મહિલા નવાબો અને હિંદુ દીવાનોની ભોપાલ પરંપરા

Tuesday 14th March 2017 06:09 EDT
 
 

મારે તેની તલવારના યુગમાં રાજા-રજવાડાઓમાં બોલબાલા માત્ર એવી જ વ્યક્તિની રહે છે કે જે યુદ્ધકળામાં પારંગત હોય. અફઘાન લડવૈયા દોસ્ત મોહમ્મદ ખાંનું પણ એવું જ થયું. એણે તલવાર સાથે ઘોડો ભારત ભણી પલાણવાનું નક્કી કર્યું. સંજોગો માણસને હિજરતી બનાવે છે અને ક્યારેક નસીબ આડેથી પાંદડું ખસી જાય એવા સંજોગોને વ્યક્તિની સામે ધરી દે છે. દોસ્ત મોહમ્મદ ખાંનું પણ એવું જ થયું. કોઈની હત્યા કરીને એણે વતન છોડવું પડ્યું, એ ભારત ભણી નોકરીની શોધમાં નીકળી પડ્યો. મધ્ય ભારતનાં કેટલાંક રજવાડામાં નોકરી કરી. એની સમશેર એને રાજવીઓના લશ્કરમાં પ્રવેશ અપાવતી રહી. માથાં વઢાતાં રહ્યાં. છેલ્લે અત્યારના મધ્ય પ્રદેશના હિસ્સા જેવી પ્રદેશની ગોંડ રાણી કમલાપતિના પતિના હત્યારાઓને નેસ્તનાબૂદ કરવાનો પડકાર રાણીએ મુઘલસેવા દરમિયાન એની સામે ફેંક્યો. દોસ્ત મોહમ્મદે ઝીલ્યો. રાણીના પતિના હત્યારાઓને મોતને ઘાટ ઉતારીને એનું રાજ્ય પાછું અપાવ્યું. રીઝેલી રાણીએ એને બદલામાં નાણાં અને જમીન તો આપ્યાં જ, પણ રાણી અને એનો કુંવર મૃત્યુ પામ્યાં ત્યારે આખું રાજ દોસ્ત મોહમ્મદને મળ્યું. એમાં ઉમેરણ કરતાં કરતાં ભોપાલની રિયાસત એણે સ્થાપી. એ સમયગાળો હશે ૧૭૨૪નો.

દોસ્ત મોહમ્મદ અગાઉ પરિણીત હતો પણ ભારતમાં રાજપૂતોને હરાવતાં હરાવતાં એણે ફતેહબીબી સાથે નિકાહ કર્યાં અને એ પણ મંગળગઢના રાજપૂત ખાનદાનની કન્યા હતી! એના વંશજોએ મુઘલો પછી અંગ્રેજ આવ્યા ત્યારે એમની સાથે એવો ઘરોબો કેળવ્યો કે છેક ૧૯૪૭માં અંગ્રેજોએ વિદાય લીધી ત્યાં લગી એ ભોપાલના મુસ્લિમ શાસકો અંગ્રેજોના અત્યંત વિશ્વસનીય સાથી બની રહ્યા.

નવાબ ગોહર બેગમ કુદસિયાનો સંકલ્પ

ભોપાલની બીજી વિશેષતા હતી એની મહિલા શાસકોની. દોસ્ત મોહમ્મદે મુઘલોની પડતીની સાથે જ પોતાને સ્વતંત્ર જાહેર કર્યા પછી ભોપાલ રાજ્યનો વિસ્તાર કર્યો. મૂળ ભોપાલ શહેરની સ્થાપના તો ધારમાં રાજધાની ધરાવતા રાજા ભોજે અગિયારમી સદીમાં ભોજપાલ તરીકે કરી હતી. સમયાંતરે અફઘાન વંશના શાસકોમાં ઈ.સ. ૧૮૧૯માં ભોપાલની ગાદીએ ગોહર બેગમ કુદસિયા આવી. એના પતિની હત્યા થઈ હતી. બેગમ હતી તો અભણ પણ ખૂબ હોંશિયાર અને બહાદુર હતી. એણે ઘોષણા કરી હતી કે મારી ગાદીએ મારા પછી મારી બે વર્ષની શાહજાદી સિકંદર આવશે. એના પરિવાર કે દરબારના કોઈ પુરુષની હિંમત નહોતી કે ગોહર બેગમની વાતને ઉથાપી શકે. એના પછી એની શાહજાદી નવાબ સિકંદર જહાં બેગમ ગાદીએ આવી. એ પછી નવાબ શાહજહાં બેગમ અને નવાબ સુલતાન જહાં બેગમ.

લગભગ સો વર્ષ કરતાં પણ વધુ સમય માટે ભોપાલના શાસક તરીકે મહિલાઓ રહી. છેલ્લે સુલ્તાનજહાંએ પોતાની ગાદીના વારસ તરીકે ૧૯૨૬માં શાહજાદા હમીદુલ્લા ખાંને ગાદી સોંપી. નવાબ હમીદુલ્લાખાંએ પણ પોતાની સૌથી મોટી નવાબજાદી આબિદા સુલતાનને ગાદીની વારસ જાહેર કરી હતી, પણ એ ૧૯૫૦માં પાકિસ્તાન ચાલી જતાં ગાદી પરનો હક્ક એણે જતો કરવો પડ્યો અને એમનાં નાનાં બહેન નવાબજાદી સાજીદા નવાબ બન્યાં. ભારત સરકારે પણ એમના દાવાને માન્ય રાખ્યો.

ભારત અને પાકિસ્તાનમાં નવાબ પરિવારો

ભોપાલ રાજ્યમાં આ દૃષ્ટિએ ખરા અર્થમાં મહિલા સશક્તિકરણ જોવા મળ્યું હતું. નવાબ હમીદુલ્લાની બંને નવાબજાદીઓના પરિવારનો ભારત અને પાકિસ્તાનમાં ઈતિહાસ પણ રોચક રહ્યો છે. પાકિસ્તાન ગયેલાં નવાબજાદી આબિદા સુલતાન પાકિસ્તાન વિદેશ સેવામાં જોડાયાં. એમના શાહજાદા શહરયાર ખાન પણ પાકિસ્તાન વિદેશ સેવામાં રહ્યા. તેઓ પાકિસ્તાનના વિદેશપ્રધાન પણ બન્યા અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ પણ રહ્યા છે.

ભારતમાં નવાબજાદી આબિદા લગ્નસંબંધે અત્યારના હરિયાણામાં આવતા પટૌડી રાજ્યના નવાબ ઈફ્તેખાર અલી પટૌડી સાથે જોડાયાં હતાં. એમના નવાબજાદા એટલે નવાબ મન્સૂર અલી ખાં પટૌડી. દુનિયામાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે એમનું નામ ખૂબ જાણીતું છે. એમના લગ્ન ફિલ્મ અભિનેત્રી શર્મિલા ટાગોર (આયેશા સુલ્તાન બેગમ) સાથે થયાં હતાં. નવાબ આબિદા પછી ભોપાલની ગાદીએ ‘નવાબ’ મન્સૂર અલી આવ્યા. અત્યારે એમના અભિનેતા-નવાબજાદા સૈફ અલી ખાનને ભોપાલના ‘નવાબ’ની પગડી પહેરાવવામાં આવી છે.

ભોપાલ રિયાસતની હજારો કરોડની સંપત્તિના વિવાદ અદાલતોમાં ચાલે છે. જોકે, પટૌડીના નવાબની અત્યારે હૈદ્રાબાદસ્થિત નવાબજાદી સાહિબા સુલતાને ભોપાલનો વારસો એકલા એના ભાઈ મન્સૂર અલીને મળે એ સામે વાંધો લીધો છે. પાંચેક હજાર કરોડ રૂપિયાનો આ મામલો છે.

ભોપાલની ગંગા-જમુની તહજીબ

ભારતમાં ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણી દરમિયાન ગંગા-જમુની તહજીબ જેવો શબ્દપ્રયોગ ખૂબ કાને પડ્યો. હિંદુ-મુસ્લિમ સંસ્કૃતિને આત્મસાત્ કરનાર ભારતમાં ક્યારેક અકબર બાદશાહ જેવા બધા ધર્મોનો આદર કરનાર શાસકો પણ જોવા મળ્યા છે તો ક્યારેક ઔરંગઝેબ જેવા કટ્ટરવાદી શાસકો પણ. આમ છતાં ભારતીય સંસ્કૃતિ સર્વધર્મ સમભાવની સંસ્કૃતિ રહી છે. ભોપાલ રિયાસત પણ એનું સૌથી મોટું ઉદાહરણ ગણાય છે. અહીં ૧૮૧૯થી ૧૮૩૭ દરમિયાન શાસન કરનાર નવાબ ગોહર બેગમ કુદસિયા હોળી-ધૂળેટીના તહેવાર ટાણે સોનાની પિચકારીથી જાફરાની રંગોની છોળો ઊડાડીને દરબારીઓ સાથે હોળી ખેલતી હતી. ભાઈબીજનો તહેવાર પણ મનાવતી હતી. અહીંના નવાબ બેગમ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીનાં પ્રથમ ચાન્સેલર હતાં. ભોપાલની મહિલા નવાબોએ પરદાપ્રથાને તિલાંજલિ આપી હતી.

હિંદુ અધિકારીઓની નવાબીમાં બોલબાલા

ભોપાલ રિયાસત મુસ્લિમ શાસકોની રહ્યા છતાં એના મોટા ભાગના દીવાન અને ટોચના અધિકારી હિંદુ રહ્યા હોવાનું જણાવતાં ‘ભોપાલ રિયાસત’ ગ્રંથમાં એના રોચક ઈતિહાસને રજૂ કરનાર ભોપાલનિવાસી ઈતિહાસકાર ડો. મોહમ્મદ હનીફ ખાંએ તો અમને છેક ૨૭ ઓક્ટોબર ૨૦૦૭ના પત્ર દ્વારા દસ હિંદુ દીવાનોની યાદી પાઠવી હતી. તેમનાં નામ કાંઈક આવાં છેઃ વિજય રામ, રાજા કિશોરી લાલ, ઘાસી રામ, કેસરી સિંહ, હિંમત રામ, ગુલશન રાય, ખુશવંત રાય, ઠાકુર પ્રસાદ, અવધ નારાયણ અને ચતુર નારાયણ. સાથે જ ટોચના હિંદુ અધિકારીઓની પણ લાંબી સૂચિ છે. ગુજરાતનું જૂનાગઢ રાજ્ય નવાબી હતું, પણ એના મોટા ભાગના દીવાન હિંદુ હતા એવું જ કાંઈક ભોપાલનું જોવા મળે છે.

મહારાજાઓને પાકિસ્તાન સાથે જોડવાના ઉધામા

જોકે, જૂનાગઢના નવાબ મહાબત ખાન ત્રીજાએ પોતાના દીવાન ભુટ્ટોના ઈશારે રિયાસતને પાકિસ્તાન સાથે જોડવાની ગુસ્તાખી કરી અને ભારતના ચાણક્ય સરદાર પટેલની વ્યૂહ રચનાના પ્રતાપે એમનો દાવ નિષ્ફળ રહેતાં નવાબ તો પાકિસ્તાનમાં જ પસ્તાતા રહ્યા. એમની જેમ જ પાકિસ્તાનના જનક ઝીણાના અંતરંગ મિત્ર ભોપાલના નવાબ હમીદુલ્લા ખાને તો ‘ભોપાલ યોજના’ મારફત ભોપાલ, ઈન્દોર, વડોદરા, જોધપુર, જેસલમેર સહિતનાં રજવાડાંને પાકિસ્તાન સાથે જોડવા ખૂબ ઉધામા માર્યા. એમાં એમને હિંદુ મહારાજાઓનો સહકાર પણ મળ્યો, પણ રાણા પ્રતાપના વંશજ ઉદયપુરના મહારાણા ભુપાલસિંહે ભોપાલ યોજના પર પાણી ફેરવી દેવાનું પ્રસંશનીય કામ કર્યું.

(વધુ વિગતો માટે વાંચો Asian Voice અંક 18th march 2017 વેબલિંકઃ http://bit.ly/2nAymK7 )


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter