મહાન બ્રિટિશ મૂલ્યોઃ કાયદાનું શાસન અને અનુકંપા

સી.બી. પટેલ Wednesday 20th February 2019 02:20 EST
 

નોંધપાત્ર છતાં સાચી હકીકત એ છે કે નાનકડું ટાપુરાષ્ટ્ર ગ્રેટ બ્રિટન વિશ્વના નકશામાં અનોખું સ્થાન ધરાવે છે. કાયદાનું શાસન, અનુકંપા, સહિષ્ણુતા અને નાગરિક શિસ્ત, ખાસ કરીને મૂલ્ય આધારિત વહીવટ અને જીવનશૈલીએ તેને પગલાં લેતી લોકશાહીનું ઉજ્જવળ ઉદાહરણ બનાવ્યું છે. આપણા હાલના તમામ રાજકીય સંઘર્ષો વચ્ચે શમીમા બેગમ આજે વિવાદના વંટોળમાં સપડાઈ છે. ૧૫ વર્ષની પણ ન હતી તેવી વિદ્યાર્થિનીનું બ્રેઈનવોશ કરાતાં તે જેહાદી નવવધૂ બની અન્ય બે મિત્રો સાથે ગુપ્તપણે યુકે છોડી ગઈ હતી. આવી સ્વતંત્ર દિમાગની છોકરીએ કલ્પના ન થાય તે રીતે તેને માટે પસંદ કરાયેલો પતિ સ્વીકારી લીધો. આ જ કટ્ટરતા, ઘૃણા તેમજ હિંસાના સ્વીકારની શક્તિ છે, જે ઘણી વખત જોવાં મળી છે. તેને અનુસરનારા ઘણા મુસ્લિમ તરીકે ઉછર્યા હતા. પરંતુ, હિન્દુ આતંકવાદીઓના પણ ઉદાહરણ છે. જો તેમની પશ્ચાદભૂ નિહાળો તો બ્રેઈન વોશિંગ થઈ શકે તેટલી હદે તેઓમાં અસલામતી જોવાં મળશે.

શમીમા બેગમ બ્રિટિશ નાગરિક છે અને તેની અન્ય રાષ્ટ્રીયતા હોવાનું કોઈના જાણમાં નથી. તેના પુત્રે પણ બ્રિટિશ નાગરિકતા મેળવી છે. આમ છતાં, ઘેર પાછાં ફરવાની તેની ઊંડી ઈચ્છાને આપણે સ્વીકારવી રહી. તેણે પોતાનાં કાર્યો કે માન્યતાઓ વિશે જરા પણ ગ્લાનિ કે દિલગીરી દર્શાવી નથી તે દુઃખદ છે પરંતુ, આશ્ચર્યકારક નથી. તેને દેશમાં પ્રવેશ આપવો કે નહિ તેના વિશે વિરોધાભાસી મંતવ્યો છે. મારા મત અનુસાર આપણે કાયદાના શાસનને અનુસરવું જોઈએ. અન્ય મહત્ત્વની હકીકત એ છે કે થોડા જ દિવસના તેના બાળકે કોઈ અપરાધ આચર્યો નથી કે તેની પુષ્ટિ કરી નથી. આપણી તમામ ચિંતાઓ હોવાં છતાં સભ્ય સમાજમાં સારું જીવન જીવવાની તક તેની પાસેથી કેવી રીતે છીનવી શકીએ?

એ બાબતે જરા પણ શંકા નથી કે શમીમા બેગમે કાનૂની પ્રક્રિયાનો સામનો કરવો પડશે અને સિસ્ટમ અનુસારની તમામ પેનલ્ટીઓમાંથી પસાર થવાનું રહેશે. સામાન્ય બુદ્ધિ તો એમ જ કહે છે કે આવાં તત્વોને તંબુમાં જ રાખવાં જોઈએ.

પ્રસૂતિની પીડામાંથી પસાર થતી લેબર પાર્ટી

લેબર પાર્ટીની સ્થાપના ૧૧૯ વર્ષ અગાઉ થઈ ત્યારે તેની દાયણોમાં એક ભારતીય બેરિસ્ટર શ્યામજી કૃષ્ણ વર્માનો પણ સમાવેશ થયો હતો. તે સમયે તેમણે ૧૦૦૦ પાઉન્ડનું દાન કર્યું હતું. શ્યામજીએ ભારતની આઝાદી માટે અભિયાન ચલાવવા હાઈગેટ, લંડનમાં ઈન્ડિયા હાઉસની સ્થાપના પણ કરી હતી. જ્યારે એની બેસન્ટે ૧૯૧૨માં ઈન્ડિયા લીગની સ્થાપના કરી ત્યારે શ્યામજી અને લેબર પાર્ટીના કેટલાક અન્ય ધૂરંધરો ભારતની આઝાદીના સક્રિય સમર્થક બન્યા હતા. લેબર પ્રાઈમ મિનિસ્ટર ક્લેમેન્ટ એટલીના શાસનમાં જ ૧૯૪૭નો ઈન્ડિયન ઈન્ડિપેન્ડન્સ એક્ટ આવ્યો હતો. બ્રિટિશ ભારતીયો અને અન્ય એશિયન મતદારો લેબર પાર્ટી તરફ કુણું વલણ ધરાવતા હતા. અત્યાર સુધી ચૂંટણીઓમાં લેબર પાર્ટી આંખ મીંચીને કરાતી પસંદગી હતી. દુઃખ એ વાતનું છે કે આજે પાર્ટી પહેલા જેવી રહી નથી. લોકરંજક અને કટ્ટર ડાબેરી આર્થિક એજન્ડા તેમજ માની લીધેલા યહુદીવાદવિરોધે લેબર પાર્ટીના વધુ એક ભાગલાનું જોખમ સર્જ્યું છે. કેવું કમનસીબ અને કરૂણતા. આશરે ૩૦ વર્ષ અગાઉ, છૂટાં પડેલાં જૂથમાંથી સોશિયલ ડેમોક્રેટિક પાર્ટીનો જન્મ થયો હતો. તેમાંના મોટા ભાગના સભ્યો લેબર પાર્ટીમાં પરત આવ્યા પરંતુ, આજે તમે આર્થિક નીતિ, એન્ટિ સેમિટિઝમ તેમજ ખાસ કરીને સમાજવાદના અવાસ્તવિક પરિમાણોનાં કારણે આમ ચોક્કસ કહી ન શકીએ કે પાર્ટીમાં ઘા રુઝાવાની પ્રક્રિયા બરાબર ચાલશે. વૈકલ્પિક શાસક પક્ષ તરીકે તે ભવિષ્યમાં ચૂંટાઈ આવે તેવી શક્યતા જણાતી નથી. દુઃખ તોએ બાબતનું છે કે તેની નેતાગીરીને આવી કોઈ ચિંતા જ નથી.

આ હાફિઝ સઈદ કોણ છે?

ગત ગુરુવારે પુલવામામાં કાયરતાપૂર્ણ હુમલાના પગલે ઘાયલ અને રોષિત સમગ્ર ભારત વળતા પ્રહાર માટે થનગની રહ્યું છે. તમામ પશ્ચાદભૂ, ધર્મ, ભાષા સાથેના ભારતીયો પાકિસ્તાન દ્વારા પ્રેરિત અને સહાય મેળવતા કાવતરાખોરો સામે બદલો લેવા એકસંપ થયા છે. ભાજપવિરોધી પક્ષોના લોકો પણ પાકિસ્તાનને લશ્કરી અને યોગ્ય જવાબ આપવા જોરશોરથી માગણી કરી રહ્યા છે.

મોટી રાહત એ બાબતે છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ સંજોગોમાં દૃઢતાનું દર્શન કરાવ્યું છે. ભારતની રણનીતિ પાકિસ્તાની સંડોવણીનો ઘટસ્ફોટ કરવાનો, જ્યાં શક્ય હોય ત્યાં તેને અલાયદું પાડવા તેમજ એકસરખું વલણ ધરાવતા દેશો સાથે મળી લગભગ દેવાળિયા બની ગયેલા પાકિસ્તાન સામે આર્થિક પ્રતિબંધો લાદવા માટેની છે. પાકિસ્તાનના વડા પ્રધાન પોતાના વચનોથી વિપરીત ભીખનો વાટકો પકડી ઠેરઠેર ઘૂમી રહ્યા છે. સાઉદી અરેબિયા, એમિરેટ્સ અને ચીન કેટલીક હદે મદદ કરી રહ્યા છે પરંતુ, આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ, વિશ્વબેન્ક અને અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ મોં ફેરવી રહી છે.

લશ્કરી કાર્યવાહી તો આખરી પગલું છે. ભારત સરકાર તેના પડોશી સામે યુદ્ધમાં પ્રથમ અણુપ્રહાર નહિની નીતિને વળગી રહે તે જ યોગ્ય છે. ભારત માટે તેની સરહદોની સુરક્ષાની સાથોસાથ ઝડપી આર્થિક અને સામાજિક વિકાસની નીતિ આગળ ધપાવવી તે ગૌરવની વાત છે.

ભારતે આવા હુમલાઓ અને તેના સમર્થકોને સદા વખોડ્યા છે. ભારતને ઈસ્લામિક રાષ્ટ્રોના સંગઠનોના સભ્યો સહિત ૫૯ દેશનું સમર્થન પ્રાપ્ત છે, જેઓ મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા આતુર છે. સલામતી સમિતિના પાંચ સભ્યોમાં એક ચીન આ માટે સંમત નથી. કદાચ આવતી કાલના વિશ્વમાં જય સાઈ મોહમ્મદ તેમજ લશ્કરે તોઈબા જેવા સંગઠનો અને મસૂદ અઝહર જેવા આતંકવાદીઓની મદદથી મુસ્લિમો શિન્ચીઆન અને અન્ય વિસ્તારોમાં વધુ સક્રિય પ્રતિકાર કરશે, ત્યારે ચીન માટે પોતાના તોફાની માર્ગેથી પાછાં ફરવાનું દુષ્કર બની જશે.

૧૯૯૯ની ક્રિસમસ પૂર્વસંધ્યાએ કાઠમંડુથી દિલ્હી જતા ઈન્ડિયન એરલાઈનના વિમાનને ૧૭૬ પ્રવાસી સાથે હાઈજેક કરી લેવાયું હતું. પહેલા અમૃતસરમાં ઉતરાણ પછી તેને લાહોર અને તે પછી દુબઈ લઈ જવાયું હતું, જ્યાં ૨૬ પેસેન્જરને મુક્ત કરાયા હતા. આ પછી, તે સમયે તાલિબાનનાં અંકુશ હેઠળના અફઘાનિસ્તાનના કંદહાર એરપોર્ટ પર લઈ જવાયું હતું. અપહરણકારોની માગણી ભારતીય જેલોમાંથી ત્રણ ઉગ્રવાદી ઈસ્લામિસ્ટ નેતાઓને મુક્ત કરવાની હતી. આ નેતાઓમાં હાફિઝ સઈદ, મસૂદ અઝહર સાથે બ્રિટિશ પાકિસ્તાની મોહમ્મદ ઓમર સઈદ શેખ હતો, જેણે પાછળથી અમેરિકી પત્રકાર ડેનિયલ પર્લની હત્યા કરી હતી. આવા લોહીતરસ્યાં લોકો તલવાર સાથે જીવે છે અને તલવારથી જ મરે છે. આવાં રાક્ષસી તત્વોને આશ્રય આપનારા પાકિસ્તાનને એક કે બીજા કારણસર તેમનો ખાતમો બોલાવવાની ફરજ પડશે તેવી શક્યતા વધુ છે.

(એશિયન વોઈસના ૨૩ ફેબ્રુઆરીના અંકમાં પ્રકાશિત ‘As I See It’ કોલમનો ભાવાનુવાદ)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter