મારે કંઈક કહેવું છે - કોંગ્રેસ અને વંશવાદ

- ડો. નગીનભાઈ પી પટેલ લંડન Tuesday 21st December 2021 12:45 EST
 

વર્ષ ૧૮૮૫માં આપણા દેશની સ્વતંત્રતાના પ્રથમ બીજ રોપાયાઅને કોંગ્રેસ પાર્ટીની સ્થાપના થઈ. આખરે વર્ષો દરમિયાન અનેક ચડાવઉતાર બાદ પણ આ પાર્ટીએ આપણા દેશને આઝાદી બક્ષી. પ્રજાના અપૂર્વ આનંદ અને ઉત્સાહ પછી થોડાક બ્રિટિશ રંગે રંગાયેલા જવાહરલાલ નહેરુજી દેશના વડા પ્રધાન બન્યા. એમની પેઢીના જ બીજા બે વંશજોએ પણ એ જ સત્તા હસ્તગત કરી. આ કુટુંબનો ખાનગી ઈતિહાસ જોઈએ તો જુદા જુદા ધર્મો અને જીન્સના મિશ્રણનો અહેસાસ થાય.
આજકાલ વિજ્ઞાને ક્રોસ બ્રિડિંગનો ઉંડો અભ્યાસ કર્યા બાદ તારણ કાઢ્યું છે કે તેવા માણસોની આવનારી પેઢીમાં વધારે તેજસ્વી પ્રજા પેદા થવાની સંભાવના ઉદભવે છે. આવા બધા વિચારોના અંતે આપણા વડા પ્રધાન અને ભાજપના કેટલાંક સભ્યોએ સ્વ. જવાહલાલ નહેરુના વંશવાદ અને કોંગ્રેસને વખોડી કાઢીને એના ઉચ્ચ અધિકારીઓ વિરુદ્ધ અનેક વખત બૂમરાણ મચાવતા સંભળાય છે. દેશના લાડીલા વડા પ્રધાન અને એમની પાર્ટી માટે આવી અપમાનજનક ટીકાઓ શરમજનક ગણાવી શકાય.
માનવ સ્વભાવ અને વૃત્તિઓનો ઉંડો અભ્યાસ કરીએ તો જણાય છે કે માનવ માત્ર પોતાની આગામી પેઢીની પ્રજાને એના પોતાના વ્યવસાયવેપાર અને વાણિજ્ય કે સત્તા જેવી પરિસ્થિતિમાં પ્રવેશે એના માટે પ્રયત્નો કરતા જ હોય છે. નવી પેઢી પણ એના સ્વજનોની જેમ પોતે પણ એમ કરવાની તમન્ના ધરાવતા હોય છે.
ખરેખર તો જ્ઞાતિ જાતિ ધર્મ કે વંશીય ઈતિહાસ કરતાં વ્યક્તિ પોતે કેટલી તેજસ્વી, બુદ્ધિમાન, હોંશિયાર અને વિચક્ષણ હોય અને દેશદાઝ ધરાવતી હોઈને દેશની ઉન્નતિ અને પ્રજાની સુખાકારીને ઉચ્ચ કક્ષાએ લઈ જઈ શકે એવી વ્યક્તિને સૌથી વધુ અગત્યતા આપવી એ જ યોગ્ય ગણાય.
કોંગ્રેસ પાર્ટીની આજની યુવા પેઢીમાં સત્તા ધરાવતા વડાઓ માટે ભવિષ્યમાં એકાદ વ્યક્તિ ભવિષ્યમાં દેશના વડા પ્રધાન બની શકે તેવી સંભાવનાને નકારી શકાય નહીં.    


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter