મચ્છુ તારાં વારિ વેરણ કેમ કરીને થ્યા’તા!

ખુશાલી તુષ।ર દવે Thursday 16th August 2018 03:07 EDT
 
 

સૌરાષ્ટ્ર સ્ટેટના નગરોમાં પ્રચલિત ઓદ્યોગિક નગરી મોરબીએ આજે તો વિશ્વમાં પોતાની અલગ ઓળખ ઊભી કરી છે, પણ ભૂતકાળમાં કુદરતી વિપદાઓએ આ શહેરને સ્મશાનમાં ફેરવી નાંખ્યું હતું. ખાસ કરીને ૧૧મી ઓગસ્ટ ૧૯૭૯ના રોજ આવેલી જળ હોનારત આજે પણ આધેડોની આંખમાં આંસુ ભરી દે છે. એ દિવસે કેટલાયે પોતાના ઘર સ્વજન ખોયાં અને કલાકોમાં કેટલાય અનાથ અને બેઘર બની ગયાં. તાજેતરમાં જ આ હોનારતની ૩૯મી વરસી હતી.
૧૧મી ઓગસ્ટ, ૧૯૭૯ની સવારે આ શહેરમાં જનજીવન સામાન્ય હતું તે ગણતરીનાં કલાકમાં વેરવિખેર બની ગયું હતું. મચ્છુ-૨ ડેમમાં નવાગામ તરફના માટીના પાળા તૂટવાને કારણે ડેમમાં રહેલું પાણી આસપાસના ગામને ધમરોળી ગયું હતું અને મોરબી તો પાણીમાં ફેરવાયું હતું. શહેર ૨૫થી ૩૦ ફૂટ પાણીમાં ગર્ત થયું હતું. આ ઘટનામાં શહેરમાંથી પુરના પાણી કલાકોમાં ઓસરી ગયાં હતાં, પણ હજારો માણસો અને પશુને લાશ બનાવતાં ગયાં હતાં.
ઘટનાક્રમ
૧૦મી ઓગસ્ટ, ૧૯૭૯ની રાત્રે મોરબીમાં ૨૫ ઈચ વરસાદ ખાબક્યો હતો તો ઉપરવાસમાં પણ પાણીની આવક સતત ચાલુ હતી. પરિણામે મચ્છુ ડેમના દરવાજા ખોલવા જરૂરી હતા, પણ વીજળી ન હોવાથી ગામના લોકોની મદદ લઇ હેન્ડલથી દરવાજા ખોલવા પ્રયત્ન કરાયો હતો, જેમાં સફળતા મળી નહોતી. ગામના યુવાનો પણ પાણીનો વધતો પ્રવાહ જોઈને સલામતી માટે ત્યાંથી નીકળી ગયા. ૧૧મી ઓગસ્ટે બપોરે ૩.૦૦ આસપાસ નવાગામ તરફનો માટીનો પાળો તૂટ્યો અને પાણી લીલાપરમાં પહોંચ્યું અને એ પછી મોરબીમાં ધસમસતું આવી ગયું. આ હોનારતમાં આશરે ૬૧૦૦થી વધુ ઘર, ૧૮૦૦ ઝૂંપડાં નાશ પામ્યા અને આશરે ૩૯૦૦ જેટલા મકાનને નુક્સાન થયાનો રેકોર્ડ પાલિકામાં નોંધાયો હતો. સરકારી આંકડા મુજબ ૧૪૦૦થી વધુ માનવ અને ૧૨૮૦૦થી વધુ પશુઓ તણાઈ ગયા હતા.
હોનારત અંગે હજી પણ અભ્યાસ
મચ્છુ હોનારત અંગે હજી પણ કેટલાક સરકારી અને ખાનગી અભ્યાસ થઈ રહ્યાં હોવાનું જાણવા મળે છે. જોકે આ હોનારતનું સરકારે સાચું કારણ રજૂ કરવાને બદલે કમિટીનું વિસર્જન કરી દીધું હોવાની વાત વચ્ચે લોકો આ પ્રલયનો સાચો અહેવાલ હજી સુધી બન્યો છે કે નહીં તેની શંકા છે, પણ મોરબીનાં વતની અને અમેરિકામાં વસતા યુવાન ઊત્પલ સાડેંસરા અને તેનાં મિત્ર ટોમ વૂડ દ્વારા આ અંગે થયેલા એક સંશોધનમાં જુદા જુદા દસ્તાવેજનો અભ્યાસ કરીને કેટલાક તારણો મેળવવામાં આવ્યાં છે. અનેક લોકોને મળ્યા બાદ તેમણે ‘નો વન હેડ અ ટન્ગ ટુ સ્પીચ નામનો અભ્યાસ – પુસ્તક બનાવ્યું છે. જેનો ગુજરાતી અનુવાદ નિરંજન સાન્ડેસરાએ કર્યો અને તે પુસ્તકનું ગુજરાતી નામ ‘ઝીલો રે મચ્છુનાં પડકાર’ છે. આ પુસ્તકમાં પૂર આટલું ભયાનક કેવી રીતે બન્યું? તેનાં કારણ રજૂ કરાયાં છે.
ડેમની ડિઝાઇન
આ પુસ્તકમાં હોનારતનું સૌથી મોટું કારણ ડેમની ડિઝાઇન દર્શાવાઈ છે. સ્થળમા ભૂલો પણ તારણ સ્વરૂપે દર્શાવાયું છે. લેખકના મતે ડેમ જે સ્થળે તૈયાર કરાવ્યો હતો તે સ્થળે ભૂતકાળમાં મોરબીના મહારાજાને વિચાર આવ્યો હતો, પણ તે વખતના હાઈડ્રો મેનેજરે ડેમનું સ્થળ યોગ્ય ન હોવાનું જણાવ્યું હતું. જો આ સ્થળે ડેમ બને તો અભિશાપ બની શકે છે તેમ કહી રાજાના ચેતવતાં યોજના પડતી મુકાઈ હતી. જો કે આઝાદી બાદ તત્કાલીન ગુજરાત સરકારે ત્યાં ડેમ બનવવાની ચેતવણી ભૂલી જઇને નિયત સ્થળે ડેમ બાંધ્યો. આ ઉપરાંત ડેમની ડિઝાઇન પણ ભૂલ ભરેલી હતી.
કેન્દ્ર સરકારના પગલાંની અવગણના
કેન્દ્ર સરકાર દ્વારા સૂચિત પગલાંને અવગણીને ડેમમાં મહત્તમ પાણી આવે તો તેને છોડવાની ગણતરી પણ ખોટી હતી, પદ્ધતિ પણ જૂની હતી. આ જ કારણે બનાવેલો ડેમ મોરબી માટે અભિશાપ સમાન બન્યો હતો. આ ઉપરાંત ડેમ સાઈટ પર પૂર વખતે વીજળી, ફોનની કે વાયરલેસની પણ સુવિધા બંધ થતા મોરબીવાસીઓને સમયસર ચેતવણી ન મળતાં વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter