નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઐતિહાસિક નિર્ણય કરતાં આઠ નવેમ્બરની મધરાતથી ૫૦૦ અને ૧૦૦૦ની ચલણી નોટો બંધ કરી દીધી. બસ, ત્યારથી દેશભરમાં એટીએમ અને બેન્કોની બહાર લાંબી લાંબી લાઇનો જોવા મળી રહી છે. ભારતમાં ભૂતકાળમાં પણ મોટી રકમની ચલણી નોટો રદ થઇ છે, પરંતુ કરન્સીમાં ૮૬ ટકા હિસ્સો ધરાવતી ચલણી નોટોને રદ કરી દેવાનું પગલું પ્રથમ વખત લેવાયું છે. આવું કરનાર ભારત એકલો દેશ નથી, અનેક દેશો નોટબંધીનો પ્રયોગ કરી ચૂક્યા છે.
• ઘાના (વર્ષ ૧૯૮૨)ઃ આફ્રિકી દેશ ઘાનાએ ૧૯૮૨માં કરચોરી અને ભ્રષ્ટાચારને ડામવા ૫૦ સેડીની નોટ બંધ કરી દીધી હતી. સરકારના આ પગલાંથી નાગરિકોનો ચલણી નાણાં પરથી વિશ્વાસ ઉઠી ગયો અને તેમણે વિદેશી નાણાં અને જમીનો જંગી પ્રમાણમાં ખરીદયા. પરિણામે બેન્કિંગ સિસ્ટમ ધ્વસ્ત થઇ ગઇ, વિદેશી નાણાંની કાળાબજારી વધી ગઇ.
• નાઇજીરિયા (વર્ષ ૧૯૮૪)ઃ ૧૯૮૪માં મુહમ્મદુ બુહારીના નેતૃત્વવાળી સૈન્ય સરકારે ભ્રષ્ટાચારને નાથવા માટે નવા કલરની નોટો છાપી હતી અને જૂની નોટો બદલવા માટે ઓછો સમય આપ્યો. આ નિર્ણય નિષ્ફળ ગયો અને અર્થવ્યવસ્થા ભાંગી પડી. મોંઘવારી વધી ગઇ અને બુહારીનો સત્તાપલટો થઇ ગયો.
• મ્યાંમાર (વર્ષ ૧૯૮૭)ઃ ૧૯૮૭માં ભારતની જેમ પાડોશી દેશ મ્યાંમારની સૈન્ય સરકારે દેશના ૮૦ ટકા નાણાંને રદ્દ કરી દીધું હતું. ભારે દેખાવો થયા. ઉગ્ર વિરોધ થયો. છેવટે સરકારને સૈન્ય કાર્યવાહી હાથ ધરવી પડી.
• જાયરે (૯૦ના દસકાના પ્રારંભે)ઃ બેન્કનોટમાં સુધારાના નામે તાનાશાહ મોબુતુ સેસે સેકોએ ૯૦ના દાયકાની શરૂઆતમાં ૧૯૯૩માં અપ્રચલિત નાણાંને સિસ્ટમમાંથી પાછી ખેંચવાની યોજના બનાવી અને મોંઘવારી વધી ગઇ. અમેરિકી ડોલરની સરખામણીએ નાણાંમાં ભારે પડતી જોવા મળી, ૧૯૯૭માં સત્તાપલટો થઇ ગયો.
• સોવિયેત સંઘ (વર્ષ ૧૯૯૧)ઃ મિખાઇલ ગોર્બાચેવના નેતૃત્વવાળા સોવિયેત સંઘ (યુએસએસઆર)એ ૫૦ અને ૧૦૦ રૂબલની ચલણી નોટ પાછી ખેંચી લીધી. નિર્ણય નિષ્ફળ ગયો અને મોંઘવારી વધી. આ નિર્ણય પછીના વર્ષે સોવિયેત સંઘના વિઘટનનું કારણ બન્યુો. આ પછી ૧૯૯૮માં રશિયાએ મોટી ચલણી નોટ બંધ કરવાને બદલે તેની કિંમત એક હજાર ગણી ઘટાડી દીધી. નિર્ણયનો અમલ સારી રીતે અમલ થયો અને પરિણામ પણ સારા મળ્યાં.
• નોર્થ કોરિયા (વર્ષ ૨૦૧૦)ઃ ૨૦૧૦માં સરમુખ્ત્યાર શાસક કિમ જોંગ ઉને અર્થવ્યવસ્થાને કાબુ કરવા માટે જૂની કરન્સીના મૂલ્યમાંથી બે શૂન્ય કાઢી નાખ્યાં હતાં. આમ ૧૦૦ નોર્થ કોરિયન વોન (નોર્થ કોરિયાનું ચલણી નાણું)ની નોટનું મૂલ્ય ઘટીને ૧ થઇ ગઇ. આ નિર્ણયથી દેશમાં કૃષિ ક્ષેત્ર ઉપર ભારે સંકટ તોળાયું. ખાદ્યાન્ન સમસ્યા સર્જાઇ. કિમને આ નિર્ણય બદલ દિલગીરી વ્યક્ત કરવી પડી. અહેવાલ મુજબ તત્કાલીન નાણા પ્રધાનને આ નિર્ણય બદલ મૃત્યુદંડ અપાયો હતો.

