દેના બેંકની લોનઃ પાડાના વાંકે પખાલીને ડામ!

ખુશાલી દવે Wednesday 16th May 2018 08:02 EDT
 
 

ભારતમાં હાલમાં રાષ્ટ્રીય કૃત બેંકો દ્વારા અપાતી (હવે અનિશ્ચિત ગાળા માટે કદાચ નહીં અપાતી) લોનનો પ્રશ્ન ચર્ચાનો વિષય છે. રિઝર્વ બેંકે ૭મી મે, ૨૦૧૮ના રોજ એક પત્ર દેના બેંકને પાઠવ્યો હતો. તેમાં એવી સૂચના હતી કે બેંક લોન આપવાની અને નવા કર્મચારીઓની ભરતીની કાર્યવાહી તુરંત રોકી દે. એ પછી દેના બેંકે રિઝર્વ બેંકના નિર્ણયને ૧૧મી મેએ બોર્ડની બેઠકમાં રજૂ કરીને તેના પર અમલની કાર્યવાહી શરૂ થઈ હતી.
દેના બેંકની મોટા પ્રમાણની નોન પર્ફોમિંગ એસેટ્સના પગલે માર્ચ ત્રિમાસિક સમયગાળામાં ચોખ્ખી ખોટ વધીને રૂ. ૧૨૨૫.૪૨ કરોડ હતી. ૨૦૧૬-૧૭માં જાન્યુઆરી-માર્ચ વચ્ચેના ત્રિમાસિક સમયગાળામાં બેંકની ચોખ્ખી ખોટ રૂ. ૫૭૫.૨૬ કરોડ હતી. તે પહેલાં ૨૦૧૭-૧૮માં ઓક્ટોબર-ડિસેમ્બર વચ્ચેના ત્રિમાસિક સમયગાળામાં બેંકની ખોટ રૂ. ૩૮૦.૦૭ કરોડ હતી. ભારતીય રિઝર્વ બેંકે નોન પર્ફોમિંગ એસેટ્સ વિરુદ્ધ પગલાં ભરતાં દેના બેંકને નવી લોન ન આપવાની તાકીદ કરી છે.
દેશની બેંકિંગ વ્યવસ્થાના અહેવાલો પ્રમાણે તો આ એનપીએનું પ્રમાણ દેના બેંક કરતાં દેશની બીજી કેટલીક બેંકમાં ઘણું વધુ છે. તેથી આપણે એ ધારણા પણ નકારી શકાય નહીં કે દેના બેંક જેવો પત્ર દેશની બીજી બેંકોને પણ ટૂંક સમયમાં મળી શકે!
વળી, રિઝર્વ બેંકે આ પહેલાં અલ્લાહાબાદ બેંકે, આઈડીબીઆઈ બેંક, ઈન્ડિયન ઓવરસીઝ બેંક અને યુકો બેંક વિરુદ્ધ પણ સમાન કાર્યવાહી શરૂ કરી હોવાના અહેવાલ પણ છે. એની પાછળનું કારણ એ હોઈ શકે કે જાન્યુઆરી ૨૦૧૮થી માર્ચ મહિના સુધીના ત્રિમાસિક આંકડા જોઈએ તો ત્રણ જ મહિનામાં ભારતીય બેંકોનો ખોટનો આંકડો આકાશને આંબે છે.
આ ત્રિમાસિક નાણાકીય સત્રમાં દેના બેંકે રૂ. ૧૨૨૫ કરોડ, કેનરા બેંકે રૂ. ૪૮૬૦ કરોડ, અલ્લાહાબાદ બેંકે રૂ. ૩૫૧૦ કરોડ અને યુકો બેંકે ૨૧૩૪ની આસપાસની ખોટ કરી છે. આ ચાર રાષ્ટ્રીય કૃત બેંકો દ્વારા જાન્યુઆરીથી માર્ચના આંકડા જાહેર કર્યા અને જણાવ્યું કે બેંકોની કુલ ખોટ રૂ. ૧૧૭૨૯ કરોડ છે.
માત્ર દેના બેંકની વાત કરીએ તો એનપીએની ઊંચી ટકાવારી તેમજ મૂડી તંગીના કારણે એવો નિર્ણય લેવાયો કે લોન કે એડવાન્સિસ, કોઈ પ્રકારનું નવું ધીરાણ કોઈપણ સત્તાવાર ઓથોરિટી દ્વારા નવી સૂચના ન મળે ત્યાં સુધી લોન મેળવવા ઇચ્છુકોને ન આપવું. આ પ્રતિબંધિત કરાયેલી લોનમાં દરેક પ્રકારની છૂટક લોનનો પણ સમાવેશ થાય છે. આ સંદર્ભે દેના બેંકે કહ્યું હતું કે જેમની લોન મંજૂર થઈ છે તેમની પરમિશન ફરી માગવાની પ્રક્રિયાથી થોડા સમયમાં આ સંકટ હળવું બની જશે, પણ વાસ્તવિક રીતે લોન લેનાર માટે આ સંકટ એક વાક્યમાં હૈયાધારણા જેટલું હળવું છે? આ નિર્ણયથી કદાચ બેંકમાં લોન માટે પેપર જેમણે સબમિટ કરાવ્યા છે તેઓ તો અન્ય બેંકમાં લોનની અરજીની પ્રક્રિયા શરૂ પણ કરી દેશે, પણ બેંકમાં જેમની લોન પાસ થઈ છે અને જેઓ લોનની રકમ ટૂંકા ગાળામાં મેળવવાની આશા લઈને બેઠા છે તેમનું શું?
હાલમાં લોન લેનારથી પહેલાં લોન લઈ ચૂકેલાની સ્થિતિ સાવ વિપરીત છે. ભારતીય અર્થશાસ્ત્ર તજજ્ઞોનું આ બાબતે તારણ છે કે સરકારી બેંકોની કાર્યપ્રણાલી અને ગવર્નન્સ પણ વધી રહેલી એનપીએ માટે જવાબદાર હોઈ શકે છે.
હવે પહેલાંની કાર્યપ્રણાલિને કારણે હાલની પરિસ્થિતિ સર્જાઈ હોય તો તે ચકાસીએ તો પણ હાલમાં અંદાજ લગાવી શકાય કે જો દેશની કેટલીક બેંકો લોન નહીં આપવાનું જાહેર કરશે તો આ નિર્ણયની સૌથી માઠી અસર અનેક નાના-મોટા ખેડૂતોને થશે અને જેમની હોમ લોન હશે કે મકાનનું બાંધકામ ચાલુ હશે તેમની ગણતરીઓ પણ ઊંધી જ પડશે.
ભારતમાં હોમલોન હોય, વ્હીકલ લોન હોય કે પર્સનલ લોન, કોઈ પણ નાનામાં નાની લોન પાસ કરાવવા માટે બેંકમાં કેટકેટલુંય પેપર વર્ક જમા કરાવવું પડતું હોય છે. વત્તા બેંકના ધક્કા ખાઈ ખાઈને ચંપલ ઘસાઈ જાય અને પછી લોન મંજૂર થઈ હોય. જે માટે માર્જિન મની પણ ભરાઈ ગઈ હોય. બેંકની સૂચના મુજબની તમામ કાર્યવાહી પછી બેંક દ્વારા લોન પાસ થઈ ગયાનો મેઈલ અને કાગળ પણ લોન લેનાર પાસે હોય એ પછી અચાનક જ બેંક દ્વારા નવા નિયમ લાગુ કરવામાં આવે અને લોન લેનારને એમ કહેવામાં આવે કે હવે બેંકે લોન આપવાનું અનિશ્ચિત મુદ્દત સુધી બંધ કર્યું છે. તો હજારો કે લાખોની રકમમાં લોન લેનારે ભોગવેલી હાલાકીનું શું? દેશની બેંકિંગની આર્થિક ધુરા સંભાળતી રિઝર્વ બેંક દ્વારા આ નિયમ લાગુ કરાયો હોવાથી લોન લેનાર કરે તો પણ ફરિયાદ કરે ક્યાં? આ તો પાડાના વાંકે પખાલીને ડામ જેવી જ સ્થિતિ થઈ કે બીજું કંઈ? યક્ષપ્રશ્ન એ છે કે આ આર્થિક દેવાળિયા સ્થિતિ માટે લોન લેનાર દેશના સામાન્ય વ્યક્તિને જવાબ આપશે કોણ?

એનપીએ શું હોય છે?

એનપીએની વ્યાખ્યા એક બેંકના દાખલાથી સમજીએ તો ધારો કે એક બેંકમાં ૧૦૦ રૂપિયા જમા છે તો એમાંથી ૪ ટકા કેશ રિઝર્વ રેશિયો રિઝર્વ બેંક પાસે જમા થાય છે.
હાલમાં ચાલી રહેલો ૧૯.૫ રૂપિયા જેટલો સ્ટેટયુચરી લિક્વિડિટી રેશિયો બોન્ડ કે ગોલ્ડ સ્વરૂપે રાખવામાં આવે છે. બાકી વધેલા ૭૬.૫ રૂપિયાને બેંક લોન સ્વરૂપે આપી શકે છે. જેમાંથી મળતાં વ્યાજથી બેંક ગ્રાહકોને ખાતામાં એમની જમા રકમ પર વ્યાજની ચૂકવણી કરે છે અને બાકી વધતી રકમ બેંકનો નફો ગણાય છે. રિઝર્વ બેંકની ગણતરીએ જો બેંકોને કોઈ અસ્કામતમાંથી વ્યાજની આવક મળવાની બંધ થઈ જાય તો તેને નોન પર્ફોર્મિંગ એસેટ (એનપીએ) કહેવામાં આવે છે. હવે એક જ લોન લેનાર વ્યક્તિનો દાખલો જોઈએ તો બેંકે જે રકમ લોન તરીકે આપી છે, તેની મૂડી કે વ્યાજના નિયત ઇન્સ્ટોલમેન્ટ ૯૦ દિવસમાં પાછા ન આવે તો બેંક તેને લોનના એનપીએમાં ગણશે.

                                               • પોપકોર્ન •
દફ્તરકુમારઃ આજકાલ સ્ટુડન્ટ્સનો ભણતરનો ભાર મારામાં ઠાંસી ઠાંસીને ભરેલો હોય છે.
દંડેવાલે ખાખીસહાબઃ લલ્લુસહાબ કો પકડને નહીં જા રહે. ઉનકે બેટે તેજવા કી શાદી હૈ તો ઉનકી સુરક્ષા કે લિયે આજ તો તૈનાત કિએ હૈં હમકો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter