ભારતીયોની લાગણીઓ પર કુઠારાઘાતઃ લેબર ઠરાવની ક્રૂર જોક

સી.બી. પટેલ Tuesday 01st October 2019 14:09 EDT
 
 

પ્રિય વાચકમિત્રો,
જેરેમી કોર્બીનની લેબર પાર્ટીના કપટી દરબારીઓ ભારત-બ્રિટિશ સંબંધો માટે એટલા પીડાકારી, અન્યાયી અને નુકસાનકારી સાબિત થયા છે કે ૧૨૦ વર્ષ અગાઉ લેબર પાર્ટીની કેવી રીતે સ્થાપના થઈ હતી તે વિશે મારી યાદદાસ્ત તાજી કરવાનો સમય પાકી ગયો હોવાનું મને લાગે છે. કચ્છી ગુજરાતી બેરિસ્ટર અને ઈન્વેસ્ટમેન્ટ સલાહકાર શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા સહિતના મહાનુભાવોએ વર્ષ ૧૯૦૦માં લેબર પાર્ટીની સ્થાપના કરી હતી. તેઓ મુખ્યત્વે ભારતીય સ્વાતંત્ર્યનું અભિયાન ચલાવવા લંડનમાં સ્થાયી થયેલા સમાજવાદી હતા. તેમણે હાઈ ગેટમાં ઈન્ડિયા હાઉસની સ્થાપના પણ કરી હતી, જેના દ્વારા વર્ષો દરમિયાન અનેક ભારતીય વિદ્યાર્થીઓ અને રાજકારણીઓને મદદ કરાઈ હતી.
મોહનદાસ કરમચંદ ગાંધી, વીર સાવરકર અને અન્ય મહાનુભાવોએ ઈન્ડિયા હાઉસની મુલાકાત લીધી હતી અથવા ત્યાં રહ્યા પણ હતા. ભારત માટે વર્માના અભિયાનને એની બેસન્ટ, ફેનર બ્રોકવે અને લેબર પાર્ટીના સમર્થકો દ્વારા મજબૂત ટેકો અપાયો હતો. એની બેસન્ટે ભારતમાં હોમરુલ માટે ૧૯૧૨માં લંડનમાં ઈન્ડિયા લીગની સ્થાપના કરી હતી. ૨૦ના દાયકાના પૂર્વાર્ધમાં બેસન્ટના ખાસ વિશ્વાસુ વીકે કૃષ્ણમેનન ઈન્ડિયા લીગનું મુખ્ય બળ બની રહ્યા હતા. ઈન્ડિયન નેશનલ કોંગ્રેસે (INC) ૧૯૨૯માં પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કરી સંપૂર્ણ આઝાદી માટે હાકલ કરી હતી. ભારતમાં મહાત્મા ગાંધીએ INCનો વાવટો હાથમાં લીધો અને લંડનથી અભિયાન ચલાવવાની જવાબદારી ઇન્ડિયા લીગને સુપરત કરાઈ હતી.
આ લાંબા સમયગાળામાં લેબર પાર્ટીના નેતાઓ પણ સંકળાયેલા રહી ભારત અને ભારતીય નેતાઓ સાથે સઘનપણે કાર્ય કરતા રહ્યા. વડા પ્રધાન ક્લેમેન્ટ એટલીની નેતાગીરી હેઠળ લેબર સરકારે ૧૯૪૭માં ભારતીય આઝાદીના સ્વપ્નને સાકાર બનાવ્યું. લોર્ડ બ્રોકવે, લોર્ડ સીલ્વરમેન, અને સમય જતા માઈકલ ફૂટ ઈન્ડિયા લીગ સાથે સક્રિય રીતે સંકળાયેલા રહ્યા હતા.
૧૯૬૭માં કૃષ્ણમેનનની નેતાગીરીમાં ઈન્ડિયા લીગે લંડન મધ્યે મહાત્મા ગાંધીની પ્રતિમાના વિચારને ફેલાવ્યો. કેમડન બરો કાઉન્સિલે ઉદારતા દર્શાવી ટેવિસ્ટોક સ્ક્વેરમાં મોકાની જગ્યા ફાળવી અને મહાત્મા ગાંધીની પ્રતિમાની સ્થાપના થઈ હતી. લેબર પાર્ટીના વડા પ્રધાન હેરોલ્ડ વિલ્સને ભારતના હાઈ કમિશનરની હાજરીમાં પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આજે, દર વર્ષે ભારતીય હાઈ કમિશન, કેમડન કાઉન્સિલ અને ઈન્ડિયા લીગ દ્વારા ટેવિસ્ટોક સ્ક્વેર ખાતે મહાત્મા ગાંધીની જન્મજયંતી અને નિર્વાણ દિનની પ્રાર્થના સહિત ઉજવણી કરાય છે.
હવે હું લેબર પાર્ટી સાથે મારા સંબંધની ટુંક જાણકારી આપીશ. ૧૯૬૬માં લિંકન્સ ઈન અને યુનિવર્સિટી ઓફ લંડનમાં અભ્યાસ કરતી વેળાએ હું લેબર પાર્ટીમાં જોડાયો હતો. હું ૧૯૬૮ સુધીમાં પાર્ટીની બ્રેન્ટ નોર્થ શાખામાં ખજાનચીના હોદ્દા પર પહોંચી ગયો હતો. મેં પ્રકાશનક્ષેત્ર સાથે જોડાવાનો નિર્ણય કર્યા પછી ૧૯૭૫માં લેબર પાર્ટીમાંથી રાજીનામું આપ્યું અને ત્યારથી હું કોઈ પક્ષ સાથે સંકળાયેલો નથી તેમજ સરકારો અને પક્ષોનો મુદ્દા આધારિત સમર્થન અથવા વિરોધ કરતો રહ્યો છું. જોકે, મારે એ સ્વીકારવું રહ્યું કે મોટા ભાગે મારી સહાનુભૂતિ લેબર પાર્ટી સાથે રહે છે અને ઘણી વખત તીવ્રપણે અને કદી ભૂતકાળના સુસ્મરણોના લીધે હોય છે.
૧૯૬૦ના દાયકાથી, બ્રિટિશ પાસપોર્ટ ધરાવતા ઈસ્ટ આફ્રિકન એશિયનોએ યુકેમાં આવવા શરૂઆત કરી હતી. ઇનોક પોવેલની ‘રિવર્સ ઓફ બ્લડ’ તરીકે જાણીતી કુખ્યાત સ્પીચ ભારે પ્રસિદ્ધિ પામી હતી અને દ્વેષપૂર્ણ જાહેર મત પ્રકાશમાં આવ્યો હતો. તે પુરાણા દિવસોમાં હજારો નહિ તો સેંકડો ભારતીયોએ શટલકોક તરીકે જાણીતી વ્યવસ્થા હેઠળ ઈસ્ટ આફ્રિકા આવવું-જવું પડતું હતું. આ કુવ્યવસ્થાનો અન્યાય દૂર કરવા અભિયાન છેડાયું હતું અને ઘણા લેબર અને લિબરલ રાજકારણીઓને તેને ટેકો આપ્યો હતો.
૧૯૭૨માં તો તદ્દન અલગ સમસ્યા સર્જાઈ હતી. ઈદી અમીનના શાસન હેઠળ યુગાન્ડામાંથી એશિયનોની હકાલપટ્ટી શરૂ થઈ હતી. તત્કાલીન કન્ઝર્વેટિવ પ્રાઈમ મિનિસ્ટર એડવર્ડ હીથે તેમના પક્ષમાંથી વિરોધ કરાયા છતાં, બ્રિટિશ પાસપોર્ટ ધારકોનું માન જાળવ્યું અને ૨૮,૦૦૦ યુગાન્ડન એશિયનો યુકેમાં આવી શક્યા.
સમયાંતરે કેટલીક ભૂલોના અપવાદ સિવાય ભેદભાવને દૂર કરવા અને સમાન તકોને ઉત્તેજન આપવા કાર્યરત લેબર મૂવમેન્ટના મિત્રો પણ હતા. જે મજબૂત બંધન બંધાયું હતું અને સમયની સાથે વધુ મજબૂત થયું હતું તે ગત સપ્તાહના ઠરાવ સાથે તૂટી પડ્યું. અમે આ સપ્તાહના ન્યૂઝપેપર્સમાં આ વિષય સઘનપણે આવરી લીધો છે. હું નિખાલસતા સાથે કહીશ કે બ્રિટિશ ભારતીય કોમ્યુનિટીના આશરે બે મિલિયન સભ્યોને ભારે અન્યાય કરવામાં આવ્યો છે. જો ઠરાવ વેળાસર પાછો નહિ ખેંચાય તો તેની ગંભીર અસરો પડી શકે છે.
હું માનું છું કે બ્રિટિશ ભારતીય કોમ્યુનિટીના સભ્યો, રાજકારણીઓ, નેતાઓ, લેબર સાંસદો અને પાર્ટી સાથે સંકળાયેલા લોર્ડ્સે મૌન રહેવું ન જોઈએ. મૌન રહેવાથી આ સમસ્યાનું નિરાકરણ નહિ આવે. પાર્ટીને નિવારી ન શકાય તેવું નુકસાન પહોંચે તે પહેલા જેરેમી કોર્બીન અને તેની ટીમને સમજાવવાની જરૂર છે.
અમારા રિપોર્ટ્સમાં લેબર પાર્ટી સાથે સંકળાયેલા હોવા છતાં, વિરેન્દ્ર શર્મા જેવા કેટલાક ભારતીય તેમજ અન્ય સાંસદ બેરી ગાર્ડિનર અને લંડનના ડેપ્યુટી મેયર રાજેશ અગ્રવાલના નિવેદનો જાહેર કરવાનો મને આનંદ છે. તેમણે પોતાની ચિંતા દર્શાવી છે અને ઔચિત્ય, ન્યાય અને કાયદાના સાસનના સિદ્ધાંતો માટે તેઓ ઉભા થયા છે. આઝાદી માટે ગાંધીવાદી ચળવળ શાંતિપૂર્ણ અને અહિંસક સક્રિયતા પર આધારિત હતી. જોકે, અસહકારનો તેમ જ બહિષ્કારનો મજબૂત સ્તંભ પણ હતો. હવે બ્રિટિશ ભારતીયો માટે પોતાની ગ્લાનિ અને પીડાને અવાજ આપવાનો સમય આવી ગયો છે. જેરેમી કોર્બીને પણ જાણી લેવું પડશે કે તેણે માત્ર ભારતને અન્યાય કર્યો નથી, લેબર પાર્ટીને પણ અન્યાય કર્યો છે.આ ઠરાવ જેટલો જલદી રદ કરવામાં આવશે, ભારત-બ્રિટનના સંબંધો માટે એટલું જ સારું બની રહેશે.

(Asian Voiceમાં પ્રકાશિત As I see It કોલમનો ભાવાનુવાદ)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter