વર્ચ્યુઅલ ગુડમોર્નિંગઃ સિર્ફ બોલને કી બાતેં હૈ!

- ખુશાલી દવે Wednesday 09th May 2018 08:45 EDT
 
 

સ્માર્ટ ફોન, ફાસ્ટ ઇન્ટરનેટ કનેક્શન અને સોશિયલ મીડિયાના બહોળા ફેલાવાના કારણે વિશ્વભરમાં લોકો સતત દિવસરાત એરબીજાના સંપર્કમાં રહે છે. ભારતમાં કરોડોની સંખ્યામાં ઈન્ટરનેટ યૂઝર્સમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ગુગલે એવો અહેવાલ બહાર પાડ્યો છે કે ખાસ કરીને ભારતીયોના ગુડમોર્નિંગના મેસેજથી ઇન્ટરનેટ ઓવરફ્લો થઈ જાય છે.
છેલ્લા પાંચેક વર્ષોમાં ગુગલ પર ગુડમોર્નિંગ ઈમેજ સર્ચમાં ૧૦ ટકા વધારો નોંધાયો છે. જેના કારણે વિઝ્યુઅલ સર્ચ પિન્ટરેસ્ટેમાં બદલાવ પણ થયો છે. લોકોની ગુડમોર્નિંગ મેસેજની આદતને જોતાં સાઈટ પર એક સેક્શન શરૂ કરી દેવાયું છે. જેમાં ફોટા સાથે ક્વોટ હોય છે. લોકોમાં આ પ્રકારની ઈમેજનો ઘણો ક્રેઝ છે કે જેમાં ફોટો સાથે ક્વોટ હોય. કારણ કે એક રિપોર્ટ પ્રમાણે ભારતના ૩૦ ટકા લોકોની ઈન્ટરનલ ફોન મેમરી માત્ર મેસેજ અને ફોટોગ્રાફ્સને કારણે ફુલ થઈ જાય છે. એમાં મોટાભાગે ઇમેજ સાથેના ગુડમોર્નિંગ ક્વોટ્સ હોય છે.
જોકે ખરેખર આ ગુડમોર્નિંગ મેસેજ દ્વારા પોતાના લોકોને યાદ કરવાની લાગણી મેસેજ મોકલનારના મનમાં સમાયેલી હોય છે? કે આ લાગણી મેસેજ રિસિવ કરનાર સુધી પહોંચે છે એ બાબત શંકા ઉપજાવે છે.
જોકે ગુગલ લોકોની ભાવના સારી રીતે કદાચ સમજે છે. તેથી જ ગુગલે છેલ્લાં પાંચ વર્ષના ડેટાનો સર્વે કર્યો એ પ્રમાણે, ભારતમાં આશરે વીસ કરોડ એક્ટિવ યુઝર્સ રોજ સવારે ગુડમોર્નિંગના મેસેજ કરવાનું ચૂકતા નથી. છેલ્લાં પાંચ વર્ષમાં ગુડમોર્નિંગની ઇમેજ ડાઉનલોડ થવાની સંખ્યામાં પણ દસગણો વધારો થયો છે. તેથી ગુગલદેવની દયાથી બ્રોડકાસ્ટ મેસેજિસ અને ગ્રુપ મેસેજિસની સુવિધાને કારણે એક જ ક્લિકમાં સંખ્યાબંધ લોકોને એકસાથે મેસેજ પહોંચે છે. જોકે આ પદ્ધતિએ મેસેજ મેળવનાર વ્યક્તિ પર કઈ અસર કરી હોઈ શકે તે સવાલ છે?, પણ ગુગલે આ કથિત શુભેચ્છકો માટે એવી સુવિધા કરી આપી છે કે મેસેજનો ફેલાવો વધુ ઝડપથી અને વધુ વિસ્તારપૂર્વક થઈ શકે છે. ગુડમોર્નિંગ મેસેજથી ગુગલનું સર્વર હેંગ થાય કે ના થાય પણ જેને રોજ સવારે ગુડમોર્નિંગ મેસેજ મળે છે એમાંથી મોટાભાગના લોકોનું દિમાગ જરૂર હેંગ થાય છે. આ બાબતે ફેસબુક પર એક સવાલ મુકાયો કે સવાર સવારમાં જ્યારે તમને સોશિયલ મીડિયા પર કે વ્હોટ્સ પર ગુડમોર્નિંગ મેસેજ આવે ત્યારે તમારું શું રિએક્શન હોય છે? તમે શું કરો છો? તો એ માટે આવેલી આશરે સોથી વધારે કમેન્ટમાંથી બાણુ જેટલા લોકોએ કહ્યું કે અમે આ પ્રકારના મેસેજ ઇગ્નોર કરીએ છીએ અને ડિલિટ કરી નાંખીએ છીએ.
કેટલાક લોકોએ કહ્યું કે, સામેવાળીની લાગણીને ઠેસ ન પહોંચે એ રીતે અમે તેમને કહી દઈએ છીએ કે ગુડમોર્નિંગ મેસેજ વાંચતા નથી તો ન મોકલાવશો.
કેટલાક લોકોએ કહ્યું કે, ખરેખર ગુડમોર્નિંગ મેસેજમાં દિવસના આરંભે જ કોઈને યાદ કરીને તેમની સવાર સુધારી નાંખવાની મેસેજ મોકલનારની ભાવના તેમને સવારમાં જ ઇરીટેટ કરી નાંખે છે. આ પ્રકારના વિનામૂલ્યે થતા ગુડમોર્નિંગ મેસેજ એ સ્પીડે અને બલ્કમાં થતા હોય છે કે જેમને મેસેજ મોકલાય છે તે દરેક વ્યક્તિને મેસેજ મોકલનાર વ્યક્તિ યાદ કરી શકે જ નહીં. જેથી જીવનમાં મહત્ત્વના હોય એ ‘તમામ’ને કહેવાતા વર્ચ્યુઅલ ગુડમોર્નિંગ પાછળના ભાવનું મહત્ત્વ પણ જળવાતું નથી અને શબ્દો અને ભાવ બંને ગૌણ બની જાય છે.
સોશિયલ મીડિયા પર આ અંગે કેટલાય લોકોએ કહ્યું કે, અમારા કેટલાય મિત્રો અને સ્વજનો એવા છે કે જેઓ રોજ સવારે ઊઠીને પહેલું કામ ગુડમોર્નિંગ મેસેજ મોકલવાનું કરે છે. એક ફેસબુક યુઝરે કહ્યું કે, મારો એક મિત્ર રોજ સવારે આ રીતે યંત્રવત કહેવાતો ગુડમોર્નિંગ મેસેજ મોકલે છે. જેમાં જિંદગી કેવી રીતે જીવવી એનું જ્ઞાન હોય છે. તેનો લાંબાલચક બિનજરૂરી મેસેજ રોજ સવારે જોઈને મને ક્યારેક ગુસ્સો અને ક્યારેક હસવું આવે. તેની સાથે તેના ઘરમાં રહેતા પરિવારજનો પણ કહે કે સવારે રૂબરૂમાં અમને ક્યારેય કોઈ પણ રીતે તારો મિત્ર ગુડમોર્નિંગ વિશ કરતો જ નથી, પણ એ ગુડમોર્નિંગ મેસેજ કોઈને પણ કરવાનું ભૂલતો નથી. તેના આ મેસેજ મોકલવાના મહાન કાર્ય દરમિયાન જો તેને ઘરમાંથી કોઈ સદસ્ય બોલાવી લે તો તેની સવાર શક્યતઃ બેડમોર્નિંગમાં પણ ફેરવાઈ જાય છે.
આ વિશે જાણીતા લેખિકા જ્યોતિ ઉનડકટ કહે છે કે મને જ્યારે કોઈ પણ ગુડમોર્નિંગ મેસેજ મોકલવાની શરૂઆત કરે ત્યારે જ હું એમને સામે એક મેસેજ મોકલી દઉં છું કે, હમ્બલ રિક્વેસ્ટ છે કે ફોર્વર્ડ મેસેજ મોકલવા નહીં. લેખિકા કહે કે પોતાની રીતે ક્રિએટિવ મેસેજ બનાવીને કોઈ મોકલે તો હું તેની નોંધ પણ લઉં છું અને એમને જવાબ પણ આપું છું, પણ ફોર્વર્ડ મેસેજ તો ઇગ્નોર જ કરું.
વર્ચ્યુઅલ ગુડમોર્નિંગ મેસેજના આતંક બાબતે ગુજરાતી અભિનેત્રી અને ફિલ્મનિર્માતા આરતીબહેન પટેલ કહે છે કે, હું તો આવા મેસેજ ડિલિટ જ કરી નાંખુ. વાંચુ પણ નહીં.
ગુજરાતી ફિલ્મોના અભિનેતા મલ્હાર ઠાકર કહે છે કે, હું આવા મેસેજ અવોઈડ પણ કરું. ક્યારેક વાંચુ પણ ખરો. મૂડ પર બધો આધાર રહે.
હિન્દી અને ગુજરાતી ફિલ્મો તથા રંગમંચના કલાકાર દર્શન જરીવાલા આ અંગે જણાવે છે કે, મને આ પ્રકારના મેસેજ મળે ત્યારે હું સમય મળે ત્યારે તેના જવાબ આપું છું.
થોડાક સમય પહેલાં અદાકાર સિદ્ધાર્થ રાંદેરિયાની એક મુલાકાતની વીડિયો ક્લિપ ધ્યાનમાં આવી હતી. જેમાં તેમણે ગુડમોર્નિંગ શુભેચ્છા વિશે કહ્યું હતું કે, ફ્રીમાં બધાને શુભેચ્છા આપી શકાય છે એટલે લોકો આપે છે. એક મેસેજનો એક રૂપિયો ચાર્જ કરો. પછી જુઓ કેટલા તમને ગુડ મોર્નિંગ મેસેજ મોકલાવે છે?

...પોપકોર્ન...
રકાબીબાઈઃ પુનામાં તો આપણી બોલબાલા થવાની. કપને તો મુંબઈવાળા ઇન્ડિયનો લઈ ગયા.
•••
મિસ્ટર એમઃ ૧૫ મિનિટ કોઈ માઈક વિના ચૂંટણી પ્રચારમાં કાગળ વગર બોલી બતાવે. તમારી માતૃભાષામાં પણ બોલી બતાવે.
મિસ્ટર આરઃ મને ભાષણ આપવા માટે પંદર મિનિટ મળી જાય તો મિસ્ટર એમ સામે ઊભા નહીં થઈ શકે.
ગૃહિણીમતિઃ આ બંને શું જાણે કે ઘરમાં અમે એટલું લાંબું અને સાચ્ચેસાચ્ચું બોલી બતાવીએ કે બંનેની બોલતી બંધ થઈ જાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter