માનવતાના મિશનરીઃ ભાનુબહેન પટેલ

દેશવિદેશે ગુજરાત

પ્રા. ચંદ્રકાન્ત પટેલ Saturday 18th January 2020 06:41 EST
 
 

આફ્રિકામાં ખ્રિસ્તી મિશનરીઓએ અંધારા ખંડમાં પણ આધુનિક જગતનો પ્રકાશ સેવા મારફતે પાથર્યો પણ સેવાનો ગેરલાભ ગોરી પ્રજાએ શાસન અને શોષણ કરીને ઉઠાવ્યો. આ મિશનરીઓથીય પહેલાં કેટલાય ગુજરાતી એકલવીરોએ શ્યામવર્ણીઓની સેવા નિઃસ્વાર્થભાવે કરી હતી. મિશનરીઓને આવા ગુજરાતીઓએ સંપર્કો, રોટલો અને રક્ષણ આપવામાં ભાગ ભજવ્યાની ઘણી કથાઓ છે. આ બધી વાતો ૧૯મી સદીના આરંભની છે. આજે એકવીસમી સદી ચાલે છે.

વીસમી સદીમાં પૂર્વ આફ્રિકા અને દક્ષિણ આફ્રિકામાં ધંધા રોજગાર માટે ગયેલા ગુજરાતીઓમાંથી કેટલાંય ગુજરાતી સ્ત્રીપુરુષોએ તે પ્રદેશમાં વસતા ભારતીય મુખ્યત્વે ગુજરાતી અને શ્યામવર્ણીની સેવા કરી. કંપાલામાં આવી સેવા કરનાર ભાનુબહેન પટેલ હતાં.
ભાનુબહેને ત્રણ દશકા સુધી જનસેવાની ધૂણી ધખતી રાખી હતી. સેવા લેનાર લઘુતાગ્રંથિ ના અનુભવે, સેવાના ભારથી દબાઈ ના જાય તે માટે સજાગ રહેતાં. પોતે સેવા આપતાં અને અપાવતાં. કંપાલાની અપંગ શાળામાં દર અઠવાડિયે એક કે વધુ વાર જઈને શિક્ષકને મળીને કોને શાની જરૂર છે તે જાણીને તે માટે દાતા શોધતાં. કપડાં, બૂટ, પુસ્તક, લખવાના સાધનો, દફ્તર વગેરેની જોગવાઈ કરતાં. કોઈને ત્યાં ખાવાનું ના હોય તો પોતાને ત્યાંથી કે પાટીદાર સમાજના આગેવાનો સાથેના પોતાના સંબંધોથી મેળવીને આપતાં.
ભાનુબહેનના સ્વભાવમાં સેવા વણાઈ ગયેલી. આથી પોતે ભારત જાય ત્યારે પોતાને ત્યાંથી અને સંબંધીઓ પાસેથી સારાં પણ વપરાયેલાં કપડાં લઈ જતાં અને જરૂરતમંદોમાં વહેંચતાં. ૨૦૦૯માં યુગાન્ડામાં પડેલા દુષ્કાળ વખતે ખોરાક, કપડાં, દવાઓ અને ઉપયોગી ચીજો ભેગી કરીને તેમણે ઠેર ઠેર વિતરણ કર્યું હતું. તેઓ માનવી માત્રને એક ઈશ્વરનાં સંતાન માનીને સેવા કરતાં.
૧૯૧૯માં નરસંડા છોડીને શિક્ષક તરીકે પુરુષોત્તમદાસ નૈરોબી આવ્યા. તેમના પુત્ર રાવજીભાઈ તે ભાનુબહેનના પિતા. ભાનુબહેનનું લગ્ન સિવિલ એન્જિનિયર થયેલા રમણભાઈ સાથે ૧૯૫૨માં થયું. લગ્ન પછી ભાનુબહેન નૈરોબી આવ્યાં. ૧૯૫૩માં રમણભાઈ નોકરી અંગે કંપાલા આવતાં ભાનુબહેન કંપાલા વસ્યાં. રમણભાઈ નોકરીની સાથે સાથે અભ્યાસ કરીને સ્ટ્રક્ચરલ એન્જિનિયર બન્યાં. ૧૯૭૨માં ઈદી અમીને હિંદીઓની હકાલપટ્ટી કરી ત્યારે રમણભાઈના જ્ઞાનની ઉપયોગિતા જોતાં તેમને યુગાન્ડા રહેવાની છૂટ આપી. પત્ની ભાનુબહેનને આ છૂટ ના મળતાં તે નાછૂટકે દેશ છોડીને સંતાનો સાથે વડોદરા જઈને વસ્યાં. ૧૯૭૯માં તેઓ નૈરોબી આવીને રહ્યાં. અહીં તેમણે દીનબંધુ ટ્રસ્ટમાં કામ કર્યું. જેમને કેન્યાનું નાગરિકત્વ ન હતું અને બ્રિટનના વિસા પણ ન હતા તેઓને મદદરૂપ થવા દીનબંધુ ટ્રસ્ટ દુકાનદારો પાસેથી ખાદ્યસામગ્રી ખરીદીને વિતરણ કરતું. ભાનુબહેને આ કામગીરી સંભાળી લીધી. ૧૯૮૫માં ભાનુબહેન ફરીથી યુગાન્ડા આવીને પતિ સાથે રહ્યાં.
ભાનુબહેન અને રમણભાઈ સંતોષી જીવ. સાદગીથી જીવે અને સંપત્તિને બદલે સેવાની મૂડી ભેગી કરે. ભાનુબહેન ઈન્ડિયન વિમેન એસોસિએશનમાં સક્રિય રહ્યાં. હોદ્દાની પડાપડી વિના ઉત્સવોની ઊજવણી કરે. કાર્યક્રમો યોજે. આથી તેમની સેવાથી ઈન્ડિયન એસોસિએશને તેમના ટ્રસ્ટી બનાવ્યાં. આવી જ રીતે એમની સક્રિય સેવાનું બીજું ક્ષેત્ર તે પાટીદાર સમાજ. એમાં પણ તે ટ્રસ્ટી હતાં.
પાટીદાર સમાજે શરૂ કરેલા શિશુકુંજમાં બાળકોને ગુજરાતી બોલતાં, વાંચતાં, અને લખતાં શીખવવાનું કામ તેમણે વર્ષો સુધી કર્યું. અહીં તેઓએ સંસ્કાર સંવર્ધન અને પ્રદાનનું કામ કર્યું. જેમાં તેઓ બાળકોને હિંદુ તહેવારોને લગતી કથા સંભળાવે. તહેવારોનો મહિમા સમજાવે. તહેવારોની ઊજવણી કરે. જમતી વખતે બગાડ ના થાય. જમતી વખતે ટેબલ પર કે નીચે ખોરાક ના વેરાય. ખોરાકને પગ નીચે ના કચડાય વગેરે જેવી બાબતો અંગે શીખવ્યું. ૧૯૯૩થી ૨૦૦૪ સુધી આ કામ કર્યું.
કંપાલામાંનાં ગુજરાતી પરિવારો સાથે એમનો જીવંત સંપર્ક હતો. સાજે-માંદે તે મદદ કરવા પહોંચી જાય. આમાં કોઈના કહેવાની રાહ ના જુએ. માનવતાના મિશનરી શાં ભાનુબહેન ત્રણેક વર્ષ પર કાયમ માટે પોઢી ગયાં પણ કંપાલાવાસી ગુજરાતીઓમાં એમની સ્મૃતિ જીવંત છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter