ભગવદ્ ગીતાના અધ્યાય ૧૬માં નવા વર્ષના સંકલ્પોનું માર્ગદર્શન

સુભાષ વી. ઠકરાર Tuesday 12th January 2021 14:09 EST
 
 

વર્ષ ૨૦૨૧નો આરંભ થઈ ગયો છે ત્યારે ભૂતકાળ વિશે મનોમંથન અને ભાવિ યોજનાઓ વિશે આયોજન કરવાનો સારો સમય છે. આમાં નવા વર્ષના સંકલ્પો લેવાનો પણ સમાવેશ કરી શકાય. સામાન્ય રીતે તો શારીરિક ચૂસ્તતા અથવા આહાર નિયમનના સંકલ્પો લેવાતા હોય છે. આ નવા વર્ષમાં આપણે આપણા આનંદ અને માનસિક શાંતિ સંબંધિત સંકલ્પો લઈ શકીએ. ટુંકા સમયની બાહ્ય ખુશીઓ કરતાં માનસિક પ્રસન્નતા ઘણો લાંબો સમય રહે છે. હું હંમેશાં આશ્ચર્યચકિત રહું છું કે ૫,૦૦૦થી વધુ વર્ષો પહેલાં લખાયેલું પુસ્તક અથવા શાસ્ત્ર આજે પણ આપણા વર્તમાન જીવન સાથે બંધબેસતું જણાય છે. હું ભગવદ્ ગીતાનું વાંચન કરું છું ત્યારે મને જણાય છે કે જીવનની ઘણી સમસ્યાઓનું નિરાકરણ તેમાંથી મળે છે.

ભગવદ્ ગીતાના ૧૬મા અધ્યાય ‘દેવાસુરસંપદ્વિભાગ યોગ’માં આપણા નવા વર્ષના સંકલ્પો શું હોવાં જોઈએ તેનો ઉત્તર મળે છે. આ અધ્યાયમાં દૈવી ગુણોના લક્ષણો સ્પષ્ટપણે દર્શાવાયા છે. આપણામાં આ સદ્ગુણો હોય અને આસુરી ગુણો ટાળવાની ઈચ્છા આપણે રાખવી જોઈએ.

એવાં ૨૬ લક્ષણો કે ગુણો આપણામાં આવે તેવું કાર્ય કરવું જોઈએ જેનાથી આપણું ચારિત્ર્ય વધુ દૈવી પ્રકારનું બની શકે. આ સાથે લક્ષણોની યાદી પણ લખી છે જેની નોંધ તમારા માટે રાખી શકાય.

• અભયતા. મજબૂત ધર્મભાવના સાથે આ ગુણ આવે છે. • હૃદયની પવિત્રતા - શુદ્ધતા અથવા નીતિભ્રષ્ટતાથી મુક્ત • દૃઢતા અથવા જ્ઞાનની નિષ્ઠા • યોગ • દાન કરવું. અન્યોને આપતા શીખવું • મનોનિગ્રહ - ઈન્દ્રિયો પર અંકુશ • ધ્યાન અને પ્રાર્થના માટે સમયનું બલિદાન • શાસ્ત્રોનો અભ્યાસ • સંયમ અથવા સ્વનિયંત્રણ • નિષ્કપટ – નિખાલસતા • સરળતા •  સત્ય • ક્રોધનો અભાવ • સ્વાર્થનો ત્યાગ • શાંતિ • કુટિલતાનો અભાવ • સર્વ પ્રાણીઓ તરફ કરુણા • અલોભ અથવા લાલચી ન હોવું અને સ્વામીત્વની ભાવના ન હોવી • સૌમ્યતા • વિનમ્રતા અથવા અતિશય અભિમાની ન હોવું • અસ્થિરતા કે ચંચળતાનો અભાવ અથવા નિર્ણયોમાં મક્કમ રહેવું • ઉત્સાહ અથવા શારીરિક અને માનસિક શક્તિ • ક્ષમાભાવ • નિર્ભયતા અથવા ભયનો સામનો કરવાની માનસિક શક્તિ • ઘૃણા – તિરસ્કારનો અભાવ • ગર્વનો અભાવ

આસુરી પ્રકૃતિમાં જન્મેલા લોકોમાં દંભ, ગર્વ, આપવડાઈ કે મિથ્યાભિમાન, કઠોરતા અને ક્રોધ તેમજ અજ્ઞાન જોવાં મળે છે.

આપણે આ દિવ્ય ગુણો આપણી અંદર કેળવવાની અને આસુરી તત્વો નાબૂદ કરવાની જરુર છે. હજારો વર્ષ અગાઉની આ જરુરિયાતો આજે પણ લાગુ પડે છે. આપણે વાસના, ક્રોધ અને લોભ સામે મનના દ્વાર બંધ કરી દેવાં જોઈએ તેનો ત્યાગ કરવો જોઈએ. આપણે આપણા ચારિત્ર્યમાં પણ પરિવર્તન કેળવવું જોઈએ, સૌ પહેલા તો આપણે હાલ કઈ સ્થિતિમાં છીએ અને કયા ગુણો મજબૂત બનાવવાની જરુર છે તેની શોધ અને ચકાસણી કરવી જોઈએ. આ કાર્યમાં ઉપરની યાદી મદદરુપ બનશે. આ ખૂટતા ગુણને આપણા જીવનમાં સ્થાન આપવા આપણે દૈનિક ધ્યાનમાં મંત્ર તરીકે સ્થાપવો જોઈએ. ઉદાહરણ આપીએ તો, જો અસત્ય આપણી નબળાઈ હોય તો આપણે એક મંત્ર બનાવવો જોઈએઃ હું સત્યપૂર્ણ આત્મા છું. ધ્યાન ધરતી વેળાએ આ મંત્રનો ત્રણથી ચાર વખત જાપ કરવો જોઈએ. સમય જતા આ ગુણ આપણી ચેતનાનો હિસ્સો બનશે અને ત્યાર પછી આપણી પ્રવૃત્તિઓ- એક્શનમાં પણ પ્રગટ થશે. આપણાં કાર્ય આપણાં ચારિત્ર્યનું વિસ્તૃત સ્વરુપ છે.

હું ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના વાચકગણને ૨૦૨૧નું વર્ષ શાનદાર નીવડે તેવી શુભેચ્છા પાઠવું છું.

(લેખક ચેરિટી ક્લેરિટીના સ્થાપક ચેરમેન અને લંડન ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ ચેરમેન છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter