પ્રિન્સ ફિલીપ, ડ્યૂક ઓફ એડિનબરાના નિધનના દુઃખદ સમાચાર ગુજરાત સમાચાર અને એશિયન વોઈસમાં વાંચ્યા તેમજ કેનેડામાં ટીવી પર પણ જોયા. અમારા પરિવાર અને મિત્રો તરફથી પ્રિન્સ ફિલિપને શ્રદ્ધાંજલિ. પ્રભુ તેમના આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના. તેમના ફ્યુનરલનું ટીવી પર લાઈવ પ્રસારણ જોતાં મને કેન્યાના સ્વાતંત્ર્યદિવસની ઉજવણીનો પ્રસંગ યાદ આવી ગયો. ૧૨ ડિસેમ્બર ૧૯૬૩ના રોજ નાઈરોબીમાં વિશાળ સ્ટેડિયમમાં યોજાયેલા કાર્યક્રમને રૂબરૂ જોવાનું મને સદભાગ્ય સાંપડ્યું હતું, મારી પાસે બ્રિટિશ પાસપોર્ટ હોવાથી ગ્રેજ્યુએશન પૂરુ કર્યા પછી ટાન્ઝાનિયા ગયો હતો. ઓક્ટોબર, ૧૯૬૩માં હું થોડા વીક માટે નાઈરોબી ગયો હતો. ત્યારે કેન્યાના સ્વાતંત્ર્યદિવસની ઉજવણીનો પ્રસંગ જોવા સ્ટેડિયમ ગયો હતો. ખૂબ ભવ્ય અને મને જીવનભર યાદ રહી જાય તેવો સુંદર કાર્યક્રમ હતો.
મધ્યરાત્રિએ તમામ લાઈટો ડીમ કરી દેવાઈ હતી અને યુનિયન જેકને નીચે લાવીને કેન્યાના રાષ્ટ્રધ્વજને ઉપર લઈ જવાયો હતો અને દર્શકોએ આનંદની ચીચીયારી સાથે ઘણાં સમયથી જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી અને જે મેળવવા માટે ભારે સંઘર્ષ કર્યો હતો તેવી આઝાદીનું હર્ષભેર સ્વાગત કર્યું હતું. આઝાદીની લડાઈમાં ઘણાં લોકોએ જેલવાસ ભોગવ્યો હતો, ઘણાં લોકો પર અત્યાચાર થયો હતો, ઘણાં લોકોએ તેમના જીવ ગુમાવ્યા હતા. આ પ્રસંગે ભવ્ય આતશબાજી થઈ હતી, પ્રથમ વખત આવી આતશબાજી જોઈને હું અવાક થઈ ગયો હતો.
પ્રિન્સ ફિલીપ, ડ્યૂક ઓફ એડિનબરાએ વિશેષ મોટરકાફલા સાથે સ્ટેડિયમનું ચક્કર લગાવ્યું હતું અને તેમને તથા કેન્યાના ફર્સ્ટ પ્રિમિયર જોમો કેન્યાટા અને ભારતનું પ્રતિનિધિત્વ કરતા સ્વ. ઈન્દિરા ગાંધી સહિત દુનિયાના ઘણાં મહાનુભાવોને ખૂબ નજીકથી જોવાનું અમને સદભાગ્ય મળ્યું હતું.
મારે વધુ અભ્યાસ કરવાનો હોવાથી હું પૂર્વ આફ્રિકામાં માત્ર એક વર્ષ રહીને ભારત પાછો ફર્યો હતો. પરંતુ, આઝાદીનો વાસ્તવિક અર્થ મારા મન અને હૃદયમાં અંકિત થઈ ગયો હતો.