રાજીવ ગાંધીના હત્યારાઓને ફાંસી નહીં, પણ જેલમુક્તિ?

ખુશાલી તુષાર દવે Wednesday 12th September 2018 08:04 EDT
 
 

ભારતના પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની હત્યા ૨૧મી મે, ૧૯૯૧ના રોજ થઈ હતી. તમિલનાડુના પેરંબદુરની એક રેલીમાં એલટીટીઈ આતંકી ધનુએ રાજીવ ગાંધીની પાસે જઈને પોતાને બોમ્બથી ઉડાવી દીધી હતી. રાજીવ ગાંધીની હત્યાનું મુખ્ય કારણ એ હતું કે તેમણે તમિલ ટાઈગરો વિરુદ્ધના યુદ્ધમાં શ્રીલંકાની સરકારને મદદ કરી હતી. જેને કારણે તમિલનાડુના લોકો તેમના પર રોષે ભરાયા હતા. રાજીવ ગાંધીની હત્યામાં તમિલ ટાઈગરોનો હાથ છે. તેવું સાબિત થયા પછી તો તમિલનાડુની પ્રજાની પણ સહાનુભૂતિ રાજીવ ગાંધીના હત્યારાઓ માટે હતી. તમિલનાડુમાં સત્તા પર રહેલા અન્ના ડીએમકે તેમજ વિપક્ષમાં રહેલા ડીએમકેની માગથી રાજીવ ગાંધીના હત્યારાઓને માફી આપવાની હતી, પણ કેન્દ્ર સરકાર તેના વિરોધમાં હતી. હવે સુપ્રીમ કોર્ટે આ બાબતમાં નિર્ણય કરવાની છૂટ તમિલનાડુની સરકારને આપી તેથી રાજીવ ગાંધીના સાત હત્યારાઓ જેલમાંથી મુક્ત થઈ જાય તેવી સંભાવના છે. આ નિર્ણય તમિલનાડુ સરકારનો હશે અને ગવર્નરે માન્ય રાખવા સિવાય કોઈ વિકલ્પ નહીં હોય.
૧૯૯૮થી મુદ્દો ચર્ચામાં
રાજીવ ગાંધીની હત્યાનો ખટલો ૨૬ આરોપીઓ સામે ચાલ્યો હતો તે તમામને ટ્રાયલ કોર્ટે ૧૯૯૮માં ફાંસી ફરમાવી હતી. તમામે સુપ્રીમમાં અપીલ કરી હતી. સુપ્રીમે ૨૬ પૈકી ચારની ફાંસી યથાવત રાખી હતી અને ત્રણને જનમટીપ આપી હતી. ટાડા કોર્ટે જેમને ફાંસી ફરમાવી હતી તેવા ૧૯ને નિર્દોષ જાહેર કરાયા હતા.
સુપ્રીમે જે ચારને ફાંસી ફરમાવી તેમાંથી મુરુગન અને સંથાન શ્રીલંકાના નાગરિકો હતા. મુરુગનની પત્ની નલિની શ્રીહરન અને પેરારિવલન દ્વારા તમિલનાડુ સરકાર સમક્ષ દયાની અરજી કરાઈ હતી. તમિલનાડુના ગવર્નરે ચારેયની દયાની અરજી ફગાવી હતી. ચારેય આરોપીઓએ એ પછી મદ્રાસ હાઈ કોર્ટમાં અપીલ કરી હતી. મદ્રાસ હાઈ કોર્ટે ગવર્નરના નિર્ણયને રદ્દ કર્યો હતો અને ગવર્નરને કેબિનેટની સલાહ લઈને નિર્ણય કરવાનો આદેશ કર્યો હતો.
ગાંધીકુટુંબની સહાનુભૂતિ
રાજીવ ગાંધીની પુત્રી પ્રિયંકા ગાંધીએ જેલમાં નલિનીની મુલાકાત પછી તેના માટે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. એ પછી રાજીવનાં પત્ની સોનિયાએ પણ પ્રિયંકાના સૂરમાં સૂર પુરાવ્યો. પતિના હત્યારાને માફી આપવાની સોનિયા ગાંધીની ઉદારતાના પગલે નલિનીની ફાંસી જનમટીપમાં ફેરવાઈ. તત્કાલીન કરુણાનિધિ સરકારે બાકીના ત્રણની દયાની અરજી રાષ્ટ્રપતિને મોકલી આપી. કેન્દ્રમાં તે સમયે એનડીએની સરકાર હતી અને વડા પ્રધાન અટલબિહારી વાજપેયી હતા. વાજપેયી સરકારે ત્રણેયની દયાની અરજી બાબતે કોઈ નિર્ણય કર્યો નહીં. ૨૦૦૪માં કેન્દ્રમાં યુપીએ સરકાર આવી. આ સરકારે પણ આ કેસમાં તાત્કાલિક નિર્ણય લીધો નહીં. ૨૦૧૧ની ૧૨મી ઓગસ્ટે કેન્દ્ર સરકારે દયાની અરજી નકારવાનો નિર્ણય કર્યો. ત્રણેય હત્યારાને ૯ સપ્ટેમ્બરે ફાંસીના માંચડે લટકાવી દેવાનો નિર્ણય કરાયો. ચેન્નાઈની જેલમાં ફાંસીની તૈયારીઓ થઈ. બીજી તરફ તમિલનાડુમાં હત્યારાઓ માટે સહાનુભૂતિની લહેર ઊઠી. તેથી તમિલનાડુ સરકારે વિધાનસભામાં સર્વાનુમતે ઠરાવ કર્યો કે ત્રણેયની ફાંસીની સજા જનમટીપમાં તબદીલ કરવામાં આવે. આ ઠરાવ રાષ્ટ્રપતિને મોકલાયો. મદ્રાસ હાઈ કોર્ટમાં ફાંસીની સજા રોકવાની અરજી કરાઈ હતી. મદ્રાસ હાઈ કોર્ટે ૩૦મી ઓગસ્ટ, ૨૦૧૧ના રોજ ત્રણેય હત્યારાઓની ફાંસીની સજા અટકાવી. મદ્રાસ હાઈ કોર્ટે દયાની અરજીઓ પાછળથી સુપ્રીમ કોર્ટને મોકલી આપી.
ફાંસીની સજા જનમટીપમાં ફેરવાઈ
૨૦૧૪માં સુપ્રીમના ચુકાદાને કારણે ફાંસીની સજા જનમટીપમાં ફેરવાઈ. તે વખતે સાતેય મુરુગન, સંથન, પેરારિવલન, નલિની, રોબર્ટ પાયસ, જયાકુમાર અને રવિચંદ્રનને દોષી જાહેર કરવામાં આવ્યા હતા. આ સાતે હત્યારાઓએ જેલમાં ૨૩ વર્ષ કાઢી નાંખ્યા હતા. તમિલનાડુના કાયદા મુજબ જનમટીપનો આરોપી ૨૦ વર્ષ અથવા તેથી વધુ સમય જેલમાં રહે અને તેની ચાલચલગત સારી હોય તો સરકાર તેને માફી આપીને જેલમાંથી મુક્ત કરી શકે છે. સુપ્રીમે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે, તમિલનાડુની સરકાર આ કાયદાને આધારે કેન્દ્ર સરકારની સલાહથી જનમટીપની સજા કાપી રહેલા સાતેયને જેલમાંથી છોડી શકે છે. તમિલનાડુની સરકારે ૨૦૧૪માં સાતેયને મુક્ત કરવાનો નિર્ણય કર્યો. યુપીએ સરકારે તેની સામે સુપ્રીમમાં અરજી કરી. સરકારે કહ્યું કે ક્રિમિનલ પ્રોસિજર કોડની ૪૩૫મી કલમ મુજબ તમિલનાડુ સરકારે અમારી સલાહ લીધી નથી. તેથી હત્યારાઓને જેલમુક્ત કરવા જોઈએ નહીં. સુપ્રીમે કેન્દ્રની અરજીની સુનાવણી કરતાં પહેલા તમિલનાડુ સરકારના નિર્ણય પર રોક લગાવી.
દરમિયાન કેન્દ્રમાં એનડીએ સરકાર આવી. કોર્ટમાં સોગંદનામું દાખલ કરીને કહ્યું કે તેમની સરકાર રાજીવ ગાંધીના હત્યારાઓને મુક્ત કરવાના પક્ષમાં નથી. સરકારના વિરોધ છતાં સુપ્રીમે ચુકાદો આપ્યો કે તમિલનાડુની સરકાર યોગ્ય નિર્ણય કરી શકે છે. આ ચુકાદો આવતાં જ તમિલનાડુની સરકારે સાતે હત્યારાઓને જેલમાંથી મુક્ત કરવાનો નિર્ણય કર્યો છે. હવે જો કોઈ ચમત્કાર નહીં થાય તો રાજીવ ગાંધીના બધા જ હત્યારાઓ જેલની બહાર હશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter