કાશ્મીર આતંક અને સર્જિકલ સ્ટ્રાઈકની બીજી વરસી

ખુશાલી તુષાર દવે Wednesday 03rd October 2018 09:02 EDT
 
 

કાશ્મીરમાં આવેલું શોપિયા જાણે આતંકવાદીઓ માટે વિકૃત મનોરંજનનું થાણું બની ગયું છે. તાજેતરમાં કપરણ ગામમાં હિઝબુલ મુજાહિદ્દીનના આતંકીઓએ ૩ સ્પેશ્યલ પોલીસ કર્મચારીઓની હૃદય કંપાવી નાંખનારી હત્યા કરી હતી. આ કિસ્સામાં એક અન્ય પોલીસ કર્મચારીના ભાઈનું પણ ઘરમાંથી બહાર ખેંચીને અપહરણ કર્યું હતું. પોલીસ કર્મચારીના ભાઈને છોડાવવામાં તો ગ્રામજનો સફળ રહ્યાં હતાં, પણ ત્રણેય સ્પેશ્યલ પોલીસકર્મીને છોડાવી શક્યા નહોતા.
ગ્રામજનોએ જણાવ્યું કે, અમે આતંકીઓનો પીછો કરતાં કરતાં પોલીસ કર્મચારીઓને મુક્ત કરવા વિનંતી કરી હતી, પણ આતંકીઓએ હવામાં ફાયરિંગ કરીને ધમકાવ્યાં હતાં. એ પછી આતંકવાદીઓ નદી પાર કરીને જંગલમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે ત્રણેય સ્પેશ્યલ પોલીસની હત્યા કરી નાંખી હતી. ભારતની ગુપ્તચર એજન્સીઓએ આઇએસઆઈના આંતકીઓ સાથેના સંદેશા પરથી તારણ મેળવ્યું હતું, જેમાં સ્પેશિયલ પોલીસ ઓફિસર્સનું અપહરણ કરીને તેમની હત્યા કરવાના આદેશ અપાયા હતા. અગાઉ, ૧૯મી સપ્ટેમ્બરે પણ જમ્મુ સરહદે પાકિસ્તાની રેન્જરોએ બીએસએફ જવાનનો શિરચ્છેદ કર્યો હતો.
જમ્મુ-કાશ્મીરના આરએસપુરા સેક્ટરમાં પાકિસ્તાને કરેલાં ફાયરિંગમાં બીએસએફના હેડકોન્સ્ટેબલ નરેન્દ્ર શહીદ થયા હતા. બીએસએફના કેટલાક જવાન સરહદ પર સરકંડા સાફ કરવા ગયા હતા ત્યારે જ પાકિસ્તાની રેન્જરોએ હુમલો કર્યો હતો અને આ હુમલામાં હેડ કોન્સ્ટેબલ નરેન્દ્ર ઘાયલ થયા હતા. પાકિસ્તાનની બેટ ટીમ ઘાયલ હેડ કોન્સ્ટેબલને ઉઠાવીને લઈ ગઈ હતી અને ત્યાં તેનું ગળું કાપી નાંખ્યું હતું અને તેમનો મૃતદેહ પાછો નાંખી ગઈ હતી. સરહદ પર સરકંડા સાફ કરવાની પ્રક્રિયા નિયમિત રીતે હાથ ધરાય છે. બીએસએફના જવાનો દ્વારા સમયાંતરે સરહદ પર ઘાસ અને સરકંડા સાફ કરાય છે જેથી આતંકવાદીઓ ઘૂસણખોરી માટે તેની આડશ લઈ શકે નહીં. પાકિસ્તાની રેન્જરો દ્વારા બીએસએફની આ પ્રવૃત્તિ અટકાવવા પણ ફાયરિંગ થતાં રહે છે.
સરહદે રોજ આતંકીઓ દ્વારા ફેલાવાતા ત્રાસ વચ્ચે વળી પાકિસ્તાન સરકારે અથડામણમાં માર્યા ગયેલા હિઝબુલ મુજાહિદ્દીનના બુરહાન વાનીની ટપાલ ટિકિટો બહાર પાડી તેથી ભારત સરકાર દ્વારા પાકિસ્તાન સાથે વિદેશ પ્રધાનોની યુએનમાં યોજાનારી મંત્રણા રદ કરવાનો નિર્ણય તાજેતરમાં લેવાયો હતો. જેનાથી પાકિસ્તાનના પેટમાં તેલ પણ રેડાયું.
જોકે ભારતીય સૈન્ય વડા બિપીન રાવતે તો શબ્દોનો ઢોળ ચડાવ્યા વિના સીધું જ કહ્યું કે, પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા શસ્ત્રવિરામ કરાર પણ તોડી નાંખીશું. રાવતે ભારત પાકિસ્તાન વચ્ચેની વાતચીત રદ કરવાના નિર્ણયના પણ વખાણ કર્યાં હતાં ત્યારે રાવતને જ્યારે પૂછવામાં આવ્યું કે પાકિસ્તાન સરહદમાં ઘૂસીને ફરી ભારત ફરી સર્જિકલ સ્ટ્રાઇક કરશે તો તેમણે જણાવ્યું કે, તે સરપ્રાઇઝ જ રહેવા દો.
પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ભારતીય સેનાએ કરેલી સર્જિકલ સ્ટ્રાઈકની તાજેતરમાં ૨૮-૨૯મી સપ્ટેમ્બરે બીજી વર્ષગાંઠ હતી, પણ સર્જિકલ સ્ટ્રાઈક એટલે શું? સામાન્ય નાગરિકના મનમાં આ શબ્દ અંગેની છાપનો બે વર્ષ પહેલાંનો કિસ્સો ત્યારે યાદ આવ્યો. જે રીતસર ભેજું ફ્રાય કરી નાંખવા જેવો હતો. બીઆરટીએસ બસમાં સફર કરતાં એક કાકાના શબ્દો કાનમાં પડ્યા હતા. તેઓ બીજા એક કાકાને તેમનું વિસ્તૃત જ્ઞાન પીરસી રહ્યા હતા કે, કોઈ દેશમાં ઘૂસીને હુમલો કરી નાંખવાનો એટલે સર્જિકલ સ્ટ્રાઈક. આખેઆખા એરિયાને આતંકીઓ સહિત ઉડાડી મારવાનો.
જોકે ત્યાં સુધી વાંચવામાં આવ્યા પ્રમાણે એટલી જાણ હતી કે, સર્જિકલ સ્ટ્રાઈક એટલે સરપ્રાઈઝ એટેક. લશ્કરના ટાર્ગેટ પર અચાનક હુમલો કરાય એ સર્જિકલ સ્ટ્રાઈક. જેથી દુશ્મનને વળતો પ્રહાર કરવાની ઝડપી તક ન મળે.
એ પછી સર્જિકલ સ્ટ્રાઈક વિશે જાણકારી મેળવી ત્યારે જણાયું કે, સર્જિકલ સ્ટ્રાઈક મતલબ આવો હુમલો લશ્કર દ્વારા કરવામાં આવનારો હોય ત્યારે તેની ઝડપી પૂર્વતૈયારી થાય છે. જેમાં કોઈ ચોક્કસ એરિયાની નિયત જગ્યાએ હુમલો કરી ત્યાંના અસામાજિક તત્ત્વોને નેસ્તનાબૂદ કરવાની યોજના હોય છે. સર્જિકલ સ્ટ્રાઈક ખરેખર તો ટાર્ગેટ સિવાયના વિસ્તારને માલમિલકત અને માનવહાનિ ન થાય તેની કાળજી સાથેનું આયોજન હોય છે.
આ પ્રકારના લશ્કરી હુમલાના પણ વળી પ્રકાર છે જેમ કે...
સર્જિકલ સ્ટ્રાઈકઃ દુશ્મનને પૂછ્યા વગર દુશ્મનની સરહદમાં અચાનક ઘૂસવું અને દુશ્મનનો ખાતમો બોલાવવો જેવી રીતે અમેરિકાએ એબોટાબાદમાં લાદેનને માર્યો હતો તેવી રીતે.
હોટ પરસ્યુટઃ અન્ય દેશની સરકારને વિશ્વાસમાં લઈને તેમની સરહદમાં હુમલો કરવો.
ક્રોસ બોર્ડર સ્ટ્રાઈકઃ સરહદ પાર કર્યા વિના દુશ્મને મારવા.
સેલ્ફ ડિફેન્સઃ સ્વબચાવ માટે હુમલો કરવો.
સર્જિકલ સ્ટ્રાઈકની બીજી વરસીએ આ જણાવવાનું એટલે ઉચિત લાગ્યું કે ફરી કાકા જેવા કોઈ લશ્કરી હુમલા જેવી ગંભીર બાબતે કોઈને ‘મામા’ ના બનાવે.

પોપકોર્ન

કલમ ૪૯૭: તુમ કિસી ઔર કો ચાહોગે તો મુશ્કિલ હોગી...
કલમ ૪૯૭ રદઃ તુમ કિસી ઔર કો ચાહોગે તો અબ મુશ્કિલ નહીં હોગી...


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter