ઈન્ડિયન પોસ્ટ પેમેન્ટ્સ બેન્કઃ ભારતનું વિશાળ બેન્કિંગ નેટવર્ક

- ખુશાલી તુષાર દવે Wednesday 05th September 2018 08:47 EDT
 
 

ભારત જેવા વિકાસશીલ દેશમાં ૧૯ કરોડ લોકોના બેન્કમાં ખાતાં જ નથી. નરેન્દ્ર મોદી ભારતના વડા પ્રધાન બન્યા તે પછી ‘જન-ધન યોજના’ કરી તે પછી દેશના કરોડો નાગરિકો બેન્કિંગ સુવિધાથી વંચિત છે. તેનું કારણ એ છે કે મોટી બેન્કોએ ગરીબોની સેવા કરવામાં રસજ નથી. આ મહેણું ટાળવા કેન્દ્ર સરકારે ઈન્ડિયન પોસ્ટ પેમેન્ટ્સ બેન્કના રૂપમાં એક વિરાટ પગલું ભર્યું છે. ટૂંક સમયમાં દેશની ૧.૫૫ લાખ પોસ્ટ ઓફિસો બેન્કની શાખા તરીકે કામ કરતી થઈ જશે. તેમાં બચત ખાતાં ધરાવતા ૧૭ કરોડ લોકો બેન્કના ગ્રાહકો બની જશે. અંતરિયાળ ગામોમાં રહેતા લોકોને બેન્કિંગ સેવા માટે પોસ્ટ ઓફિસ સુધી પણ જવું પડશે નહીં. તેમનો ટપાલી સ્માર્ટ ફોન લઈને તેમના ઘરે આવશે. ટપાલી તેમનું ડેબિટ કાર્ડ સ્વાઈપ કરીને તેમને રોકડા રૂપિયા આપી દેશે. ઈન્ડિયન પોસ્ટ પેમેન્ટ્સ બેન્કના ગ્રાહકોને સમગ્ર ભારતની બેન્કિંગ સેવાઓ સાથે જોડાશે. તેમના ચેકો તમામ બેન્કોમાં વટાવી શકાશે.
૧.૫૫ લાખ પોસ્ટ ઓફિસ
વર્તમાનમાં ભારતની ૧.૫૫ લાખ પોસ્ટ ઓફિસોમાં બચત ખાતાં ચાલે છે. જેના ૧૭ કરોડ ગ્રાહકો છે, પરંતુ તેમને બેન્કિંગ સેવાઓ મળતી નથી. આ બચત ખાતાઓના ચેક કોઈ ખાનગી કે જાહેર ક્ષેત્રની બેન્કોમાં જમા કરાવી શકાતા નથી. વળી પોસ્ટ ઓફિસ દ્વારા જારી કરવામાં આવતા ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને કોઈ બિલ ભરી શકાતાં નથી કે ઓનલાઈન ખરીદી પણ કરી
શકાતી નથી. આ વર્ષના ડિસેમ્બર મહિના સુધીમાં પોસ્ટ ઓફિસ બચત બેન્કનાં તમામ ખાતાંઓને ઈન્ડિયન પોસ્ટ પેમેન્ટ્સ બેન્ક સાથે જોડાશે, ભારતમાં બેન્કોની કુલ બ્રાન્ચોનો સરવાળો ૬૦ હજાર જેટલો છે, પણ પોસ્ટ ઓફિસની તમામ ૧.૫૫ લાખ શાખાઓ પેમેન્ટ્સ બેન્ક બની જતાં પોસ્ટ ઓફિસની બેન્ક ભારતની જાહેર ક્ષેત્રની સૌથી મોટી બેન્કિંગ પ્રણાલિ બની જશે.
બેન્કિંગનો વધતો વ્યાપ
કેન્દ્ર સરકારે બેન્કિંગ પ્રણાલિનો વ્યાપ વધારવા તેમ જ ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા પેમેન્ટ બેન્કોને લાઈસન્સ આપવાનો પ્રારંભ કર્યો હતો. પેમેન્ટ બેન્કનો મુખ્ય હેતુ ઓનલાઈન ખરીદી અને બિલોની ચૂકવણીને પ્રોત્સાહન આપવાનો છે. આજે ફ્લિપકાર્ટ અને એમઝોન જેવી સાઈટ પર ખરીદીના પ્રમાણમાં ચિક્કાર વધારો થયો છે, પણ તેને કારણે હેકિંગનું જોખમ વધ્યું છે. ઓનલાઈન ચૂકવણી કરતાં જો કોઈ તમારો ખાતા નંબર કે પાસવર્ડ હેક કરે તો બેન્કમાં મૂકેલા આપણા લાખ્ખો રૂપિયા ગાયબ થઈ જાય તેમ છે. તેનો ઉપાય પેમેન્ટ બેન્ક છે.
પેમેન્ટ બેન્કનો ઉપયોગ માત્ર નાણાંની ચૂકવણી માટે જ કરવાનો હોવાથી તેમાં વધુમાં વધુ એક લાખ રૂપિયાની રકમ રાખવાની જ છૂટ આપવામાં આવે છે. જો એક લાખ રૂપિયા વપરાઈ જાય તો બેન્કના મુખ્ય ખાતામાંથી વધુ રૂપિયા ટ્રાન્સફર કરાવી શકાય છે. પેમેન્ટ બેક એક લાખ રૂપિયાથી વધુની ડિપોઝીટ સ્વીકારી શકતી નથી કે લોન પણ આપી શકતી નથી. કેન્દ્ર સરકારે પહેલાં એરટેલ અને પેટીએમ જેવી પ્રાઈવેટ કંપનીઓને પેમેન્ટ્સ બેન્કના લાયસન્સ આપ્યાં તે પછી પોસ્ટ ઓફિસોને લાયસન્સ આપ્યું છે, જેનો ફાયદો ૧૭ કરોડ ગ્રાહકોને થશે તે નક્કી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં પોસ્ટ ઓફિસની પેમેન્ટ બેન્કનું ઉદ્ઘાટન કર્યું તે પહેલાં રાયપુર અને રાંચીમાં પ્રાયોગિક ધોરણે બે પેમેન્ટ્સ બેન્કો કામ કરતી થઈ ગઈ હતી. તાજેતરમાં ૬૫૦ પોસ્ટ ઓફિસોમાં જ પેમેન્ટસ બેંકની શરૂઆત કરવામાં આવી છે. જેમાં દેશના દરેક જિલ્લાના મુખ્ય શહેરોને આવરી લેવાયા છે. આ ૬૫૦ પેમેન્ટ બેંકો શરૂ કરવા માટે પોસ્ટ ખાતાનાં ૧૫,૦૦૦ કર્મચારીઓને કુલ ૮ લાખ કલાકની તાલીમ અપાઈ હતી. જેમાંના ૧૧,૦૦૦ ટપાલીઓ પેમેન્ટ્સ બેન્કની સેવાઓ આપતા થઈ ગયા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter