ભારતીય લોકશાહીઃ મર્યાદાઓ છતાં, અન્ય દેશોથી વધુ સારી

- સી. બી. પટેલ Wednesday 08th May 2019 05:24 EDT
 
 

ભારતમાં ૧૭મી લોકસભાની ચૂંટણી ખરા અર્થમાં ભગીરથ કાર્ય છે. આ ચૂંટણીમાં ૯૦૦ મિલિયન (યુએસએ, કેનેડા, તમામ ૨૯ ઈયુ દેશો અને જાપાન તેમજ કેરેબિયન, સેન્ટ્રલ અમેરિકા અને પેસિફિક વિસ્તારમાં ઓછી વસ્તી ધરાવતા ૨૦ દેશની કુલ વસ્તી કરતાં પણ વધુ) લોકો મતાધિકાર ધરાવે છે. અનેક વિરોધાભાસો અને પડકારોથી સભર એક દેશ નહિ, પણ એક મિલિયન મતકેન્દ્રો અને મગજ ચકરાવે ચડે તેવો વહીવટી ડેટા ધરાવતા આ ઉપખંડની ચૂંટણી છે, જેમાં સાતમાંથી પાંચ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. અંદાજે બે તૃતિયાંશ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરી લીધો છે.  આ ચૂંટણીમાં ગરીબ અને નિરક્ષર, શારીરિક અક્ષમતા સાથે પણ મતદાતાઓએ માઈલો ચાલીને, કાળઝાળ ગરમીમાં ઊભા રહી, આતંકી હુમલાઓનો સામનો કરીને પણ મત આપ્યો છે. આમ છતાં, ચૂંટણી શાંતિમય, મુક્ત અને વાજબી જ રહી છે.
બ્રિટનમાં પણ ‘મુક્ત અને વાજબી’ ચૂંટણી આગવી મર્યાદા ધરાવે છે. તમને ત્રણ વર્ષ અગાઉ ઈયુ રેફરન્ડમનો પ્રચાર યાદ છે? જુઠાણાં, અતિશયોક્તિ, ઈમિગ્રન્ટસ બાબતે ભય ફેલાવવો વગેરે વગેરે. ભારતમાં પણ આવી ખામીઓ છે જ. જો સાપેક્ષપણે જોઈએ તો અહીં કે યુએસ કરતાં ભારતમાં આ ઓછું છે. તેનું વિશાળ કદ અને વિરોધાભાસો તેમજ કેટલાંક જોખમી વિસ્તારોમાં પણ માન્ય મતદારોની સંખ્યા જોઈએ તો સમસ્યા ઘણી મોટી બને છે.
અહીં ભાજપના નેતૃત્વમાં શાસક NDA અને કોંગ્રેસના વડપણ હેઠળ UPA એમ બે મુખ્ય ગઠબંધન છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સમજાય તેવો દાવો કરે છે કે તેમની સરકારે ભારતને લોકશાહી માપદંડની અંદર જ વિકાસનું મોડલ આપ્યું છે. એ ધ્યાન રાખીએ કે બ્રિટિશ સરકાર કે ‘કંપની સરકાર’ના ૧૯૦ વર્ષના શાસન કરતાં પણ ભારત સતત એક પક્ષના શાસન અથવા સરમુખત્યારશાહી વહીવટથી અળગાં રહી વિક્રમજનક આર્થિક તથા સામાજિક વિકાસ સાધ્યો છે. વિશ્વ બેન્ક, IMF અને અન્ય કોર્પોરેટ હાઉસે આર્થિક અને સામાજિક પ્રગતિ માટે NDAને ભરપૂર માર્ક આપ્યા છે.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની દલીલ છે કે દેશમાં કોઈ જ વિકાસ થયો નથી, સરકાર જુઠું બોલે છે, ગરીબી વધી રહી છે, લઘુમતીઓ પર દમન થઈ રહ્યું છે, ત્રાસવાદમાં વધારો થયો છે અને ખાસ તો નરેન્દ્ર મોદી અંદરથી તો ભ્રષ્ટ રાજકારણી છે. મારું એમ માનવું છે કે આવાં તથ્યવિહોણા અને બેલગામ આક્ષેપો જો તદ્દન ખોટાં ન હોય તો પણ તેમાં ભારોભાર અતિશયોક્તિ અવશ્ય છે.
હું બે મુદ્દા સ્પષ્ટ કરીશ. ભારતીય લોકશાહીનું વર્તમાન સ્વરૂપ સંપૂર્ણ નથી, પરંતુ અન્ય દેશો જેટલું સારું જ છે અને ઘણાં દેશો કરતાં તો ઘણું સારું છે.
બીજું એ કે ભારત તમામ ભારતીયો માટે છે. ધર્મ, જ્ઞાતિ અથવા વસવાટના સ્થળને ધ્યાનમાં લીધાં સિવાય પ્રત્યેક ભારતીય સમાનતા, ન્યાય અને ન્યાયોચિત વ્યવહારનો અધિકાર ધરાવે છે.
મારે સ્વીકારવું રહ્યું કે હિંસાખોરી કે ટોળાંશાહી હિંસાની ઘૃણાજનક ઘટનાઓ થઈ છે. પરંતુ તેનું પ્રમાણ અલ્પ કે નહિવત્ છે. નરેન્દ્ર મોદીએ આ ઘટનાઓ વખોડી કાઢી છે એટલું જ નહિ, તેના માટે જવાબદારો સામે કાનૂની કાર્યવાહી પણ કરાઈ છે.
સોશિયલ મીડિયા પાયારૂપ ભૂમિકા ભજવે છે તેમાં શંકા નથી. દુર્ભાગ્યે આધુનિક માસ કોમ્યુનિકેશન મદદરૂપ કે ગેરમાર્ગે દોરનારું પણ બની શકે છે. કેટલીક હકીકતોને ધ્યાનમાં લેવી આવશ્યક છે. કમનસીબે બનાવટી કે ફેક ન્યૂઝ જીવનમાં અત્ર, તત્ર અને સવર્ત્રની હકીકત છે. જોકે, ભારતીય મતદાતા ઘણો અનુભવી અને સાવધ છે. આમ છતાં, ભારતમાં સારા સ્રોત ધરાવતા કેટલાક બ્રિટિશ મીડિયા ગ્રૂપ્સ આ બાબતે નિષ્ફળ છે. એ તો સત્ય છે કે ‘હકીકતો પવિત્ર છે, અભિપ્રાય મફત છે.’
અગાઉના શાસનોની સરખામણીએ કોમી હિંસા ઘણી જ ઓછી છે. નરેન્દ્ર મોદી સરકારે ગુજરાત હોય કે કેન્દ્ર, કોઈ પણ સમુદાયની તરફેણ કરી નથી. આર્થિક પરફોર્મન્સની વાત કરીએ તો, અગાઉની સરકારોની માફક આ સરકાર પણ કૃષિ ક્ષેત્રની યોગ્ય સંભાળ લઈ શકી નથી. કૃષિ લોન્સ-ધિરાણોને માફ કરવાની નીતિઓ ચાલી શકે નહિ અને તે એક પ્રકારની લાંચ જ છે. એ પણ હકીકત છે કે ટ્રેડ યુનિયન અને ભૂમિ સંપાદન સંબંધિત કાયદાઓ વધુ આધુનિક બનાવવા જરૂરી છે. ભારતમાં અત્યારે ઘણાં દુષણો છે તેની ના નથી, પરંતુ કેટલાક પ્રતિષ્ઠિત બ્રિટિશ મીડિયા દાવો કરે કે વડા પ્રધાન મોદી લોકશાહી માટે જોખમરૂપ છે અને તેમની સરકારે ધાર્મિક સ્વાતંત્ર્યને કચડી નાખ્યું છે ત્યારે કદાચ હકીકતોને નજરઅંદાજ કરાય છે. તમામ જૂથોમાંથી કેટલાક ધર્મઝનૂનીઓ અપ્રિય અને ઉશ્કેરણીજનક નિવેદનો કરતા રહે છે તેને કોઈ દસ્તુર કે સિદ્ધાંત નહિ, પણ અપવાદ જ ગણી શકાય.
વધુ એક આક્ષેપ એ થતો રહ્યો છે કે ભારતમાં ફ્રી પ્રેસની સ્થિતિ ગરીબ ગાય જેવી છે. બ્રિટિશ મીડિયા તરફ સંપૂર્ણ આદર સાથે કહેવું પડે છે કે તેઓ અજ્ઞાની છે. તમામ પ્રકારનું ભારતીય પ્રેસ ફૂલીફાલી રહ્યું છે અને મોટા ભાગે સારાં સ્રોતો ધરાવે છે. આ ફ્રી પ્રેસ છે, કદાચ યુકે અને યુએસએમાં કેટલીક ઈજારાશાહી માલિકી કરતાં પણ તે વધુ સ્વતંત્ર છે. થોડા સમય માટે જ ભારતની મુલાકાતે જતા અથવા દેશની ભાષા, ઈતિહાસ અને સુક્ષ્મ ભેદોના પૂરતાં જ્ઞાન વિના જ ત્યાં રહેતા તથાકથિત નિષ્ણાતો પોતાની ટીપ્પણીઓથી તેમના વાચકો, દર્શકો અથવા શ્રોતાઓને સત્યથી માહિતગાર કરતા નથી.
બ્રિટિશ મીડિયાના કેટલાક વિભાગ તો પસંદગીમાં ઘણા ચોક્કસ રહે છે. કાશ્મીર ખીણમાંથી પંડિતોની હકાલપટ્ટી, દમન અને બળાત્કારની ઘટનાઓ ઈરાદાપૂર્વક ભૂલી જવાય છે. ચીનના ક્સીઆનશિંગમાં મુસ્લિમ વસ્તી પરનું દમન સંપૂર્ણ નજરઅંદાજ કરાય છે તે માત્ર એટલા માટે કે તમારે ચાઈનીઝ ઈન્વેસ્ટમેન્ટ્સની જરૂર હોય છે? આ સમયે તેમનું ધ્યાન ક્યાં રહે છે?
મોટા ભાગના આ નીરિક્ષણો અમારા વાચકો દ્વારા કરાયેલાં છે, જેઓ હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ છે. આ દેશમાં બે મિલિયનથી વધુ સંખ્યા ધરાવતા આ લોકોનું મુખ્ય ધ્યાન શિક્ષણ, વ્યવસાય, વેપાર-ધંધા, ઉદ્યોગસાહસિકતા અને જીવનનાં અન્ય રચનાત્મક પાસાં પર વધુ રહે છે. મહત્ત્વની વાત એ પણ છે કે દેશની જેલોમાં તેમની સંખ્યા સૌથી ઓછી છે. બ્રિટિશ ભારતીય વસ્તીનું પ્રમાણ રાજકારણમાં ઘણું ઓછું છે અને જ્યારે ભારત અથવા નરેન્દ્ર મોદી પર આવા અતિશયોક્તિપૂર્ણ હુમલા કે આક્ષેપ કરવામાં આવે ત્યારે તેમને અવશ્ય દુઃખ થાય છે.
ચૂંટણી પ્રચાર અભિયાનો કદી સંપૂર્ણ હોતાં નથી. અમારા વાચકો બ્રિટિશ મીડિયા પાસે એટલી તો અપેક્ષા રાખશે કે તેઓ જ્યારે નકારાત્મક પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરતા હોય ત્યારે પોતાની જ કુસેવા કરે છે એટલું જ નહિ, બ્રિટિશ ભારતીયોને અજ્ઞાની અને અસહિષ્ણુ લોકો માટે નિશાન બનાવે છે. એમ સ્પષ્ટ જણાય છે કે મોદી ભારતના આગામી વડા પ્રધાન બનશે. ભૂતકાળની માફક જ બ્રિટન, યુએસએ અને અન્ય દેશો તેમને આમંત્રણ આપવા અને તેમની સરભરા- સ્વાગત કરવા દોડાદોડી કરશે. આનું કારણ તો એટલું જ હશે કે તેમને ભારત પાસેથી ઘણો લાભ ખાટવાનો છે.

(Asian Voiceમાં પ્રકાશિત As I see it કોલમનો ભાવાનુવાદ)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter