૨૬મી જાન્યુઆરીને ગુરુવારે ભારતનો ૭૩મો પ્રજાસત્તાક દિવસ છે. ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ના રોજ ભારતનું બંધારણ અમલમાં આવ્યું તેની આ દિવસે ભારત ઉજવણી કરે છે. ૧૯૫૦માં આજના દિવસે ભારત પ્રજાસત્તાક બન્યું હતું. સ્વતંત્ર ભારતના બંધારણે દેશના સંચાલનના માટેના ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ (૧૯૩૫) ના ડોક્યુમેન્ટનું સ્થાન લીધું હતું. તેના પગલે ભારતનું એક સ્વાયત્ત કોમનવેલ્થ રાષ્ટ્રમાંથી રાષ્ટ્રકુળ સમૂહમાં સંપૂર્ણ સાર્વભૌમ પ્રજાસત્તાક રાષ્ટ્રમાં રૂપાંતરણ થયું, જેમાં ભારત સંઘના વડા તરીકે ભારતના રાષ્ટ્રપતિ હોય. આમ તો ઈન્ડિયન કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલીએ આ બંધારણને ૨૬ નવેમ્બર, ૧૯૪૯ના દિવસે સ્વીકાર્યું હતું. તે ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ અમલમાં આવ્યું હતું. ૧૯૩૦માં તે દિવસે જ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે પૂર્ણ સ્વરાજની જાહેરાત કરી હતી.
કેટલીક વખત ભારતથી અજાણ લોકો પ્રજાસત્તાક દિવસને ભારતના સ્વાતંત્ર્ય દિવસની બાબત મૂંઝાઈ જાય છે. સ્વાતંત્ર્ય સંગ્રામની મુશ્કેલ લડાઈ લડીને ભારત ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ બ્રિટન શાસનથી આઝાદ થયું હતું. ભારતની આઝાદી મેળવવામાં હજારો અને લાખો લોકોએ મોટાપાયે બલિદાન આપ્યું હતું. પરંતુ, નવા સ્વતંત્ર ભારતનું કોઈ બંધારણ ન હતું. ભારતનું સંચાલન કોલોનિયલ ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ ૧૯૩૫માં કરાયેલા ફેરફારના આધારે ચાલતું હતું.આઝાદી મેળવ્યા પછી ૨૯ ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ ભારતનું બંધારણ ઘડવા માટે ડ્રાફ્ટીંગ કમિટીની નિમણુંક કરવાનો નિર્ણય લેવાયો હતો. આ કમિટીના ચેરમેન વિખ્યાત જ્યુરિસ્ટ, અર્થશાસ્ત્રી અને સમાજસુધારક બાબાસાહેબ ડો. બી આર આંબેડકર હતા. તેમણે કોલમ્બિયા યુનિવર્સિટી અને લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ બન્નેમાંથી ઈકોનોમિક્સમાં ડોક્ટરેટની પદવી મેળવી હતી. તેમણે જવાહરલાલ નહેરુની પ્રથમ કેબિનેટમાં લો એન્ડ જસ્ટિસ મિનિસ્ટર તરીકે ફરજ બજાવી હતી. ૧૯૯૦માં તેમને ભારતના સર્વોચ્ચ નાગરિક એવોર્ડ ‘ભારત રત્ન’ મરણોત્તર એનાયત કરાયો હતો. બંધારણનો આ ડ્રાફ્ટ પ્રજાસત્તાક દિવસે અમલી બન્યો હતો.
આ વર્ષનો પ્રજાસત્તાક દિવસ એક અથવા વધુ કારણોસર ખાસ છે. તે વિકાસશીલ રાષ્ટ્રના ૭૫મા વર્ષ તેમજ ભારતના લોકો, સંસ્કૃતિ અને સિદ્ધિઓના ભવ્ય ઈતિહાસની ઉજવણી નિમિત્તે યોજાયેલા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણી ચાલી રહી છે ત્યારે આવે છે. ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની સત્તાવાર શરૂઆત ૧૨ માર્ચ, ૨૦૨૧ના રોજ ભારતની આઝાદીની ૭૫મી જયંતીના ૭૫ વીકના કાઉન્ટડાઉન સાથે થઈ હતી. તે ૧૫ ઓગસ્ટ, ૨૦૨૩ના રોજ પૂરી થશે.
આ વર્ષે પ્રજાસત્તાક દિવસની ઉજવણીને વધુ આનંદદાયક બનાવે તેવી બીજી પણ એક બાબત છે.
૨૩ જાન્યુઆરીએ નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૫મી જન્મજયંતી નિમિત્તે આ વર્ષે ઉજવણીની શરૂઆત તે દિવસે થઈ હતી. બોઝનો જન્મ ૨૩ જાન્યુઆરી ૧૮૯૭ના રોજ ભારતના હાલના રાજ્ય ઓડિશાના કટકમાં એક સમૃદ્ધ અને બહોળા પરિવારમાં થયો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ જન્મજયંતી નિમિત્તે ઈન્ડિયા ગેટ ખાતે નેતાજી સુભાષચંદ્ર બોઝની ભવ્ય હોલોગ્રાફિક પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. પાછળથી આ હોલોગ્રાફિક પ્રતિમાના સ્થાને ગ્રેનાઈટની કાયમી પ્રતિમા મૂકાશે. ૨૩ જાન્યુઆરીની ભારતમાં ‘પરાક્રમ દિવસ’ તરીકે ઉજવણી કરાય છે.
કોલેજનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી સુભાષચંદ્ર બોઝને ઈન્ડિયન સિવિલ સર્વિસની પરીક્ષા માટે ઈંગ્લેન્ડ મોકલવામાં આવ્યા હતા. આઝાદીની લડતમાં ભાગ લેવા માટે તેમણે ૨૨ એપ્રિલ, ૧૯૨૧ના દિવસે ઈન્ડિયન સિવિલ સર્વિસમાંથી રાજીનામુ આપ્યું હતું.
સોશિયલ મીડિયા પર ફરતા પત્ર મુજબ તેમણે સ્ટેટ ફોર ઈન્ડિયાના તત્કાલીન સેક્રેટરી એડવિન સેમ્યુઅલ મોન્ટાગુને તેમનું નામ ઈન્ડિયન સિવિલ સર્વિસમાં પ્રોબેશનર્સના લિસ્ટમાંથી રદ કરવામાં આવે તેવી તેમની ઈચ્છા હોવાની લેખિત જાણ કરી હતી. તેઓ ૧૯૨૧માં ભારત પાછા આવ્યા હતા અને મહાત્મા ગાંધી તથા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ)ના નેતૃત્વ હેઠળની સ્વાતંત્ર્ય ચળવળમાં જોડાયા હતા. ૧૯૩૮માં બોજ કોંગ્રેસના પ્રમુખ બન્યા હતા.૧૯૩૯માં ફરીથી તે હોદ્દે ચૂંટાયા તે પછી તેમને ગાંધીજી સાથે મતભેદ થયા. તેને પગલે તેઓપક્ષમાંથી છૂટા થયાં હતા.
ભારતની આઝાદી હાંસલ કરવા માટે તેમણે અલગ માર્ગ અપનાવ્યો હતો. ઈન્ડિયન નેશનલ આર્મી (આઝાદ હિંદ ફોજ) અથવા INAની સ્થાપના કર્યા પછી તેમણે ૨૧ ઓક્ટોબર, ૧૯૪૩ના રોજ હંગામી સ્વતંત્ર ભારતીય સરકારની રચનાની જાહેરાત કરી હતી. તેમનું એક વાક્ય ‘તુમ મુઝે ખૂન દો મૈં તુમ્હેં આઝાદી દૂંગા’ ખૂબ પ્રસિદ્ધ છે. INAમાં મહિલાઓનું અલગ યુનિટ હતું. કેપ્ટન લક્ષ્મી સ્વામીનાથનના નેતૃત્વ હેઠળની રાની ઓફ ઝાંસી રેજિમેન્ટ (રાણી લક્ષ્મીબાઈના નામે) એશિયામાં આ પ્રકારની પ્રથમ હતી.
સ્વતંત્ર ભારતની સફર એક નોંધપાત્ર સિદ્ધિ રહી છે. ભારત, ૭૦ કરતાં વધુ વર્ષથી એક જ બંધારણ દ્વારા સંચાલિત દેશનું ઝળહળતું ઉદાહરણ છે. ભારત સફળ અને વિસ્તરતી લોકશાહી, ફૂલીફાલી રહેલું અર્થતંત્ર અને ટેક્નિકલ પાવરહાઉસ બન્યું છે. આ સફળતાનો યશ મોટાભાગે ભારતના સ્થાપક પિતાઓ, તેમનો સંઘર્ષ, બુદ્ધિમતા અને બલિદાનોને ફાળે જાય છે. મુક્ત ભારતમાં રહેતા અને શ્વાસ લેતા તમામ ભારતીયો હંમેશને માટે કૃતજ્ઞ રહેશે.
(રુચિ ઘનશ્યામ ભારતના યુકેસ્થિત પૂર્વ હાઈ કમિશનર છે. ભારતીય વિદેશ સેવામાં ૩૮ કરતાં વધુ વર્ષની કારકિર્દી ધરાવવા સાથે તેમણે યુકેમાં આવતા પહેલા સાઉથ આફ્રિકા, ઘાના સહિત અનેક દેશોમાં કામગીરી બજાવી હતી. ભારતની આઝાદી પછી યુકેમાં હાઈ કમિશનરનું પોસ્ટિંગ મેળવનારા તેઓ માત્ર બીજા મહિલા હતાં. તેમનાં કાર્યકાળ દરમિયાન તેઓ યુકે-ભારતના સંબંધોમાં નોંધપાત્ર વિકાસ અને ઘટનાઓનાં સાક્ષી રહ્યાં છે.
twitter @RuchiGhanashyam)


