પેટ્રોલ કરતાંય એના ભાવ જલદ

ખુશાલી દવે Wednesday 20th June 2018 10:37 EDT
 
 

દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવની વધઘટ રાજકારણ અને નાગરિકો બંનેને હમણાં દઝાડે છે. એમાંય જ્યારથી વેનેઝુએલામાં પેટ્રોલના ભાવ ૭૦ પૈસા સાંભળ્યા ત્યારથી તો રાજકારણ અને વપરાશકારો બંનેના દિલમાં આગ લાગી ગઈ છે. ઉપરથી કેન્દ્રના પ્રધાન અરુણ જેટલીએ સોમવારે ફેસબુક પોસ્ટમાં કહી દીધું કે, પેટ્રોલ-ડીઝલ પરની એક્સાઇઝ ડયૂટી ઘટશે નહીં ત્યારથી વિપક્ષ આ મુદ્દો સળગાવવા માટે પ્રયત્નશીલ છે અને જનતાને મનમાં સળગીને બેસી રહેવા સિવાય કોઈ છૂટકો નથી. પેટ્રોલનો મુદ્દો જોકે માત્ર ભારતમાં જ નહીં દુનિયાના કેટલાય દેશોમાં દઝાડે છે.
વેનેઝુએલામાં પેટ્રોલના ભાવ ૭૦ પૈસા સુધી રહે છે તો આઇસલેન્ડમાં રૂ. ૧૪૫. દુનિયામાં પેટ્રોલના ભાવ મામલે ભારે ચડાવ ઉતાર જોવા મળે છે. જોકે દરેક દેશમાં પેટ્રોલની કિંમત પર વસૂલાતા ટેકસ અને અપાતી સબસિડી પર જ પેટ્રોલના ભાવ આધારિત હોય છે એ સાદું ગણિત છે.
દરેક દેશ પોતાના અર્થતંત્રને માફક હોય તેવો ભાવ રાખે છે. લેટિન દેશ વેનેઝુએલામાં પેટ્રોલનો ભંડાર છે. તેથી શક્ય છે કે દુનિયામાં સૌથી સસ્તું પેટ્રોલ ત્યાં મળે છે. જોકે યુરોપના નોર્વેમાં વેનેઝુએલાના ભાવથી આશ્ચર્ય પણ થઈ શકે, કારણ કે વેનેઝુએલાની જેમ જ નોર્વે પાસે પણ ક્રૂડ ઓઇલનો ભંડાર છે છતાં નોર્વેમાં લીટર પેટ્રોલના ભાવ ભારત કરતાં પણ દોઢ ગણા એટલે કે રૂ. ૧૪૦ સુધી છે. આ અંગે ગ્લોબલ પેટ્રોલ પ્રાઇઝના રિપોર્ટ મુજબ આઇસલેન્ડમાં એક લીટર પેટ્રોલના રૂ. ૧૪૫ છે. આઇસલેન્ડ પછી હોંગકોંગમાં રૂ. ૧૪૪.૨૩નું લીટર પેટ્રોલ મળે છે.
સબસીડી પર આધાર
સૌથી મહત્ત્વની બાબત એ છે કે ક્રૂડ અને પેટ્રોલની કિંમત કોઇ પણ દેશની તેના પરની ટેક્સ અને સબસિડી પર નક્કી થાય છે. એ જોતાં ભારતમાં હમણાં ઘણો હોબાળો પણ મચ્યો છે. નોર્વેનો પાછો ક્રૂડના ભાવ અંગે એવો ખુલાસો છે કે તે ક્રૂડઓઈલની નિકાસ કરીને સારું એવું હૂંડિયામણ મેળવે છે. વત્તા દેશમાં પેટ્રોલનો ભાવ એટલે વધુ રાખે છે કે લોકો પોતાના ખાનગી વાહનોનો ઉપયોગ ઓછો કરે અને સાર્વજનિક વાહનોમાં વધુ મુસાફરી કરે. નોર્વેએ બીજું કારણ એ પણ આપ્યું છે કે સરકાર પેટ્રોલ મોંઘુ કરવા માટે કરવેરાનું ભારણ વધારી દેશની અર્થ વ્યવસ્થાને મજબૂત કરવા માગે છે. નેધરલેન્ડ, મોનેકો, ગ્રીસ અને ડેન્માર્ક પણ પેટ્રોલના ભાવ ઉંચા રાખે છે. નેધરલેન્ડમાં પેટ્રોલનો લીટરનો ભાવ રૂ. ૧૩૩.૫૦ છે.
ભારત અને ચીન વચ્ચે સીમાયુદ્ધો છે કે મૈત્રી એ સ્પષ્ટ કરવું મુશ્કેલ છે, પણ આ બંને પેટ્રોલ બાબતે ચોક્કસ હાથ મિલાવી શકે કારણ કે બંને દેશોમાં ફયુઅલના ભાવ લગભગ એક સરખા જોવા મળે છે. બ્રાઝીલમાં પણ ભારત, ચીન જેટલાં જ પેટ્રોલના ભાવ જોવા મળે છે અને ભારતમાં પેટ્રોલ કરતાં પેટ્રોલના ભાવ વધુ જલદ હોય એવું વાતાવરણ છે.
એક જ દેશમાં અલગ ભાવ
દેશમાં સોનાચાંદીના ભાવની જેમ રોજેરોજ પેટ્રોલના ભાવ બહાર પડે છે. એ પણ એક જ દેશના શહેરોમાં ભાવ અલગ અલગ. દિલ્હીમાં ૧૮મી અને ૧૯મી જૂને રૂ. ૭૬, કોલકત્તામાં આ બે દિવસોમાં રૂ. ૭૯ મુંબઈમાં રૂ. ૮૪ અને ચેન્નઈમાં રૂ. ૭૯ ભાવ રહ્યા છે. અમદાવાદમાં આ બે દિવસો દરમિયાન પેટ્રોલનો ભાવ રૂ. ૭૫ રહ્યો છે. ત્યારે આપણને સહેજે સવાલ થાય કે એક જ દેશના અલગ અલગ શહેરોમાં એક જ દિવસે પેટ્રોલના ભાવમાં રૂ. દસ સુધીનો ફરક શા માટે?
કેન્દ્ર સરકારનો દાવો છે કે પેટ્રોલના ભાવમાં વધઘટ એ ક્રૂડના કારણે થાય છે, પરંતુ એક જ દેશના શહેરોમાં પેટ્રોલના ભાવનો આટલો તફાવત જોતાં વિચાર થાય કે સંપૂર્ણ હકીકત કદાચ કંઈક અલગ છે. વત્તા ક્રૂડના સ્થિર ભાવ છતાં ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ પણ વધતા દેખાય છે તેની પાછળનું કારણ હોઈ શકે ક્રૂડ પર લાગેલા અનેક પ્રકારના ટેક્સ.
હાલમાં જ એવા આક્ષેપ પણ થયા કે ટેક્સના કારણે એક લીટર પેટ્રોલ પર કેન્દ્ર અને રાજ્ય સરકારને રૂ. ૩૬ સુધીની કમાણી થઈ રહી છે. ઉદાહરણ તરીકે ડીલરોને રૂ. ૩૭.૧૭માં લીટર પેટ્રોલ અપાય એ પછી તેના પર ૨૫.૪૪ ટકા ઉત્પાદન ટેક્સ, ૪.૭૨ ટકા ડીલર કમિશન અને ૨૧.૨૬ ટકા વેટ ઉમેરતા તેનો ભાવ બમણો થઈ ગયો.
ટૂંકમાં પેટ્રોલની મૂળ કિંમત રૂ. ૩૮ ગણીએ તો પણ કેન્દ્ર અને રાજ્ય સરકારના ટેક્સ બાદ ગ્રાહકો સુધી તે ટેક્સ સાથે ૭૫થી ૮૦ રૂપિયે લીટર આવે છે. વળી આ ભાવોમાં વધઘટ પણ રાજકીય રમતને આભારી.
રાજકીય નિષ્ણાતોનું કહેવું છે કે લોકસભાની ચૂંટણી પહેલાં પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર રૂ. ૮ સુધીનો વધારો થઈ શકે છે. કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં પેટ્રોલના ભાવમાં વધઘટ જારી રહી તો ગયા વર્ષે ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ઇન્ડિય ઓઇલ કોર્પોરેશન જેવી સરકારી કંપનીઓએ પેટ્રોલમાં લગભગ ૧૫ દિવસ સુધી સતત પ્રતિ લીટર રૂ. ૧થી લઈને રૂ. ૩નો ઘટાડો કર્યો અને વોટિંગ પછી પેટ્રોલના ભાવ વધવા જ લાગ્યા છે.
પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન અંતે એ ખરખરો કરીને છૂટી ગયા કે, હું સ્વીકારું છું કે ઓઈલના ભાવમાં વધારાથી દેશની જનતા અને ખાસ કરીને મિડલક્લાસને મુશ્કેલીઓ પડે છે, પણ તેની પાછળનું કારણ તેલ કંપનીઓના પ્રોડક્શનમાં ઘટાડો અને આંતરરાષ્ટ્રીય બજારોમાં કાચા તેલની કિંમતોમાં તેજી છે. ભારત સરકાર ટૂક સમયમાં જ તેનો કોઇ ઉકેલ શોધી લેશે, પણ આજ સુધી સરકારના એ ટૂંક સમયની પ્રજા રાહ જોઈ રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter