ચોરી એ દિમાગના કેમિકલ લોચા હોઈ શકે!

ખુશાલી તુષાર દવે Wednesday 25th July 2018 10:28 EDT
 

સત્ય અહિંસા ચોરી ન કરવી વણજોતું ન સંઘરવું. કોઈ પણ ચોરીના સમાચાર આવે એટલે પહેલાં જ આપણને ગાંધીજીએ આપેલાં બાર વચનમાંથી આ પહેલી લીટી યાદ આવે. જોકે આમાંના દરેક વચન એકબીજા સાથે જોડિયા ભાઈઓ જેટલા જ કનેક્ટેડ પણ જોવા મળશે. જેમકે ચોરીનો એક ગુણ માણસમાં હોય એટલે માણસ સત્ય ન બોલી શકે. અહિંસા પણ ક્યારેક કરવી પડે. વણજોતું સંઘરાઈ પણ જાય. ચોસઠ કળાઓમાં ભલે ચોરીને પણ કળા કહી હોય પણ તેનાથી દૂર રહેવું સારું, કિંતુ પરંતુ કોઈક આ દુર્ગુણથી દૂર ન રહી શકે તેનું તાજું ઉદાહરણ છે કે એક કરોડપતિએ ૧૫ લાખ વર્ષ જૂની કુહાડીની રેપ્લિકા એક મ્યુઝિયમમાંથી ચોરી લીધી. આ ચોર ઉદય રાત્રાના પિતા કોસ્ટગાર્ડના પૂર્વ ઇન્સ્પેક્ટર જનરલ રહી ચૂક્યા છે. દિલ્હી પોલીસે ઉદયની ગુરુગ્રામમાંથી ચોરીના આરોપમાં ધરપકડ કરી છે. ૫૪ વર્ષીય ઉદયે દિલ્હીના નેશનલ મ્યુઝિયમમાંથી આ કિમતી વસ્તુ ચોરી કરી એ આખીય ઘટનાનો વીડિયો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. વીડિયોના આધારે પોલીસને જાણ થઈ કે કુહાડીચોર કોણ છે? ઉદયે જે દિવસે આ પથ્થરની કુહાડી ચોરી એ રાત્રે જ ત્રણ વાગ્યે પોલીસ ઉદયના ઘરે પહોંચી અને ઉદયને પોતાનો મહેમાન બનાવીને દિલ્હી લઈ આવી.
મહાન માનવશોધ
આ કુહાડીને મહાન માનવશોધ ગણવામાં આવે છે. ૧૫ લાખ વર્ષ પહેલાં આ પ્રકારની કુહાડીઓ પથ્થરને ઘસી ઘસીને ધાર કાઢીને બનાવવામાં આવતી હતી. તેને સૌ પ્રથમ આફ્રિકન દેશ તાન્ઝાનિયાના ઓલ્ડુવેઈ ગોર્જના પહાડોમાંથી બનાવવામાં આવી હતી તેથી તેને ઓલ્ડુવેઈ હેડેક્સ નામ આપવામાં આવ્યું હતું. એ પછી આવી કુહાડીઓનો દક્ષિણ એશિયા, મધ્ય પૂર્વ અને યુરોપ સુધી પણ ઉપયોગ થતો હતો.
આ અતિમૂલ્યવાન પથ્થર વર્ષ ૨૦૧૪માં બ્રિટનથી દિલ્હીના મ્યુઝિયમમાં લાવવામાં આવ્યો હતો. હવે આ કુહાડીની વિશેષતાથી ઉદયભાઈ વાકેફ ન હોય એવું તો બને નહીં. વળી જે સમયે ઉદયભાઈ બ્રિટનમાં રહેતા ત્યારના બ્રિટનમાં પણ કરેલી ચોરીના કિસ્સા ગાજ્યા જ છે.
ચોરી કે બીમારી?
ઉદયનું ભણતર બ્રિટનમાં જ પૂરું થયું હતું, પણ કેટલાક ખરડાયેલા કિસ્સાના કારણે જ ઉદયનો બ્રિટનમાં અસ્ત થયો અને તેમનો ભારતમાં ફરી ઉદય થયો.
બ્રિટન પોલીસ સાથે મારામારી અને એક હોટલમાંથી મોંઘા દારૂની તફડંચી પણ તેમના નામે બોલે છે. આ રેપ્લિકાની ચોરી પછી જ્યારે પોલીસે તેની પૂછપરછ કરી ત્યારે આ સાહેબે ઠંડા કલેજે પોલીસને જવાબ આપ્યો કે, ના ના મેં ચોરી કરી જ નથી. એ તો મને આ પથ્થર પસંદ આવ્યો એટલે મેં લઈ લીધો. હવે આ ચોરી છે કે બીમારી એ સંશોધનનો વિષય છે.
આ કંઈ લઈ લેવાની કે ચોરી લેવાની બીમારી પણ શક્યતઃ ઉદયને હોઈ શકે છે. જેને મનોવિજ્ઞાનની ભાષામાં ક્લેપ્ટોમેનિયા કહેવામાં આવે છે.
વિકળ પરિસ્થિતિ
મનોવૈજ્ઞાનિકોના મતે ક્લેપ્ટોમેનિયા અંગે આશરે ૨૦૦ વર્ષ પહેલાં સંશોધન થયું હતું. આ બીમારીની સારવાર માટે વિજ્ઞાન પાસે આજેય ખૂબ જ સીમિત સાધનો જ છે. કહી શકાય કે હજી સુધી આ બીમારીને પકડવા કોઈ લેબોરેટરી કે ટેસ્ટ પણ શોધી શકાયાં નથી. ડોક્ટર અને દર્દી વચ્ચે થતા સંવાદથી જ આ રોગને સમજવો અને પકડવો પડે છે. દુનિયાભરમાં ક્લેપ્ટોમેનિયાના દર્દીઓની સ્થિતિ માટેના સીમાચિહ્નો એવા છે કે દર્દીને ચોરી કરવાની તીવ્ર ઇચ્છા થાય છે. ચોરી અગાઉ ભારે તાણ અનુભવે છે. ચોરી પછી અપાર શાંતિ અને સંતોષનો અનુભવે છે અને ચોરીમાં બદલા કે ફાયદાની ભાવના હોતી નથી.
આ ચોરી અંગેનું એક સ્તબ્ધ કરી દેનારું ઉદાહરણ છે કેનેડાના રાજકારણી ક્લોડ શેરોનનું. તેઓ એક ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાંથી ૧૨૦ ડોલરનાં બે જેકેટની ચોરી કરતાં પકડાઈ ગયા હતા. તેમણે ચોરી કરીને ભાગવાની કોશિશ પણ કરી હતી, પરંતુ અસફળ રહ્યા હતા અને ગુનો સ્વીકારી લેવો પડ્યો હતો. આ ઘટનાના એકાદ મહિના પછી તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તમને નવાઈ લાગશે પણ તેમણે જે જેકેટ્સ ચોર્યાં તેની કિંમત માત્ર ૧૨૦ ડોલર હતી અને તેમનો પગાર હતો લગભગ ૭૫ હજાર ડોલર!
આ પ્રકારનું જ બીજું એક ઉદાહરણ છે અમેરિકાની પ્રખ્યાત અભિનેત્રી લિન્ડસે લોહાનનું. વેનિસની એક જ્વેલરી-શોપમાંથી ૨૫૦૦ ડોલરની જ્વેલરીની ચોરી કરતાં તે સીસીટીવીમાં કેદ થઈ હતી. ઉપરાંત એક હોટેલમાં ૫૦ હજાર ડોલરનું બિલ ન ભરવા બદલ તેને ત્યાંથી કાઢી મુકાઈ હતી. આ સિવાય તેના પર પાંચ હજાર ડોલરના નેકલેસની ચોરીનો પણ આરોપ હતો, જેના માટે તેના વકીલે એવી દલીલ કરી હતી કે તેનું ધ્યાન ન હોવાથી તેણે ભૂલમાં આ નેકલેસ પહેરી લીધું હતું.
પ્રખ્યાત સિંગર બ્રિટની સ્પિયર્સ પર પણ કોન્સર્ટમાં માથાની વિગ્સ, કોસ્ચ્યુમ્સ તથા લાઇટર જેવી ચીજો ચોરવાનો આરોપ છે.
અમેરિકન મોડેલ મેગન ફોક્સ પણ વોલમાર્ટમાંથી ચોરી કરતાં પકડાઈ ગઈ હતી અને ડિપાર્ટમેન્ટલ સ્ટોરે તેના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દીધો હતો.
મનને બીજે વાળો
મનોવૈજ્ઞાનિકો કહે છે કે જો કોઈ મિત્ર કે અંગત વ્યક્તિને આવી કોઈ પણ પ્રકારની ઇચ્છા થતી હોય અને તે તેના પર અમલ કરતા હોય તો ચોરીની બુરી બલામાંથી તેને બહાર કાઢવા માટે તેના મનને બીજે વાળવા માટે પ્રયત્ન કરો એ જ એની સારવાર હશે. આ ઉપરાંત આ રોગ મગજમાં સેરોટોનિનની અછતને પગલે થતો હોવાથી એની સારવાર માટે સૌથી પહેલાં તો એવી દવાઓનો ઉપયોગ થાય છે જેનાથી મગજમાં સેરોટોનિનનું પ્રમાણ વધે. આ ઉપરાંત કેટલીક મૂડ-સ્ટેબિલાઇઝિંગ દવાઓ પણ આ રોગમાં કામ આવે છે.
ચોરીની બીમારીની ઘણી વખત પૂરેપૂરી સમજ હોવાથી આ રોગના દર્દીઓ હંમેશાં સ્ટ્રેસ, એન્ગ્ઝાયટી તથા ડિપ્રેશનથી પણ પીડાયા કરે છે.
અંગતોનું પણ કાઉન્સેલિંગ
આ બીમારીમાંથી મુક્તિ મેળવવી એ એક લાંબી પ્રક્રિયા છે. છ મહિનાથી માંડીને એક કે બે વર્ષ સુધીની ટ્રીટમેન્ટ પછી આ રોગમાંથી દર્દી મુક્તિ મેળવી શકે છે. આ સમયગાળામાં ડોક્ટર અને દર્દી ઉપરાંત દર્દીના પરિવારજનોએ પણ ખૂબ જ સહનશક્તિ અને ધીરજ કેળવવી પડે છે. મોટા ભાગના કિસ્સામાં જોવા મળે છે કે પોતાના કોઈ સ્વજનને ચોરી કરવાનું વ્યસન છે એ જાણતાં જ લોકો તેનાથી આઘા ભાગે છે. પોતાની વસ્તુઓ સંતાડવા પણ લાગે છે, પણ તેમણે એ સમજવાની જરૂર છે કે ક્લેપ્ટોમેનિયા એક માનસિક બીમારી છે જે વ્યક્તિની સામાજિક છબિ કાયમી ધોરણે બગાડી નાંખવા ઉપરાંત તેને જેલની સજા પણ કરાવી શકે છે. તેથી સારવાર ઉપરાંત દર્દીને ચોરી કરવાની ઇચ્છા જ ફરી ન થાય એવું વાતાવરણ ઊભું કરવું જોઈએ. આ માટે કેટલીક વાર મનોવૈજ્ઞાનિકો દર્દીની સાથે તેના પરિવારજનોનું પણ કાઉન્સેલિંગ કરે છે. આમ તો દવાઓ અને થેરપીના માધ્યમથી આ બીમારી પર આસાનીથી કાબૂ મેળવી શકાય છે, પરંતુ ડિસઓર્ડર દૂર થઈ ગયો છે એમ જાણીને જો દર્દી ડોક્ટર દ્વારા સૂચવેલી રિલેક્સેશન એક્સરસાઇઝ કરવાનું બંધ કરી દે અથવા કોઈ તાણ ઊભી કરતી પરિસ્થિતિ તેના જીવનમાં ઊભી થાય તો આ રોગનો પાછો ઊથલો મારવાની શક્યતા રહે છે તેથી પરિવારજનોને પણ કાઉન્સેલિંગ દ્વારા તેમના અંગતની બીમારીમાંથી બહાર આવવા કેવી રીતે સાથ આપવો તેની સમજ અપાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter