મહામારીના કપરા કાળમાં ઈદનો બીજો તહેવાર

રુચિ ઘનશ્યામ Wednesday 19th May 2021 05:59 EDT
 
 

ભારતમાં કોવિડ-૧૯ની જીવલેણ બીજી લહેરના મધ્યમાં ગત સપ્તાહે ઈદ-ઉલ-ફિત્રનો તહેવાર આવ્યો હતો. કોવિડ મહામારીમાં આ બીજી ઈદ હતી. જો સીધું ભાષાંતર કરવામાં આવે તો ઈદનો અર્થ ‘ઉપવાસ તોડવાનો તહેવાર’ થાય છે પરંતુ, પવિત્ર મુસ્લિમોનું કહેવું છે કે બહેતર ભાષાંતર ‘ઉપવાસ-રોજા ખોલવા’નું થાય છે. ઈદ-ઉલ-ફિત્ર પવિત્ર રમઝાન મહિનાના અંતનો દિવસ છે. આ મહિનામાં મોહમ્મદ પયગમ્બરે પવિત્ર કુરાનને પ્રથમ વખત પ્રગટ કર્યું હતું. મુસ્લિમો માટે પવિત્ર રમઝાન મહિનો રોજા અને નમાજનો મહિનો છે.

રમઝાન દરમિયાન ઉપવાસ-રોજા ખોલવા અથવા ‘ઈફતાર’નું મહત્ત્વ છે અને મિત્રોના નાના કે મોટા સમૂહ દ્વારા ઈફતાર ભોજનનું આયોજન કરવામાં આવે છે. ઈસ્લામાબાદમાં મારું પોસ્ટિંગ હતું ત્યારે મેં અને મારા પતિએ અમારા પ્રથમ ઈફતાર ભોજનનું આયોજન કર્યું હતું. અમે અમારાં ઈફતાર ભોજનમાં ઘણા મિત્રોને આમંત્રિત કર્યા હતા. પરંપરા અનુસાર અમે ખજૂર અને પાણીના ગ્લાસીસ તૈયાર રાખ્યા હતા અને તે પછી શરબત અને ભારતીય વાનગીઓની ઉજાણી હતી. પરંપરાગત રોજા ખોલવાની વિધિ પછી અમારા મિત્રોએ નમાજ પઢવાની ઈચ્છા દર્શાવી હતી. અમે તાબડતોબ શાંત ખંડમાં કાર્પેટ ઉપર શ્વેત ચાદર પાથરીને વ્યવસ્થા કરી આપી હતી. ખરેખર, તે સાંજ યાદગાર બની હતી.

બલિદાન અને સમર્પણના મહિના પછી ઈદ-ઉલ-ફિત્ર એવો સમય છે જ્યારે પરિવારો અને સ્નેહીજનો એકબીજાને મળે છે. ઈદનો તહેવાર ચંદ્રના કેલેન્ડર-પંચાંગ અનુસાર આવતો હોવાથી પાશ્ચાત્ય કેલેન્ડરની માફક હંમેશાં એક જ દિવસે આવતો નથી. પરંપરાગત રીતે સૂર્યાસ્ત પછી પ્રથમ વખત બીજનો અર્ધચંદ્ર (crescent moon) દેખાય તે રાત્રિથી ઈદના તહેવારનો આરંભ થાય છે. જો કોઈ કારણસર ચંદ્રનું દર્શન ન થાય તો પછીના દિવસે ઈદ ઉજવાય છે. આમ વિશ્વભરમાં અને ઘણી વખત એક જ દેશમાં અલગ અલગ તારીખે ઈદની ઉજવણી થાય છે.

ફરજિયાત સખાવત-દાનની પ્રવૃત્તિ તરીકે ઈદની નમાજ પઢતાં પહેલા ગરીબગુરબાં અને જરુરિયાતમંદોને (ઝકાત-ઉલ-ફિત્ર) નાણા આપવામાં આવે છે. ઘણી વખત ઝકાત આગોતરી આપી દેવાય છે. આથી, ઝકાત મેળવનારા ગરીબો પણ તહેવાર મનાવી શકે. ઈદના દિવસે મુસ્લિમો પરંપરાગત રીતે સામૂહિક નમાજ અદા કરે છે અને સગાંસંબંધી, મિત્રો અને પરિચિતોની મુલાકાત લે છે અથવા ઘર, કોમ્યુનિટી સેન્ટર્સ અથવા ભાડે રખાયેલા હોલ્સમાં વિશાળ સામુદાયિક ઉજવણીઓ યોજવામાં આવે છે. વિશ્વના ઘણા વિસ્તારોમાં ઈદની ઉજવણી રસપ્રદ હોય છે. ઉદાહરણ તરીકે, અફઘાનિસ્તાનમાં કેટલાક લોકો પેઈન્ટ કરાયેલા, સખત બાફેલા ઈંડાથી લડવાની પરંપરા ધરાવે છે, પોતાનું ઈંડુ તૂટે નહિ તે રીતે સામાવાળાના ઈંડાને તોડવાનો પ્રયાસ કરાય છે.

પ્રત્યેક ઈદની ઉજવણીમાં દરેકના માટે અઢળક મીઠાઈ મળતી હોય છે. વિશ્વના વિવિધ વિસ્તારોમાં અનેકવિધ મીઠાઈ રંધાય છે અને વપરાય છે. ભારતમાં પાતળી સેવ અથવા સેવૈયાં ઈદની ઉજવણીનું પ્રતીક બની રહે છે. સેવૈયાં કે સેવાઈન દૂધ અને ખાંડમાં સ્વાદિષ્ટપણે રંધાય છે અથવા ઘી (clarified butter)માં સાંતળવામાં આવે છે. આવી સૂકી સેવૈયાં વિશિષ્ટ મીઠાઈ છે જે મને અતિ પ્રિય છે.

આ વર્ષે, ભારતમાં કોવિડની વિનાશક બીજી લહેરથી સર્જાયેલી અભૂતપૂર્વ યાતના-પીડાના સમયગાળામાં ઈદ આવેલ છે. આપણે આ તહેવારમાં મુસ્લિમ બિરાદરો-મિત્રોને ખુશી અને સારા આરોગ્યની શુભેચ્છા પાઠવીએ છીએ. દેખીતી રીતે જ તેઓ પણ ખરેખર ઉજવણીના મિજાજમાં નથી. આપણી આસપાસ જે થઈ રહ્યું છે, મહામારીમાં અનેક કિંમતી જીવનનો ભોગ લેવાયો છે તેનાથી ઈદનો આનંદ ઝૂટવાઈ ગયો છે.

ભારતમાં કોરોના વાઈરસના કેસીસની દૈનિક સંખ્યા વિક્રમીરુપે ઊંચે જઈ રહી છે ત્યારે દેશના ઘણા વિસ્તારોમાં મુસ્લિમોએ પેશન્ટ્સને મદદરુપ થવા મસ્જિદો અને મદરેસાઓ (ઈસ્લામિક સ્કૂલ્સ)ને કોવિડ-૧૯ સંભાળ સવલતોમાં ફેરવી નાખ્યા છે. ઓક્સિજન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની અછતો વચ્ચે ઘણા મુસ્લિમ સંગઠનો-સંસ્થાઓ સંક્રમણ સામે સંઘર્ષરત લોકોની મદદ કરવા આગળ આવી છે.

ભારતના વિવિધ વિસ્તારોમાંથી અહેવાલો મળી રહ્યા છે. ગુજરાતમાં વડોદરા શહેરમાં દારુલ ઉલૂમ અથવા ઈસ્લામિક સેમિનારી ચલાવી રહેલા વહીવટદારોએ તેમના કેમ્પસમાં જ ઓક્સિજનની વ્યવસ્થા સાથેની પથારીઓ અને આઈસોલેશન વોર્ડ્સ ધરાવતી કોવિડ સંભાળ સવલતો સ્થાપી છે. વડોદરામાં એક મસ્જિદના હિસ્સાને કોવિડ ફેસિલિટીમાં ફેરવી દેવાયો છે જેના માટે ડોક્ટરોની ભરતી પણ કરાઈ છે. આ સેન્ટર ઓક્સિજનથી સજ્જ છે. નવી દિલ્હીમાં પેશન્ટ્સ માટે આઈસોલેશન સેન્ટર્સ સ્થાપવામાં આવ્યા છે. ૩૦ વ્યક્તિ કામ કરે છે તેવા કન્ટ્રોલ રુમ સાથે રીલિફ ટાસ્ક ફોર્સ પણ દિલ્હીમાં પેશન્ટ્સની સહાય કરવા ચોવીસે કલાક કાર્યરત છે. ઘણી વ્યક્તિઓની કામગીરી પણ પ્રશંસાને પાત્ર રહી છે. મહારાષ્ટ્રમાં એક રહેવાસીની સોશિયલ મીડિયામાં ભારે પ્રશંસા થઈ રહી છે જેમનું ફાઉન્ડેશન કોવિડ પોઝિટિવ પેશન્ટ્સને મદદ આપવામાં અગ્રેસર રહ્યું છે. એક ટ્રાન્સપોર્ટ કંપનીના માલિક નાગપુરથી ભારતના વિવિધ વિસ્તારોમાં ઓક્સિજનનું પરિવહન કરવા પોતાના સંસાધનોનો ઉપયોગ કરી રહ્યા છે.

આ કપરો સમય આપણી પરીક્ષા લઈ રહ્યો છે પરંતુ, આપણે માનવો આ આપદાનો સામનો કરવા એકસંપ થઈ રહ્યા છીએ.

(રુચિ ઘનશ્યામ ભારતના યુકેસ્થિત પૂર્વ હાઈ કમિશનર છે. ભારતીય વિદેશ સેવામાં ૩૮ કરતાં વધુ વર્ષની કારકિર્દી ધરાવવા સાથે તેમણે યુકેમાં આવતા પહેલા સાઉથ આફ્રિકા, ઘાના સહિત અનેક દેશોમાં કામગીરી બજાવી હતી. ભારતની આઝાદી પછી યુકેમાં હાઈ કમિશનરનું પોસ્ટિંગ મેળવનારા તેઓ માત્ર બીજા મહિલા હતાં. તેમનાં કાર્યકાળ દરમિયાન તેઓ યુકે-ભારતના સંબંધોમાં નોંધપાત્ર વિકાસ અને ઘટનાઓનાં સાક્ષી રહ્યાં છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter