મનુષ્યોને પોતાનું પાણી દેખાડતું પાણી

ખુશાલી તુષાર દવે Wednesday 22nd August 2018 08:38 EDT
 
 

હાલમાં ભારતમાં ચોમાસાની મોસમ ચાલી રહી છે. આ વર્ષે ગુજરાતમાં સરેરાશ વરસાદ ખેંચાયેલો મનાય છે ત્યારે બીજી તરફ કેરળ જળબંબાકાર છે. એ જોતાં ભારતમાં વોટર રિસોર્સ મેનેજમેન્ટ સબળ હોવું જરૂરી છે તેવો એક વિચાર પણ બળવત્તર બનતો જાય છે. કારણ કે જળ સંગ્રહની આપણે ત્યાં સમસ્યા ચોખ્ખી વર્તાય છે. ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીના અહેવાલો જણાવે છે કે ગુજરાતની વાત કરીએ તો વરસાદના વહી જતા પાણીને બચાવવા માટે વધારે ડેમ, વધારે ચેકડેમ બનાવવા પડશે. નહીંતર ૨૦૫૦ સુધીમાં સ્થિતિ વધારે ખરાબ હશે. અત્યારે ભારત અવકાશમાં ચંદ્રયાન મોકલે છે. મંગળ પર યાન મોકલે છે, પણ આપણી પૃથ્વી પરની પાણીની સમસ્યાનું નિવારણ કેમ નથી શોધાતું? છેલ્લા ત્રણ દાયકાની સમીક્ષા જોઈએ તો ગ્લોબલ વોર્મિંગની સ્થિતિ વણસતી જાય છે.
પીઆરએલ દ્વારા ગ્લોબલ વોર્મિંગના કારણે પાણી પર થતી અસરો અને પાણીની આવશ્યક્તા વિશે અનેક સંશોધનો થયાં છે. હાલમાં જ્યારે ગુજરાતમાં પાણીની સમસ્યાએ ભરડો લીધો છે ત્યારે એ સંશોધનો ચકાસીએ તો ઈન્ડિયન હાઈડ્રોલોજિકલ સાઈકલ (જળચક્ર) ઉપર ત્રણ વસ્તુની અસર થાય છે. એક ઈન્જિનિયર્ડ ઈમ્પેક્ટ (પાણી માટેના બાંધકામની અસર) નેચરલ ઈમ્પેક્ટ (કુદરતી અસર) અને ગ્લોબલ ચેન્જ ઈમ્પેક્ટ. અત્યારે આપણે જોઈએ છીએ કે થોડો વરસાદ આવે પછી બે મહિના સુધી વરસાદ આવે જ નહીં. પછી એકદમ વરસાદ વરસી પડે છે. એના પર પણ ઘણા સંશોધન આગળ વધી રહ્યા છે. જોકે વૈજ્ઞાનિકો કહે છે કે, એ વાત પરથી નક્કી છે કે વરસાદની સિસ્ટમ નથી બદલાઈ, પણ પેટર્ન બદલાઈ ગઈ છે.
વૈજ્ઞાનિકો જણાવે છે કે, કુદરત એટલે કે વરસાદ જો પેટર્ન બદલે તો માણસે પાણીના સંગ્રહ માટે વધુ શોધો કરવી પડે. હાલમાં ભારતમાં ૪૦૦૦ બિલિયન ક્યુબિક મીટર (બીએમસી) જથ્થો વરસાદમાંથી મળે છે, તેમાંથી ૧૧૦૦ બીએમસી જથ્થામાંથી થોડું પાણી વેડફાય છે અને થોડું બાષ્પીભવન થાય છે. ભારતીયોના ભાગે ૭૦૦ બીએમસી પાણી વપરાશમાં આવે છે. અત્યારે આપણી જરૂરિયાત ૭૦૦ બીએમસીથી વધારે છે, પણ પાણીના સંગ્રહ બાબતે આપણે ટૂંકા પડીએ છીએ.
૨૦૫૦માં દેશમાં ૧૪૦૦ બિલિયન ક્યુબિક મીટર પાણીના જથ્થાની જરૂરિયાત રહેશે તેવું પીઆરએલ દ્વારા બહાર પાડેલા એક રિપોર્ટમાં વિજ્ઞાની ડો. આર. ડી. દેશપાંડેએ જણાવ્યું છે. તેનો અર્થ એ થયો કે, અત્યારથી ડેમ, ચેકડેમ આયોજનબદ્ધ રીતે બનાવવા જોઈએ. તેવા વોટર રિસોર્સિસ ઊભા કરવા જોઈએ.
દરિયા થકી પાણીની આશા ખોટી
વૈજ્ઞાનિકો જણાવે છે કે દરિયા થકી પાણી મેળવવાની આશા પણ ઠગારી છે. પાણી અને તપામાન બંને એકબીજા સાથે સંકળાયેલા છે એટલે તાપમાનમાં ફેરફાર થાય ત્યારે પાણીમાં ફેરફાર થવાનો જ છે. દરિયાનું પાણી બાષ્પીભવન થઈને વરસાદ વરસે છે અને એ પાણી આપણને મળે છે. એ વાત સંશોધન મુજબ સાચી નથી. દરિયાનું પાણી બાષ્પ થઈને વાદળો વચ્ચે બંધાય છે અને એ પાણી દરિયામાં જ વરસી જાય છે. માત્ર તેનું દસ ટકા પાણી જ જમીન પર વરસે છે. બાકી જમીન પર રહેલું પાણી બાષ્પ બનીને ઊડી જાય અને વાદળો બંધાય પછી વરસે તે જ પાણી જમીન પર વરસાદરૂપે વરસે છે એટલે જમીનનું પાણી બાષ્પ બનીને જેટલા પ્રમાણમાં વરસે એટલા જ પાણીના પ્રમાણની આશા આપણે રાખી શકીએ.
આપણને મળતું પાણી
પૃથ્વી પરના પાણીમાંથી ૯૭.૫ ટકા પાણી સમુદ્રમાં છે અને એ ખારું છે. બાકીનું શુદ્ધ
પાણી ૨.૫ ટકા છે. આ અઢી ટકામાંથી દોઢ ટકા પાણી હિમશીલાઓમાં ભરાયેલું છે અને બાકીના એક ટકા જળનો આપણે વપરાશ કરી શકીએ છીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter