયાએ પણ યુવાત્રિપુટીને બચાવી લેવાના ભરસક પ્રયાસ કર્યાં. કરાચીમાં કોંગ્રેસ અધિવેશનમાં અધ્યક્ષસ્થાનેથી સરદાર વલ્લભભાઈ પટેલે યુવાત્રિપુટીએ અપનાવેલા માર્ગ સાથે અસંમતિ દર્શાવી, પણ એમની દેશભક્તિ અને સમર્પણભાવ સામે નતમસ્તક થવાનું પસંદ કર્યું. વલ્લભભાઈની અધ્યક્ષતામાં કોંગ્રેસ અધિવેશને ‘શ્રી ભગતસિંહ વગેરેને ફાંસી’ ઠરાવ પસાર કર્યો અને ‘રાજકીય હિંસાનો માર્ગ ગ્રહણ કરનાર પક્ષનું હૃદય જીતીને તેને શાંતિને માર્ગે વાળી લેવાની સોનેરી તક સરકારે ગુમાવી’ હોવાનું સ્પષ્ટ કર્યું.
સ્વાતંત્ર્યવીર સાવરકરની જેમ દયાની અરજી કરીને ફાંસી કે આજીવન કારાવાસમાંથી મુક્તિ મેળવવાની સલાહના ઉત્તરમાં ભગતસિંહે ૧૯ માર્ચ ૧૯૩૧ના રોજ પંજાબના ગવર્નરને મોકલાવી આપેલી ‘દયા અરજી’માં લખ્યુંઃ ‘અમે વિનયપૂર્વક પ્રાર્થના કરીએ છીએ કે તમે તમારા સેના વિભાગને આદેશ આપો કે અમને ગોળીથી ઊડાડી દેવા માટે એક સૈનિક ટુકડી મોકલી આપે.’ આ અરજીની નીચે ત્રણેયના હસ્તાક્ષર હતાઃ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ. ૨૩ માર્ચ ૧૯૩૧ના રોજ સાંજે ૭-૩૩ કલાકે ત્રણેય ક્રાંતિવીરોને ગુપચુપ ફાંસી આપી દેવામાં આવી હતી. આગલા જ દિવસે ભગતસિંહે સાથી બંદીવાનોને ચબરકી લખી જણાવ્યુંઃ ‘ખેલદિલીપૂર્વક હસતાં-હસતાં ફાંસીએ ચઢું તો હિન્દુસ્થાની માતાઓ પોતાનાં બાળકો ‘ભગતસિંહ’ બને એવી ઈચ્છા કરતી થશે અને દેશની આઝાદી માટે બલિદાન આપનારાઓની સંખ્યા એટલી બધી વધી જશે કે ઈન્કિલાબને રોકવો એ સામ્રાજ્યવાદની તમામ શેતાની શક્તિઓની ગજા બહારની વાત થઈ જાય.’
ગાંધીજીની અખંડ ભાંડણલીલા
૨૯થી ૩૧ માર્ચ ૧૯૩૧ દરમિયાન કરાચીમાં સરદાર પટેલના અધ્યક્ષસ્થાને કોંગ્રેસનું અધિવેશન મળ્યું. એના આગલા સપ્તાહે જ અંગ્રેજ સરકારે ભગતસિંહ અને સાથીઓને ફાંસી આપી દીધી એટલે સ્વાભાવિક હતું કે વાતાવરણમાં ઉશ્કેરાટ વ્યાપેલો હતો. ગાંધીજીનું સ્વાગત યુવકોએ કાળાં ફૂલ આપીને કર્યું. ગાંધીજી સહિતનાએ એ સ્વીકારી લીધાં. ત્યારથી આજ લગી ગાંધીજીની ભાંડણલીલા ચાલતી રહી છે કે ભગતસિંહ અને સાથીઓને બચાવી લેવા એમણે કાંઈ કર્યું નહીં. વધુ નવાઈ તો એ વાતની છે કે જેમણે અંગ્રેજોને પક્ષે રહીને આઝાદી કે સ્વરાજ માટેની ચળવળના હવનમાં હાડકાં નાંખવાનું સવિશેષ કામ કર્યું, એવા લોકો મહાત્મા ગાંધી પર કાદવ ઊછાળવામાં અગ્રક્રમે છે.
પત્રકાર શિરોમણિ કુલદીપ નાયરે ભારે જહેમત ઊઠાવીને લખેલા દસ્તાવેજી ગ્રંથ ‘વિધઆઉટ ફીયરઃ ધ લાઈફ એન્ડ ટ્રાયલ ઓફ ભગતસિંહ’માં નોંધેલી એક વાતે અમને ચમકાવી દીધાઃ વાઈસરોય અરવિને ભગતસિંહ સહિતના ત્રણની ફાંસીની સજા-મૃત્યુદંડને આજીવન કારાવાસમાં ફેરવવાની ખાતરી આપી હતી, પરંતુ અરવિને એ વચન ફેરવી તોળવું પડ્યું હતું કારણ સીનિયર આઈસીએસ અધિકારીઓએ એવી ધમકી આપી હતી કે ત્રણેયને ફાંસી તો તેઓ સામૂહિક રાજીનામાં આપશે. આનાથી વિશેષ એક વાત પણ કુલદીપ નોંધે છે કે વાઈસરોય થકી લાહોર જેલના સત્તાવાળાઓને ફાંસી અટકાવવા માટે ટેલિગ્રામ પાઠવાયો હતો, પરંતુ નોકરશાહોએ ખેલ એવો પાડ્યો કે ફાંસી અપાઈ ગયા પછી જ વાઈસરોયના આદેશનો એ તાર જેલના અધિકારીઓને પહોંચે.
કોંગ્રેસ અધિવેશનમાં સરદાર પટેલે ભગતસિંહ અને સાથીઓને ભવ્ય અંજલિ અર્પી એટલું જ નહીં, મહાત્મા થકી ભગતસિંહ અને સાથીઓને ફાંસી અંગેનો ઠરાવ રજૂ કરવા માટે યુવાપેઢીમાં લોકપ્રિય એવા પંડિત જવાહરલાલ નહેરુને ઊભા કરાયા. આ ઠરાવને ટેકો આપનાર હતા પંડિત મદનમોહન માલવિયા. ઠરાવના શબ્દો કાંઈક આવા હતાઃ
‘આ મહાસભા, કોઈપણ પ્રકારની અને કોઈપણ સ્વરૂપની રાજકીય હિંસાથી અલગ રહીને, તેમજ તેને વિશે નાપસંદગી દર્શાવીને સ્વ. સરદાર ભગતસિંહ અને તેમના સાથીઓ શ્રી સુખદેવ અને શ્રી રાજગુરુનાં શૌર્ય તેમજ બલિદાનને માટે પોતાની પ્રશંસા વ્યક્ત કરે છે અને તેમનાં નિરાધાર થયેલાં કુટુંબોની સાથે એ ત્રણના અવસાનથી ગયેલી ખોટને માટે શોક કરે છે. આ મહાસભા માને છે કે, આ ત્રણ જણને આપવામાં આવેલી ફાંસી એ સ્વચ્છંદ વેરનું કૃત્ય છે અને એ કૃત્યથી તેમની સજામાં ઘટાડો કરવાની સમસ્ત પ્રજાની એકમતે કરવામાં આવેલી માગણીને જાણીબૂજીને ઠોકરે મારવામાં આવી છે. વળી આ મહાસભા માને છે કે, આ ઘડીએ બંને પ્રજાઓ વચ્ચે શુભેચ્છાની લાગણી વધે એ આવશ્યક છે એ વાતનો ચોમેરથી સ્વીકાર કરવામાં આવેલો હોવા છતાં તે માટેની તેમજ હતાશ થઈને રાજકીય હિંસાનો માર્ગ ગ્રહણ કરનાર પક્ષનું હૃદય જીતીને તેને શાંતિને માર્ગે વાળી લેવાની સોનેરી તક સરકારે ગુમાવી છે.’
ભગતસિંહના પિતાનું કથા
કોંગ્રેસના એ અધિવેશનમાં ભગતસિંહના પિતા સરદાર કિશનસિંહ થકી ગાંધીજીના સમર્થનમાં જ્યારે વાતની માંડણી કરવામાં આવી અને ભગતસિંહને ફાંસી અપાયાના સંજોગોની વાત કરાઈ ત્યારે જાણે સમગ્ર શમિયાણો હિબકે ચડ્યો હતો. કોંગ્રેસના પ્રતિનિધિઓ જોરજોરથી આક્રંદન કરતા હતા. જોકે, કિશનસિંહના શબ્દો હતાઃ
‘હમસે ભગતને કહા થા, કિ તુમ પરેશાન ના હો. મુઝે ફાંસી લગને દો, યહી ઠીક હૈ, હમેં ફાંસી લગી તો એક હપ્તે મેં હી સ્વરાજ મિલ જાએગા. વહ કહેતા થા કિ પ્રીવિ કાઉન્સિલ મેં જાને સે કોઈ ફાયદા નહીં ચૂં કિ ગુલામોં કા હક નહીં કિ શિકાયત કરે.
મહાત્મા માટે માર્ક્સવાદી-નાસ્તિકને આદર
ગાંધીજીના અહિંસાના માર્ગને ભગતસિંહ યોગ્ય નહોતા માનતા, પણ એમના પિતા ગાંધીજી ભણી આદરભાવ ધરાવતા હતા. છેલ્લી મુલાકાતમાં ગાંધીજી માટે ભગતસિંહે પોતાને માન હોવાનું જણાવ્યું એ વાત પણ આર્યસમાજી એવા કિશનસિંહ માટે સાંત્વના આપનાર હતી. ભગતસિંહ પોતાનો માર્ગ પોતે જ નક્કી કરવાનું પસંદ કરનાર વ્યક્તિત્વ હોવાથી પિતા ‘ભાઈ સાચવજે’ એટલું કહ્યા સિવાય વધુ કહી શકતા નહોતા. ભગતસિંહ નાસ્તિક હતા. માર્કસવાદી હતા.
હિંસાથી કોઈ નિર્દોષને મોતને ઘાટ ઉતારવામાં માનતા નહીં હોવા છતાં બ્રિટિશ સરકારના બહેરા કાને પ્રજાની આકાંક્ષા-અપેક્ષાની વાત પહોંચાડવા માટે હિંસક માર્ગ પણ અનુસરવામાં એમને વાંધો નહોતો.
કમનસીબે આજકાલના ધર્મઝનૂની લોકો અનુકૂળતા મુજબ, ભગતસિંહને પોતીકો લેખવાની રીતસરની ઝૂંટાઝૂંટમાં જોવા મળે છે. ઇતિહાસનાં વિકૃતિકરણ અને હિંસક માર્ગને આત્મસાત્ કરવાને ન્યાયોચિત ઠરાવવા માટે ભગતસિંહ અને ક્રાંતિકારીઓની આડશે પોતાના મનોરથ સિદ્ધ કરવાના ધખારા જોવા મળે છે.
વધુ વિગતો માટે જુઓ Asian Voice
24th February 2018
વેબલિંકઃ http://bit.ly/2GqYCjL


