સ્કાય ટેલિવિઝન દ્વારા મધર ટેરેસા પરની ડોક્યુમેન્ટરી ‘Mother Teresa: For The Love Of God ’નો પ્રથમ એપિસોડ સોમવાર, 9 મે 2022ના દિવસે દર્શાવાયો હતો. આપણને એ જાણવા મળ્યું છે કે મધર ટેરેસા જટિલ પાત્ર હતાં જેઓ કેથોલિકવાદના અત્યંત રૂઢિચૂસ્ત અર્થઘટનથી દોરાયેલાં હતાં. જરૂરિયાતમંદોની દેખભાળ કે સુશ્રુષાની બાબતે તેમને દોરવણી આપી હતી તેના કરતાં પણ પીડા કે યાતના તમને ક્રાઈસ્ટ-ઈસુ ખ્રિસ્તની નજીક લઈ જાય છે તેવાં વિચારથી તેઓ દોરવાયેલાં હતાં. વિશુદ્ધિકરણ કે પવિત્રીકરણની કેટલીક વિધિઓના ભાગરૂપે સાધ્વીઓ પોતાને ચાબૂકથી નિયમિત ફટકારતી હતી. જીવનના આખરી તબક્કામાં રહેલા લોકોને મોતનો સામનો કરવા છોડી દેવાતા હતા અને તેમને યોગ્ય તબીબી સારવાર મળતી ન હોય તેમ જણાતું હતું.
ચેરિટી માટે કામ કરતા એક અંગ્રેજ ડોક્ટરના કહેવા અનુસાર બીમાર અને નાના બાળકોને પૂરી પડાતી યોગ્ય કાળજી કે દેખરેખના અભાવથી તેમને ભારે આઘાત લાગ્યો હતો. બ્રિટિશ લેખક ક્રિસ્ટોફર હિચેન્સની દલીલ હતી કે મધર ટેરેસાનો સાચો એજન્ડા તો તેમણે મદદ કરી હોય તેવા લોકોને ક્રિશ્ચિયાનિટી-ખ્રિસ્તવાદમાં ધર્માન્તર કરાવવાનો હતો અને દુઃખ-પીડાના સદ્ગુણમાં તેમની માન્યતાના કારણે તેઓ સૌથી પ્રાથમિક તબીબી સારસંભાળ સિવાયની સારવારને અટકાવવા તરફ દોરવાયાં હતાં.
આ પછીના એપિસોડ્સમાં આપણને જોવાં મળશે કે જેમ તેમની પ્રસિદ્ધિ વધતી ગઈ તેની સાથે મધર ટેરેસાને વિશ્વના ઘણા હિસ્સાઓમાંથી મોટા પાયે નાણાકીય રકમો મળતી થવા લાગી હતી. આમ છતાં, આ નાણાંનો ઉપયોગ તબીબી સારવાર પૂરી પાડવામાં કે હોસ્પિટલોના નિર્માણ કરવામાં થયો ન હતો. એક પૂર્વ સાધ્વીએ જણાવ્યું હતું કે એ હકીકત છે કે આટલા મોટા પાયે નાણા આવતા હોવાં છતાં, બ્રેડ -ખોરાક ખૂટી જાય ત્યારે તેમણે તેના માટે ભીખ માગવા જવું પડતું હતું. કેટલાક પાદરીઓ દ્વારા ઘૃણાસ્પદ બાળયૌનશોષણના આરોપો લાગ્યા હતા ત્યારે વેટિકન સાથે મધર ટેરેસાના ગાઢ સંપર્કો રહ્યાં હતાં. મધર ટેરેસાએ તો કુખ્યાત બાળ યૌનશોષણખોરનો બચાવ પણ કર્યો હતો અને મિરર ન્યૂઝપેપરના કલંકિત પૂર્વ માલિક રોબર્ટ મેક્સવેલ સાથે કામ પાર પાડવાનો તેમને જરા પણ અફસોસ ન હતો.
મધર ટેરેસાને 1979માં નોબેલ શાંતિ પારિતોષિક એનાયત કરાયું હતું અને પારિતોષિકની ઈનામી રકમ 1,92,000 યુએસ ડોલરની હતી. પોપ ફ્રાન્સિસે 1997માં તેમને સંત-સેઈન્ટ જાહેર કર્યા હતા. ભારત સરકારે દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી મધર ટેરેસાને 1980માં સન્માનિત કર્યાં હતાં. તેમના જેવાં અનેક લોકોની માફક ભારતે તેમની વિદેશી પશ્ચાદભૂ અથવા કેથોલિક આસ્થા સામે પ્રશ્ન ઉઠાવ્યાં વિના જ મધર ટેરેસાને સ્વીકારી લીધાં હતાં. અન્ય કોઈ દેશમાં તેમને આટલી આઝાદી કે બહુમતી હિન્દુ કોમ્યુનિટીએ તેમને આદર આપ્યો હતો, તે મળી શક્યાં ન હોત. ગોવામાં પોર્ટુગીઝ કેથોલિક્સે હિન્દુઓ સામે જે ઘૃણાસ્પદ હિંસા આચરી હતી તે છતાં, આવાં આદર-સન્માન અપાયાં હતાં. ગોવાના ટાપુ પર 1566 સુધીમાં 160 જેટલાં મંદિરને જમીનદોસ્ત કરી દેવાયાં હતાં. 1566 અને 1567ના ગાળામાં ફ્રાન્સિસ્કન મિશનરીઝે ચલાવેલા અભિયાનમાં બાર્ડેઝ (નોર્થ ગોવા) ખાતે વધુ 300 મંદિરનો નાશ કરાયો હતો. ઈન્ક્વિઝિશન-Inquisition ના ક્રિશ્ચિયન સત્તાવાળાઓએ સાલ્સેટ (સાઉથ ગોવા)માં આશરે વધુ 300 હિન્દુ મંદિરોનો નાશ કર્યો હતો. મોટા ભાગના હિન્દુઓનું બળજબરીપૂર્વક ક્રિશ્ચિયાનિટીમાં ધર્માન્તર કરાવાયું હતું. વિશ્વમાં ધર્મના નામે અનેક જાતિઓ પર આ પ્રકારે આચરાયેલી હિંસાનો માનવ ઈતિહાસમાં કદી જોટો જડે તેમ નથી.


