મહેમદાવાદઃ અય મેરે પ્યારે વતન, અય મેરે બિછડે ચમન, તુજપે દીલ કુરબાન

મારું વતન

કિરીટકુમાર પટેલ, વેમ્બલી Saturday 22nd July 2023 07:08 EDT
 
 

કોને પોતાનું વતન યાદ ના આવે? જીવનની છેલ્લી ક્ષણો સુધી વતન ભૂલાતું નથી. આજે પણ ભારત બહાર વસતા લાખો વડીલો જે અશક્ત નિઃસહાય છે તેઓ વતન જવા ઇચ્છે છે, પરંતુ એક યા બીજા કારણસર જઈ શકતા નથી. ખેડા જિલ્લાનું, વાત્રક નદીના કિનારે મહંમદ બેગડાએ વસાવેલું મહેમદાવાદ ઐતિહાસિક શહેર મારું પ્યારું વતન છે. અહમદશાહના પૌત્રે મહંમદ બેગડાએ વસાવેલું આ ઐતિહાસિક શહેર નડિયાદ, ખાત્રજ, વિરોહલ તથા નદી દરવાજાની અંદર વસેલુ સુંદર મજાનું શહેર છે.

તાલુકા મથક હોવાથી આજુબાજુના ગામડાઓથી હંમેશાં બજાર ભરેલું હોય છે. બાળપણની કેટલી બધી યાદો આ ગામ સાથે જોડાયેલી છે. તે બધા મિત્રો જેમની સાથે માટીમાં રમ્યો, મોટો થયો, ગિલ્લી દંડા, વરસાદી માટીમાં સાઈકલું પૈડું અને સંતાકુકડી જેવી કેટલી બધી રમતો રમતા હતા. ભળઉનાળે ખરે બપોરે વેકેશનમાં આંબાવાડીમાંથી કેરીઓ તોડીને નાસી જવાની મજા જ કંઇક અલગ હતી. ખરેખર તે દિવસો ક્યારેય પાછા ના આવે. મહેમદાવાદના જોવાલાયક સ્થળોની વાત કરું તો, ભમરિયો કૂવો સાત માળનો અને તેનો બીજો છેડો અમદાવાદના ભદ્ર કિલ્લામાં નીકળે તે. આ ઉપરાંત ભૂલભૂલામણીવાળી રોજા ઇમારત, ચાંદા-સૂરજના મહેલ, ખાત્રજનો મેળો અને પૂ. રવિશંકર મહારાજનું સરસવણી ગામ આજુબાજુ જ છે.
મહંમદશાહ બેગડાના જન્મ પછી તેના પિતા લડાઈમાં મરણ પામતાં તેની માતાએ ટીપું ટીપું ઝેર આપીને તેનો મોટો કર્યો હતો. જુવાન થતાં તે પાણીને બદલે ઝેર પીતો હતો. તેના માટે કહેવાય છે કે માખી પણ તેના શરીર પર બેસે તો મરી જતી કારણ કે પહેલાના જમાનામાં દુશ્મનો વિષકન્યા મોકલીને રાજાઓને મારી નંખાવતા હતા. તેને દુશ્મનોના ઝેર સામે રક્ષણ મળી રહે તે માટે આ રીતે ઉછેર કરાયો હતો.
આજે પણ હું જ્યારે ભારત જઉં છું ત્યારે અચૂક મહેમદાવાદ જાઉં છું અને ચાર દરવાજા બજાર તથા સ્ટેશન વિસ્તાર વગેરેમાં ભ્રમણ કરીને બાળપણમાં ગુજરેલા દિવસો અને ગુજરી ગયેલા મિત્રો - વડીલોને યાદ કરીને અફસોસ કરું છું. જાને કહાં ગયે વો દિન?
અંતે ફરી એક વખત વતન મહેમદાવાદને મારા શત – શત પ્રણામ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter