બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારના પતનની સાથે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો તળિયે બેઠાં છે. વણસતા સંબંધોની મધ્યે બાંગ્લાદેશ પર હાવી થઇ રહેલા કટ્ટરવાદી લઘુમતી હિન્દુ સમુદાયને નિશાન બનાવી રહ્યાં છે. ભારતમાંથી જ વિભાજિત થઇને અસ્તિત્વમાં આવેલા બે મુસ્લિમ બહુલ પાડોશી દેશમાં હિન્દુ સહિતના લઘુમતી સમુદાયોને યેન કેન પ્રકારે નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. પાકિસ્તાનની રચના તો ઇસ્લામિક દેશની વિચારધારાને આધારે જ થઇ હતી પરંતુ બાંગ્લાદેશની રચના ધર્મ આધારિત નહીં પરંતુ ભાષા આધારિત હતી. ઉર્દુ અને બંગાળી ભાષા વચ્ચેના ટકરાવના કારણે પાકિસ્તાનમાંથી બાંગ્લાદેશ છૂટો પડ્યો હતો. તેથી બાંગ્લાદેશમાં ચરમ પર પહોંચી રહેલો ઇસ્લામિક કટ્ટરવાદ ભારત માટે મોટી ચિંતાનો વિષય બની રહ્યો છે.
ભારતીય ઉપખંડમાં ભારત અને બાંગ્લાદેશ સૌથી જટિલ દ્વિપક્ષીય સંબંધ ધરાવે છે. આ સંબંધોના મૂળ સહિયારા ઇતિહાસ, ભાષા, સંસ્કૃતિ અને બલિદામાં રહેલાં છે. 1971માં બાંગ્લાદેશની રચનામાં ભારતે નિર્ણાયક ભુમિકા ભજવી તેના કારણે ઘણા વર્ષો સુધી દ્વિપક્ષીય સંબંધોનો લાગણીશીલ પાયો મજબૂત રહ્યો હતો. તેમ છતાં સહકારના દાયકાઓ છતાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધોમાં વારંવાર ખટાશ આવતી રહી. રાજકીય અવિશ્વાસ, વણઉકલ્યા વિવાદો, ઘરેલુ દબાણ અને પ્રાદેશિક પરિમાણોના કારણે વિવિધ તબક્કે બંને દેશ વચ્ચેની મિત્રતા જોખમાતી રહી હતી. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધો આજે તળિયે શા માટે પહોંચ્યા તે સમજવા ભૂતકાળમાં ડોકિયું કરવું પડે તેમ છે.
બાંગ્લાદેશ આઝાદ થયો ત્યારબાદ ઘણા બાંગ્લાદેશી એમ સમજતા હતા કે ભારત એક વિશ્વાસુ ભાગીદાર દેશ તરીકે બાંગ્લાદેશના નિર્માણમાં સહાય કરશે અને તેની સ્વાયત્તતાનું સન્માન કરશે. બાંગ્લાદેશ આઝાદ થયો ત્યારે આર્થિક રીતે ભારત પરનો આધાર, બાંગ્લાદેશમાં ભારતીય સેનાની હાજરી, અસમાન વેપાર સંબંધોએ મિત્રતામાં શંકાના બીજ વાવવા શરૂ કરી દીધાં હતાં. સંબંધોમાં અસંતુલનની ભાવનાએ બંને દેશ વચ્ચે અવિશ્વાસનું વાતાવરણ સર્જવાનું શરૂ કરી દીધું હતું.
બંને દેશ વચ્ચેના સંબંધોમાં સૌથી મોટો ટર્નિંગ પોઇન્ટ 1975માં શેખ મુજિબુર રહેમાનની હત્યા હતો. તેમના બાદ બાંગ્લાદેશમાં સત્તારૂઢ થયેલા લશ્કરી શાસકોએ ભારતથી અંતર બનાવવાનું શરૂ કરી બાંગ્લાદેશને ધાર્મિક આધારે ઓળખ આપવા માંડી હતી. બાંગ્લાદેશમાં અવામી લીગને ભારતનું સમર્થન ઘરેલુ રાજનીતિમાં ભારત વિરોધી લાગણીઓને વેગ આપવા લાગ્યું હતું. તેના કારણે જનમતનું ધ્રુવીકરણ થવા લાગ્યું. તાજેતરમાં બાંગ્લાદેશમાં સત્તાપરિવર્તન બાદ અવામી લીગના નેતા શેખ હસીનાને ભારત દ્વારા આશ્રય આપવામાં આવ્યો તેના કારણે બાંગ્લાદેશી જનમાનસમાં ભારત વિરોધી લાગણીઓ વધુ ઉગ્ર બની અને તેનો સીધો ભોગ હવે લઘુમતી હિન્દુ સમુદાયને બનાવવામાં આવી રહ્યો છે.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના તણાવમાં નદીઓના જળની વહેંચણી મુખ્ય પરિબળ રહી છે. 1970ના દાયકામાં ભારતે ગંગા નદી પર ફરાક્કા બેરેજનું નિર્માણ કર્યા બાદ બાંગ્લાદેશમાં જળપ્રવાહ ગંભીર રીતે અસરગ્રસ્ત થયો હતો. પછીના વર્ષોમાં બંને દેશ વચ્ચે જળ વહેંચણીના કરારો થયાં પરંતુ મોટાભાગના બાંગ્લાદેશી આ કરારોને અન્યાયી માની રહ્યાં છે. તિસ્તા નદી કરાર પણ અધવચ્ચે લટકતો રહ્યો છે.
બંને દેશ વચ્ચેના સરહદી વિવાદોએ પણ બાંગ્લાદેશમાં ભારત વિરોધી લાગણીઓને ઉગ્ર બનાવી છે. બંને દેશ વચ્ચેના સત્તાવાર સંબંધોમાં મીઠાશ આવી ત્યારે પણ આ વિવાદોનો યોગ્ય રીતે ઉકેલ લાવવામાં આવ્યો નહીં જેના કારણે પણ જમીન પર બાંગ્લાદેશીઓમાં ભારત પ્રત્યેની નફરતમાં વધારો થયો હતો. એ વાતમાં કોઇ શંકા નથી કે સરહદી વિવાદોમાં ભારત તેના પોતાના હિતોને વધુ પ્રાધાન્ય આપતો રહ્યો છે પરંતુ તેના કારણે બંને દેશ વચ્ચેના સંબંધો જોઇએ તેટલા મજબૂત બની શક્યાં નથી.
બંને દેશ વચ્ચેના વેપાર સંબંધોમાં પણ ઘણો ખચકાટ પ્રવર્તી રહ્યો છે. આમ તો વેપારમાં વૃદ્ધિ જોવા મળી પરંતુ બાંગ્લાદેશ હંમેશા ભારત સાથેની મોટી વેપાર ખાધની ફરિયાદ કરતો રહ્યો છે. જોકે આ ફરિયાદોમાં ઝાઝો દમ નથી કારણ કે ભારતે હંમેશા ઘણા માલસામાન માટે બાંગ્લાદેશને ડ્યુટી ફ્રીની સુવિધાઓ આપેલી જ છે પરંતુ સ્થાનિક ભારત વિરોધી રાજનીતિએ બાંગ્લાદેશીઓને એમ સમજાવી દીધાં છે કે વેપારમાં ભારત અસામાન્ય લાભ ઉઠાવી રહ્યો છે અને બાંગ્લાદેશને નુકસાન થઇ રહ્યું છે.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધોમાં ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘૂસણખોરોનો મુદ્દો સૌથી વધુ રાજકીય સંવેદનશીલ મુદ્દો છે. ઉત્તરપૂર્વ ભારતના રાજ્યોમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોના નામે થતી રાજનીતિએ ભારતમાં બાંગ્લાદેશીઓને સુરક્ષા અને આર્થિક જોખમો તરીકે સ્થાપિત કરી દીધાં છે. બાંગ્લાદેશમાં દાયકાઓ સુધીની રાજકીય અંધાધૂંધીના કારણે લાખો બાંગ્લાદેશી હિજરત કરીને ભારત પહોંચ્યા છે. ભારત સરકારનું તેમની સામેનું આકરું વલણ પણ બાંગ્લાદેશમાં ભારત વિરોધી લાગણીઓને ભડકાવી રહ્યું છે. તેમાં પણ ધર્મની ભેળસેળ કરીને બંને દેશના રાજનેતાઓ પોતાની રોટલી શેકતાં હોવાથી બંને દેશમાં ધાર્મિક તણાવ પણ વધી રહ્યો છે. બાંગ્લાદેશમાં સક્રિય આતંકવાદી સંગઠનો પણ બંને દેશ વચ્ચેના સંબંધોમાં તણાવ લાવનારા રહ્યાં છે. ઉત્તરપૂર્વના રાજ્યોમાં બાંગ્લાદેશની ધરતી પરથી સક્રિય આતંકવાદી અને ઉગ્રવાદી સંગઠનોએ બંને દેશ વચ્ચે અવિશ્વાસ વધારવાનું જ કામ કર્યું છે.
એવું નથી કે બંને દેશની સરકારોએ સંબંધો સુધારવાના પ્રયાસ કર્યાં નથી પરંતુ જનમત હંમેશા પીછેહઠ જ કરતો રહ્યો છે. બાંગ્લાદેશમાં ભારતને ઘમંડી અને અન્યાયી તરીકે ચીતરવામાં આવ્યો તો ભારતમાં ગેરકાયદેસર બાંગ્લાદેશીઓના નેરેટિવ દ્વારા નફરત વધારવામાં આવી. આના માટે બંને દેશના મીડિયા પણ એટલા જ જવાબદાર ગણી શકાય. આમ બંને દેશ વચ્ચેની જનતા વચ્ચે જે લિવિંગ બ્રિજ સર્જાવો જોઇએ તેનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે. 1971માં બંને દેશની પ્રજા વચ્ચે જે લાગણીશીલ સંબંધ બંધાયો હતો તે નવી પેઢીઓમાં ઓસરતો ગયો હતો.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધો ફક્ત કોઇ એક ઘટના કે નીતિના કારણે નિષ્ફળ ગયાં નથી. બંને દેશોએ સંબંધો સુધારવાની ઘણી તકો જતી કરી, દ્વિપક્ષીય વિવાદોની અવગણના કરી તેના કારણે સંબંધ વણસતા ગયાં હતાં. તાજેતરના વર્ષોમાં કનેક્ટિવિટી, ઉર્જા અને સુરક્ષા જેવા ક્ષેત્રોમાં સહયોગમાં સુધારો થયો છે, પરંતુ ઐતિહાસિક ફરિયાદો અને જનતામાં પ્રવર્તતો અવિશ્વાસ સંબંધોમાં કડવાશ ઘોળી રહ્યાં છે. બંને દેશના નેતૃત્વે મિત્રતા પુનઃસ્થાપિત કરવા અવ્યવહારૂ રાજનીતિનો ત્યાગ કરી સમાનતા, સહાનુભૂતિ અને લાંબાગાળાના આયોજન દ્વારા પરસ્પરનો વિશ્વાસ હાંસલ કરવો જોઇએ અને ત્યારે સહિયારા ઇતિહાસ, ભાષા, સંસ્કૃતિનું સ્વપ્ન અને વચન સાકાર થઇ શકશે.


